ઉત્સવ

ઉંદરનો જીવ જાય ને બિલાડીને હસવું આવે

જબાન સંભાલે કે -હેન્રી શાસ્ત્રી

ઉત્તરકાશીમાં એક બોગદામાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા એ સમયે ‘રેટ હોલ માઈનિંગ મેથડ’ વિશે ખાસ્સો ઉલ્લેખ થયો. ઉંદર જેમ ઉતરડી ઉતરડી ખાડો કરે એમ માણસોની ટુકડી મશીનની મદદથી જમીનમાં સાંકડા ખાડા કરે એ પદ્ધતિ ‘રેટ હોલ માઈનિંગ મેથડ’ કહેવાય છે. શબ્દકોશમાં ઉંદર માટે ખનક, વૃક, પુંધ્વજ, ઉન્દુર. ઉન્દુરુ, મૂષક અને આખુ એવા પર્યાયવાચી નામ આપવામાં આવ્યા છે. મૂષકરિપુ શબ્દ સમજવા જેવો છે. રિપુ એટલે દુશ્મન અને મૂષક એટલે ઉંદર. ઉંદરનો શત્રુ કોણ? તો કે બિલાડી. મૂષકરિપુ એટલે બિલાડી એવો અર્થ છે. શાળાના ભણતરમાં આવતી વાર્તા ઉંદર સાત પૂંછડિયો અનેક લોકોના સ્મરણમાં હશે. આ વાર્તા જીવનના અભાવ, એષણા જેવી બાબતો પર પ્રકાશ ફેંકી સુંદર બોધ આપે છે. કહેવતો અને રૂઢિપ્રયોગમાં પણ ઉંદરની દોડાદોડી જાણવા જેવી છે. ઉંદર બિલાડીની પ્રીત એટલે ભારે દુશ્મનાવટ. બાપે માર્યા વેર જેવું. આ જ વાત ઉંદર બિલાડીનો મેળ પ્રયોગમાં પણ વ્યક્ત થાય છે. ઉંદર ને બિલાડીના જેવું વેર, દુશ્મનાવટ, અણબનાવ, અદાવત વગેરે. શ્રીમંત – ધનવાન કે હોદ્દામાં ઊંચા હોય એવા લોકો ગરીબ – રાંક લોકોની ઠઠ્ઠા મશ્કરી કરતા અચકાતા નથી. એમને મન બે ઘડી મશ્કરી હોય પણ સામી વ્યક્તિને હાડોહાડ અપમાન લાગતું હોય કે જીવ કળીએ કળીએ કપાઈ જતો હોય અને એની મોટા માણસને પરવા પણ ન હોય. આ વાત ઉંદરનો જીવ જાય ને બિલાડીને હસવું થાય કહેવત દ્વારા વ્યક્ત થાય છે. ફિકર વગરના માણસનું જીવન તણાવમુક્ત હોય છે. એને
શિરે કોઈ ઉપાધિ નથી હોતી. આ વાત ઉંદરને ઉચાળો શો? રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે.

ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ કહેવતમાં જીવનનું સત્ય અને સત્વ ઝીલાયા છે. મહેનત કરી દર ઉંદર તૈયાર કરે અને તેમાં સાપ આવીને રહે એવી વાત છે. વૈતરું કોઈ કરે નર ફળ બીજું કોઈ ખાય. કોઈની મહેનત અને તેનો
લાભ બીજો લઈ જાય. મારવો ઉંદર અને
ખોદવો ડુંગર એટલે મહેનત ઝાઝી અને
પરિણામ શૂન્ય.
મૂષક વિહાર: ધર્મ તીર્થ

મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થ તારંગા તીર્થ મૂષક વિહાર તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત રાજા કુમારપાળ, સોનામહોરો તેમજ મૂષક એટલે કે ઉંદર એમ ત્રણેયને સાંકળતી કાનોકાન સાંભળીને પ્રખ્યાત બનેલી વાર્તાને આધારે આ તીર્થને મૂષક વિહાર પણ કહેવામાં આવે છે. માહિતી અનુસાર મહારાજા સિદ્ધરાજથી નાસતા ફરતા કુમારપાળને એક અજબ કૌતુક નજરે પડ્યું. એક દરમાંથી એક ઉંદર વારંવાર બહાર આવી એક ચાંદીનો સિક્કો મૂકીને જતો. આવજા દરમિયાન ઉંદર એકવીસ સિક્કા બહાર લાવ્યો અને એની ઉપર બે પગે ઊભા રહીને આનંદથી નાચી રહ્યો હતો ત્યાં અવાજ થતા એક સિક્કો લઈ દરમાં પેસી ગયો. વીસ સિક્કા બહાર રહ્યા. એ સમયે કુમારપાળ ભારે આર્થિક તંગીમાં હતા. તેમણે બાકીના સિક્કા ઉઠાવી લીધા અને ઉંદર શું કરે છે એ જોવા થોડે દૂર સંતાઈને ઊભા રહ્યા. થોડી વારે ઉંદર બહાર આવ્યો. પરંતુ ચાંદીના સિક્કા દેખાયા નહીં એટલે ઘાંઘો થઈ આમતેમ દોડવા લાગ્યો. વિલાપ કરતા પથ્થર પર માથું કૂટવા લાગ્યો. પરિણામે થોડી વારમાં તેનું મૃત્યુ થયું. આ જોઈ કુમારપાળને બહુ દુ:ખ થયું અને ભારે હૈયે ત્યાંથી રવાના થયા. સમય જતાં કુમારપાળ રાજા થયા ત્યારે ઉંદરનું કરુણ મૃત્યુ ભુલાતું ન હતું. રાજાને ખૂબ પશ્ર્ચાત્તાપ થયો અને પાપનું પ્રાયશ્ર્ચિત કરવા હેમચંદ્રાચાર્યની સલાહ માંગી. આચાર્યે જવાબ આપ્યો કે, જ્યાં કોઈ પ્રાણીનું અકલ્યાણ થયું હોય ત્યાં સર્વનું કલ્યાણ થાય એવું દેવમંદિર બાંધો. આ સલાહને અનુસરી મહારાજા કુમારપાળે એ સ્થળે સુંદર મૂષક વિહાર બંધાવ્યો.

म्हणी मध्ये उंदीर 

રેટને મરાઠીમાં ઉંદીર કહેવાય છે. મરાઠીમાં ઉંદર સંબંધિત બે રૂઢિપ્રયોગ જાણવા જેવા છે. એક છે डोंगर पोखरून उंदीर काढणे. ખૂબ કે કષ્ટ કે મહેનત કર્યા પછી મામૂલી કે નજીવો લાભ – ફાયદો થવો એ આ રૂઢિપ્રયોગનો ભાવાર્થ છે. આવી જ એક ગુજરાતી કહેવત પણ છે ને કે ‘ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર.’ મરાઠી ભાષાનો લાક્ષણિક પ્રયોગ છે उंदराला मांजर साक्ष. આ પ્રયોગમાં એકમેકના દુશ્મન ઉંદર – બિલાડી હાજર છે. ખરાબ કે ગુનાઇત કામ કરતી વખતે એકબીજાને ટેકો આપવો કે પડખે ઊભા રહેવું એ એનો ભાવાર્થ છે. કોઈ ગુનેગારે ખૂન, ચોરી કે લૂંટ ચલાવી હોય અને એને અદાલતના કઠેડામાં ઊભો કરવામાં આવે ત્યારે એને બચાવવા ઉપરી અથવા બૉસ હાજર રહે છે. અહીં ગુનેગાર ઉંદર અને માલિક બિલાડી છે. મૂળમાં તો એનો દુશ્મન, પણ ઉંદરને ખબર નથી હોતી કે પોતાનો સ્વાર્થ સાધવા બિલાડી એને મદદરૂપ થઈ રહી છે. आपल्याकडे आपले लाडके दैवत गणपती बाप्पाचे वाहन उंदीर आहे आणि त्यामुळे कदाचित त्याला मराठी भाषेत मामाचा दर्जा दिला गेला असावा. उंदीरमामा असा या प्राण्याच्या उल्लेख बालगीतापासून अनेक ठिकाणी येतो. આપણી સંસ્કૃતિમાં ગણપતિ બાપા લાડકા દેવ ગણાય છે. તેમનું વાહન ઉંદર – મૂષક હોવાથી મરાઠીમાં તેને મામાનો દરજ્જો મળ્યો હોવાની સંભાવના છે. બાળગીતમાં તેમજ બાળ વાર્તાઓમાં આ પ્રાણીનો ઉલ્લેખ ઉંદર મામા તરીકે અનેક ઠેકાણે જોવા મળે છે. 

कहावतों में चूहा

હિન્દીમાં પણ મૂષક મહારાજ (ચૂહા) કહેવતો અને રૂઢિપ્રયોગમાં જોવા મળે છે. चूहे के हाथ हल्दी की गिरह लगी वो पंसारी बन बैठा.  હલ્દી કી ગિરહ એટલે હળદરનો ગાંગડો અને પંસારી એટલે મસાલાનો વેપારી અથવા ગાંધી. અપાત્ર વ્યક્તિને જરાક અમથું કંઈ મળી જાય તો જાણે મોટો મીર માર્યો હોય એમ કોલર ટાઈટ કરી વર્તવા લાગે છે એ ભાવ છે આ કહેવતનો. આટલું વાંચી તમને આવો જ ભાવાર્થ ધરાવતી ગુજરાતી કહેવત ‘સૂંઠને ગાંગડે ગાંધી ન બનાય’ યાદ ન આવી હોય તો જ નવાઈ. ઉંદરની એક અત્યંત પ્રચલિત હિન્દી કહેવત તો તમે જાણતા જ હશો કે नौ सौ चूहे खाकर बिल्ली हज को चली. અહીં ઉંદર મારવા એ અધર્મનું પ્રતીક છે જ્યારે હજ પર જવું એ ધર્મની નિશાની છે. સમગ્ર જીવન પાપ – દુષ્કર્મ કર્યા પછી ઢળતી ઉંમરે તીર્થ યાત્રા પર નીકળતી વ્યક્તિને આ કહેવત દ્વારા ટોણો મારવામાં આવે છે. વ્યવહારુ અભિગમ પર નિર્દેશ કરતી કહેવત છે चूहे के चाम से नगाड़े नहीं मढ़े जाते. ઉંદર બહુ નાનકડું પ્રાણી છે અને નગારું બહુ મોટું હોય છે. જો નગારા પર ચામડું મઢવાનું હોય તો ઉંદરનું ચામડું પૂરતું ન પડે. મતલબ કે નજીવા સાધનોથી મોટું કામ સિદ્ધ ન થઈ શકે. हाथ का चूहा बिल में बैठा કહેવતમાં બિલ એટલે દર. હાથમાં હતો એ ઉંદર નાસીને દરમાં પેસી ગયો એ એનો શબ્દાર્થ છે. પાસે હતું એ પણ ગુમાવી દીધું એ એનો ભાવાર્થ છે. આજની અંતિમ કહેવત છે चूहे घर में दण्ड पेलते हैं. અહીં જીવનની અવસ્થા – પરિસ્થિતિનું વર્ણન છે. ઘર ખાલીખમ હોવું, અત્યંત ગરીબાઈ હોવી એ એનો ભાવાર્થ છે. ગુજરાતી કહેવત ઘરમાં હાલ્લાં કુસ્તી કરે પણ એ જ ભાવાર્થની છે.

RAT IDIOMS
અંગ્રેજીમાં ઉંદર માટે and MOUSE શબ્દ વપરાય છે. બંનેમાં મુખ્ય ફરક કદનો છે. રેટ કદમાં મોટા અને વજનમાં ભારેખમ હોય છે, જ્યારે માઉસ સરખામણીમાં નાના અને વજનમાં હલકા હોય છે. એના અંગ્રેજી રૂઢિપ્રયોગો અને કહેવતો જાણીએ. To look like a drowned rat એટલે પાણીથી લથબથ દેખાવું. It was raining so hard on the way home from work that I looked like a drowned rat when I got home.. બીજો પ્રયોગ છે To smell a rat. કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા કોઈ છેતરવાની કોશિશ કરી રહ્યું છે એવો એનો અર્થ છે. આને સમકક્ષ ગુજરાતી કહેવત છે દાળમાં કંઈક કાળું છે.

Rat raceપ્રયોગ તમે સાંભળ્યો હશે અને આધુનિક જમાનામાં એના વધુ ઉદાહરણ જોવા મળે છે. સફળતા, સંપત્તિ કે સત્તા મેળવવા માટેની તીવ્ર સ્પર્ધા કે આંધળી દોડ માટે આ પ્રયોગ વપરાય છે. આ સિવાય નોકરી કરતા લોકો એકબીજાથી આગળ નીકળી જવા એવા મથતા હોય છે કે તેમની પાસે ફુરસદનો કે આનંદ કરવાનો સમય જ નથી રહેતો. આ લોકો રેટ રેસમાં જોડાયા છે એમ કહેવાય છે. કોઈનું ખરાબ કે અશોભનીય વર્તન ઉપરીને જણાવવું કે કોઈનો દોષ સાબિત કરતી માહિતી આપવી એને માટેTo rat on someone રૂઢિપ્રયોગ વપરાય છે. કોઈ વસ્તુ કે કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું હોય એ દર્શાવવા Like a rat up a drainpipe કહેવત વાપરવામાં આવે છે. She had to run so fast over the hot sand at the beach that it was like watching a rat up a drainpipe! વિખ્યાત હોલીવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’માં જ્યારે જહાજ ડૂબી જવાના અણસાર મળે છે ત્યારે અનેક લોકો પોતાનો જીવ પહેલો બચે એ માટે નાસભાગ કરતા દેખાડ્યા છે. એ વખતે ડિરેક્ટરે વીએફએક્સનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં ઉંદરડા જીવ બચાવવા દોડતા દેખાડ્યા છે. બહુ જાણીતી કહેવત છે કે Rats abandoning a sinking ship.. ડૂબતું જહાજ ઉંદરડા છોડી દે છે. મુસીબત માથે તોળાતી હોય ત્યારે લોકો સાથ છોડી જતા રહે છે એ એનો ભાવાર્થ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…