ઉત્સવ

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયાં માટે દોડતા જીવતાં જોને પ્રેત

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

અર્થના અનેક અર્થ પૈકી એક અર્થ છે ધન, દોલત, પૈસો. આ અર્થ જીવનના ઘણા અર્થ (ઉદ્દેશ, હેતુ) પાર પાડી શકે છે. જોકે વિવેકભાન ભુલાય તો આ જ અર્થ અનર્થ પણ સર્જી શકે છે. ઈતિહાસના ચોપડે અર્થ અને અનર્થના અનેક દાખલા નોંધાયા છે. આપણા દેશમાં સૈકાઓથી ધનાઢ્યોની હાજરી જોવા મળી છે અને એમાં કેટલાક દાનવીર પણ પાક્યા છે. ધન કમાઈ લેવું એ એક આવડત છે તો એ યોગ્ય માર્ગે – અન્યોના હિતાર્થે વાપરવું એક કળા છે. ભાષામાં પણ આ ધન, દોલત, પૈસો હાજરી પુરાવી સુંદર શીખ પૂરી પાડે છે એ વિશે આજે જાણીએ. કવિવર્ય મકરંદ દવેની ‘ધૂળિયો મારગ’ રચનામાં અર્થના ભાવાર્થનું લાવણ્ય જોવા મળે છે. જીવનનું અનોખું દર્શન કરાવતી આ રચનાની બે પંક્તિ જાણીને સમજવા જેવી છે: સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત; દોઢિયાં માટે દોડતા જીવતાં જોને પ્રેત. હેત એટલે કે પ્રેમ હેતુ – મતલબ જોઈને થાય એ અર્થનો કોઈ અર્થ ખરો એવો સવાલ જાતને પૂછવાનું મન થાય. સોનાની સાંકડી ગલી પંક્તિથી કવિ સંકુચિતતા તરફ ધ્યાન દોરે છે. સોનાના ચળકાટ કરતા અંતરનો ચળકાટ વધુ મહત્ત્વનો છે એનું ભાન કરાવે છે. બીજી પંક્તિમાં તો કવિ તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય છે. દોઢિયાં એટલે ધન – દોલત અને એ મેળવવા સતત દોડભાગ કરતા, હડીયું કાઢતા માનવીને કવિ જીવતા પ્રેત સાથે સરખાવી સાનમાં બધું સમજાવી દે છે. પૈસા પાછળની આંધળી દોટ પર માર્મિક પ્રહાર કર્યો છે. આ એવો પ્રહાર છે જે આંખોને થયેલો પૈસાનો મોતિયો ઉતારી દેવાનું સામર્થ્ય ધરાવે છે. અર્થના અનર્થનો મર્મ સમજાવતું બીજું એક સુભાષિત છે: કરમાં પહેરે કડાં આપે ન કોડી કોઈને, એ માનવ નહીં પણ મડાં કામ ન આવે કોઈને. ધન મૂલ્યવાન તો છે જ, પણ એ જ્યારે એ મારુંમાંથી આપણું આને આપણામાંથી અનેકનું બને ત્યારે એ સાર્થક બને છે. જે માણસ માત્ર પૈસાનો સંગ્રહ કરી સ્વહિત માટે જ વાપરી જાણે છે એને મડા – શબ, મૃતદેહ જેવો ગણવામાં આવ્યો છે. શબ એવું શરીર છે જેમાં જીવ નથી અને માટે અર્થહીન છે. એ જ રીતે સર્વ હિત માટે પૈસો નહીં વાપરતી વ્યક્તિ મૃતદેહ જેવી, કશું કામ ન આવે એવી છે એવો માર્મિક પ્રહાર કરવામાં આવ્યો છે.

સમાનાર્થી શબ્દો
ભાષાની અનેક ખાસિયતોમાંની એક ખાસિયત એ છે કે એક જ શબ્દના અનેક પર્યાયવાચી શબ્દો ઉપલબ્ધ હોય છે. પાણી માટે જળ, નીર, સલિલ, અંબુ, તોયમ, ઉદક, પય, આબ વગેરે શબ્દો હાજર છે. તળાવ માટે જળાશય, કાસાર, સરોવર, પોખર, નવાણની નાનકડી ફોજ હાજર છે. નદી સરિતા, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, લોકમાતા તરીકે પણ ભાષામાં ઓળખ ધરાવે છે. વિશ્ર્વ બહુ મોટું છે કે દુનિયા બહુ નાની છે એ તો કેવી રીતે જુઓ છો એના પર નિર્ભર છે. વિશ્ર્વ જગ, દુનિયા, જગત, લોક, આલમ, બ્રહ્માંડ, ખલક સ્વરૂપે પણ જાણીતું છે. શક્તિ અને પ્રકાશના સ્રોત તરીકે જાણીતા સૂર્યની આભા ભાષામાં પણ પથરાયેલી છે. સૂર્ય રવિ, પ્રભાકર, આદિત્ય, ખગેશ, ભાણ, સવિતા, ભાનુ, દિવાકર તરીકે પણ તેજ પાથરે છે. સૂર્યમાં અગન છે તો ચંદ્ર શીતળ છે .એના પર્યાયવાચી શબ્દો છે શશિ, ઇન્દુ, શશાંક, શીતરશ્મિ, શીતાંશુ, મૃગાંક, નિશાકર, રજનીપતિ, નિશાનાથ, કુમુદપતિ, કલાધર, કલાનિધિ.

CONTRARY PROVERBS 

વિરોધાભાસ એટલે વિરોધનો ભાસ – નક્કર વિરોધ નહીં. જીવનમાં વિરોધાભાસની હાજરી હોવી જોઈએ જેથી લાઈફ બડી મજેદાર બની રહે છે. અલબત્ત આ અંગત માન્યતા છે. આપણે વિરોધાભાસ ધરાવતી કહેવતોનો સિલસિલો આગળ વધારીએ. Doubt is the beginning of wisdom બહુ જાણીતી કહેવત છે. શંકા કરવી, સવાલ કરવો એ જ્ઞાનની દિશામાં આગળ વધવાનું પ્રથમ કદમ માનવામાં આવે છે. ન્યુટન નામના બાળકને નાનપણમાં શંકા પડી અને તેણે સવાલ ઉઠાવ્યો કે ‘ઝાડ પરથી સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું?’ આ સવાલનો જવાબ ગોતતા ગોતતા જગતને ગુરુત્વાકર્ષણના નિયમની ભેટ મળી. શંકાએ જ્ઞાનનો દરવાજો ખોલી આપ્યો. જોકે, આ કહેવતના વિરોધાભાસ જેવી કહેવત પણ હાજર છે કે Faith will move mountains. વિશ્વાસ – શ્રદ્ધા હોય તો કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પડી શકે છે. અહીં આડકતરી રીતે સવાલ નહીં કરવાની – શંકા નહીં કરવાની વાત પર ભાર આપવામાં આવ્યો છે. એનું અનુસંધાન બાઇબલ સાથ છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે Jesus replied, “Truly I tell you, if you have faith as small as a mustard seed, you can say to this mountain, ‘Move from here to there,’ and it will move. Nothing will be impossible for you.” આટલું વાંચ્યા પછી સવાલ – શંકા કરવા કે શ્રદ્ધા રાખવી એવો સવાલ ન પૂછવો. જાતે નિર્ણય લઈ લેવો. બીજું ઉદાહરણ જોઈએ: Good things come in small packages. આ કહેવતના મૂળિયાં ભૌતિકવાદ સાથે જોડાયેલા છે. મૂલ્યવાન – મોંઘાદાટ ઘરેણાં કે આભૂષણો નાનકડા પેકેજમાં આવતી હોય છે. હીરાની વીંટી કદમાં બહુ નાની હોવા છતાં એની કિંમત લાખો રૂપિયા હોઈ શકે છે. અલબત્ત કહેવતનો ભાવાર્થ એમ છે કે મોટા માણસો જ સારા કામ કરે એવું લખી નથી દીધું. અદનો આદમી પણ એવરેસ્ટ જેવા કામ કરી શકે છે. આની વિરોધાભાસી કહેવત છે The bigger the better. કેટલાક લોકો વસ્તુની કિંમતનું માપ એના કદ પરથી કાઢતા હોય છે. બહુમૂલ્ય અત્તરની શીશી કરતા ખતરો ભરેલા ગુલાબના ફૂલની ભેટ કેટલાક લોકોને વધુ અસરકારક, વધુ મૂલ્યવાન લાગી શકે છે.

गुजराती प्रयोग हिंदी में

ગુજરાતી પ્રયોગનો હિન્દી અવતાર માત્ર જાણકારી નથી આપતો, બેઉ ભાષાને નજીકથી સમજવામાં, એને ઓળખવામાં મદદરૂપ થાય છે. અત્યંત સામાન્ય સ્થિતિવાળા કે રાંક પરિવારમાં જન્મેલું બાળક ખૂબ મહેનત કરી સિદ્ધિનું સોપાન સર કરે એ માટે ‘ચીંથરે વીંટ્યું રતન’ એવો રૂઢિપ્રયોગ વપરાય છે. ચીંથરું એટલે ફાટી ગયેલું કપડું અને ચીંથરા વીણવા એટલે નિર્ધન અવસ્થા કે ગરીબી. આ જ વાત હિન્દીમાં गुदड़ी का लाल સ્વરૂપે નજરે પડે છે. गुदड़ी का लाल मुहावरे का अर्थ है गरीब परिवार में पैदा हुआ प्रतिभाशाली व्यक्ति। इस मुहावरे में “गुदड़ी” का अर्थ है “गरीबी” और “लाल” का अर्थ है “प्रतिभा”। गुदड़ी का लाल પ્રેણાદાયક રૂઢિપ્રયોગ છે. ગરીબી કોઈ બાધા નથી અને પ્રતિભાથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. જવાબ આપવો એટલે પ્રશ્નનો ઉત્તર આપવો એ સામાન્ય અર્થ છે. ખુલાસો કરવો કે જેવી વાત એવો જવાબ એવો અર્થ પણ થાય છે. હા ના હા ના કરવી એક વાત છે અને હકારમાં ડોકું ધૂણાવવું કે ચોખ્ખી ના પાડવી એ બીજી વાત છે. ચોખ્ખી ના પાડવી કે સાફ નકાર કરવો માટે હિન્દીમાં टका सा जवाब देना પ્રયોગ જોવા મળે છે. આવો જ એક બીજો પ્રયોગ છે दो टूक जवाब देना. વાતને ફેરવી ફેરવીને કીધા વિના સીધી ને સટ કહેવામાં આવે ત્યારે આ પ્રયોગ વપરાય છે. ગુજરાતીમાં ક્યારેક કહેવાય છે ને કે એની મોઢું તોડી લીધું. આ સંદર્ભે એક રૂઢિપ્રયોગ છે करारा जवाब देना. મતલબ કે સણસણતો જવાબ અથવા જડબાતોડ જવાબ.

नव्या म्हणी

ઉપરછલ્લી નજરે સરખા લાગતા શબ્દો અર્થમાં સૂક્ષ્મ ફરક ધરાવે છે એના વધુ ઉદાહરણ આજે જાણીએ – સમજીએ. પહેલું ઉદાહરણ છે घसरडं – निसरडं. બંનેના અર્થમાં એક રીતે ઘણું સામ્ય છે જેને પડી ગયા પછીની પરિસ્થિતિ સાથે નિસ્બત છે. જોકે, ફરક છે ઘસડાઈ જવાનો અને લાપસી જવાનો. पडून झालं की घसरडं. પડી જવાથી ઘસડાઈ જવાય. सावरता येतं ते निसरडं. લપસીને પડી જતા જાતને સંભાળી લેવાય. બીજું શબ્દ યુગ્મ છે अंधार – काळोख. બંને શબ્દનો શાબ્દિક અર્થનો મેળ અંધારા સાથે બેસે છે. અલબત્ત સૂક્ષ્મ દૃષ્ટિએ ફરક છે. विद्युत पुरवठा खंडीत झाला की होतो तो अंधार. વીજ પુરવઠો ખંડિત થાય – બંધ પડી જવાથી જે થાય એ અંધારું. घरात अंधार असल्यामुळे आम्ही जेवू शकलो नाही. ઘરમાં અંધારું હોવાથી અમે ન જમી શક્યા.  निसर्गात जाणवतो तो काळोख. પ્રાકૃતિક વાતાવરણમાં જે નજરે પડે એ કાળોખ. अगदी पहाटे काळोख असताना आम्ही घरा बाहेर पडलो। પરોઢિયે અંધારું હતું ત્યારે જ અમે બહાર જવા નીકળ્યા. पाहणं – बघणं શબ્દ જોડી સમાનાર્થી છે. બંનેનો સંબંધ જોવા – નીરખવા સાથે છે. आपण स्वत:हून पाहतो. જાતે જોઈએ અને કોઈના કહેવાથી દેખાય એ અર્થ ફેર અહીં જોવા મળે છે. निसर्गाचे सौंदर्य पाहुन त्याचे डोळे पाणवले. પ્રાકૃતિક સૌંદર્ય જોઈ તેની આંખો અંજાઈ ગઈ. दुसऱ्यानं सांगितल्यावर होतं ते बघणं. બીજું કોઈ આંગળી ચીંધીને કે કહીને દેખાડે એ બીજો અર્થ છે. मित्राने सांगितल्यावर आम्ही इंग्रजी चित्रपट बघायला गेलो. મિત્રના કહેવાથી અમે અંગ્રેજી ફિલ્મ જોવા ગયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…