ઉત્સવ

ઝંખું એક આકાશ

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

મોરપિચ્છ લઈને આવે જો હવા,
તો મારા ભીતરને અજવાળું જરા.
મુંબઈ, મલબાર હિલની એક સોસાયટીના ગાર્ડનમાં લટાર મારી રહેલી સરિતા આજે મનોમન મલકાઈ રહી હતી. સરિતા આજે મુક્તતા અનુભવી રહી હતી. મારા અને જીતેનના મેરેજના ચાલીસ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણ મહિના પહેલાં, ડિસેંબરમાં જ પુત્ર કુનાલ અને પ્રીતીએ ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. તે દિવસે પ્રીતી મને ખાસ પાર્લરમાં લઈ ગઈ, ત્યારે હું હતી પાંસઠ વર્ષની પણ તે દિવસે જાણે કે હું નવોઢા બની ગઈ હતી
મમ્મીજી, લુકિંગ ગ્રેટ. કહેતા પ્રીતી મને બે હાથ ફેલાવતા બાઝી પડી.

તું અને કુનાલ મમ્મીને કેટલા લાડ કરશો ? શું આવા નખરાં કરું તે હવે મને શોભે ? ઘરડી ઘોડી લાલ લગામ, કહેતા મેં પણ પ્રીતીના કપાળે ચુંબન કર્યું.

મમ્મીજી, તમે કુનાલ અને વિજયને જેટલા લાડ લડાવ્યા હશે, તેનાથી દસ ગણા લાડ કરવા છે.સરિતાની આંખો પ્રેમાળ વહુદીકરી આગળ છલકાઈ ગઈ.

પ્રિત, કયાં છો? હું અને પપ્પા હોલ પર આવી ગયા. કુનાલે ફોન કરતાં પૂછ્યું.

કુનાલ- બસ દસ મિનિટ. કુનાલ ફેસટાઈમ કર, પપ્પાજીને આપ.

ક્રીમ કલરના શેરવાનીમાં સજ્જજિતેન ભટ્ટ આજે કોઈ એક્ઝિક્યુટીવ કે બિઝનેસમેન નહીં પણ દુલ્હેરાજા જેવા લાગતા હતા. પરફયુમની મહેક વાયા મોબ સરિતાના હૈયાને સ્પર્શી ગઈ.
યે ફુલો કી રાની, બહારોં કી સરુ-મીઠું સ્મિત આપતાં ભટ્ટસાહેબ એકીટશે સરિતાને જોઈ રહ્યા. ષોડશી ક્ધયાની જેમ સરુ શરમાઈ ગઈ.

પાર્ટી હોલના ગેટ પાસે જ નાનો દીકરો વિજય આશિષ સાથે ઊભો હતો. કુનાલ ડેડીને લઈને મઈન ગેટ પર આવ્યો. બીજી તરફથી મ્યુઝિક સાથે ગીત શરૂ થયું, હોલમાં ભેગા થયેલા મિત્રોએ પુષ્પો ઉછાળતાં આવકાર આપ્યો હતો. એ ગીત-સંગીતના સૂરો, અને ડાન્સ પાર્ટીના આનંદને યાદ કરતાં સરિતા આજે પુલકિત થઈ રહી હતી.

ચાલીસમી મેરેજ એનિવર્સરીની એ અવિસ્મરણીય પાર્ટીને યાદ કરતાં સરિતા રોમાંચિત થઈ ઊઠી. મલબાર હિલના આ જ અપાર્ટમેન્ટમાં સરિતા નવવધૂ બનીને આવી હતી. રાજકારણી તરીકે સાચા અર્થમાં લોકસેવા કરનાર સ્વસુર પિતાજી મનહર ભટ્ટના આ પરિવારના સત્કાર્યની- પારિવારિક પ્રેમની સુગંધ જળવાઈ છે.

હમણાં ભટ્ટ સાહેબ ધંધાના કામે મલેશિયા ગયા છે . પાર્ટી માટે ખાસ અમેરિકાથી આવેલા કુનાલ અને પ્રીતી તો ત્રણ અઠવાડિયા રહ્યા અને પછી એ પરદેશી પંખી તો પોતાના માળામાં ઊડી ગયા. વિજય ૩૦વર્ષનો થયો પણ એ સંગીતકારની દુનિયા અલગ છે. શું સુખી થવા લગ્ન જરૂરી છે, કોઈ સારું માંગું આવે ત્યારે વિજય આ જ પ્રશ્ર્ન પૂછતો. કોલેજકાળમાં પ્રણયભંગ થઈ જવાથી તે લગ્ન કરવાથી દૂર ભાગે છે.

સરિતા સ્ત્રી તરીકે, એક મા તરીકે ખૂબ લાગણીશીલ. કોલેજમાં હતી ત્યારે સાહિત્ય અને સાયકોલોજીનો અભ્યાસ કરનાર સરિતાને તો કાઉન્સીલિંગ સેન્ટર શરૂ કરવાની ઈચ્છા હતી. એક શાળામાં શિક્ષિકા તરીકે બે વર્ષ કામ કર્યું. પણ કૌટુંબિક જવાબદારીને લીધે નોકરી છોડી.

મમ્મી ઘરમાં ન હોય એવું કોઈ કલ્પી ન શકે. સવારની બૂમાબૂમ સાંભળો.

સરુ, જો ને સાડા નવ વાગે મારી મીટિંગ છે, ને ફાઈલ દેખાતી નથી. ભટ્ટસાહેબે બૂમ મારી.

રસોડામાંથી હાથ લૂછતા બહાર આવેલી સરુ બોલી- કેમ ભૂલી ગયા, રાત્રે તો તમે ટેબલ પર કંઈક લખતા હતા. લો, કહેતાં જ સરુએ ફાઈલ શોધી આપી.
મોમ, આજે મારે પાર્ટીમાં જવું છે, મારું બ્લેક બ્લેઝર કયાં? કુનાલ અકળાતાં બોલ્યો.

વિજયે મોમને ઈશારો કર્યો અને પોતાના ખાનામાં છે,તે બતાવ્યું.

સરુએ વિજયને ચૂપ રહેવા કહ્યું, એણે પોતે એ બ્લેઝર કુનાલને આપતાં કહ્યું- લે આ રહ્યું, ઘરમાંથી કયાં જાય ?

પણ, મેં તો ખાસ આ પાર્ટી માટે લોન્ડ્રીમાં આપ્યું હતું. આ વિજય હંમેશાં આવું કરે છે. કુનાલે અકળાતાં કહ્યું.

હવે ભઈએ પહેર્યું તો શું થઈ ગયું. લાવ, હું તને ઈસ્ત્રી કરી આપું.

ના હું કરીશ. પણ, મોમ તું હંમેશાં એને ફેવર કરે છે. કુનાલે કહ્યું.

બેટા, એ નાનો ભાઈ છે. અને મોમ તો બંને દીકરાને ફેવર કરે, તને જરુર હોય ને ત્યારે કહેજે. સરિતાએ કહ્યું
અરે, બાસુંદી અને ગુલાબજાંબુ તો બંનેના ફેવરિટ. મમ્મા બનાવે કે એમના મોઢા ખીલી ઊઠે. એ મીઠાં સ્મરણો સરુને પુલકીત તો કરતાં જ હતાં,
પણ આજે આ સંસારનો માળો વિખરાવવાની વેદના પણ હતી.

મમ્મીની સૌથી ધન્ય પળ એટલે પ્રેમથી ભોજન બનાવવું અને જમાડવું. સમયચક્ર ફરે છે. માના પ્રેમનો દરિયો પહેલાં જેવો જ ઘૂઘવે છે.

આમ તો સરિતા કુટુંબને સમર્પિત પ્રેમાળ પત્ની, મા અને ગૃહિણી છે. સામાજિક સંબંધોની એક્ષપર્ટ સ્ત્રી કહી શકાય. ટોટલ ડેડીકેટેડ કહી શકાય એવી સરિતા આજે એકલતાના વનમાં ખોવાઈ ગઈ છે.

ભટ્ટ સાહેબ રિટાયર થયા ખરા, પણ કંપનીએ તેમને બોર્ડ ઓફ સ્ટડીમાં આસિસ્ટંટ ડાયરેકટર બનાવ્યા એટલે એ પહેલાંના જેવા જ બિઝી. સરિતા માટે –નો ટાઈમ. મગજનો પારો પહેલાં કરતાં ય ઉપર. સરુ પહેલાંની જેમ જ ગભરુ પત્ની. વિજય મ્યુઝિક કંપનીના ક્ધસોર્ટમાં ખોવાયેલો.

આજે સરિતાના મને બળવો પોકાર્યો. મનને શાંત કરવા એણે ગાવાનું શરૂ કર્યું.

હૈયાના રાગને છેડો જરા, આમ સાવ ચૂપ કેમ છો,
સાથે ચાલીએ મારગ પર આમ
સાવ અળગા કેમ છો.

ઝંખું તારા પ્રેમને પણ એક નજર ના પામી શકું,
ઓ, મારા પ્રાણસખે આમ સાવ અળગા કેમ છો.?

હું, સરિતા, આમ લાગણીના વંટોળમાં ડૂબી જવાની નથી. આ શૂન્યાવકાશમાં મારે પણ મારો માર્ગ શોધવો છે. બદલાતા સંજોગોમાં અને જીવનના વહેણમાં હવે મારે પ્રસન્નતાથી જીવવું છે. આ એકલતાને આંસુથી નહીં અમૃતજળથી સીંચવી છે. રિટાયર થયા પછી જિતેન એની ગમતી પ્રવૃતિઓ કરે છે. કુનાલ અને પ્રીતિ એમના સાહસને સ્વબળે ખેડે છે. વિજય સંગીતના સૂરમાં અલૌકિક આનંદ માણે છે. તો હું મારા સુખને કેમ ન શોધું ?

આકાશ સામે મીટ માંડતા સરિતા બોલી-
સોનેરી સૂરજ આકાશે ઢળે, હું શોધું મારું સૂરજતેજ-
નિબિડ અંધકાર છાયો ભલે, હું ઝંખુ આતમતેજ.

સુખ એટલે મુકત જીવન- એક પ્રસન્ન જીવન. સુખ કોઈ વ્યક્તિમાં કે કોઈ સંબંધમાં જ નથી. સુખ એ મનની અનુભૂતિ છે.કોઈનો પ્રેમ કયારેય ઓછો નથી. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. ચાલ,મન શોધીએ એક નવું આકાશ.

પછી, મનની પાંખો ફફડાવીને સરિતાએ શોધ્યું નિજ આકાશ. ભટ્ટ સાહેબની ઓફિસની નજીક એક માનસિક ઉપચાર માટે કાઉન્સીલિંગ સેન્ટર શરૂ કર્યું, અને સ્પેશિયલ ચાઈલ્ડ સ્કૂલમાં બાળકો માટે ગાઈડન્સ સેન્ટર શરૂ કર્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ