ઉત્સવ

માણસની મહત્ત્વાકાંક્ષા તેને અકલ્પ્ય ઊંચાઈ પર પહોંચાડી શકે છે

મિઝોરમના ખેડૂતના ઘરે જન્મીને મુખ્યમંત્રીપદ સુધી પહોંચેલા લાલદુહોમાની અનોખી જીવન સફર

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસો અગાઉ આપણા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ એ પછી છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગણા પર જ લોકોની વધુ નજર હતી, પરંતુ મિઝોરમમાં એક અણધારી ઘટના બની. મિઝોરમમાં કૉંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ જેવા મજબૂત પક્ષોને અકલ્પ્ય ફટકો મારીને એક નાનકડા પક્ષે ભારે બહુમતી મેળવી લીધી. આ રાજકીય અપસેટના કેન્દ્રમાં એક વ્યક્તિ છે: લાલદુહોમા. મિઝોરમના મુખ્યમંત્રી બનેલા લાલદુહોમાની અનોખી અને અકલ્પ્ય જીવનસફર વિષે જાણવા જેવું છે.

૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૯ના દિવસે તુઆલપુઈ ગામમાં એક સામાન્ય ખેડૂત વૈસાંગાની પત્ની કૈચિનગીની કૂખે જન્મેલા લાલદુહોમા ચાર ભાઈબહેનોમાં સૌથી નાના હતા. તેમણે ચામ્ફાઈની જીએમ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. એ પછી ૧૯૭૨માં તેઓ મિઝોરમના સૌ પ્રથમ મુખ્ય પ્રધાન સી. એચ છુંગાના પ્રિન્સિપલ આસિસ્ટન્ટ બન્યા. એ નોકરી કરતાં કરતાં તેઓ ગૌહત્તી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન કરવા માટે તેઓ નોકરીમાંથી છૂટીને સાંજે અભ્યાસ કરવા જતા હતા.

ગ્રેજ્યુએટ થયા પછી તેમણે શિલોંગમાં ઈન્ડિયન સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરી. તેઓ ૧૯૭૭માં એ પરીક્ષા પાસ કરીને ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. તેમણે ગોવામાં ગુંડાગીરી કરતા હિપ્પીઓ અને દાણચોરોને નાથવા માટે સ્કવોડ લીડર તરીકે સેવા આપી. તેમણે ગોવામાં ડ્રગ્સના દૂષણને કાબૂમાં લીધું અને ખેપાની હિપ્પીઓને ભગાડી મૂક્યા એને કારણે તેઓ દેશભરના મીડિયામાં છવાઈ ગયા. એને કારણે તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું તેમના તરફ ધ્યાન ગયું. ઈન્દિરા ગાંધીએ તેમને ૧૯૮૨માં ખાસ પ્રમોશન આપીને દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બનાવ્યા. એ પછી ઈન્દિરાજીએ તેમને એશિયન ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીના સેક્રેટરી બનાવ્યા. એ વખતે તેઓ રાજીવ ગાંધી સાથે પણ સંપર્કમાં આવ્યા.

એશિયન ગેમ્સ પત્યા પછી ઈન્દિરાજીએ લાલદુહોમાને પોતાના સિક્યુરિટી ઈન્ચાર્જ બનાવ્યા. એ સમય દરમિયાન ઉગ્રવાદીઓ મિઝોરમને ભારતથી અલગ કરવા માટે લડાઈ ચલાવી રહ્યા હતા. એ વખતે ઉગ્રવાદી નેતા લાલડેંગાના નામથી મિઝોરમના લોકો થરથર ધ્રૂજતા હતા. લાલડેંગાને કારણે મિઝોરમમાં લોકો અસલામતી અનુભવતા હતા અને મિઝોરમમાં હમેશાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહેતી હતી. એને કારણે ઈન્દિરાજીએ લાલદુહોમાને કહ્યું કે તમે ઇન્ડિયન સર્વિસમાંથી રાજીનામું આપી દો અને રાજકારણમાં આવી જાઓ.

ઈન્દિરાજીએ લાલદુહોમાને ઈંગ્લેન્ડ મોકલ્યા. લાલદુહોમા લંડન જઈને લાલડેંગાને મળ્યા અને ભારત સરકાર વતી તેમને તેમણે સમજાવવાની કોશિશ કરી. લાલદુહોમાની સમજાવટથી લાલડેંગાએ મિઝોરમના લોકોને એક રેકોર્ડેડ સંદેશો મોકલ્યો કે કૉંગ્રેસ પક્ષ મિઝોરમની પ્રજાની વિરુદ્ધ નથી. એ મેસેજને કારણે મિઝોરમના લોકોમાં કૉંગ્રેસની તરફેણમાં વાતાવરણ પેદા થયું અને એ પછી ૧૯૮૩માં મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં કૉંગ્રેસ જીતી આવી. જો કે એ ચૂંટણીઓમાં લાલદુહોમા હારી ગયા હતા. ઈન્દિરા ગાંધીએ તેમને વચન આપ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો હું તમને મિઝોરમના મુખ્યમંત્રી બનાવીશ, પરંતુ લાલદુહોમા વિધાનસભા ચૂંટણી હારી ગયા એને કારણે તેમનું મુખ્યપ્રધાન બનવાનું સપનું રોળાઈ ગયું.

એ પછી બીજા વર્ષે ઓક્ટોબર, ૩૧ ૧૯૮૪ના દિવસે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ. ઈન્દિરાજીની હત્યા થઈ એ સાંજે લાલડેંગા ઈન્દિરાજીને મળવાના હતા, પરંતુ તેમની હત્યાને કારણે એ બેઠક થઈ જ ન શકી. ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. તેમના પણ લાલદુહોમા સાથે સારા સંબંધ હતા એટલે તેમણે લાલદુહોમાને ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. લાલદુહોમા એ ચૂંટણી જીતીને લોકસભાના સભ્ય બન્યા. એ પછી લાલદુહોમાએ રાજીવ ગાંધી અને લાલડેંગા સાથે બેઠકો કરાવી. લાલડેંગાને રાજીવ ગાંધીની વાતમાં વિશ્ર્વાસ બેઠો. તેમણે તેમની સાથે હાથ મિલાવીને શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. એ પછી લાલડેંગા રાજકારણમાં આવ્યા અને તેમણે મિઝો નેશનલ ફ્રન્ટ પક્ષ બનાવ્યો.

રાજીવ ગાંધીએ લાલડેંગા સાથે સમજૂતી કરી હતી પરંતુ એ સમજૂતીનો અમલ થતો નહોતો એથી લાલદુહોમાએ દુભાઈને બે વર્ષ પછી ૧૯૮૬ કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું. એના એક વર્ષ અગાઉ જ પક્ષપલટા વિરોધી ધારો અમલી બન્યો હતો. એ પક્ષ પલટા વિરોધી ધારો લાલદુહોમા પર લગાવાયો અને તેમને પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવાયા. લાલદુહોમા પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક થયેલા દેશના સૌ પ્રથમ સંસદ સભ્ય બન્યા! (લાલદુહોમા ત્રણ વર્ષ અગાઉ પણ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ વિધાનસભ્ય પદેથી ગેરલાયક ઠરનારા વિધાનસભ્ય બન્યા હતા!)
કોંગ્રેસ છોડ્યા પછી લાલદુહોમા પછા લાલડેંગાની નજીક પહોંચ્યા. લાલડેંગાના પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટે મિઝોરમમાં સરકાર બનાવી. લાલડેંગા મુખ્યમંત્રી બન્યા અને તેમણે લાલદુહોમાને પોતાના સલાહકાર બનાવ્યા પરંતુ થોડા સમય પછી લાલદુહોમાને લાલડેંગા સાથે પણ વાંધો પડ્યો અને બીજે જ વર્ષે એટલે કે
૧૯૮૭માં લાલડેંગાની મિઝો નેશનલ ફ્રન્ટ પક્ષમાં ભાગલા પડ્યા. એ વખતે લાલદુહોમા લાલડેંગાથી છૂટા પડેલા બીજા નેશનલ ફ્રન્ટ મિઝો નેશનલ ફ્રન્ટ (નેશનલ)માં ગયેલા. એ પછી તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

લાલદુહોમાની જીવનસફરની જેમ તેમની પોલિટિકલ કરીઅર પણ અનોખી, અકલ્પ્ય અને આશ્ચર્યજનક રહી છે. મિઝોરમમાં આ અગાઉ ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં તેમના ઝોરમ પીપલ્સ મુવમેન્ટ પક્ષે એક ગઠબંધન સાથે જોડાવાનું નક્કી કર્યું હતું અને તેમના પક્ષે તેમને મુખ્યપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. જો કે એ કોએલિશન (ગઠબંધન) પાર્ટીને ચૂંટણીપંચ તરફથી સત્તાવાર પક્ષ તરીકે માન્યતા ન મળી એટલે લાલદુહોમા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. અને તેઓ બે વિધાનસભા બેઠકો ઐઝેવાલ પશ્ચિમ અને સેરછિપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે સેરછિપ મતક્ષેત્રમાંથી વિધાનસભ્ય તરીકે વિધાનસભામાં જવાનું પસંદ કર્યું હતું. ત્યાં તેમણે મુખ્યપ્રધાન લાલ થાનવાલાને ૪૧૦ મતોથી હરાવ્યા હતા.

એ વખતે તેઓ મિઝોરમ વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ઝોરમ પીપલ્સ મુવમેન્ટના નેતા તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને ૨૦૧૯માં રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા એ પક્ષને માન્યતા મળી હતી.

સપ્ટેમ્બર, ૨૦૨૦માં તેમના પક્ષને માન્યતા મળી એટલે શાસકપક્ષના ૧૨ વિધાનસભ્યોએ મિઝોરમ વિધાનસભાના સ્પીકર લાલરિનલિઆના સૈલો સમક્ષ ફરિયાદ કરી કે લાલદુહોમાએ પક્ષ પલટા વિરોધી ધારાનો ભંગ કર્યો છે. તેઓ અપક્ષ વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે, પરંતુ ઝોરમ પીપલ્સ મુવમેન્ટના નેતા તરીકે સેવા આપી રહ્યા છે.

અપક્ષ વિધાનસભ્ય જો ચૂંટાઈ આવ્યા પછી કોઈ પક્ષમાં જોડાય તો તે પક્ષપલટા વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે. લાલદુહોમાએ ત્યારે કહ્યું હતું કે મારા ઝોરમ પીપલ્સ મુવમેન્ટ પક્ષને માન્યતા નહોતી મળી એટલા માટે હું અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યો હતો. પક્ષ પલટા વિરોધી કાનૂન છે એ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જનારા વિધાનસભ્યોને કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગુ પડે છે, પરંતુ હું તો મારા પક્ષ ઝોરામ પીપલ્સ મુવમેન્ટને વફાદાર રહ્યો છું. મારો કેસ અલગ છે.

જો કે નવેમ્બર ૨૭, ૨૦૨૦ના દિવસે મિઝોરમ વિધાનસભાના સ્પીકરે તેમને ગેરલાયક ઠરાવીને વિધાનસભામાંથી તેમની હકાલપટ્ટી કરી હતી. તેઓ મિઝોરમ વિધાનસભામાંથી અને દેશની કોઈ પણ વિધાનસભામાંથી પક્ષપલટા વિરોધી ધારા હેઠળ હાંકી કઢાયેલા પ્રથમ વિધાનસભ્ય બન્યા હતા.

જો કે એપ્રિલ ૧૭, ૨૦૨૧માં સેરછિપ મતદાર ક્ષેત્રમાં પેટાચૂંટણીઓ થઈ એ વખતે લાલદુહોમા મિઝો નેશનલ ફ્રન્ટ પક્ષના નેતા વાનલાલઝાઉમાને ૩૩૧૦ મતથી હરાવીને ચૂંટાઈ આવ્યા હતા.
લાલડેંગાથી છૂટા પડ્યા પછી લાલદુહોમાએ એક દાયકા બાદ ૧૯૯૭માં તેમણે મિઝો નેશનલ ફ્રન્ટ (નેશનલ)ને ઝોરમ નેશનલિસ્ટ પાર્ટીમાં પરિવર્તિત કરી. લાલદુહોમા એ પછી અપક્ષ તરીકે વિધાનસભ્યપદે ચૂંટાતા રહ્યા, પરંતુ આ વખતે તેમની પાર્ટીએ ગજું કાઢ્યું.

લાલદુહોમાએ લિઆનશૈલોવી સાથે લગ્ન કર્યા છે અને તેમને બે દીકરાઓ છે જે ઐઝવાલના ચાવલમૂનમાં રહે છે.

ચાર દાયકાના રાજકીય સંઘર્ષ પછી લાલદુહોમા મિઝોરમના મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા. તેમનું જીવન એ વાતનો પુરાવો છે કે કોઈ વ્યક્તિમાં મહત્ત્વાકાંક્ષા હોય અને તે હાર માની લીધા વિના, થાક્યા વિના આગળ વધતી રહે તો તેને સફળતા મળે જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress