ઉત્સવ

ઉત્તર પ્રદેશનાં તરાઈ જંગલ પીલીભીતમાં ડોકિયું

જંગલમાં પ્રવેશ કરતા જ ચિત્તલનું ઝૂંડ તમારું સ્વાગત કરવા તૈયાર જ હશે. જેમ જેમ જીપ્સી જંગલ માર્ગે આગળ વધશે કે તરાઈનાં અવનવાં પ્રાણીઓ અલગ અલગ રંગરૂપમાં નજર સામે દેખાવા લાગશે. અહીં વાઘને મુક્ત પણે વિહરતો જોવો એ એક લ્હાવો છે. ગગનચુંબી સાલનાં વૃક્ષોમાંથી માંડ માંડ કરીને ગળાઈને આવતો સૂર્ય પ્રકાશ અહીંનાં વિવિધ છોડવાઓને જાણે અલગ જ પ્રકારનાં રંગો પ્રદાન કરે છે

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ભારતીય સંસ્કૃતિમાં અરણ્ય વસેલું છે, ખરી રીતે કહીએ તો અરણ્યમાંથી આપણી સંસ્કૃતિનો જન્મ થયો છે. આપણે સહુ ભારતીય અરણ્યમાંથી જ તો ઉછર્યા છીએ. અરણ્યને નજીકથી જાણવા પ્રયત્નો કરીએ તો એનાં વાત્સલ્યને સ્પષ્ટપણે અનુભવી શકીએ. જંગલને જંગલની રીતે જ માણીએ તો જંગલ વિષે વધારે ઊંડાણમાં સમજી શકીએ. ભારતમાં તરાઈનાં વિશિષ્ટ પ્રકારનાં બારેમાસ લીલા રહેતાં જંગલોમાં ફરતા ફરતા જંગલો સાથે સંવાદ કર્યો અને સમજી શકયો કે જંગલ એટલે કુદરતે સર્જેલી પાઠશાળા, જ્યાં કુદરતનાં નિયમો એ જ એની કિંમત છે. અહીં બસ કુદરતનાં સાક્ષી બનીને જ કુદરતને માણી શકાય. હંમેશાં દરેક જંગલ મને વ્હાલથી આવકાર આપે. હવા સાથે પર્ણોનો વાર્તાલાપ, પંખીઓનો કલરવ, તમરાઓની ગૂંજ, વાઘની ત્રાડ, હરણાઓનો કોલ, ઘુવડનો અલાર્મ કોલ આ સઘળું એમનાં આવકારનાં સંકેતો છે. જંગલ આખુંયે આ વિશિષ્ટ પ્રકારનાં પ્રભાવક જીવોનું ઘર છે અને આ જંગલોનું સર્જન પણ કુદરતે અહીં વસતા દરેક જીવોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કર્યું છે. આ જંગલમાં વહેતી નદીઓ, વૃક્ષો અને પશુ પંખી સમેત સહુએ મને હંમેશાં વ્હાલથી આવકાર્યો છે. જંગલનાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને કંઈક સારું, અલગ અને નશીલું લાગે છે.

દોસ્ત, જંગલ એ નશો છે જે દુનિયાનાં કોઈ પણ નશાની તોલે ન આવે. ભારતનાં અદભૂત જંગલોમાં વિવિધ પ્રકારનાં જંગલોનો સમાવેશ થાય છે જેમાં ઉષ્ણકટિબંધ બારમાસી જંગલો, લીલા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, મિશ્ર જંગલો, શંકુદ્રુમ જંગલો, કાંટાળાં જંગલો, અફાટ રણપ્રદેશો, તરાઇનાં જંગલો, ઘાસિયાં મેદાનો, સમુદ્રકાંઠાનાં મેન્ગ્રુવ્સ અને સ્વેમ્પ જંગલો, દરિયાઈ પરવાળાનું પાણી નીચે રહેલું ગજબ વિશ્ર્વ, વિશાળ નદીઓનાં પટમાં આવેલા મેદાની પ્રદેશો વગેરે. તરાઈનાં જંગલોમાં પહેલી વાર ગયો ત્યારથી જ એવું અનુભવ્યું કે હિમાલયનો આ હિસ્સો સાવ અલિપ્ત અને તપસ્વી જોગીની માફક એની પોતાની જ ધૂનમાં મસ્ત હોય એમ એક અલગ જ રાગ છેડતો હતો. અહીંના વાઘ પણ મસ્ત મગન થઇને ફરતા હોય, હરણાંઓ અહીં તહીં નિશ્ર્ચિત થઈને કૂદતા હોય, બારાસિંઘા સૂર્યની ગરમીમાં મસ્તી કરતા હોય, સૂર્યનાં કિરણો પર્ણોમાંથી ગળાઈને હસતા ઘાસને હૂંફ આપતા હોય અને માટીમાંથી નશીલી સુગંધ મનને તાજગી આપતી હોય. આ બધાની સામે કયું ભૌતિક સુખ વ્હાલું લાગે?

નિસર્ગની પ્રકૃતિ શાંત છે, ગંભીર છે. આ એ જંગલની વાત છે જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં હિમાલયની તળેટીમાં આવેલા તરાઈનાં વિશાળ જંગલોનાં સૌંદર્યનો અનુભવ કરાવે છે. જંગલ સાથે ભયને કશી જ લેવાદેવા નથી હોતી. જો જંગલો ભયાવહ જ હોત તો દરેક જીવમાત્રને એ ક્યારેય ન આકર્ષી શકત. જંગલ કુદરતનું એવું રૂપ છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. હું કુદરતમાં વિશ્ર્વાસ કરું છું અને એ જ કુદરતને હું હંમેશાં જંગલોમાં જ જોઉં છું. નેપાળની સરહદે આવેલ પીલીભીત ટાઇગર રિઝર્વ ભારતનાં સુંદર તરાઈનાં જંગલોમાંનું એક છે.પીલીભીત ટાઇગર રિઝર્વમાં ચૂકા ઇકો ટુરિઝમ ઝોન વિકસાવેલ છે જ્યાં શારદા નદીનો વિશાળ ઘાટ એક સુંદર બીચ માફક જોવા મળે છે અને અહીં ઉત્તર પ્રદેશ વન વિભાગ દ્વારા બોટિંગ કરાવવામાં આવે છે. પીલીભીત પક્ષીવિદો માટે સ્વર્ગ સમું કહી શકાય. ભારતીય વિસ્તારમાં દેખાતા ૧૩૦૦ જેટલાં પંખીઓની પ્રજાતિમાંથી અહીં ૩૭૦ કરતાં પણ વધારે પ્રજાતિઓ જોઈ શકાય છે. આ સ્થળની ૧૫ જૂન સુધી જ મુલાકાત લઈ શકાય છે, ત્યાર બાદ ચોમાસા દરમ્યાન છેક ઓકટોબર ૧૫ સુધી લાંબો બ્રેક હોય છે.

ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર જિલ્લામાં શારદા અને ઘાઘરા નદીનાં કિનારે આવેલ પીલીભીત ટાઇગર રિઝર્વ ભારતનાં ખૂબ જ મનોરમ્ય જંગલોમાંનું એક છે. ભારત-નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત આ જંગલ ૨૦૧૪માં ભારતનાં ૪૫માં ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ૭૩૦.૨૫ ચો.કિમી. વિસ્તારમાં વિસ્તરેલ પીલીભીત ટાઇગર રિઝર્વ આજે આશરે ૬૦ થી ૬૫ જેટલા વાઘ સાથે દેશના સઘળા વાઘ સંરક્ષણ ઉદ્યાનમાંથી વાઘનાં સંરક્ષણ માટે આગવું સ્થાન ધરાવે છે. અહીં ખૂબ જ ટૂંકા ગાળામાં ઝડપથી વાઘની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. તાજેતરમાં પ્રોજેક્ટ ટાઇગરને ૫૦ વર્ષ પૂરા થયા એ અનુસંધાનમાં ભારતભરમાં મુક્તપણે મહાલતા વાઘની કુલ સંખ્યાનાં આંકડા જાહેર કરવામાં આવ્યા જે ૩૧૬૭ છે એ સાથે આજે વિશ્ર્વભરમાં વસતા કુલ વાઘમાથી ૮૦% જેટલા વાઘ તો ખાલી ભારતમાં જ વસવાટ કરે છે. ૧૯૭૩માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ઉત્તરાખંડનાં જિમ કોર્બેટ નેશનલ પાર્કથી પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઇ હતી. તાજેતરમાં છત્તીસગઢ સ્થિત ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્કને ૫૩મો ટાઇગર રિઝર્વ પ્રોજેક્ટ ઘોષિત કરવામાં આવ્યો એ સાથે આજે ભારતમાં કુલ ૫૩ ટાઇગર રિઝર્વ પ્રોજેક્ટ્સ આ અદભુત અને પ્રભાવક પ્રાણીઓનું ઘર બન્યા છે અને કુદરતની આહાર શૃંખલામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે જેનો સંપૂર્ણ શ્રેય પ્રોજેક્ટ ટાઇગરને જાય છે.

ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર ભરપૂર પાણી ધરાવે છે પરિણામે અહીં શેરડીનો મબલખ પાક લેવામાં આવે છે. આ જ શેરડીનાં ખેતરો વાઘનાં બચ્ચાઓનાં ઉછેર માટે સહુથી સુરક્ષિત સ્થળ છે પરિણામે તરાઈનાં આ જંગલોમાં વાઘની સંખ્યામાં ભારતનાં બીજાં જંગલો કરતાં ખૂબ જ ઝડપથી વધારો નોંધાયો છે. જંગલમાં પ્રવેશ કરતા જ ચિત્તલનું ઝૂંડ તમારું સ્વાગત કરવા તૈયાર જ હશે. જેમ જેમ જીપ્સી જંગલ માર્ગે આગળ વધશે કે તરાઈનાં અવનવાં પ્રાણીઓ અલગ અલગ રંગરૂપમાં નજર સામે દેખાવા લાગશે. અહીં વાઘને મુક્ત પણે વિહરતો જોવો એ એક લ્હાવો છે. ગગનચુંબી સાલનાં વૃક્ષોમાંથી માંડ માંડ કરીને ગળાઈને આવતો સૂર્ય પ્રકાશ અહીંનાં વિવિધ છોડવાઓને જાણે અલગ જ પ્રકારનાં રંગો પ્રદાન કરે છે. અહીં વસતા બારાસિંઘા, સાંભર, ચિત્તલ, બાર્કિંગ ડિયર અને હોગ ડિયર મળીને હરણની પાંચ પ્રજાતિઓ, જંગલી સૂવર, વિભિન્ન પ્રજાતિનાં વાંદરાઓ અને માંકડાઓ વગેરે આ જંગલને વાઘ માટે એક આદર્શ અભયસ્થાન પૂરું પાડે છે પરિણામે સહુથી ઓછા સમયમાં વાઘની પ્રજાતિને ડબલ કરવા માટે આ ટાઇગર રિઝર્વ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે.

ચૂકા ઇકો ટુરિઝમ તરીકે ઓળખાતા આ સ્થળ પર ચૂકા બીચ પર જ નૈસર્ગિક વાતાવરણમાં રહીને આ જંગલનો આનંદ માણી શકાય એ માટે વન વિભાગ દ્વારા અહીં વિશ્રામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે જે ઉત્તર પ્રદેશ વન વિભાગની વેબસાઈટ પર સરળતાથી બુક કરાવી શકાય છે. અહીંની સફારી અલગ અલગ ચાર ગેટ પરથી કરી શકાય છે. વાઘને વિહરતો જોવો અહીં ખૂબ સરળ તો ન કહી શકાય પણ નસીબ સાથ આપે તો તરાઈનાં જંગલમાં વાઘ જોવાનો અનુભવ જીવનભરનો સર્વશ્રેષ્ઠ અને યાદગાર અનુભવ બની રહેશે. ખૂબ જ ઊંચું ઘાસ અને ગીચ જંગલના કારણે ભાગ્યે જ અહીં વાઘ દેખાય. ઊંચા સાલની કેનોપી, હિમાલયનાં પક્ષીઓ ક્યાંય આછેરી ઝલક બતાવે તો ક્યારેક કરતબો બતાવે, દેખાય નહિ તો ટહુકારથી એમની હાજરી વર્તાયા કરે એવું વાતાવરણ તો એ અદભુત જીવો બનાવે જ. ફેફસામાં ભરાય એટલી શુદ્ધ હવા ભરી લો અહીં, આંખો થાકે ત્યાં સુધીનું પ્રાકૃતિક સૌંદર્ય મનમાં ઠાંસી લો, બાકી કોઈ કેમેરાની સક્ષમતા નથી કે અહીંયાના વિશ્ર્વને કેદ કરી શકે. છેલ્લે હું એટલું કહી શકું કે જે મળ્યું એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું હતું.

તાજેતરનાં વાઘની વસ્તી ગણતરીના આંકડાઓ, જંગલમાં ત્રાડ પાડીને પોતાના અસ્તિત્વનો પરિચય આપતા જંગલના રાજા વાઘ અને અને એના સંરક્ષણના પ્રયત્નો સીધી કે આડકતરી રીતે આપણને સહુને પર્યાવરણ માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button