ઉત્સવ

રિબાઉન્ડ અફેર

ટૂંકી વાર્તા -મનહર રવૈયા

પ્રતીક ઓફિસેથી છૂટીને આજે સીધો ઘરે આવ્યો. એને વંદનાને લઈને છેલ્લા શોમાં ફિલ્મ જોવા જવું હતું. જોયું તો મમ્મી કિચનમાં રસોઈ કરી રહી હતી. ફિઝિયોથેરપિસ્ટ વીરાણીસાહેબ પિતાજીને કસરત કરાવી રહ્યા હતા, પણ વંદના નજરે ન પડી. પ્રતીક કપડાં બદલી ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો. પ્રતીકને આવેલો જોઈને એની મમ્મીએ રસોઈ કરતાં કરતાં જ ગેસ પર ચા મૂકી દીધી. આવીને તરત ચા પીવાની આદત પ્રતીકને હતી.

આદતના જોરે પ્રતીકે બાથરૂમમાંથી આવીને સોફામાં ગોઠવાતાં બૂમ મારી, ‘મમ્મી…! ચા લાવજે… અને વંદના ક્યાં?’

‘અરે ભાઈ, વંદના આજે હજુ આવી નથી’ ચાનો કપ આપી શારદાબહેને કહ્યું.

પ્રતીકે મોબાઈલમાં જોયું. સાડાસાત વાગ્યા હતા. હંમેશ છ વાગ્યે ઘરે આવતી વંદના આજે કેમ લેટ…? ચા પીને પ્રતીકે વંદનાની ઓફિસે ફોન કર્યો પણ એ લેન્ડલાઈન નંબર એન્ગેજ હતો. એણે વંદનાનો મોબાઈલ ડાયલ કર્યો તો સ્વિચ ઓફ્ફ હતો. ઓફિસ અવર્સ દરમિયાન વંદના મોબાઈલ ઓફ્ફ જ રાખતી, પરંતુ હવે તો તેણે મોબાઈલ ઓન રાખવો જોઈએને. એ મનોમન ધૂંધવાતો રૂમમાંથી ઊઠીને બહાર કમ્પાઉન્ડમાં આવી ઝૂલા પર બેઠો. નજર રસ્તા પર પાથરીને વંદનાની પ્રતીક્ષામાં જ…

જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ પ્રતીકની ધીરજ ખૂટતી જતી હતી. બે વાર તો એની મમ્મીએ જમવા બોલાવ્યો પણ એ ઝૂલા પરથી ઊઠયો ન હતો.

રાતના નવ થવા આવ્યા છતાં વંદના આવી નહીં ત્યારે મન ઉચક થઈ રહ્યું. ઝૂલાના હલન-ચલન સાથે અનેક તર્ક-વિતર્ક વચ્ચે ઝૂલી રહ્યું.

શું વંદનાને કોઈ લફરું હશે? કોઈએ તેને ફસાવી હશે? કે પછી સ્ટાફમાં કોઈની સાથે અફેર..

છીછરા વિચારોનાં સાપોલિયાં પ્રતીકના મસ્તકમાં સળવળી ઊઠ્યાં.

હજુ તો બે વર્ષ પહેલાં જ પ્રતીક અને વંદનાનાં લગ્ન જ્ઞાતિ રિવાજ પ્રમાણે એકબીજાની સંમતિથી થયાં હતાં. વંદનાને રૂપ આપવામાં ઈશ્ર્વરે પાછું વળીને જોયું ન હતું. નાજુક, નમણી વંદના સ્વભાવની પછી સાલસ હતી. મર્યાદાશીલ અને ખાનદાન પરિવારમાં તેનો ઉછેર થયો હતો. કોલેજ પછી કમ્પ્યુટરનો સી.પી.સી.એસ.નો કોર્સ કર્યો હતો. છતાં પણ નિરભિમાન વંદના પ્રતીકનાં સુખ-દુ:ખમાં ભાગીદાર બનવા કાયમ તત્પર રહેતી. પ્રતીકને આ બધાની કોઈ કદર ન હતી. જ્યારે એ બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એના પિતા અમૃતલાલને પેરેલિસિસનો હુમલો આવતાં સાવ પથારીવશ થઈ ગયેલા. એમનું શરીર બિલકુલ ઝલાઈ ગયું હતું. બોલી શકતા નહીં આથી એમનાથી હવે સર્વિસ પર જઈ શકાય તેમ ન હતું. તમામ પરિસ્થિતિ જોઈ નિગમના મેનેજરે અમૃતલાલના વારસદાર તરીકે પ્રતીકને એમની કચેરીમાં કલાર્કની જોબ આપી હતી.

હવે પોતાની જ જ્ઞાતિમાં નોકરિયાત યુવક શોધી રહેલા વંદનાના પિતાને પ્રતીક મળી ગયો હતો. આમ વંદના અને પ્રતીકના લગ્ન થયાં હતાં. શરૂઆતમાં સારું હતું. પણ અમૃતલાલના ઈલાજમાં પ્રતીકનો પરિવાર સાવ ઘસાઈ ગયો. આર્થિક સંકડામણ બહુ રહેતી, ત્યારે સુશીલ વંદના પરિવારમાં પ્રતીકને મદદ કરવા માટે જ છેલ્લા સાતેક મહિનાથી એક સોફ્ટવેર બનાવતી કંપનીમાં જોડાઈ હતી.
એક કલાર્ક તરીકે પ્રતીકની મંથલી સેલરી કરતાં વંદનાની સેલરી ડબલ હતી. તેનાથી પરિવારની સ્થિતિમાં ખાસ્સો સુધારો થઈ રહ્યો હતો એ જોતાં પ્રતીક ખુશ હતો, પણ હરકોઈની આંખમાં વસી જાય એવી સુંદર વંદના ઘરે મોડી આવે, એના મોબાઈલમાં કંપનીના સહકર્મચારી પુરુષોના ફોન આવે તેમ જ વંદના કોઈનાથી ઈમ્પ્રેસ થઈ વાતો કરે એ પ્રતીકને પસંદ ન હતું. અહમ્ ઘવાતો જતો હતો અને એક અકળ ભય એને વ્યાપી રહેતો.

પોતે વંદનાને સર્વિસ કરવાની સંમતિ આપીને હવે પસ્તાઈ રહ્યો હતો. વારે વારે ગેટ તરફ નજર કરીને એની આંખો બળવા આવી હતી. ફિલ્મ જોવાનો એનો પ્રોગ્રામ નિષ્ફળ જતાં એને મન આક્રોશ ઊકળી રહ્યો હતો.

ત્યાં જ કંપાઉન્ડના ગેટ પાસે એક કાર આવીને ઊભી રહી. પ્રતીકે જોયું તો વંદના અને એક યુવાન અંદર પ્રવેશ્યાં. પ્રતીકને ગમ્યું નહીં. જેવી વંદના નજીક આવી કે એણે વ્યંગમાં પૂછ્યું, ‘વંદના…! વાહ, આજે તો તું બિફોર ટાઈમ… આઈ મીન તારું કામ વહેલું પતી ગયું નહીં…?’

વંદના સહમી ઊઠી. શું બોલવું એ એને સૂઝયું નહીં ત્યારે સાથે આવેલા યુવાને કહ્યું, ‘હા, એમાં એવું છેને આજે અમારી કંપની દ્વારા બે-ત્રણ પાર્ટીઓને પોતાનો બ્લોગ ચલાવવા માટે પોતાની જ સાઈટ લોન્ચ કરવાની હતી. જેથી મોડું થયું તો બોસે કહ્યું કે જાઓ, વંદનાબહેનને છેક ઘરે મૂકી આવો.’

પ્રતીક એ હેન્ડસમ યુવાનને ઈર્ષાની નજરે જોઈ રહ્યો. ત્યારે વંદનાએ વિવેક કર્યો, ‘સર આવો અંદર બેસો… કોફી કે કંઈક ઠંડું…’

‘નહીં… પ્લીઝ અત્યારે રહેવા દો.. મારેય મોડું થાય છે. પછી ક્યારેક આવીશ. ચાલો હું નીકળું, બાય…’

પ્રતીકને હાથ હલાવી બાય કહેતાં યુવાન ચાલવા લાગ્યો. વંદના એને છેક ગેટ સુધી વળાવી આવી.

ઘરમાં સૌ સૂઈ ગયા હતા. વંદના અને પ્રતીકનું જમવાનું ડાઈનિંગ ટેબલ પર તૈયાર હતું, ત્યાં પણ જમતાં જમતાં પ્રતીકે વંદનાને પૂછયું, ‘કોણ છે એ યુવાન? બહુ સ્માર્ટ છે…?’

‘હું તમને ક્યારેક માનસ ચૌધરીની વાત નહોતી કરતી…? એ આ માનસ ચૌધરી. અમારી કંપનીના કમ્પ્યુટર એન્જિનિયર પોતે. મને ડ્રાઈવર મૂકવા આવતો હતો. છતાં એ પોતે આવ્યા…’

માનસ ચૌધરીનું નામ આવતાં પ્રતીકને યાદ આવ્યું કે ઘણી વાર એણે વંદનાના મોબાઈલ પર રિસીવ્ડ કોલમાં એ નામ જોયું હતું. અરે એક વાર ફેશન પોઈન્ટ રેડીમેઈડ કપડાના શોરૂમમાં વંદના સાથે ગયેલો ત્યારે એક જોડી પસંદ કરી પોતે પૂછેલું, ‘જો વંદના, આ બ્લેક જીન્સ પર યલો ટી-શર્ટ મેચ થાય છેને…?’

‘બિલકુલ નહીં, આ તો ટેક્સી કલર જેવું લાગે છે. બ્લેક પેન્ટ પર તો વ્હાઈટ ટી-શર્ટ જામે. અમારી ઓફિસમાં માનસ ચૌધરી બ્લેક જીન્સ પર વ્હાઈટ ટી-શર્ટ પહેરીને આવે છે, ત્યારે બહુ હેન્ડસમ લાગે છે.’

એ માનસ ચૌધરીને જોઈને પ્રતીકના મનમાં શંકાનો કીડો સળવળી રહ્યો. જેમ તેમ જમીને એ બેડરૂમમાં આવી પલંગમાં બેઠો. થોડી વારે કપડાં બદલી વંદના ગુલાબી નાઈટીમાં સજજ થઈ બેડમાં આવી. પ્રતીક તેની પ્રતીક્ષામાં કોઈ સાપ્તાહિક પૂર્તિ વાંચી રહ્યો હતો.

‘પ્રતીક, તારે વાંચવું છે?…? નહીંતર લાઈટ બંધ કરી દઉં.’
‘હા, લાઈટ બંધ કરી દે…’ પૂર્તિ ટિપાઈ પર મૂકી પ્રતીકે પલંગમાં લંબાવ્યું.

વંદનાએ બેડરૂમની લાઈટ ઓફ્ફ કરી નાઈટ લેમ્પની સ્વિચ ઓન કરી, એ સાથે નાઈટ લેમ્પનો વાયોલેટ પ્રકાશ રૂમમાં પ્રસરી રહ્યો.

‘હાશ, આજે તો હું ગજબની થાકી ગઈ છું…’ કહેતાં વંદનાએ પ્રતીકની બાજુમાં લંબાવ્યું. એ સાથે જ પ્રતીકે તેને બાહુપાશમાં લેતાં ચૂમી લીધી.

‘બસ પ્રતીક…! નો રોમેન્સ. આજે મારો મૂડ નથી. થાકી છું તેથી સહેજ માથું ભારે ભારે લાગે છે.’

‘પણ તું એન્જોય તો કર, ફ્રેશ થઈ જઈશ…’

‘નો પ્રતીક…! પ્લીઝ મારે સૂઈ જવું છે.’ એક ઝટકા સાથે વંદના પ્રતીકને અળગો કરી પડખું ફરી ગઈ. પ્રતીકને વંદનાનું વર્તન અપમાનજનક લાગ્યું. એનો ઉત્સાહ આશંકામાં પરિવર્તિત થઈ રહ્યો. એનું પૌરુષ બળવો કરી ઊઠ્યું, ‘હા હા, તું તારે સૂઈ જા. મારે માટે તો હવે તને સમય જ ક્યાં છે. હમણાં થોડીવાર પહેલાં પેલા માનસ સાથે કેવી હસતી હસતી વારો કરી એને ચા-પાણીનો આગ્રહ કરતી હતી. ત્યારે તને મૂડ હતો કેમ…?’

‘ઓહ પ્રતીક, એ તો એક ઔપચારિકતા. મારે ઘરે આવેલા સ્ટાફમિત્રને વિવેક કરવો પડે.’

‘બસ, મને સમજાવવાની જરૂર નથી. ઔપચારિક વિવેકની આડમાં તું શું કરે છે એ હું જાણું છું. મારી હાજરીમાં તું એની સાથે ખીલી ઊઠી હતીતો ઓફિસમાં…’

‘પ્લીઝ સ્ટોપ ઈટ પ્રતીક, મર્યાદામાં રહીને વાત કરજે… અત્યારે રિયલી બોર થઈ ગઈ છું. તારે મારી સ્થિતિનો વિચાર કરવો જોઈએ. મારી લાગણીઓને સમજવી જોઈએ. તારી પત્ની છું એનો અર્થ એવો નથી કે મારે તારી તમામ ઈચ્છાઓને તાબે થવું.’ વંદના થોડી ઉગ્ર થઈ રહી. પ્રતીકનાં વર્તન અને વાણી એને
ગમ્યાં નહીં.

‘પરંતુ સુખી દામ્પત્યજીવન માટે સ્ત્રીએ એના પતિને સમય આપવો પડેને…?’

‘એ તારી માન્યતા ખોટી છે. સફળ દામ્પત્યજીવનનો આધાર છે બદલાતા સંજોગોમાં પતિ-પત્નીએ પરસ્પરની લાગણીને અનુરૂપ થવું…’

આમ પ્રતીક અને વંદના વચ્ચે જીભાજોડીમાંથી ઝઘડો થઈ ગયો અને વંદના રડતી રડતી મોડી રાતે માંડ સૂઈ શકી. બીજા દિવસે સવારે વંદના જાગી તો એની આંખો ઉજાગરાથી બળતી હતી. માથું હજુ ભારે ભારે હતું. પ્રતીક હજી ઘસઘસાટ ઊંઘતો હતો. તેને ચાદર ઓઢાડીને વંદના પલંગમાં બેઠી. ગઈ કાલે રાતે પ્રતીકની સામે બોલીને એને નારાજ કરવા બદલ એ પસ્તાવો કરી રહી. હવે પછી પ્રતીકને અનુરૂપ થવાનો નિર્ણય કરી કામે વળગી.

પરંતુ સર્વિસ કરતી વંદના પ્રત્યે દિન-પ્રતિદિન પ્રતીકની શંકાનો ગુણાકાર થતો રહ્યો. પ્રતીક વંદનાની જાસૂસી કરવા લાગ્યો. વંદનાની ઓફિસે વંદનાની હાજરી ચકાસવા સમય-કસમયે ફોન કરવા, ક્યારેક ઓચિંતા જ ઓફિસમાં રૂબરૂ જઈ ચડવું, વંદનાના મોબાઈલમાં કોલ સમરી ચેક કરવી, પરપુરુષો જોડે શું વાત થઈ તે વિષે પ્રશ્ર્નો કરવા વગેરે નાની નાની હરકતોથી વંદના તંગ આવી ગઈ. માનસિક રીતે ત્રસ્ત રહેવા લાગી જેથી ઓફિસ વર્કમાં એનું ચિત્ત લાગતું નહીં. અવારનવાર એનાથી ભૂલો થતી. આથી એક દિવસ રિસેસમાં માનસ ચૌધરીએ પૂછયું, ‘મિસિસ વંદના…! એકચ્યુઅલી તમારી પર્સનલ લાઈફમાં મારે પુછાય નહીં પણ હમણાંથી તમે કોઈ ટેન્શનમાં રહો છો. આખરે શું વાત છે?’

પોતાની દુ:ખતી રગ દબાતાં જે પીડા થાય એવી પીડા વંદના અનુભવી રહી. પણ એ પીડાને દબાવી એ નિરુત્તર રહીને નીચું જોઈ ગઈ. ત્યારે માનસે એના ખભા પર હાથ મૂકીને પુન: કહ્યું, ‘જુઓ, મનમાં એકલા એકલા ટેન્શનનું ભારણ સારું નહીં. અને ટેન્શનનું એવું છેને કે કોઈ પણ મિત્ર કે અંગત સ્નેહીને એની વાત કરવાથી બોજ હળવો થઈ જાય છે. માટે તમને જો તકલીફ ન હોય તો મને કહો, હું તમને મદદ કરીશ…’

માનસના શબ્દોમાં વંદના ને આત્મીયતાનો રણકાર સંભળાયો, પોતીકાપણાની લાગણી દેખાઈ આવી. એણે સજળ આંખે પ્રતીકના શંકાશીલ સ્વભાવ અને હરકતોની સંપૂર્ણ વાત કહી.

‘ઓહ માય ગોડ, શંકા… વહેમ… એ પણ તમારાં જેવી સુશિક્ષિત – સંસ્કારી પત્ની પર? વેરી બેડ. ચાલો હું આજે જ પ્રતીકને મળીશ…’

‘નહીં… નહીં, તમે પ્રતીકને કશું કહેતા નહીં, નહીંતર ઊલટાની એની શંકા દૃઢ બનશે…’ વંદના ગભરાઈ ઊઠી.

આમ બંનેની વાતો ચાલતી હતી ત્યાં જ પ્રતીક આવી ચડ્યો. જોકે એ વંદનાનું એક્ટિવા સ્કૂટર લેવા જ આવ્યો હતો. એને કોઈ ગોડાઉન ચેક કરવા જવાનું હતું એટલે જ સ્તો. વંદના અને માનસને વાતો કરતાં જોઈને એના ચહેરા પર અણગમાના ભાવ તરી આવ્યા હતા, પણ નિગમના સાહેબ તેની સાથે હતા. જે તેની રાહ જોતાં બહાર ઊભા હતા એટલે કશું બોલ્યા નહીં.

રાતે વંદના ઘરે આવી કે પ્રતીક વરસી પડ્યો. બંને વચ્ચે એવો ઝઘડો જામ્યો કે પ્રતીકે વંદના પર હાથ ઉપાડ્યો. બીજા દિવસે વંદના એના પિતાને ત્યાં ચાલી આવી. એના પિતાજીએ જ્યારે જાણ્યું કે પ્રતીક સાવ છીછરા મનનો અને વહેમાળ છે ત્યારે એમણે જ પ્રતીક સાથે વંદનાના ડાઈવોર્સ માટે કોર્ટમાં કેસ કર્યો.

સામે પ્રતીક પર વંદના પર અવનવા આક્ષેપો સાથે પોતાનો બચાવ કરવા બાહોશ વકીલ જયંત દેસાઈને નિયુક્ત કર્યો. હવે આવા માહોલમાં સતત ટેન્શનમાં રહેતી વંદનાને બસ એક માનસ ચૌધરી પાસે જ હૂંફ મળતી રહેતી જેથી બંને વચ્ચે અંતર ઘટતું ગયું. અને ઓફિસની મૈત્રીએ બંનેને ખૂબ જ નજીક લાવી દીધાં. પરિણામે બંને વચ્ચે પ્રેમસંબંધ ગાઢ બની રહ્યો.

એ દરમિયાન ટૂંકા ગાળામાં વંદનાને ડાઈવોર્સ મળી ગયા એટલે તેણે માનસ ચૌધરી સાથે લવમેરેજ કર્યાં. આથી ઘવાયેલા, હતાશ પ્રતીકે એના વકીલનો ઊધડો લીધો.

‘મિ. દેસાઈ…! તમારી નબળાઈઓના કારણે હું કેસ હારી ગયો છું. તમને મારા કેસમાં રસ નહોતો તો પછી તમારે મને કેસ લડવાની ના પાડવી હતીને. આ જુઓ તમારી ભૂલના કારણે મેં વંદનાને ગુમાવી…’

એડવોકેટ જયંત દેસાઈ જરા પણ ગુસ્સે થયા વગર બોલ્યા, ‘બસ પ્રતીક બહુ થયું, કેસ હારી જવામાં મારી નબળાઈ કે ભૂલ કારણભૂત નથી. પણ તમારી માનસિક નબળાઈ છે માટે વંદના જેવી સમજદાર સ્ત્રી તમે ગુમાવી છે. મેં વંદના વિષે જાણ્યું તો તમારી સાથેના લગ્નજીવનમાં એ સો ટકા વફાદાર હતી, એને કોઇ બાહ્ય સંબંધ નહોતા, અમુક પુરુષોમાં સર્વિસ કરતી સ્ત્રી પર શંકા કરવાની આદત હોય છે. પછી એમાંથી ખોટા વહેમાઈને સ્ત્રીની જાસૂસી કરવા લાગે. જેને મેડિકલની ભાષામાં પેરોઈડજેલસી કહે છે. અને તમે પણ પેરોઈડજલેસીના શિકાર બનીને વંદના પ્રત્યે શંકાભર્યા વ્યવહાર કરતા જુઠ્ઠા વહેમમાં તેને ન કહેવાનું કહેતા. પછી બિચારી આવો માનસિક ત્રાસ ક્યાં સુધી સહન કરે…? કોને ફરિયાદ કરે….? આવી સ્થિતિમાં જ્યાંથી એને સ્નેહ-હૂંફ અને હિંમત મળે ત્યાં એનું મન ખેંચાઈ રહે. એ મુજબ જ વંદના અને માનસ વચ્ચે પ્રેમસંબંધ સ્થપાયો હતો. આને રિબાઉન્ડ અફેર કહેવાય…’
એડવોકેટ જયંત દેસાઈનો શબ્દ રિબાઉન્ડ અફેર પ્રતીકના હૈયાને ચીરતો આરપાર સોંસરવો નીકળી ગયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા