ઉત્સવ

ગામદેવી વિસ્તારમાં એક માર્ગને આ ગરમાળા વૃક્ષોનું નામ આપ્યું હતું એ નામ છે લેબરનમ રોડ

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

(ગયા અંકથી ચાલુ)
(૯૦)
ખાલી ખુરશીઓ સામે ભાષણ
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરંભથી આજ સુધી વિવિધ અને વિચિત્ર સ્વભાવના કોર્પોરેટરો ચૂંટાતા આવ્યા છે. ડૉ. નાશિરશાહ સુખિયા જબાંદરાઝ તો હતા પણ ફાયરબ્રાન્ડ સ્વભાવના હતા. કોર્પોરેશનના પ્રેસિડન્ટો અને કમિશનરોને પણ દલીલથી હંફાવતા અને પ્રેસિડન્ટના ચુકાદાને પડકારીને હાઈ કોર્ટમાં પણ લઈ જતા હતા. તે વખતે મેયરને પ્રેસિડન્ટ તરીકે ઓળખવામાં આવતા હતા.
સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશીની ત્યારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક થઈ હતી. તે વખતે સર વિઠ્ઠલદાસે એક વિવાદસ્પદ બાબત અંગે બોલવા ઈચ્છતા ડૉ. નાદિરશાહ સુખિયાને બોલવા નહીં દેવાનું જણાવ્યું.

ડૉ. સુખિયા પોતાનો આગ્રહ છોડવા તૈયાર નહોતા. આથી કોર્પોરેશનના અન્ય સર્વ સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા. એકલા પ્રમુખ સાહેબ સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી બેસી રહ્યા અને ડૉ. નાદિરશાહ સુખિયાએ એકમાત્ર પ્રેસિડન્ટ સાહેબ અને ખાલી ખુરશીઓ સમક્ષ ખાસ્સા એક કલાક સુધી પોતાનું ભાષણ આપ્યું.

હવે આપણે જ વિચારવાનું રહે છે કે પ્રેસિડન્ટ કે કોર્પોરેટરમાં કોની ધીરજને ધન્યવાદ આપવા.
ૄ ૄ ૄ
સુંદર મુંબઈના સમર્થકો ક્યા છે?

શ્રી નાના ચુડાસમા અવનવા બેનરલેખ માટે ભારે જહેમત ઉઠાવે છે અને શિવસેના તીરની જેમ ભોંકાઈ એવાં સૂત્રો સુંદર મુંબઈ બનાવવા વાપરે છે, પણ વાસ્તવમાં મુંબઈની સુંદરતા સાચવવાની કોઈને ફુરસદ હોતી નથી. આપણી આંખ સામે જ મુંબાદેવી આગળનું તળાવ પૂરી દેવામાં આવ્યું અને એ ગીચ વસતી માટે હરિયાળું કેન્દ્ર છીનવાઈ ગયું. હવે પરેલ ખાતે એક તળાવ (પરેલ ટેન્ક રોડવાળું) છે, તે પણ આ વાત પ્રગટ થશે ત્યારે કદાચ પુરાઈ ચૂક્યું હશે.

આ પરેલ તળાવ વિકસાવીને આ ગીચ વસતીવાળા વિસ્તારમાં નયનરમ્ય હરિયાળી અને પર્યાવરણવર્ધક કેન્દ્ર બનાવી શકાય છે. આ તળાવ લગભગ ૧૦ મીટર ઊંડું છે અને ર હજાર ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. અહીં ક્રાઉન એલ્યુમિનિયમ કંપની આવી છે અને છેલ્લાં સાત વરસોથી બંધ છે. હવે એ જગ્યા ગુન્ડેચા નામના બિલ્ડર્સને આપવામાં આવી છે અને તળાવ પુરાવા માંડ્યું છે. એ તો સારું થયું કે, ‘વાઈલ્ડ લાઈફ વોન્ડરર્સ નેચર ફાઉન્ડેશન’ નામની સંસ્થાનું ધ્યાન ખેંચાયું અને તળાવમાંના લગભગ દસ હજાર માછલાંને બચાવી લઈ જે વાંદરાના તળાવમાં છોડવામાં આવ્યાં. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડવાળાએ પણ આ તળાવનાં ત્રણ કાચબા બચાવી લીધા છે.

શિવસેના અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ માટે આ તો ઘોડો નાસી છૂટ્યા પછી તબેલો બંધ કરવા જેવી વાત છે.

સાથે સાથે ઉત્સાહી નગરસેવક શ્રી ફરોખ ખાનને જણાવીએ કે બાણગંગાના તળાવનો વિકાસ કરી નયનરમ્ય હરિયાળીભર્યું સ્થાન બનાવવા આ વિસ્તારના નાગરિકોને સમજાવશે તો એ નાગરિકો નાણાં છલકાવી દેશે.

મલેરિયા, કોલેરા, પ્લેગ જેવી બીમારીના પાટનગર સમા મુંબઈને એક તંદુરસ્ત રમ્ય અને વિરાટ નગર બનાવનારા અંગ્રેજો છે અને એમાં વિશેષ ભૂમિકા જિરાલ્ડ ઓન્જીયરે ભજવી છે. ઓન્જીયર સાચા અર્થમાં અર્વાચીન મુંબઈના ઘડવૈયા છે અને એમણે સમર્પણની ભાવનાથી મુંબઈને વિકસાવ્યું હતું. ભારતમાં નૌકાસેનાને સર્વોપરી બનાવવા એમણે મુંબઈને નૌકામથક બનાવવાનું વિચાર્યું અને ૧૭૩૫માં લવજી વાડિયાને સુરતથી લઈ આવી એમને મુંબઈમાં ગોદીની સ્થાપના અને તોતિંગ જહાજોનાં બાંધકામની જવાબદારી આપી. જિરાલ્ડ ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરત ઊતર્યો હતો અને મુંબઈની જવાબદારી ૧૬૭૨ના જૂનમાં એમને સોંપવામાં આવી. ત્યારે મુંબઈના સાત ટાપુઓ મલેરિયા અને કમળાના ધામ સમા હતા અને જિરાલ્ડ મરતાં મરતાં બચી ગયો, પણ દુનિયાના નકશા પર મુંબઈનું નામ મૂકી દીધું.

ચોમાસાના દિવસોમાં અંગ્રેજ સૈનિકો બીમાર પડી ન જાય એટલે માંસ અપાતું નહીં અને ખીચડી ખવડાવવામાં આવતી હતી. અંગ્રેજ સૈનિકો એ દિવસોને યાદ કરી ‘બનિયાન ડેઝ’ તરીકે ખોળખાવતા હતા. પ્લેગ અને અન્ય બીમારીના કારણે અંગ્રેજો અહીં રહી શકતા નહિ. ૧૬૯૧ની સાલમાં માત્ર ૮૦ અંગ્રેજો મુંબઈમાં હતા અને તેમાંનો મોટો ભાગ બીમાર હતો.

સંજોગોની વાત એ છે કે મુંબઈના ઘડવૈયા જિરાલ્ડ ઓન્જીયરને કેટલાંયે વરસો સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પગાર ચૂકવ્યો નહોતો. જિરાલ્ડે મુંબઈના ન્યાયમૂર્તિ તરીકે એક અંગ્રેજની નિમણૂક વાર્ષિક ૧૨૦ પાઉન્ડના પગારે કરી હતી. ન્યાયમૂર્તિની અદાલત ત્યારે ઋફશિ ઈજ્ઞળળજ્ઞક્ષ ઇંજ્ઞીતય તરીકે ઓળખાતી હતી અને અત્યારે બોરા બજાર છે ત્યાં આવી હતી. આ ન્યાયમૂર્તિ એક વર્ષમાં મરણ પામ્યો ત્યારે તેની વિધવાને પેની પણ ચૂકવવામાં આવી નહોતી.

ત્યારે સાત રસ્તાથી વરલી સુધીના વિસ્તારમાં પાણી ભરાયેલું રહેતું હતું અને તાડદેવ સુધી વરૂનો ત્રાસ હતો. ખંભાલા હિલ ત્યારે જંગલ હતું અને નાગ, સાપ, શિયાળો ત્યાં ફરતા રહેતા હતા, એટલે લોકો ત્યાં જતાં ડરતા હતા.

નાના ફડણવીસના સમયમાં તો મુંબઈ પૂના કરતાં ચઢિયાતું બની ગયું હતું. તે સમયે પાદરી કવિ બિશપ હેબરે મુંબઈ વિશે લખ્યું :

‘Thy towers Bombay
gleam bright they say
Across the dark blue sew
But never were hearts
so light and gay
As then shall meet in thee.’

વૃક્ષોને મૌસમ માટે કેલેન્ડરમાં જોવાની આવશ્યક્તા રહેતી નથી. ચૈત્ર મહિનો બેસે અને મુંબઈ અને ઉપનગરોમાં ગરમાળાનાં વૃક્ષોને ઝુમખામાં પીળાચટ્ટાક ફૂલો બેસે છે. ચૈત્ર માસના બપોરના તડકામાં આ ગરમાળાનાં પીળાં પુષ્પોની રોનક જ કઈંક નિરાળી હોય છે. આ ફૂલોની ગંધ મીઠી હોય છે પણ મધુર-મોહક નથી હોતી. આથી એ ફૂલોનો ઉ૫યોગ મુંબઈની ફૂલશોખીન મહિલાઓ એનો વેણીમાં કે વાળમાં ગૂંથાવા કરતી નથી. ગરમાળાનાં વૃક્ષો એવાં તો ઉદાર હોય છે કે તમે એની નીચે થઈને પસાર થતા હોય ત્યારે મુક્ત હૈયે તમારા પર પીળાં પુષ્પોની વર્ષા કરે. મુંબઈએ આ ગરમાળાનાં વૃક્ષોની પણ વિશેષ નોંધ લીધી છે. મુંબઈ શહેરમાં ગામદેવી વિસ્તારમાં એક માર્ગને આ ગરમાળા વૃક્ષોનું નામ આપ્યું છે. એ માર્ગનું નામ છે લેબરનમ રોડ

થોડાંક વરસો ઉપર જ કેટલાક નગરસેવકોએ શહેરના કોઈ માર્ગનું નામ અંગ્રેજ વ્યક્તિ સાથે સંકળાયેલું નહી હોવું જોઈએ એવી ધૂનમાં આ ‘લેબરનમ’ પણ કોઈ અંગ્રેજ વ્યક્તિ હોવી જોઈએ એવું માની આ માર્ગનું નામ બદલવાની દરખાસ્ત
મુંબઈ મહાનગરપાલિકાના ગૃહમાં રજૂ કરી હતી. જ્યારે સત્ય પ્રગટ થયું ત્યારે જાણ્યું કે લેબરનમ એટલે ગરમાળાનું વૃક્ષ. આ લેબરનમ રોડની બંને બાજુએ હારબંધ ગરમાળાનાં વૃક્ષો ઊભાં છે. ચાંદની રાતે ગરમાળાનાં વૃક્ષોની રમણીયતા નિરાળી હોય છે અને રાતના ટાઢા વાયરામાં એ ફૂલોની કટુ મીઠી તીવ્ર ગંધ ઘડીકભર ગમી જાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ તરફથી ઈ. સ. ૧૯૧૧માં ગાંવદેવી પરિસરમાં એક માર્ગની બંને બાજુએ લેબરનમ-ગરમાળાનાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. હરિયાળા મુંબઈનાં સૂત્રો આપનાર નગરસેવકોએ આ ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ જેવી યોજના અમલમાં મૂકી નથી. સૂત્રો રજૂ કરવામાં વૃક્ષોનું વાવેતર ભૂલી જવામાં આવ્યું છે. એવું નથી કે મુંબઈમાં વૃક્ષોનું વાવેતર નથી કરાયું, જ્યારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તસવીરો ભારે ઠાઠમાઠપૂર્વક પ્રગટ કરવામાં આવે છે અને એ વૃક્ષનો છોડ, ત્યાર પછી માત્ર તસવીરમાં જ રહી જાય છે.

લેબરનમ વૃક્ષોની જેમ આપણા શહેરના ઘણા માર્ગો પર બંને છેડે ગુલમહોરનાં વૃક્ષો છે. ચૈત્ર મહિનો ઊતરતાં જ ગુલમહોરનાં લીલાં પાંદડાંનાં ઝુમખામાં લાલચટાક ફૂલો ડોકિયાં કરવા માંડે અને વૈશાખ મહિનો પુખ્ત થાય ત્યારે ગુલમહોરનાં વૃક્ષોનાં લીલાં પાંદડાં નહીં, પણ લાલ લાલ ફૂલોથી જ ગુલમહોર લચી ઊઠે. ભવાઈનું એક ગીત છે : ‘જેવા ચૈતર – વેશાખના તડકા તેવા કુંવારા બામણના ભડકા.’ એવા જ રમ્ય ભડકા ચૈતર – વૈશાખમાં ગરમાળાનાં પીળાંચટ્ટાક અને ગુલમહોરનાં લાલચટક ફૂલોનાં હોય છે.

શહેરના દરેક માર્ગ અને શેરીનાં નામ એ શહેરના ઈતિહાસના એક એક પ્રકરણરૂપ હોય છે.

આપણું મુંબઈ એક રીતે જોઈએ તો માત્ર ભારતનું મીની પાટનગર જ નહીં, મીની ભારત છે. અહીં દેશનાં દરેક રાજ્યના અને દેશની દરેક ભાષાના લોકો વસે છે. આપણાં શહેરમાં અગ્રીપાડા કે નાગપાડા એવા વિસ્તારો છે. આ પાડા શબ્દ વિચિત્ર છે. ગુજરાતમાં પાડા એટલે નર ભેંસ. ત્યારે ક્ધનડ ભાષામાં પાડા એટલે ગામ. ખરી રીતે આ ક્ધનડ શબ્દ સાચો છે. અગ્રીપાડા અને નાગપાડા એટલે અગ્રી લોકોનું અને નાગોનું ગામ. થાણેમાં નવપાડા છે. નવપાડા એટલે નવું ગામ. ક્ધનડમાં ગામને માટે પાડી શબ્દ છે. ગુજરાતીમાં પાડી એટલે ભેંસનું માદા બચ્ચું. આપણે ત્યાં ભોઈવાડા છે તો ભટવાડી પણ છે. વાડ અને વાડી મરાઠી શબ્દ છે. વાડ એટલે ઋયક્ષભય. વાડાની નારી જાતિ તે વાડી. અગ્રીપાડાનાં આગ્રી લોકો મુંબઈના આદિ નાગરિકો છે.

મુંબઈના નગરસેવકોએ એક ભૂલ એ કરી હતી કે લેબરનમ રોડની નજીકમાં આવેલા માર્ગ એલેક્ઝાન્ડ્રા રોડનું નામ એલેક્ઝાન્ડ્રાને વ્યક્તિ સમજીને બદલી નાખ્યું છે. અહીં પણ મ્યુનિસિપલ ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે ‘અહયડ્ઢફક્ષમફિ કફીયિહ’ વૃક્ષો બંને બાજુએ રોપાવ્યાં હતાં. આ વૃક્ષો ચળકતાં અને સુંવાળાં પાંદડાવાળું ચંપા જેવું વૃક્ષ છે. કોઈ વાંચક સાચું નામ જણાવશે એવી અપેક્ષા. આ વૃક્ષો પણ આ રોડ ઉપર ૧૯૧૧ની સાલમાં રોપવામાં આવ્યાં હતાં.

ભાયખલા શબ્દ અજાણ્યો નથી. સહુ મુંબઈગરાને, પણ ભાય-એ મરાઠી બહાવા-કણબી શબ્દ બાવા ઉપરથી આવ્યો છે. બહાવા એ પણ એ ગરમાળા જેવું વૃક્ષ છે અને આ પરિસરમાં એ વૃક્ષો ઘણાં હતાં. અંગ્રેજીમાં એને ‘ઈફતતશફ ઋશતિીંહફ’ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીઓ આ ઝાડને ભાયા કે ભાવા ઝાડ તરીકે ઓળખે છે.

આપણા મુંબઈ શહેરમાં શેખમેખણ સ્ટ્રીટથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ચંપાગલી આવી છે. એક સમયે અહીં ચંપાનાં વૃક્ષોની એક ભરમાર હતી.

ચીંચબંદર રોડ એ આમલીનાં ઝાડો ઉપરથી આવેલું નામ છે. આમલીને મરાઠીમાં ચીંચ કહેવામાં આવે છે. ચીંચપોકલી નામ પણ આમલીનાં વૃક્ષો ઉપરથી આવ્યું છે.

ફણસવાડી પણ મુંબઈમાં છે. આ પરિસરમાં પહેલાં ફણસ વૃક્ષોની વિપુલતા હતી.

આપણા શહેરમાં એક જાંબલી ગલી છે. એ નામ જાંબુના ઝાડો ઉપરથી પડ્યું છે.

મુંબઈમાં કેલેવાડી છે અને ત્યાં એક સમયે કેળવૃક્ષો પણ હતાં. કેલેવાડીની જેમ તાડવાડી છે અને તાડદેવ છે. આજે તો મુંબઈમાં તાડવૃક્ષોનો અભાવ થઈ ગયો છે.

ભૂલેશ્ર્વરમાં ફોફલવાડી છે. ફોફલ એટલે સોપારી. સોપારીનાં વૃક્ષો અહીં હતાં.

ચૈત્ર – વૈશાખ મહિનો બેસતાં જાંબુ કેરીઓ સાથે આવી જાય છે. મુંબઈમાં જાંબલી ટેન્ક સ્ટ્રીટ (માહિમ) અને જાંબલી સ્ટ્રીટ (કર્ણાક રોડથી ભંડારી સ્ટ્રીટ) પણ છે. મ્યુનિસિપલ વોટર વર્કસના ચીફ ઈન્સ્પેક્ટર શ્રી કાશીનાથ દેવજી ધુરૂએ નોંધ્યું છે કે તળાવ નજીક જાંબુનાં બે ઘટાદાર વૃક્ષો હતા.

એ તો મુંબઈમાં કાકડી બારે માસ મળે છે. મુખ્યત્વે એ ચોમાસુ ફળ છે. મુંબઈમાં કાકડવાડી છે અને અહીં ૧૦૦ વરસ પહેલાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી હતી.

કાંદાવાડી ખાતે કાંદાનું વાવેતર કરવામાં આવતું નહોતું. પણ અહીં કાંદાની વખારો હતી. ત્યારે બળદગાડામાં કાંદા ભરાઈને આવતા હતા.

મઝગાંવ ખાતે નારિયેળવાડી પણ છે, પરંતુ અહીં નાળિયેરીની વાડી નહોતી કે નહોતાં નાળિયેરીનાં વૃક્ષો. નાળિયેરના વ્યાપારમાં મબલખ નાણાં કમાનાર પારસી વેપારી શ્રી નવરોજી કાવસજી નારિયેલવાળા (ઈ. સ. ૧૭૫૭-૧૮૨૫) ઉપરથી આ નામ પાડ્યું છે. એમણે મઝગાંવ ખાતે ૧૮૨૨માં અગિયારી બંધાવી હતી અને આજે પણ તે નારિયેલવાળા અગિયારી તરીકે ઓળખાય છે.

કાંદાવાડી નજીક ‘નિકદવારી લેન’ છે. નિકદવારી એટલે નિકદવાણી અથવા નિર્ગુન્દી. આ નિર્ગુન્દીનાં વૃક્ષો અહીં થતાં હતાં. ગુજરાતી ભાષામાં એને નાગોળ નાગોદ-નગોળ કે નગોદ કહે છે. આ સુવાવડી સ્ત્રી અને નવજાત બાળકોનો નવડાવતી વખતે સ્નાનના પાણીમાં આ વૃક્ષનાં પાંદડાં ઉકાળવામાં આવે છે.

વિઠ્ઠલવાડી ખાતે એક ઓવલવાડી છે. બકુલ વૃક્ષને અહીંનાં સ્થાનિક લોકો ‘વોવલી’ તરીકે ઓળખતા હતા. મરાઠીમાં ઓવલી પણ કહેવામાં આવે છે. આ ઉપરથી ઓવલવાડી નામ પડ્યું. અહીં હરિયાળાં બકુલ વૃક્ષો હતાં. શ્ર્વેત ફૂલો મધુર પરિમલ પ્રસારિત કરતાં રહેતાં હતાં. ચાંદની રાતે બકુલ પુષ્પોની ફોરમની માદકતા નાકને જ નહીં, હૈયાને સ્પર્શી જાય એવી હોય છે.

મુગટભાટ લેન ખાતે પીમ્પલવાડી ક્રોસ લેન છે. આ નામ પીપળાનાં વૃક્ષો ઉપરથી પડ્યું છે.

પરેલ ખાતે સુપારીબાગ રોડ છે. અહીં ખરેખર એક સમયે સોપારીનાં વૃક્ષોનું ઉપવન હતું.

કોટમાં ટેમરિન્ડ લેન છે. ટેમરિન્ડ એટલે આમલી. અહીં આમલી તો શું બાવળ પણ જોવા મળતો નથી.

ઉમરખાડી પરિસરમાં ઉમરાનાં વૃક્ષો થતાં હતાં. ઉમરાનું લાકડું યજ્ઞમાં વાપરવામાં આવે છે અને એને અંજીર જેવાં ફળ આવે છે.

વાલપખાડી રોડ છે, પણ અહીં વાલનાં ખેતરો કદાચ જૂના જમાનામાં હશે. વાલ એક કઠોળ છે.

છેલ્લે આજે આપણે વડગાદીથી વિદાય લઈએ. ઘટાદાર અને રમ્ય વટવૃક્ષોની મુંબઈમાં એ સમયે કોઈ અછત નહોતી.

મુંબઈએ બાવળથી માંડી તે બકુલ વૃક્ષોને માન આપ્યું છે. બાબુલનાથ મંદિર અને બાબુલનાથ તળાવ આજે જ્યાં છે ત્યાં બાવળનાં વૃક્ષોની ઝાડી હતી અને ગોવાળિયા ત્યાં ઢોર ચરાવતાં હતાં. એક ગોવાળિયાને બાવળની ઝાડીમાંથી શિવલિંગ મળી આવ્યું અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી તે બાબુલનાથ કહેવાયા. બાબુલ એટલે બાવળ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ