ઉત્સવ

ચાર હોઠ મૌન રહીને પ્રેમની વાત કરે એ ચુંબન

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

ચુંબન માત્ર જાતીય સંબંધની પૂર્તિ નથી કરતું. બાઇબલના સમયમાં મિત્રો અને સગાસંબંધીઓ પ્રગાઢ ચુંબન સાથે આલિંગન આપે એ સામાન્ય ગણાતું હતું. ધ બુક ઓફ જેનેસિસ કહે છે કે ઇસાએ જેકબને આલિંગન આપીને ચુંબન કર્યું. સોલોમનનાં પદ્યોમાં ઉલ્લેખ છે કે “એમને અહીં આવવાદો, મને ચુંબનોથી નવાજવા દો. આજે પણ મધ્યપૂર્વના રાજકીય નેતાઓ એકમેકને મળે ત્યારે ભેટીને એકમેકના ગાલને ચૂમી લેતા હોય એવાં દૃશ્યો ટેલિવિઝનના સમાચારોમાં આપણને હંમેશાં જોવા મળતાં હોય છે. ખ્રિસ્તી ધર્મમાં ચુંબનનું સાંકેતિક મહત્ત્વ પણ ખૂબ જ છે. સેન્ટ પોલે રોમનમાં એવો આદેશ આપ્યો હતો કે “એકબીજા મળો ત્યારે પવિત્ર ચુંબનથી એકમેકનું સ્વાગત કરો. આજે બે હજાર વરસ પછી પણ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ બિશપની વીંટીને, પોપના હાથને અથવા તો સેન્ટની મૂર્તિને ચુંબન કરતા જોવા મળે છે. મુસ્લિમોમાં પણ વડીલ સ્ત્રીના હાથની પાછળની બાજુ ચૂમીને એમની ખેરિયત ચાહવામાં આવે છે. કેટલાંક ખ્રિસ્તી ચર્ચોની પ્રાર્થનામાં ભક્તો આપસમાં સાંકેતિક કે સાચા ચુંબનની આપ-લે કરે છે.

ધર્મમાં માનવજાતિએ ચુંબન ભલે દાખલ કર્યું પણ શારીરિક રીતે જોઇએ તો મુખસુખ એ બે પ્રેમીઓનો જ મહત્ત્વનો આનંદ ગણાતો આવ્યો છે. હોઠ સાથે હોઠ જોડીને ચુંબન તો માત્ર પ્રેમીઓ જ કરે. અમુક અપવાદો છે. દાખલા તરીકે યેમેન જેવા દેશમાં આજે પણ એક પુરુષ બીજા પુરુષના હોઠમાં હોઠ ઘાલીને ચુંબન આપે છે. પ્રાચીન ઇરાનમાં પણ આવી રીત હતી. છતાં પણ જાતીય સંબંધોથી આકર્ષાયેલા ન હોય તેવા કોઈ વ્યક્તિ વચ્ચે મુખથી મુખનું ચુંબન કોઈ દુનિયાના મોટા ભાગના સમાજમાં માન્ય નથી. આવી બાબતો વિશે લેખ લખવો કે વાંચવો તે પણ ઘણાને માન્ય હોતું નથી. ગણિકાઓ વિશે કહેવાય છે કે એની સાથેના શારીરિક સંબંધમાં વેપારનું તત્ત્વ વિશેષત: હોય છે. આથી વેપારી સંબંધોમાં લાગણીઓ વણી લેવામાં ગણિકાઓ પણ ક્ષોભ અનુભવે છે અને ગ્રાહકને મુખચુંબનનું સુખ આપતી નથી.

ચુંબનના ઇનકાર માટેનું બીજું કારણ રોગ લાગવાનો ડર હોય છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં પ્લેગ ફેલાયો ત્યારે લંડન, પેરિસ કે બર્લિનની ગણિકાઓને કોઈ ગ્રાહક ચુંબન કરી લે તો એ ઊબકા કરવા માંડતી અને ચુંબનના આદાનપ્રદાન માટે નર્વસ થઈ જવાનાં કેટલાંક કારણો પણ છે. જંતુશાસ્ત્રી વિજ્ઞાનીઓનો અંદાજ છે કે ચુંબનની એક પ્રક્રિયા દરમિયાન ૨૫૦ જેટલા વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ એક મુખમાંથી બીજા મુખમાં પ્રવેશી શકે છે. નવ મિલિગ્રામ પાણી, ૦.૭૧૧ મિલિગ્રામ ચરબી, ૦.૭ ગ્રામ આલ્બ્યુમિન અને ૦.૧૮ ગ્રામ જેટલા અન્ય ઓર્ગેનિક મટિરિયલની આપ-લે થાય એ તો બોનસમાં.

અમેરિકા અને યુરોપમાં બોબી જેન્ટ્રીના એક ગીતને સકારણ જ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. ‘આઇ વિલ નેવર ફોલ ઇન લવ અગેન’ નામના આ ગીતના શબ્દોનો સાર છે : ‘એક પુરુષને ચુંબન કર્યા પછી તમને શું મળે? એટલી જરૂરી માત્રામાં વિષાણુ મળે કે જેથી તમને ન્યુમોનિયા થાય અને ન્યુમોનિયા થાય તો? પેલો પુરુષ તમને ક્યારેય ફોન પણ નહીં કરે. આથી હું ક્યારેય પ્રેમમાં નહીં પડું.’
ઠીક છે, એ તો જેવી જેની મરજી. પણ એક વાત સત્ય છે કે ચુંબનની સાથે સામાન્ય શરદી-સળેખમ અને ક્ષય રોગ પણ ટ્રાન્સફર થાય છે. છતાં જેનો આજકાલ સર્વત્ર ડર છે તે એઇડ્સ (એચઆઇવી)નાં જંતુ ચુંબનથી ટ્રાન્સફર થતાં નથી. નિષ્ણાતો કહે છે કે હજુ સુધી ચુંબનથી કોઈને એઇડ્સનો રોગ લાગુ પડ્યો હોય એવો એક પણ કેસ અમારી જાણમાં નથી. એચઆઇવી વાઇરસનું સ્વરૂપ ખૂબ જ અસ્થિર છે. આથી જો એ થૂંકમાં હોય તો પણ થૂંકમાંનું એસિડ તેને ઓગાળી નાખે છે.

પાગલ પ્રેમીઓ માટે આ શુભ સમાચાર છે. એમ તો દરેક ચુંબનકર્તાઓના આરોગ્ય માટે સમાચાર શુભ જ છે અને તે એ કે ચુંબનથી આરોગ્ય પર ઘણી સારી અસર પડે છે. વીમા કંપનીઓએ કરેલા સંશોધન મુજબ લગ્નજીવન માણતા (ચુંબન સાથે) હોય તેવા લોકો કરતાં એકલું અપરિણીત જીવન ગાળતા લોકોનું લોહીનું દબાણ ઊંચું હોય છે. વળી એક અમેરિકન સંશોધન પ્રમાણે પતિ ઓફિસે રવાના થાય ત્યારે પત્ની એને એક મીઠું મજાનું ગુડબાય કિસ આપે તો એ વ્યક્તિ રસ્તામાં અકસ્માતનો ભોગ બનાવે અથવા પોતે ભોગ બને એવી શક્યતાઓ ઘટી જાય છે.

પેશનેટ કિસ વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. ગુજરાતી સ્ત્રીપુરુષોના વજન શા માટે વધારે હોય છે તે સમજાય છે? ચુંબનની ક્રિયામાં ચહેરાના ૩૯ સ્નાયુને કસરત મળે છે એ ઉપરાંત અત્યંત હૂંફાળા ચુંબનની ક્રિયામાં ૧૫૦ કેલેરી વપરાય છે. બીજા અર્થમાં કહીએ તો સરેરાશ વજન ધરાવતી વ્યક્તિએ આટલી કેલેરી બાળવી હોય તો સ્વિમિંગ પુલમાં પંદર મિનિટ ઢબઢબવું પડે અથવા માથા પર વીસ કિલોગ્રામ વજન લઇને એક ટેકરી ચડવી પડે. વાતનો સાર એ કે મૌખિક પ્રેમ કરવામાં પણ ઊર્જાનો વપરાશ થાય છે.

ચુંબન એ લેંગિક સંબંધોના પ્રારંભ માટેનું ગ્રીન સિગ્નલ ગણી શકાય. પણ આ વાત હંમેશાં સાચી નથી. ચુંબન એ કહી જાય છે કે બે વ્યક્તિના સંબંધ કયા સ્ટેજ પર છે. એક સ્ત્રી અને એક પુરુષ એક સાંજ સાથે ગાળે, ફિલ્મ જોવા જાય કે રેસ્ટોરાંમાં ડિનર લે પણ એકબીજાએ સંબંધનો મૌખિક રીતે એકરાર ન કર્યો હોય તો એકમેક માટે કેવી લાગણી અનુભવે છે તે જાણી શકે નહીં. છતાં જો ગુડનાઇટ કહીને એકબીજાને નાનકડી સ્મિત સાથેની બચી ભરે તો પણ બન્નેના હૃદયમાં એકમેક માટે લાગણી ધબકી છે એ જરૂર કહી શકાય. આમ, ચુંબન એ સેક્સના મેનિફેસ્ટો કરતાં પણ કંઇક વિશેષ છે. ચુંબનથી બીજી વ્યક્તિના ઇરાદા પણ જાણી શકાય છે. દાખલા તરીકે તમને કોઈ ધીરેથી માસૂમિયત ભર્યું ચુંબન આપે, અથવા તો તમારા હોઠ પર કે ગાલ પર પોતાના હોઠ સહેજ અડાડી લે તો સમજવું કે તમારી સાથે કાયમ માટેના રોમેન્ટિક સંબંધ જાળવી રાખવામાં રસ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ! પણ સામે પક્ષે જો એ ફટાફટ અને આવેશમાં આવી જઈને મોટા મોટા બકા ભરવા માંડે તો સમજવું કે એ વ્યક્તિને તમારામાં એ ક્ષણ પૂરતો જ રસ છે. ગોડ સેવ યુ !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button