ઉત્સવ

યાયાવર પક્ષીઓની શિયાળુ સફરની દુનિયામાં એક લટાર

ખરા અર્થમાં વિશ્ર્વ પ્રવાસી એવા યાયાવર પક્ષીઓનું ભારતમાં આગમન

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

પક્ષીઓનો કલરવ, મોંસૂઝણું થતા જ આકાશમાં ટ આકારની પંખીઓની ઊડતી લયબદ્ધ કતાર, કાઠિયાવાડ અને કચ્છનાં વગડામાં થતો કુંજારવ, આંગણામાં અવનવા રંગોમાં સજીને આવેલી નાની મોટી ચકલીઓ શિયાળાનાં આગમનનો સંકેત આપે છે. દેશભરનાં જંગલોમાં અવનવાં પક્ષીઓને મેં કેમેરામાં કંડાર્યા છે, પણ એથી વિશેષ મેં તેમને નિહાળ્યા છે. શિયાળો આવે કે પક્ષીજગતના ભીષ્મ પિતામહ ગણી શકાય એવા ડૉ. સલીમ અલીને યાદ કરવા ઘટે જ. મારો સહુથી પ્રિય રાષ્ટ્રીય ઉદ્યાન ‘કિઓલાદેવ નેશનલ પાર્ક’ ભરતપુરને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાનો સંપૂર્ણ શ્રેય ડૉ. સલીમ અલીને જાય છે આ ઉપરાંત ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ એમનો ખૂબ જ મોટો ફાળો છે. તેઓએ પક્ષીઓને નિહાળવામાં ક્યારેક પાછા ફરીને જોયું નથી જેથી તેઓ પક્ષીઓનાં વિશ્ર્વકોષ તરીકે ઓળખાય. પદ્મવિભૂષણ એવા ડૉ. સલીમ અલીએ એમને મળેલું રૂ.૫ લાખનું આંતરરાષ્ટ્રીય ઇનામ પણ ઇગઇંજને સમર્પિત કરી દીધું. તેઓએ પોતાના જીવનના રોચક કિસ્સાઓ અને પક્ષીઓનાં સંસર્ગમાં વિતાવેલાં વર્ષોનાં નિચોડને એક પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો જે ‘ધી ફોલ ઓફ સ્પેરો’ નામે પ્રસિદ્ધ થયું.

આ સૃષ્ટિનાં સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર અને આકાશ પર લાખો વર્ષોથી લઈને આજની ઘડી સુધી પક્ષીઓ રાજ કરતા આવ્યા છે. વસંત ઋતુ ખીલે કે આ પક્ષીઓ મુસાફરની માફક ધરતીનાં એક છેડેથી બીજા છેડા સુધી લાંબી મુસાફરીનો આરંભ કરે છે અને પતઝડની મોસમ બેસતા જ ફરી એ જ રસ્તે પરત ફરે છે, જેનું એક માત્ર કારણ છે પોતાનાં જીવનનાં અસ્તિત્વને ટકાવી રાખવું.

જીવનનાં દરેક પાસાઓનો ખૂબ જ ઓછા સમયમાં અનુભવ કેળવીને કોઈ પણ જાતનાં સ્વાર્થ વિના બધી જ હકારાત્મક અને નકારાત્મક શક્યતાઓને તેઓ પોતાની આગલી પેઢીને શીખવે છે. આ જ પક્ષીઓ સરળ અને સફળ લાંબી એટલે કે હજારો માઈલની મુસાફરી માટેની વ્યૂહ રચનાને દરેક સાથીદારોના મગજમાં ઠસ્સાવી દે છે અને સઘળા પક્ષીઓ એક સાથે મુસાફરી આદરે છે.

મુસાફરીનો મુખ્ય હેતુ જીવનને ટકાવી રાખવાનો જ હોય છે જેમાં અમુક વિસ્તારોનું તાપમાન શિયાળામાં ખૂબ જ ઘટી જાય છે જેથી જીવી શકાય તેવી પરિસ્થિતિ નથી હોતી, એ સિવાય ખોરાક પણ પૂરતો ન મળી રહે જેથી તેઓ ધરતીનાં એવા વિસ્તારોમાં માઈગ્રેશન કરે છે જ્યાં યોગ્ય વાતાવરણ મળી રહે, સુરક્ષિત જીવન જીવી શકે. વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિવિધ પ્રકારની મુસાફરી કરે છે.

મોટાભાગના પક્ષીઓ રશિયન અને યુરોપિયન દેશો જેવા વિસ્તારમાં તાપમાન નીચે જતા તેઓ ધરતીનાં દક્ષિણી પ્રદેશો જેવા કે એશિયાઈ દેશો તરફ મુસાફરી આદરે છે તો વળી આર્કટિક ટર્ન પોતાનાં આર્કટિક બ્રીડિંગ ગ્રાઉન્ડથી છેક એન્ટાર્કટિકા સુધી હજારો માઈલ લાંબી મુસાફરી કરે છે. કેટલાક પક્ષીઓ લોકલ માઈગ્રેશન કરે છે જેઓ એક તળાવથી બીજા તળાવ કે એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ મુસાફરી કરે છે. નવરંગ તરીકે ઓળખાતું પક્ષી દક્ષિણ ભારતથી ગુજરાત અને છેક હિમાલયની તળેટીનાં વિસ્તારો સુધીની મુસાફરી કરે છે. ફોરેસ્ટ સ્ટાર્લિંગ નામનું પક્ષી અરુણાચલ પ્રદેશ એટલે કે દેશનાં પૂર્વીય વિસ્તારમાંથી હિમાલયની તળેટીમાં આવેલા કુમાઉં વિસ્તાર તરફ મુસાફરી કરે છે. કુદરતની અદ્ભુત રચના એવાં પક્ષીઓનાં વર્તનને કળવું ખૂબ જ અઘરું છે. અમુક પક્ષીઓ પેસેજ માઈગ્રેશન કરે છે જેમાં સમજી લો કે નાના વેકેશન પર ન આવ્યા હોય! આફ્રિકન પ્રદેશો, રશિયન અને યુરોપિયન પ્રદેશોમાંથી કચ્છનાં મોટા રણમાં આવેલ છારીઢંઢમાં ટૂંકા સમયગાળા માટે રોકાય છે અને ફરી પોતાની મુસાફરી આદરે છે. માઈગ્રેશન કરવા માટે પક્ષીઓ આકાશમાં ચોક્કસ પ્રકારનાં રસ્તાઓનો ઉપયોગ કરે છે જે આપણા હાઈવેની માફક જ અલગ અલગ દિશાઓમાં રચાયેલા છે જે ફ્લાય-વે તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ રસ્તાઓ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતા હોય છે. પક્ષીઓ પોતાની સુરક્ષા, જે તે સ્થળનું વાતાવરણ અને પૂરતા પ્રમાણમાં ખોરાક-પાણી મળી રહે તેવા વિસ્તારોને આવરીને ધરતી પર કુલ આઠ જેટલા ફલાય-વેનો ઉપયોગ કરે છે જેમાં ભારત દેશમાં અલગ અલગ ત્રણ ફલાય-વે પસાર થાય છે જ
ે એશિયન-ઇસ્ટ આફ્રિકન ફ્લાય-વે,સેન્ટ્રલ એશિયન ફ્લાય-વે અને એશિયન-ઇસ્ટ ઑસ્ટ્રેલેશિયન ફ્લાય-વે તરીકે ઓળખાય છે. આ ફલાય-વેનો ઉપયોગ કરીને ૩૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓ ભારત દેશમાં શિયાળો પસાર કરવા માટે વિશ્ર્વનાં વિવિધ ખૂણેથી આવે છે. સહુથી વધારે સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેનો ઉપયોગ કરીને મોટા ભાગના પક્ષીઓ સાઈબિરીયા જેવા પ્રદેશોમાંથી હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરફ મુસાફરી કરે છે.

પક્ષીઓનું મુસાફરી પાછળનું વિજ્ઞાન ઘણું જ રસપ્રદ છે, પક્ષીમાં કુદરતે એટલી અદ્ભુત રચના આપી છે કે તેઓ તાપમાનમાં જરાક જેટલો બદલાવ અનુભવશે કે એમનામાં હોર્મોનલ શારીરિક ફેરફારો આવવા લાગશે અને તેઓ માઈગ્રેશનની શરૂઆત કરશે. તેઓનું શરીર તાપમાન ખૂબ જ સારી રીતે નિયમન કરી શકે તેવી ક્ષમતા નથી ધરાવતું હોતું પણ યોગ્ય તાપમાન ને પારખી શકે અને માઈગ્રેશનનાં ચોક્કસ સમયને પારખી શકે તેવું ચોક્કસ હોય છે એટલે જ તેમના માટે માઈગ્રેશન ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય દિશામાં વહેતા પવનનો ઉપયોગ કરીને તેઓ મુસાફરી કરે છે જેથી ઓછામાં ઓછી તાકાત
લગાવી તે વધુમાં વધુ અંતર ખૂબ ઓછા સમયમાં કાપી શકે. ઘણા ખરા પક્ષીઓ રાત્રે પણ મુસાફરી શરૂ રાખે છે જ્યારે કઝાકિસ્તાનથી આવતા કુંજ માત્ર દિવસે જ ઉડાન ભરે છે અને રાત્રે યોગ્ય સ્થળે આરામ કરે છે, એમ કરતા કરતા તેઓ ૧૦-૧૨ દિવસમાં આશરે ૪૫૦૦ કિમિ સુધીની મુસાફરી કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉતરાણ કરે છે. કુંજ પક્ષીઓમાં મોટા ભાગે વડીલ કુંજ હોય જ છે જે માર્ગદર્શક બની રહે છે. રાત્રિનાં સમયે મુસાફરી કરતા પક્ષીઓ મોટાભાગે તારાઓ અને નક્ષત્રોનો ઉપયોગ માર્ગદર્શક તરીકે કરે છે જેથી તેઓ વાદળોથી પણ ઉપરનાં વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે. ગાર્ગને એટલે કે ચેતવા નામનું પક્ષી ૪૦ દિવસ સુધી ખોરાક પાણી વિના સતત ઊડતું રહે છે. બાર ટેઇલ્ડ ગોડવિટ એટલે કે પટાપૂછ ગડેરા સતત ૧૪૦૦૦ કિમિ સુધી ન્યુઝીલેન્ડ સુધીની નોનસ્ટોપ ઉડાન ભરીને મુસાફરી કરે છે. પક્ષીઓની શારીરિક રચના એટલી વિશિષ્ટ હોય છે કે તેઓનાં હાડકાં પણ હવાને જાળવી રાખવામાં મદદ કરે છે પરિણામે વજનમાં તેઓ ખૂબ જ હલકા હોય છે અને સરળતાથી ઊડી શકે. ગમે તેવા ઠંડા તાપમાનમાં પોતાના શરીરની ગરમી ટકાવી રાખવા માટે પીંછાની નીચેનાં ભાગમાં વિશિષ્ટ પ્રકારનાં મુલાયમ વાળ હોય છે જેથી તેઓ ખૂબ નીચા તાપમાન સામે સંઘર્ષ કરી શકે. રાજહંસ તરીકે ઓળખાતા પક્ષીઓ હિમાલયના ઉત્તંગ પહાડોને ઓળંગીને વિશ્ર્વની સહુથી ઊંચી ઉડાન ભરીને ભારત અને ગુજરાતનાં વિવિધ જળ પ્લાવિત ક્ષેત્રો તરફ આવે છે એ જ રીતે ભગવી સુરખાબ પણ હિમાલયનાં સરોવરોમાંથી ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળનાં વિવિધ વિસ્તારોમાં મુસાફરી કરે છે.

પક્ષીઓ સદીઓથી આ સૃષ્ટિ પર રાજ કરતા હોવા છતાં તેઓએ ક્યારેય કોઈ જ વિસ્તાર પર આધિપત્ય જમાવ્યું નથી કે અતિક્રમણ કર્યું નથી. લાંબી મુસાફરી કરીને મહેમાન બનતા આ નિર્દોષ અને સુંદર પ્રજાતિઓ માટે માનવ હંમેશાં નડતર રૂપ જ બન્યો છે. સમુદ્ધ દેખાવાની હોડમાં બનાવાયેલા આધુનિક ગગનચુંબી ઇમારતોનાં કાચની પેનલ મોટાભાગનાં યાયાવર પક્ષીઓને દિશાભ્રમ કરાવીને જીવનું જોખમ સર્જે છે. ગુજરાતથી રાજસ્થાનનાં વિસ્તારમાં આવેલ પવનચક્કીઓ આવા પક્ષીઓનાં માથે તોળાતો સહુથી મોટો ખતરો છે જેને આપણે આપણા ગૌરવ સમા પક્ષી એવા ઘોરાડનું અસ્તિત્વનાં સંઘર્ષમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.નજીકના જ ભવિષ્યમાં ગુજરાતની શાન એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ માટે અને બંગાળ ફ્લોરિકન માટે પણ ભારતમાં નામશેષ શબ્દ લાગી જાય તો નવાઈ નહિ. માનવીની પર્યાવરણમાં દખલ કેટલો મોટો બદલાવ લાવી શકે એનું વરવું ઉદાહરણ સાઈબેરિયન ક્રેન કહી શકાય. સાઈબેરિયન ક્રેનની હકીકત ચોંકાવનારી અને હૃદય દ્રાવક છે. વિશ્ર્વપ્રસિદ્ધ અને નામશેષ થવાને આરે આવી ગયેલ સાઈબેરિયન ક્રેન એક સમયે ભારતભરમાં ખાલી અહીંયા જોવા મળતા હતા. આ જગ્યાને પ્રકૃતિએ ખુલીને રંગો ભર્યા છે અને પક્ષીઓના વિહાર માટે ખૂબ જ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડ્યું અને વિશ્ર્વભરના પક્ષીઓ અહીં પોતાનું ઘર શોધી લીધું. માણસ આવતા પહેલાં વર્ષોથી ભારતમાં આ જગ્યા સાઇબેરિયન ક્રેનનું ઘર ‘હતી’.
૧૭મી સદીના ઐતિહાસિક ચિત્રકાર ઉસ્તાદ મન્સુર એ વખતે જૂના એક ચિત્રમાં સાઈબેરિયન ક્રેનને અહીં મહાલતા દર્શાવ્યા હતા. ૧૯૬૪-૬૫ના વર્ષ દરમ્યાન આશરે ૨૦૦ જેટલા સાઈબેરિયન ક્રેન અહીંયા જોવા મળ્યા હતા એવું લોરેન્સ એચ. વોકિંશોએ પોતાની બુક ‘ક્રેન્સ ઓફ ધ વર્લ્ડ- ૧૯૭૩’માં નોંધેલું જે સહુથી મોટી સંખ્યા કહી શકાય. ૯ નવેમ્બર, ૨૦૦૧ની સવારે ૮-૩૦ આસપાસ કેટલાક નેચર ગાઈડને સાઈબેરિયન ક્રેનનો કોલ સંભળાયો. પાર્કમાં સાઇબેરીયન ક્રેનની હાજરી ન હોઈ આશ્ર્ચર્યમાં ગરકાવ સહુ કોઈએ આકાશ તરફ મીટ માંડી અને એક સાઈબેરિયન ક્રેનની જોડી પાર્ક તરફ આવતા નજરે ચઢી એ દિવસે સહુ કોઈના મોઢે હર્ષની લાગણી હતી કે ભરતપુરમાં સાઈબેરિયન ક્રેન આવી ગયા પણ આ છેલ્લી સાઈબેરિયન ક્રેનની એક જોડી એ ભારતને હંમેશાં માટે અલવિદા કહી દીધું અને તેઓ ભારતમાંથી નામશેષ થઇ ગયા. ૨૦૦૧ પછી આજ સુધી ભારત દેશે સાઇબેરિયન ક્રેન ક્યારેય જોયા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેઓ ભારત આવશે પણ નહિ. આજે સમગ્ર વિશ્ર્વમાં વિનાશના આરે આવીને ઊભેલા સાઈબેરિયન ક્રેન માત્ર બે જ સ્થળે જોવા મળે છે જેમાં એક પૂર્વીય (સાઇબેરિયાથી ચાઈના) વિસ્તાર અને પશ્ર્ચિમી વિસ્તાર, પૂર્વીય વિસ્તારના ક્રેન્સ ઉત્તર-પૂર્વીય સાઇબિરિયામાં બ્રિડિંગ કરે છે અને ચાઇનાની યાન્ગ જે નદીમાં શિયાળો પસાર કરે છે. સાઇબેરિયા પશ્ર્ચિમ વિસ્તારના જૂજ રહેલા ક્રેન્સ ઇરાનના કાસ્પિયન સમુદ્ર કિનારા વિસ્તારોમાં શિયાળો વિતાવે છે અને રશિયાની ઓબ નદીના દક્ષિણમાં આવેલા ઉરલ માઉન્ટેન વિસ્તારમાં બ્રિડિંગ કરે છે. સાઈબેરિયન ક્રેન ખુબ જ ઝડપથી આ દુનિયામાંથી લુપ્ત થવાની કગાર પર આવી પહોંચ્યા. મધ્ય સાઈબેરિયામાં બ્રિડિંગ કરતી અને ભારતમાં શિયાળો ગાળવા માટે આવતી ક્રેન્સની વસ્તી આજે લુપ્ત થઈ ગઈ છે. આ સાઈબેરિયન ક્રેનનો સમૂહ લુપ્ત થવાનું કારણ પણ માણસ છે. તેને માઈગ્રેશન રૂટ સાઇબેરિયાથી નીકળી રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને છેલ્લે પાકિસ્તાન થઈને ભારત આવતો હતો. તે અફઘાનિસ્તાનમાં અબી-ઈ-ઇસ્તદા લેક પર થોડા દિવસો માટે આરામ કરવા માટે રોકાતા હતા અને દર વર્ષે તેઓ અહીં શિકારનો ભોગ બનતા હતા પરિણામે વર્ષોવર્ષ એમની સંખ્યામાં ઘટાડો થતો ગયો અને છેલ્લે તેઓ આ રૂટ પર આવતા કાયમ માટે બંધ થઈ ગયા અથવા તો તેનું અસ્તિત્વ જ ના રહ્યું.

ભારત દેશમાંથી ૨૦૨૨માં ૨૬ નવી અલગ અલગ સાઇટ્સને રામસર સાઇટ્સમાં સમાવવામાં આવી જેમાંથી ત્રણ સાઈટ ગુજરાતની વઢવાણા પક્ષી અભ્યારણ , ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને થોળ પક્ષી અભ્યારણ્ય છે. ગત વર્ષે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી સંગાથ પક્ષીઓનું કુદરતી વિશ્ર્વ સમાન જળ પ્લાવિત ક્ષેત્ર પણ રામસરનાં આંતરરાષ્ટ્રીય દરજ્જો સાથે ૭૫ની સંખ્યાને આંબી ગયા. રામસરમાં સમાવેશ થનાર સાઈટ ગુજરાતમાં હોય એ ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિ સમાન ગણી શકાય. રામસર એટલે ઈરાનમાં આવેલ એક વિશાળ કુદરતી સરોવર. ૧૯૭૧માં યુનેસ્કો દ્વારા વિશ્ર્વભરમાં આવેલા કુદરતી સરોવર કે જે પક્ષીઓ અને અન્ય છીછરા પાણી પર આધાર રાખનાર જીવસૃષ્ટિ માટે ઈરાનમાં આવેલા રામસર સાઈટના માપદંડ અનુસાર ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા અને એની જાળવણી માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યાં જે રામસર સાઈટ તરીકે ઓળખાશે ઓળખવામાં આવશે. ભારત દેશમાં કુલ ૭૫ જેટલી રામસર સાઈટ આવેલી છે અને એની જાળવણી યુનેસ્કોની દેખરેખ હેઠળ જે તે રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો