એક એવું મંદિર જ્યાં થાય છે પુસ્તકની પૂજા

શું તમે કદી સાંભળ્યું કે જોયું છે કે આપણા દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં ભગવાનને ભોગ તરીકે પુસ્તકો ધરવામાં આવે છે, સાથે જ પ્રસાદ તરીકે પુસ્તકો આપવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ કેરળના ક્ધનૂરથી લગભગ 64 કિમી દૂર આવેલા એક નાનકડા ગામ પ્રપોયિલની. આ ગામમાં એક અસાધારણ મંદિર છે, જે પોતાનામાં જ એક અલગ છે. એનું નામ છે નવાપુરમ મથાથિયા દેવાલયમ, એનો અર્થ થાય છે ભગવાનનું ધર્મનિરપેક્ષ ગૃહ.
આ મંદિરમાં ભગવાનને પુસ્તકની છબીમાં આકાર આપવામાં આવ્યો છે. ભક્તો મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી શકે છે, ભગવાનને પુસ્તકો અર્પિત કરીને પ્રસાદ તરીકે પાછાં પુસ્તકો લઈ શકે છે. સાથે જ આ મંદિરની ખાસ વાત એ પણ છે કે મંદિરમાં ના તો કોઈ પૂજારી છે, ના તો કોઈ જાતિ કે ધર્મનો ભેદ રાખવામાં આવે છે.
મંદિરનો પ્રવેશ હૉલ વિશાળ પુસ્તકાલય છે, જેમાં હજારો પુસ્તકો છે. હૉલની દીવાલોને કળાત્મક મૂર્તિથી શણગારેલી છે. 30 ફૂટ ઊંચા પ્રાકૃતિક પથ્થર પર પુસ્તકને સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકના પૃષ્ઠ પર ત્રણ વાક્યો કંડારેલાં છે- ઈશ્ર્વર જ્ઞાન છે. ધર્મ વ્યાપર વિચારધારા છે. વિનમ્રતા બુદ્ધિમતાનો માર્ગ છે. આ કોમ્પ્લેક્સ બે એકરમાં ફેલાયેલું છે. એમાં કેટલીક ઝૂંપડીઓ છે, જેને એજુથુપુરા કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે લેખન માટેની ઝૂંપડી. એમાં લેખકો રહી શકે છે.
આ એક અલગ પ્રકારનું મંદિર છે. જેને સાકાર કરવાનું સપનું નારાયણે અનેક વર્ષોથી જોયું હતું. તેમના પિતા જમીનદાર હતા. નારાયણ જ્યારે 9 વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. 15 વર્ષની ઉંમરથી જ નારાયણે પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના થયા ત્યારે તેમને પુસ્તકનું મંદિર બનાવવાની ઈચ્છા જાગી હતી.
એના માટે તેમણે પૈસા જમા કરવાની શરૂઆત કરી અને તેઓ એક સન્માનનિય લેખક તરીકે પણ સ્થાપિત થયા છે. તેમણે 26 પુસ્તકો લખ્યાં છે. તેઓ વિદ્યાર્થીઓને ટ્યૂશન પણ અપાવતા હતા. તેમની મહેનત અને ધગશનું પરિણામ છે કે તેઓ ચેરુપૂજામાં એક કૉલેજના માલિક છે. અહીં ડિગ્રી અને પોસ્ટગ્રેજ્યુએટનું શિક્ષણ આપવામાં આવે છે.
નારાયણ પોતે પાંચ વિષયમાં પોસ્ટગ્રેજ્યુએટ છે અને હાલમાં અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરી રહ્યા છે. કૉલેજમાંથી થતી આવકનો ઉપયોગ તેઓ મંદિર માટે કરે છે. અત્યાર સુધી તેમણે આ પુસ્તકના મંદિર માટે 60 લાખ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કર્યો છે. તેમને દાન પણ મળે છે.
આ મંદિરમાં વર્ષ દરમ્યાન બે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભારે સંખ્યામાં લોકો હાજર રહે છે. એમાં સાહિત્યિક ડિબેટ્સ, શાસ્ત્રીય અને લોકનૃત્યનું પણ આયોજન થાય છે. તેમના આ નેક કામમાં ગ્રામજનો પણ મદદ કરે છે. નારાયણનો પ્રયાસ એ છે કે આ મંદિર આત્મ-નિર્ભર સંસ્થા બની જાય.
નારાયણ એક એવી વ્યક્તિ છે, જેમણે પોતાનું આયુષ્ય સાહિત્ય અને પુસ્તકો માટે સમર્પિત કર્યું છે. તેમનો ઉદેશ છે કે આ પુસ્તક મંદિર પ્રેમ અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય. સાથે જ શિક્ષણ અને પુસ્તકોની અગત્યતા લોકો સમજે. આ જ કારણ છે કે કેરળનું આ નવાપુરમ મથાથિયા દેવાલયમ પર્યટનનું કેન્દ્ર બની ગયું છે.
આપણ વાંચો: વિશેષ : જો સફળ કારકિર્દી જોઈતી હોય તો ગંભીરતાથી કરો ઈન્ટર્નશિપ