ઉત્સવ

૨૦૨૪ની મોર્ડન મેઘદૂતની પ્રેમકથા

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

મેઘદૂત- મહાકાવ્યના પેલા ફેમસ રામગિરિ પર્વત ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે ય ચોમાસામાં વાદળો પસાર થયાં હશે. અષાઢના પહેલા દિવસે- ભગવાન જાણે ત્યારે કઈ તારીખ હશે, પણ ત્યાં કોઈક નોકરિયાત લાચાર યક્ષ, ડયૂટી કરવા હશે. એની નવરી વાઇફ દૂર ક્યાંક અલકાપુરીમાં બેઠી હશે. આમ તો બધું કવિ કાલિદાસના ‘મેઘદૂત’ મહાકાવ્ય જેવું જ હશે, પણ કદાચ હવે રામગિરિ પર્વતમાં એકાદ નવી કોલોની કે ગેરકાયદે રિસોર્ટ-હોટેલ પણ બનતી હોઇ શકે ને યક્ષ ત્યાંનો કોન્ટ્રાક્ટર પણ હોય શકે! કે પછી પર્વતમાં બોક્સાઇટની ખાણ મળી હોય ને પૈસાભૂખ્યો યક્ષ ત્યાં સોદા કરવામાં બિઝી હોય!

શું છે કે કવિ કાલિદાસે બિચારા યક્ષ વિશે ખોટા આઇડિયા દીધા છે. એક તો એ કે આવા પુરુષો, બૈરીનાં ગુલામ હોય. ગમે ત્યાં જાય પણ પત્નીનાં જ ગુણગાન ગાયા કરે. બીજું, આવા લોકો પોતાનો કેસ બરાબર લડી ના શકે, જ્યારે એના બોસ કુબેરે યક્ષ પર ગુસ્સો કરીને દૂર છેક રામગિરિ પર ટ્રાંસફર કરી ત્યારે નપાણિયો યક્ષ, કોઇ દલીલ કે ઝઘડા વગર માની ગયો? ત્રીજી વાત, આવા પુરુષો ખૂબ કંજૂસ હોય છે. વાઇફને સંદેશા મોકલવાનો મામૂલી ખર્ચ બચાવવા સાવ કોઇ વાદળો સાથે સંદેશા મોકલાવે? આવી ઉટપટાંગ પ્રેમકવિતાને લીધે ત્યારની પોસ્ટલ કે મોબાઇલ નેટવર્ક સર્વિસો કેટલી બદનામ થઇ હશે? યક્ષ એવો તે કેવો મૂરખો કે જે પોતાની જ પત્નીને સતત પ્રેમપત્રો લખે?

પતિ કે પ્રેમીના વિરહમાં કૂટાતી સ્ત્રીઓ માટે તો શું કહેવું? વારંવાર આહ ભરવી ને આંસુડાં પાડવા એમનું રોજનું રૂટિન કામ. ડાયટિંગ કરીને દૂબળી રહે ને વળી નિ:સાસા નાખે, ‘હાય રે, હું તો દુ:ખીયારી અબળા છું!’

વિચારો કે જે બાઇ, કબૂતર, કાગડા, પવન, વાદળો વગેરે પાસે પ્રિયતમના સંદેશા પૂછે રાખે એ કેટલી બોરિંગ હશે?

પણ ત્યારના લોકોનો ગમે તેવો પ્રેમ પણ યુગો સુધી મશહૂર થઇ જતો, આજકાલ તો ગમે તેવી જાલિમ લવસ્ટોરીઓ, લોકલ છાપાંમાં ય છપાતી નથી. પહેલા તો આખેઆખું પુસ્તક લખાઇ જતું. જૂની પ્રેમકથાઓને આજે અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે, પણ આજે કોઇ સ્ટુડંટને પ્રેમ થાય તો પ્રિન્સિપાલ એને ‘એકસ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી’ કહી વખોડે છે.

હવે આજકાલ મેઘદૂત દ્વારા નહીં પણ પ્રેમપત્રને ઇ-મેલ વડે કે વીડિયો શૂટ કરીને મોકલો. જો તમે વારેવારે પત્રો લખીને મોકલશો તો પ્રેમિકા ટપાલી સાથે ભાગી જશે. પ્રેમી અને પોસ્ટમેનનો રોમાંસ શેક્સપિયરના જમાનાથી ચાલે છે. કાલિદાસના યુગમાં લોકો વધારે સજ્જન હશે. પેલું વાદળ ઉર્ફ મેઘદૂત, ભાભીની તરફ ખરાબ નજર નહીં નાખતું હોય માટે જ તો ‘મેઘદૂત’ કવિતા હતી ને કવિતા જ રહી ગઇ, એ કદી નવલકથા ન બની શકી, કારણ કે જ્યારે પેલો મેઘદૂત યક્ષનો સંદેશ લઈને આવ્યો ત્યારે યક્ષિણીને જોઈને લાઇન મારવા માંડ્યો હોત તો? અને આવું કેમ ના બને, સાહેબ? જે રોમેંટિક મેઘદૂત, ઉજ્જૈનની સુંદરીઓ પર મોહિત થઈ ગયો હોય, જે દશપુરમાં પાગલ થઈ હોય, જેણે દરેક શહેર-ગામ કે ગલીઓમાં સુંદર, મોટી આંખોવાળી સ્ત્રીઓને મોહિત કરી હોય, એ અલકાપુરીમાં મિસિસ યક્ષ પાસે કેમ ચાન્સ ના મારે? યુદ્ધ ને પ્રેમમાં શેની ઇમાનદારી? એમાં તો બધું ચાલે! વળી મેઘદૂતને તો ખબર જ છે કે પેલીનો પતિ દૂર છે ને બાઇ એકલી. કાલિદાસે એની કવિતા ભલે લખી, પણ મેઘદૂતની વાસ્તવિક વાર્તામાં તો મેઘ, યક્ષિણીને પટાવશે : ‘અરે, શેની દુ:ખી થાય છે? તારો પતિ તો રામગિરિમાં જલસા કરી રહ્યો છે. તને

યાદ પણ નથી કરતો, એક એસ.એમ.એસ. પણ નથી મોકલતો. તું તારી ચાર દિવસની ચાંદની’ જેવી જુવાનીને શું કામ વેડફે છે?કમ ઓન, મૂવ ઓન! ’ પછી યક્ષિણી ગુસ્સામાં પીગળી જાય ને વર્ષો પછી યક્ષ,ઘરે પાછો ફરે, ત્યારે પડોશીઓ સળી કરતાં કહે, તને પહેલેથી જ કહેલું કે જુવાન વાઇફને સાથે લઈ જા,માન્યો નહીં. હવે ઇ કોઈ મેઘ સાથે ભાગી ગઈને?’

યક્ષ પોક મૂકીને મોટો પાઠ શીખે છે કે-‘બીજા માણસ સાથે પત્નીને ક્યારે ય મેસેજ મોકલવા નહીં!’ પણ શું છે કે મારા જેવો શંકાશીલ, કવિ કાલિદાસ અને એનાં પાત્રો જેવો ભોળો નથી. કાલિદાસનાં ‘શાકુંતલ’ નાટકમાં પણ કણ્વ ઋષિના આશ્રમમાં એક ભાઇએ ઘૂસીને કહ્યું- હું તો અહીંનો રાજા છું! ને પેલી શકુંતલાએ એ આધાર કાર્ડ જોયા વિના વાતને માની ય લીધી? એકબીજાને બરોબર ઓળખ્યા વગર લગ્ન પણ કરી લીધાં. ઋષિના પાછા આવવા સુધી પણ રાહ ના જોઇ? એ જ રીતે ‘મેઘદૂત’માં યક્ષે, વાદળને પસાર થતું જોયું ને સંદેશો મોકલી આપ્યો. મને તો સવાલ ઊઠે કે કુબેરે, યક્ષને રાજ્યમાંથી કાઢી કેમ મૂક્યો? શું કુબેરની નજર યક્ષની પત્ની પર હતી? બની શકે કે યક્ષના ઘરમાં કુબેર અને ચાલુ યક્ષિણી રોમાન્સ કરી રહ્યાં હોય ને ત્યાં બિચારો યક્ષ, જંગલોમાં લોકલ ટિફિન ખાઇને રખડી રહ્યો હોય!

ચાલો, છોડો એ બધું. આવો કાવ્યાત્મક પ્રેમ, લાઇફમાં જરા અજમાવીને તો જુઓ. મેરેજનાં થોડાં વર્ષો પછી બાળકોના રડવાના કે વાઇફની કકળાટનાં અવાજો સાંભળીને પ્રેમ ઊડી જશે ને એ જ પ્રેમી કહેશે: હાય, આ અલકાપુરીથી દૂર જવા ક્યારે મળશે?’ પરણીને એ એવો પસ્તાશે કે એવી કોઈ જગ્યા શોધશે (જેમ કે રામગિરિ પર્વત), જ્યાં વાઇફ-બાળકોનાં કંકાસથી દૂર જીવી શકાય.
…….પછી અષાઢના પહેલા દિવસે જ્યારે વાદળો સી.આઈ.ડી. કે ઇ.ડીની જેમ રામગિરિ પર્વત પરથી અચાનક ત્રટકશે, ત્યારે આજનો યક્ષ ફૂલોનો બૂકે આપીને કહેશે: ‘પ્લીઝ મેઘ, મારા વિશે મારી વાઇફ તો શું કોઇને ય મારું લોકેશન કે મારા સમાચાર આપતો નહીં.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button