છલકે દૂધનો દરિયો રે
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
એક સમયે આ દેશમાં ઘણા બધા લોકો ગાય કે ભેંસ ઘરમાં રાખતા. કહેવાય છે કે માણસ જાતના એ બહુ મુશ્કેલીભર્યા અઘરા દિવસો હતા. બિચારાએ સવારે જલદી ઊઠવું પડતું હતું, ગાય કે ભેંસને દોહીને દૂધ કાઢવું પડતું હતું, એને ચારો નાખવાનો, એની સાફ-સફાઈ કરવાની વગેરે કરવું પડતું હતું. એટલે જ પછી લોકોને કહેવામાં આવ્યું કે ઘરમાં ઢોર પાળીને શું કરશો? સરકારી ડેરી પર ભરોસો કરો. તમને થેલીમાં સારું દૂધ મળી જશે.
હવે મોટાભાગના લોકોએ હવે ઢોરને ઘરમાં રાખવાના છોડી દીધા અને બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવ્યો. હવે ના તો દૂધ દોહવું પડે છે અને ના ઘાસચારાની માથાકૂટ! પણ હા, એણે વહેલા તો ઊઠવું જ પડે છે. બરાબર એ જ સમયે, જે સમયે એ દૂધ દોહીને કાઢતો હતો. હવે એ દૂધ દોહવાને બદલે દૂધની ડેરી કે દુકાનની લાઈનમાં ઊભો રહે છે. પ્રગતિની સફરમાં બાળકોનાં દૂધ માટે એ લાઈનમાં ઊભો રહીને એટલો જ હેરાન થાય છે જેટલો એ પહેલા થતો હતો.
ઢોર હવે જાહેરક્ષેત્રમાં કે રાજકારણમાં જતાં રહ્યાં છે. હવે એ શિંગડા પહેલા મારશે, દૂધ પછી આપશે. વહાલ કરવાથી કે પ્રેમ કરવાથી એ કાંઈ દૂધ વધારે આપશે નહીં. એટલું જ દૂધ મળશે જેટલું એમનાં ખિસ્સામાં પૈસા હશે અને નસીબમાં લખ્યું હશે.
જૂના જમાનાના લોકો દૂધ, માખણની લાલચમાં ઢોરના વિશે વાતો કરતાં ત્યારે તેઓને ધાર્મિક અને રૂઢિચુસ્ત માનવામાં આવતા હતા. હવે આજનો માણસ ઢોરની નહીં, દૂધની વાત કરે છે. અંગ્રેજી મિડિયમમાં ભણતાં બાળકોને જો સવાલ પૂછવામાં આવે કે- "દૂધ ક્યાંથી આવે છે? તો એમાંથી મોટાભાગના છોકરાઓ જવાબ આપશે કે- "દૂધ ડેરીમાંથી મળે છે, આર. એ. કોલોનીમાંથી આવે છે, મધર ડેરીમાંથી મળે છે, અમૂલ ડેરીમાંથી આવે છે. છાપાઓમાં દૂધ વિશેની ફરિયાદ છપાય છે પણ ઢોર વિશે નહીં. હવે ઢોરને લઈને આ દેશમાં હવે બધા જ પ્રશ્ર્નો પૂરા થઈ ગયા છે. સિવાય કે ગામડાં ને શહેરોમાં રખડતાં ઢોર.
જે રીતે અવનવી જાહેરાતો દ્વારા તમને આઈસક્રીમ તરફ આકર્ષિત કરવામાં આવે છે, એવી જ રીતે હવે દૂધની પણ જાહેરાત થાય છે. જેવી રીતે છોકરાઓ જાહેરાતમાં આઈસક્રીમ જોઈને ખુશ થાય છે અને એમને લાગે છે કે કેવી સરસ છે અને કેટલી બધી આઈસક્રીમ છે? એવી જ રીતે દૂધની જાહેરાતમાં પણ બતાવાય છે કે જુઓ- ‘આ દૂધની ગુણવત્તા બહુ સરસ છે અને એ સ્વાદમાં ઉત્તમ છે.’ આણંદમાં, આર. એ. કોલોનીમાં, એમ બધે જ સરકારી ડેરીઓ છે.
આજકાલ સરકાર તો પોતાની બધી સ્કીમને ‘ક્રાંતિ લાવનાર’ એમ સંબોધે છે. દૂધ પણ એ ક્રાંતિમાં આવી ગયું છે. જે મોંઘી દૂધની બોટલ કે થેલી તમને મળે છે, એ ક્રાંતિને કારણે નસીબજોગે તમને મળી રહી છે. અને જે રીતે દૂધ ક્રાંતિના લાભ સાધારણ જનતા સુધી નથી પહોંચી શકતા, એ જ રીતે દૂધ પણ એક જગ્યા ભેગું થઈ જાય છે પણ એના વિતરણની વ્યવસ્થા નબળી છે. સરકારે પેરી નામની એક ભેંસ તો લાવીને ઊભી કરી મૂકી છે, પણ એના પર આંચળ નથી લગાડ્યાં. સરકારી ખાતાને દૂધ ખરીદતા આવડે છે પણ વેંચતા નહીં!
દૂધ, ના વેચાય એની તો કોઈ ચિંતા જ નથી થતી . જો બજારમાં ઘી અને માખણના ભાવ સારા મળી રહ્યા હોય તો પછી દૂધનું વિતરણ વધારવામાં તેઓ શું કામ રસ લે? એ દૂધમાંથી માવો બને રાખશે અને તમે એની મીઠાઈ ખાધે રાખશો.
પહેલાં આ દેશમાં દૂધની નદીઓ વહેતી હવે દૂધનો દરિયો વહે છે, માખણના પહાડો છે, ઘીનાં તળાવો છે, પનીરના ઘાટ છે! બધે દૂધાળા સમાચારો છે, જાહેરાતો છે, જલસા છે પણ ગરીબોનાં બાળકો માટે સારું દૂધ સસ્તું નથી મળતું. ઢોરથી આઝાદી અને દૂધની શ્ર્વેત ક્રાંતિનું આશ્ર્વાસન મળ્યા પછી પણ ગરીબ માણસ ત્યાંનો ત્યાં જ છે, જ્યાં એ ગાય-ભેંસ સાથે હતો.
ટ્રેનના ડબ્બામાં દૂધ ભરાઈને સરકારી ડેરી તરફ જઈ રહ્યું છે. સ્ટેશન પર ઊભેલી ટ્રેનની બારીમાંથી એક મા આમતેમ નજર દોડાવી રહી છે. શું આ સ્ટેશન પર મારા બાળકને માટે દૂધ મળશે?
ના. નહીં મળે. એ દૂધની ચોકલેટ બનશે, ચીઝ બનશે ત્યારે એ તું તારા બાળકને આપજે!