ઉત્સવ

નવી સરકાર આવશે… નવા મંત્રી લાવશે !

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આપણો દેશ મંત્રીઓથી સતત ખીચોખીચ ભરેલો રહે છે. વિચાર કરો, આપણા દેશમાં એટલા બધા મંત્રીઓ છે કે ઘણીવાર લાગે કે પ્રજા કરતાં મંત્રીઓ વધારે છે, જ્યાં જોઇએ ત્યાં નાના, મોટા, રાજ્યના, કેન્દ્રના, નવા, હાલના, ભૂતપૂર્વ એવા ઘણાં બધા મંત્રીઓ છે. આ બધા મંત્રી દેશમાં કચરાની જેમ ફેલાયેલા છે. જૂની કે નવી સરકારોનો તંબૂ મંત્રી નામના હાલતા ડોલતા લાકડા પર ટકી રહે છે. લાકડાઓ હાલતા રહે છે, સરકાર ચાલતી રહે છે!

આપણને જીવન જીવવાં કેટલા મંત્રીઓ જોઈએ? શું છે કે દેશમાં ખુરશીઓ પુષ્કળ છે ને લોકો પણ ઘણાં છે, પણ જ્યારે કેટલીક ખાસ ખુરશીઓ પર અમુક ખાસ લોકો બેસી જાય છે તો એ લોકો મંત્રી બની જાય છે. કેટલાક લોકો મંત્રી બની જવાને જ જીવનનો આખરી મુકામ માને છે! એવા લોકો જન્મ્યા, મંત્રી બન્યા ને મરી ગયા. કેટલાક લોકો દેશને માટે મંત્રી બને છે, પણ મોટા ભાગનાં મોજ કરવા મંત્રી બને છે!

તમે દૂરથી જ એક માણસના હાવભાવ, એની ચાલ-ઢાલ જોઈને દૂરથી જ કહી શકો કે કોઈ મંત્રી પધારી રહ્યા છે, કારણ કે મંત્રી થવા માટે ઘણું બધુ જરૂરી છે માત્ર ક્ષમતા કે પાત્રતા જરૂરી નથી!

ખરેખર તો મૂર્ખ મંત્રીઓ બહુ સારા હોય છે. મૂર્ખ મંત્રીઓ ઘણા લાંબા સમય સુધી મંત્રી તરીકે ટકી રહે છે. લાંબો સમય મંત્રી બની રહેતા-રહેતા ઘણી વખત એ મુખ્ય મંત્રી પણ બની શકે છે!

તમારામાંથી જે પણ મૂર્ખ હોય એ મંત્રી બનવાનો પ્રયત્ન કરી શકે છે. એમાં પણ જો એ મહામૂર્ખ હશે તો જલદીથી મંત્રી બની જશે. સમજદાર લોકો કદાચ આ કારણે જ રાજકારણમાં નથી જતા. એમને ડર લાગે છે કે ક્યાંક કોઈ દિવસ પોતે મંત્રી ન બની જાય, જેથી મૂર્ખ લોકો મંત્રી નહીં બનશે તો ક્યાં જશે? આપણે બધા એ આશા રાખીને મૂર્ખ મંત્રીઓને પસંદ કરીએ છે, કે ભગવાનની ઈચ્છા હશે તો એ “મૂર્ખમંત્રી બની જશે! વળી જો તમે મૂર્ખ થઈને પણ તમે મંત્રી નહીં બનો તો મંત્રી બનીને તો મૂર્ખ બનવાનું જ છે!

જ્યારે હું મધ્ય પ્રદેશમાં હતો, મને લાગતું હતું કે મારા જ રાજ્યમાં સૌથી વધારે મૂર્ખ મંત્રીઓ છે, પરંતુ જ્યારે હું આખા દેશમાં ફર્યો ત્યારે મેં જોયું કે આવું અભિમાન કરવું નકામું છે, કારણ કે બીજા રાજ્યોમાં પણ સારા એવા મૂર્ખ-મંત્રીઓ છે.

તમે જાણો છો, મૂર્ખતા બે પ્રકારની હોય છે. એક એ જે દેખાય ને બીજી એ જે દેખાતી નથી. મંત્રી જેવું કામ કરવાનું શરૂ કરે કે એની મૂર્ખતા પ્રગટ થવા લાગે છે એટલે જ આ દેશમાં મંત્રીઓ કામ નથી કરતા અને એટલે જ આપણો દેશ બુદ્ધિશાળીઓનો દેશ
લાગે છે.

મંત્રીઓ જુદા-જુદા પ્રકારના હોય છે. કેટલાક મંત્રીઓ સતત પ્રવાસ કરતા રહે છે. ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં આવતા જતા રહે છે. ઘણા મંત્રીઓ દરેક પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લે છે. એમને આપણને લગ્ન પ્રસંગમાં, અંતિમસંસ્કારમાં, ઉદ્ઘાટનમાં, સેમિનારમાં ગમે ત્યાં જોવા મળી જશે. કેટલાક મંત્રીઓ અમુક ફાઈલોનો નિકાલ કરે છે ને અમુક ફાઈલોનો નિકાલ નથી કરતા. કેટલીક ફાઈલોનો તો ‘નિકાલ’ કરવાનું કહીને પણ નિકાલ નથી કરતા. કેટલાક મંત્રી પોતાનો દરબાર ભરે છે તો કેટલાક બીજાના દરબારમાં બેસે છે. કેટલાક મંત્રી એ સાબિત કરવાના પ્રયાસમાં રહે છે કે મોટામોટા નેતાઓથી પોતે કેટલા નજીક છે. કેટલાક મંત્રી હકીકતમાં મોટા નેતાની નજીક હોય છે. મોટાભાગના મંત્રી જે ખાતામાં હોય છે, એ ખાતા સિવાયનું બીજું જ કોઇ ખાતું ઇચ્છતા હોય છે. કેટલાક મંત્રી ઓફિસરોની વાત માને છે તો કેટલાક નથી માનતા. કેટલાક મંત્રીઓ શરૂઆતમાં ના પાડે છે, પણ પાછળથી માની લે છે.

કેટલાક મંત્રી પોતે ભ્રષ્ટાચાર કરે છે તો ઘણાં એમનાં પત્ની, બાળકો, સાળા વગેરેના માધ્યમથી લાંચ લે છે. કેટલાક પોતે પ્રમાણિક રહી બીજાને ભ્રષ્ટાચાર કરવા દે છે. કેટલાક મંત્રીઓ તો ભ્રષ્ટાચારનો વિરોધ કરીને પણ ભ્રષ્ટાચાર કરતા રહે છે!

કેટલાક મંત્રીઓ લાગણીશીલ હોય છે, તો કેટલાક લાગણીશીલ હોવાનું પ્રદર્શન કરે છે. દેશમાં ચારે બાજુ બેરોજગારી ફેલાયેલી છે. આ બેરોજગારોમાંથી એક મોટી સંખ્યા મંત્રીપદ પર બેઠેલાઓની છે, જ્યારે મંત્રીમંડળનું
વિસ્તરણ થાય છે ત્યારે મને બહુ ખુશી થાય છે : ચાલો, થોડા બીજા મંત્રી લાગી ગયા એટલે કે કામે લાગી ગયા! ત્રણ-ચાર વર્ષ મંત્રીપદ પર રહીને એક મંત્રી જીવનભરની કમાણી કરી લે છે. મંત્રીપદ પરથી દૂર થયા પછી એ મંત્રી કોઈ કામના નથી રહેતા.

  આમેય, મંત્રીપદ પર હોય તોય ક્યાં વળી કામના 

હોય છે?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button