ઉત્સવ

તમામ પ્રકારના અવરોધો હોવા છતાં હિંમત હાર્યા વિના કોશિશ ચાલુ રાખનારી વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જ શકે છે

અમદાવાદના એક ગરીબ કુટુંબમાં જન્મેલી પલક સોંદરવા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ્સ જીતી લાવી

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

પલક સોંદરવાને નાનપણથી જ સ્પોર્ટ્સમાં બહુ રસ હતો. તેણે નાની ઉંમરે જ એવું વિચારી લીધું હતું કે એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને ભારતનું નામ રોશન કરવું છે. આ સપનું તેણે પૂરું પણ કરી બતાવ્યું છે. જો કે આ સફરમાં તેણે ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો. હજી પણ તે ઘણી તકલીફોનો સામનો કરી રહી છે. પલક આમ તો ઘણી સ્પોર્ટ્સની ખેલાડી છે, પણ ખાસ કરીને વોટર સ્પોર્ટ્સમાં તેને ઘણી આર્થિક મુશ્કેલીઓ નડી છે. વોટર સ્પોર્ટ્સ પ્લેયર પાસે વોટરબોટ હોવી જરૂરી હોય છે, પણ પલક પાસે એ સુવિધા નહોતી એટલે તે રેસ્ક્યુ બોટમાં પ્રેક્ટિસ કરતી અને એ બોટ પણ ન મળે ત્યારે નદીના કિનારે બેસીને પ્રેક્ટિસ કરતી! અને હજી સુધી અમદાવાદમાં પલક આ ગેમની જ્યાં પ્રેક્ટિસ કરે છે ત્યાં તેની પાસે બોટ નથી!

સામાન્ય કરતાં આ રમતમાં ખર્ચ પણ વધારે થાય. બોટનું એક પેડલ જ દસથી બાર હજાર રૂપિયાનું આવે છે અને આખી બોટ તો સાડા ચાર લાખ રૂપિયાની આવે છે. ગરીબ કુટુંબમાં જન્મેલી પલક પાસે બોટ લેવાના પૈસા તો ક્યાંથી હોય?

પલકના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી તો પણ ગમે તેમ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવાના પ્રયાસો પલકે ચાલુ રાખ્યા. આર્થિક તકલીફો છતાં પલકને તેના પરિવારે પૂરતી મદદ કરી છે. પલકના પિતા સ્નેહલભાઈ અમદાવાદમાં ટોરન્ટ પાવર કંપનીમાં મજૂર તરીકે નોકરી કરતા હતા. તેમનું કામ ખાડા ખોદવાનું હતું અને માતા પુષ્પા પણ નાની-મોટી ફેકટરીમાં જોબ કરતી હતી. એમ છતાં તેઓ ઉછીના પૈસા લાવીને ય પલકને સ્પોર્ટ્સની તાલીમ માટે મદદ કરતા. તાલીમ ઉપરાંત પલકને બીજા રાજ્યમાં રમવા મોકલવા માટે, તે જ્યાં રમવા ગઈ હોય ત્યાં ખાવા-પીવાના ખર્ચ માટે પણ જેમ-તેમ કરીને તેઓ પૈસાની ગોઠવણ કરતા.

પલકનું જીવન સંઘર્ષમય રહ્યું છે. પલકનાં માતા પિતા વહેલી સવારે કામે નીકળી જતા એટલે ઘરકામની ઘણી ખરી જવાબદારી નાનપણથી જ પલક પર આવી પડી હતી. પલક ઘરકામની સાથે પોતાના નાના ભાઈ રાહુલની સંભાળ પણ રાખતી હતી. આ પરિસ્થિતિમાં પણ તે સપનું જોતી હતી કે તેને પતિયાલાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં જવાની તક મળે. અલબત્ત, પલકના કુટુંબ પાસે એટલા પૈસા નહોતા કે પતિયાલામાં તેના માટે લાખ રૂપિયાની ફી ભરી શકે અને તેનો રહેવાનો તથા અન્ય ખર્ચ કરી શકે. તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિ તો એવી હતી કે કાં તો પલક ભણે કાં તેનો નાનો ભાઈ ભણી શકે. તેથી પલક પૈસા કમાવા માટે સ્કૂલમાંથી છૂટીને ઘરગથ્થુ કામ કરવા દોડવા લાગી હતી. પલકે પોતાનું સપનું બાજુમાં મૂકી દીધું હતું. તેણે કોલેજમાં ભણતાં ભણતાં નાની નાની નોકરીઓ કરીને ઘરમાં આર્થિક મદદ કરી અને નાના ભાઈને આગળ ભણાવ્યો.

સ્કૂલ અને કોલેજમાં ભણતા, ઘરકામ અને આર્થિક ઉપાર્જન માટે નાના મોટા કામ – નોકરીઓ કરતા કરતા પલકને મનને ખૂણે સ્પોર્ટ્સમાં આગળ વધવાની મનસા હંમેશાં રહી. સંઘર્ષમય પરિસ્થિતિમાં તેણે નિશ્ર્ચય કર્યો કે તે પ્રેક્ટિસ કરશે અને પલક આજે અહીં સુધી પહોંચી શકી છે.

પલકે કોલેજ પૂરી કરી એ પછી બીપીએડની ડિગ્રી મેળવી. હવે તો પલક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે એટલે તેની થોડી નિયમિત આવક થઈ ગઈ છે. જો કે એ પૂરતી નથી.

પલક અલગઅલગ પ્રકારની અનેક ગેમ્સ રમે છે. તે કુસ્તીમાં નેશનલ લેવલ પર રમી છે. જો કે એક વખત તેને કુસ્તીની સ્પર્ધામાં ઈજા પહોંચી અને તેની ત્રણ પાંસળીઓમાં ગંભીર ઈજા થઈ. એમ છતાં તે થોડા સમય પછી ફરી વાર કુસ્તીના મેદાનમાં ઊતરી, પણ પલકને પાંસળીઓમાં જ્યાં ઈજા થઈ હતી તે જ જગ્યાએ તેની હરીફ સ્પર્ધકો પ્રહાર કરતી હતી. ડોક્ટર્સે પલકને ચેતવણી આપી કે હવે તું કુસ્તી રમીશ અને તારી પાંસળીઓ પર સતત પ્રહાર થયા કરશે તો તારે જીવનભર પથારીવશ રહેવું પડે એવી નોબત આવશે. એ પછી પલકે કુસ્તી છોડવી પડી. જોકે પલકે હાર માની નહીં અને તે અન્ય ગેમ્સ તરફ વળી. તે પાવરલિફ્ટિંગ, ફેન્સીંગ, જુડો, કબડ્ડી વગેરે ગેમ્સમાં પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર રમી છે.

પલક રેસલિંગમાં પહેલી નેશનલ ગેમ ૨૦૦૭માં રમી હતી. પહેલી ઇન્ટરનેશનલ ગેમ (વોટર સ્પોર્ટ્સ ગેમ – ડ્રેગન બોટ સ્પર્ધા) તે ચીનમાં ૨૦૧૭માં રમી હતી અને નવેમ્બર, ૨૦૨૨માં તેણે ચોથી વાર ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લીધો. પલક પહેલી ગુજરાતી પ્લેયર છે કે જેણે વોટર સ્પોર્ટ્સમાં ઇન્ટરનેશનલ સ્તરે મેડલ મેળવ્યો હોય.

નવેમ્બર, ૨૦૨૨માં ૧૪મી એશિયન ચેમ્પિયનશિપ ડ્રેગન બોટ સ્પર્ધા થાઇલેન્ડમાં યોજાઈ હતી. પલકે આ ચેમ્પિયનશિપની અલગ અલગ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. પલકે આ ચેમ્પિયનશિપમાં ૧૦૦૦ મીટર તેમજ ૨૦૦ મીટરમાં બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતની સાથે સાથે દેશનું પણ નામ રોશન કર્યું. આ જ ઈવેન્ટમાં ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં પલક બ્રોન્ઝ મેડલ લઈ આવી છે જે હજી સુધી ભારતમાંથી કોઈ લાવી શક્યું નથી. તેની આ ઉપલબ્ધિ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી અને સંસદસભ્ય કિરીટ સોલંકી દ્વારા તેનું સન્માન કરાયું છે.
પલકે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે અને ૫૪ જેટલાં મેડલ મેળવ્યા છે. પલક બહુ સારી બાઈક રાઇડર પણ છે. તે અમદાવાદથી લઈને રાજસ્થાન સુધી અને લદાખથી સિલિગુડી અને ત્યાંથી સિક્કિમ સુધીની બાઈક ટ્રીપ કરી ચૂકી છે. પલક સામાજિક સેવાકાર્યો સાથે પણ સંકળાયેલી છે. ગરીબ અને બીમાર લોકોની તે હંમેશાં મદદ કરતી રહી છે. કોરોનાકાળમાં તેણે
લોકોનાં ઘરોમાં રાશન અને જમવાનું પહોંચાડ્યું હતું. આ ઉપરાંત તે પ્રાણીપ્રેમી પણ છે. તેણે ૨૧ કૂતરા અને કેટલીક બિલાડીઓ સહિતનાં પ્રાણી પાળ્યાં છે. સ્ટ્રીટ એનિમલ્સને રેસ્ક્યુ કરવાના કામોમાં પણ તે સેવા આપે છે. સ્ત્રીઓના સશક્તિકરણ માટે પલક સ્ત્રીઓને વિનામૂલ્યે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપે છે.

પલક કહે છે કે અમારા ક્ષેત્રમાં પણ બહુ રાજકારણ ચાલતું હોય છે. કોઈક ગેમમાં ઓછી આવડત છતાં પૈસાદાર અને વગદાર લોકોનું તેના પહેલાં સિલેક્શન થયું હોય તેવા કિસ્સાઓ બનતા રહે છે. જોકે પલક માને છે કે વગ અને પૈસાના જોરે આગળ વધતાં લોકોની સામે પણ તે કોઈ ઓળખાણ કે પૈસા વગર પોતાની મહેનતથી આગળ આવી છે.

પલક પાસે પોતાની બોટ કે પેડલ્સ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ્સ મેળવ્યા છતાં તે સરકારી સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ માટે જાય છે અને લાકડાનાં ડંડાથી જ તે પ્રેક્ટિસ કરે છે.

પલકની ગુજરાત સરકાર સામે ફરિયાદ છે કે બીજાં રાજ્યોમાં ખેલાડીઓને સન્માન અને સરકારી નોકરી પ્રદાન થાય છે, પણ પલકની આ સિદ્ધિઓ છતાં તેને સરકાર તરફથી જે મળવું જોઈએ તે પ્રાપ્ત થયું નથી. તે કહે છે હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યની સરકાર ખેલાડીઓને આર્થિક મદદ આપે છે એ રીતે ગુજરાત સરકાર પણ અમારા જેવા ખેલાડીઓને પ્રોત્સાહન આપે એવી અપીલ મેં સરકારને કરી છે.

જો કે હવે પલકને આશા છે કે તેને એકલવ્ય એવોર્ડ મળશે. એ માટે તેને નોમિનેશન મળ્યું છે.

આ ઉપરાંત પલક કહે છે કે સ્પોર્ટ્સ વોટર એક્ટિવિટી માટે આપણી પાસે બોટ નથી, પેડલ નથી રમતના અન્ય સાધનોની કમી છતાં ઇન્ટરનેશનલ લેવલ પર હું બે બ્રોન્ઝ મોડેલ લઈ આવી છું. જો સરકાર તરફથી આર્થિક સહાય અને અન્ય સુવિધાઓ મળે તો હું ચોક્કસ આનાથી અનેક ગણો સારો દેખાવ કરી શકું.

પલક શાળામાં ભણતી હતી ત્યારથી રાજયકક્ષા સુધી રમતી હતી. રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યાં પછી ધીરે ધીરે તે વધારે મહેનત કરતી ગઈ. કોલેજમાં પણ સ્પોર્ટ્સ ટીચર શૈલજા અને પ્રિન્સિપાલ સિરાલી મહેતાના સહકારથી તે આગળ વધતી ગઈ અને એક પછી એક મેડલ જીતતી ગઈ. તે કહે છે કે મારી સફળતામાં નેશનલ કોચ રેજી કે.એસ.નો મોટો ફાળો છે.

પોતે જ્યાં ભણી હતી એ એસ.એલ.યુ. ગર્લ્સ કોલેજમાં પોતાના ફોટોઝ જોઈને તે પલક ગર્વ અનુભવે છે. પલક સરખેજમાં જ્યાં ભણી છે એ સ્કૂલમાં તો સ્વાતંત્ર્ય દિને તેને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ મળ્યું હતું. તે કહે છે કે જે સ્કૂલમાં હું બાલમંદિરથી બારમા ધોરણ સુધી ભણી એ જ સ્કૂલમાં મને ચીફ ગેસ્ટ તરીકે ધ્વજવંદનની તક અપાઈ એ મારા માટે બહુ જ ગૌરવની વાત હતી.

અત્યારે પણ પલક સવારે પાંચ વાગે ઊઠીને પ્રેક્ટિસ કરે છે. ઘરે આવીને ફ્રેશ થઈને ઘરનાં કામ પૂરાં કરીને નોકરીએ જાય છે અને ત્યાંથી સીધી રાતે નવ વાગે ઘરે આવે છે. જોબ અને ઘરના કામની સાથે સાથે વિવિધ રમતમાં પ્રેક્ટિસ કરીને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ અપાવવાનું પલકનું સપનું છે. તે કહે છે: મેડલ જીતું ત્યારે બીજા દેશમાં મારા કારણે ભારતનો ધ્વજ ઉપર ઊઠતો જોઉં છું એ મારા માટે સૌથી વધુ ગર્વભરી ક્ષણો હોય છે.

પલક સોંદરવા એ વાતનો પુરાવો છે કે કોઈ વ્યક્તિ તમામ પ્રકારના અવરોધો વચ્ચે પણ હિંમત હાર્યા વિના કોશિશ ચાલુ રાખે તો પોતાના લક્ષ્ય સુધી પહોંચી જ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?