સ્વર્ગીય આનંદની અનુભૂતિ એટલે હિમાચલી ગામડાઓનું પ્રવાસી જીવન-કુદરત અને ટ્રેડિશનલ લોકજીવનની અનોખી ઝાંખી
ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી
આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો સિટીનો કોઈ યુવક કે યુવતી પહાડી પર ઘર વસાવીને રહેવા લાગે છે, એ તો ઓછું હોય એમ કોઈ વિદેશી પોતાનું સઘળું વેચીને બચેલી મૂડીથી માત્ર શાંતિથી જીવનને ખરા અર્થમાં જીવવા માટે પહાડી ગામડાંઓ પસંદ કરે છે. ઘણા મૂવીમાં પણ આવાં દ્રશ્યો જોયાં હશે એ કઈ કલ્પના જ હોય છે એવું નથી હોતું. એવું તો શું છે એ પહાડી ઘરોમાં જ્યાં સુવિધાના નામે બે ચાર વસ્તુઓ જ છે છતાં ત્યાં જે આરામ મળે તે ક્યાંય નથી મળતો? જ્યારે મન શહેરના ઘોંઘાટથી કંટાળે ત્યારે શાંતિ અને સૂકુન મેળવવા માટે હિમાચલ પ્રદેશના ગામડાથી વિશેષ શું હોય શકે! ભારતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી હિમાચલ પ્રદેશ ધરાવે છે. ગામડાની સાદગીના વૈભવ સાથે જ્યારે હિમાલયનું સાનિધ્ય ભળે તો અવિરત આનંદ છે. અહીંના લોકો સાથે રહેવું અને અહીંના લોકજીવન સાથે પ્રકૃતિનો ભવ્ય ખજાનો માણવો એ મજા દુનિયાની સૌથી આલીશાન અને સુવિધાસભર હોટેલ પણ નથી આપી શકતી. ખભે કોથળો ને દેશ મોકળો કહેવત પ્રમાણે બસ એક બેકપેક, મજાની ડાયરી કે કેમેરા લઈને નીકળી પડો હિમાચલ પ્રદેશની વાટે અહીંનાં સફરની કોઈ રિટર્ન ટિકિટ નથી હોતી હો!
હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે મોટાભાગના ગામડામાં રહેવાની સુવિધા થઈ શકે છે. અહીં અલગ અલગ પ્રકારના હોમસ્ટેની વ્યવસ્થા છે જ્યાં સાત્ત્વિક ભોજન સાથે સાદી જીવનશૈલી મુજબની જોગવાઈ ચોક્કસ થઇ શકે છે જો અહીંના માહોલમાં ઢાળવાની તૈયારી હોય તો જ! જ્યાં કોઈ પણ લોકલના ઘરે તેની સાથે રહીને તેમના દૈનિક જીવનને નજીકથી જોઈ શકાય અને માણી શકાય, એમનાં રોજિંદાં કાર્યોના હિસ્સો બની શકાય. અહીં મોટા ભાગના ગામડાના સામાન્ય લોકોનાં મકાનો લાકડાંનાં, માટી અને પત્થરોનાં બાંધકામ થકી બનેલા હોય છે. તેઓ મકાન એ રીતે બાંધે કે ઠંડીની સિઝનમાં હૂંફ મળી રહે. ઘરના નીચલા ભાગમાં પશુઓ બાંધેલા હોય ત્યાં જ તેમના માટે ઘાસની સુકવણી કરીને રાખવામાં આવેલ સ્ટોરરૂમ જેવું હોય છે. જેથી બરફ પડે ત્યારે પશુઓને તે ખવડાવી શકાય. દરેકના ઘરના આંગણામાં વિવિધ શાકભાજી ઉગાડવામાં આવતા હોય છે ઉપરથી અહીં ફૂલોનાં બગીચાઓ તો ખરા જ. અમુક આર્થિક સધ્ધર લોકોના ફળોનાં બગીચાઓ હોય છે. પણ તમામની જીવનશૈલી એકંદરે મળતી આવે છે.
ગ્રામીણ જીવનશૈલી જોવાની અને માણવાની અલગ જ મજા છે એમાં પણ ખાસ કરી ને હિમાલયના ગામડાંઓની વાત જ નિરાળી છે. હસતાં હસતાં પીઠ પર લગાવેલી બાસ્કેટમાં લાકડા વીણીને લાવતી મહિલા સુંદરતાની, સહજતાની કંઈક અલગ જ પરિભાષા આપી જાય છે. તો ક્યાંક કોઈ પશુપાલક પોતાના ઘેટાં ને વ્હાલ કરતો જોવા મળશે. બાળકો પાસે મોંઘાં રમકડાં કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નથી છતાં મોજ મસ્તી કરતા બાળપણ વિતાવી રહ્યા છે. તો ક્યાંક ઘરનાં ઝરોખા પર બેસેલી બોખા દાંતવાળી વૃદ્ધ મહિલા ગરમ કપડાં બનાવતી નજરે પડશે. સવારમાં પક્ષીઓ મીઠા ટહુકા કરીને જગાડતા હોય, ઘેટાનું ટોળું પોતાની મોજમાં પૂરો રસ્તો રોકીને ગળામાં બાંધેલી ઘંટડી ઉલાળતા ઉલાળતાં એમ જ નીકળી પડતા હોય, પથ્થરોથી બનેલા ઘર હોય, દીવાલો પર છાણમાટીનું લીપણ કરેલું હોય, સવાર પડતા સૌ પોતપોતાના કામે લાગી જતા હોય છે. આ પ્રકારની તસ્વીરો એક નજરે જોતા જ ગમી જાય અને આપણે એ સુંદર સ્મિત પર મોહિત થઇ જતા હોઈએ છીએ તો એ જગ્યાએ રહેવાનો આનંદ તો કલ્પી જ શકાય ને!
હિમાચલમાં ઘણી વેલી આવેલી છે અને આ બધી વેલીઓમાં અલગ અલગ સુંદર ગામડાઓ વસેલાં છે. અમુક ગામ તો એવા છે જે કોઈ ટ્રેકિંગના રસ્તામાં પડે અને ત્યાં માત્ર એક જ ઘર હોય. અહીંનાં ઘરોમાં ખૂબ જ નજીવા ખર્ચથી રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. તીર્થન વેલી, બાંજરા વેલી, પાર્વતી વેલી, સાંગલા વેલી, પિન વેલી, સ્પીતી વેલી વગેરે જેવી વેલીના કોઈ પણ ગામમાં જઇ શકાય. સ્પીતિના નાનાં નાનાં ગામડાઓ તેમની જીવનશૈલી, તેમનું સંઘર્ષ વાળું જીવન, તેમની આજ સાદગી તેમને આવી કુદરતી ભવ્યતાની ભેટ આપે છે. અહીં સૌથી પહેલા નાકો વિલેજ આવશે. અંદાજે ૪૦ થી ૫૦ આસપાસ સુંદર ઘર છે જ્યાં તમે હોમસ્ટે લઈ શકો છો ત્યાંની સ્થાનિક વાનગીઓ ખાઈને સ્થાનિક લોકો સાથે રહી શકાય. આ ઉપરાંત લાંગઝા, કોમીક, ધનકાર જેવાં ગામડાઓ પણ ફરી શકાય. કાઝા એ સ્પીતિનું મુખ્ય મથક છે એટલે અહીં શહેરીકરણનો રંગ લાગેલો છે પણ ઇન્ટરનેટ સુવિધાઓ સાથે રહેવું હોય તો કાઝામાં ચોક્કસપણે રહી શકાય. લાંગઝા અને કિબ્બરમાં રહીને રાત્રિનો વૈભવ ક્યારેય ન ચૂકી શકાય એવો હોય છે. અહીં બુદ્ધ ભગવાનની વિશાળ પ્રતિમાનાં માથે આકાશગંગા જાણે એક બોધિવૃક્ષનું જ સર્જન કરે છે. હિમાચલ પ્રદેશના તીર્થન વેલીમાં આવેલું જીભી શહેરીકરણથી પરે છે. અહીંના લોકોની જીવનશૈલી ખૂબ સાદગીપૂર્ણ છે છતાં પણ જાણે કુદરતનો વૈભવી ઠાઠ ન માણતા હોય એવું જીવન. જીભીમાં સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્યારેક વ્યસ્તતા અને ભીડવાળા માહોલમાંથી બ્રેક લેવો હોય તો આ સ્થળ બેસ્ટ રહે.
કુલુ નજીક આવેલા જીભીમાં રહેવા માટે ખૂબ જ સુંદર હોમસ્ટે આવેલા છે. અહીં તમે ઓથેન્ટિક પહાડી ઘરમાં રહીને પહાડી ખાણુંપીણું ચોક્કસથી માણી શકો. અહીંનાં લાકડાનાં ઘરો લોકો ખૂબ જ પસંદ કરે છે. ખાસ કરીને ટ્રી હાઉસ પણ અહીં ઉપલબ્ધ છે. જેમાં સુંદર બાલ્કની હોય, બહારની બાજુ નજર કરતા દૂર દૂર સુધી પહાડીઓની હારમાળા દેખાતી હોય, ક્યાંક રસ્તા પરના વળાંકો દેખાતા હોય, તો પહાડો ઉપરથી પસાર થતાં વાદળોની હારમાળા હોય, લીલાછમ વૃક્ષોનું સાંનિધ્ય હોય અને આ બધાંમાં સાથે મનગમતી વ્યક્તિનો સાથ હોય તો શું જોઈએ બીજું? જીવનનો બધો જ થાક તણાવ આપોઆપ દૂર ક્યાંય વાદળોને પેલે પાર જતા રહે. અહીં આસપાસનો વિસ્તાર તીર્થન વેલી અને બંજારા વેલી કહેવાય છે. ઉનાળામાં અહીં વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે, પરંતુ શિયાળામાં ખૂબ ઠંડી સાથે બરફવર્ષા પણ થાય છે. અહીં લોકો શિયાળા માટે ઘરમાં અગાઉથી જ લાકડા વગેરે સ્ટોર કરી દે છે. અહીં દરેક ઘર અને કેફેમાં ઠંડીથી બચવા માટે તંદુર લગાવેલા હોય છે. અહીં આપણને રોજિંદા જીવનમાં સામાન્ય લાગતી વસ્તુઓની કિંમત સમજાય છે. ઘણી વિપરીત પરિસ્થિતિમાં જીવતા અહીંના લોકોના ચહેરા પર હંમેશાં સ્મિત ખીલેલું જ હોય છે. આ દરેક બાબતો પર ધ્યાન આપીએ તો મનમાં જરૂરથી સવાલ ઉદ્દભવશે કે ખરેખર ખુશ રહેવા શુ જરૂરી છે અને આપણે શા માટે આટલા ભાગીએ છીએ. અહીંનું પહાડી ભોજન સાદું છતાં ખૂબ જ સ્વાદિષ્ટ. મીઠા અને નમકીન સિડડુ દેશી ઘી અને પથ્થર પર પીસીને બનાવેલી લીલી ચટણીનો સ્વાદ યાદ કરીને પણ મોમાં પાણી આવી જાય એવો. અહીંના ટ્રી હાઉસમાં રહીને નજીકમાં જ વહેતી નદી પાસે બેસીને કલાકો વિતાવી શકાય છે તો વળી રસ હોય તો એકાદ દૂરબીન લઈને અવનવા પંખીડાઓને અહીં નિહાળી શકાય છે.
આ ઉપરાંત સાંગલા વેલીમાં સફરજનનાં વૃક્ષોથી લચી પડેલા બગીચાઓ અને હિમાલય વિસ્તારમાં થતા સૌથી સારા એક્સપેન્સિવ કહેવાતાં ફળોના બગીચાઓમાંથી જાતે તોડીને ફળો ખાવા હોય તો તેની સિઝન જાણી ને સાંગલા ઊપડી જવું જોઈએ. હિમાચલ પ્રદેશ શિમલા, કુલ્લુ અને મનાલી પૂરતું જ સીમિત નથી હિમાચલ પ્રદેશનું ખરું સૌંદર્ય આવાં ગામડાઓમાં છે. પાર્વતી વેલી તરફ આગળ ધપીએ તો કસોલ અને મલાનાએ તો યુથ અને વિદેશીઓમાં ઘેલું લગાડ્યું છે. અહીં જ નજીકમાં ટ્રેક કરીને રશેલ જઈ શકાય છે અને ત્યાં વહેતી પાર્વતી નદી જોઈ અને સાંભળી શકાય એ પ્રકારનાં રૂમ મળી રહે છે. અહીંનું જીવન સાત્ત્વિક કરતાં પણ ક્યારેય ન માણ્યો હોય એવો આનંદ અવિરત પ્રદાન કરે છે. કુદરતનાં ખોળે સમય વિતાવવો હોય તો હજુ આ વિસ્તારમાં બારશેની, કુલગા, પુલગા અને તોષ જેવાં ગામડામાં મહિનાઓ સુધી રહીએ તો જ કુદરતનો સાચો પરિચય મેળવી શકીએ.
વાર્તાઓમાં જે ગામડાઓ વિષે આપણે ભણ્યા કે કલ્પ્યાં એ ગામડાઓ કરતાં હિમાચલનાં ગામડાઓ ખૂબ જ અલગ અને વિશિષ્ટ છે, અહીંનાં ગામડાઓ, ગ્રામવાસીઓ, અહીંની જીવનશૈલી વગેરે ભાષાનાં કોઈ જ બંધન વિના છેક મન સુધી સ્પર્શી જાય છે. વર્ષમાં એકાદ બ્રેક મુસાફર બનીને લેવો જોઈએ ન કે પ્રવાસી બની છે. આ મુસાફરી ચોક્કસપણે સાર્થક બની રહેશે!