ઉત્સવ

કચ્છ ઇતિહાસ પરિષદની સાડા ત્રણ દાયકાની સફર

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

સમયાંતરે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ આવનારી પેઢી માટે પથદર્શક સાબિત થતો હોય છે કારણકે ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન સમયની વ્યવસ્થા માટે કડીરૂપ છે.

કચ્છ પ્રદેશની ભાતીગળ ભોમકામાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાની પ્રવૃત્તિઓ થાય, કચ્છની ધીંગી ધરામાં ઉત્ખનન, સંશોધન અને અધ્યયન થાય, ઠેરઠેર પથરાયેલા અને વેરવિખેર પડેલા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થાનોનો જાત અભ્યાસ થાય, ભૂકંપમાં જર્જરિત સ્મારકોની સારસંભાળ લેવાય એ હેતુથી ઈતિહાસ અને પુરાતત્ત્વમાં રસ લેતા રસિકો અને વિદ્વાનો સૌ સંગઠિત થયા અને વર્ષ ૧૯૯૧માં મકરસંક્રાંતિના પવિત્ર પર્વ દિને સંસ્થાની સ્થાપના કરી અને નામ પાડ્યું: કચ્છ ઈતિહાસ પરિષદ. ત્યારથી પ્રવૃત્તિઓનું વિધિવત પ્રારંભ થયું તે આજ દિવસ લગીના સાડા ત્રણ દાયકાનાં સંભારણાને એકવાર યાદ કરવા જેવું ખરું.

માત્ર પ્રવાસો પૂરતું તેનું કાર્યક્ષેત્ર સીમિત ન રાખતા અધિવેશનો, જ્ઞાનસત્રો, શૈક્ષણિક શિબિરો, પર્વતારોહણ, સ્પર્ધાઓ તથા વિવિધ મુદ્દાઓને આવરી લેતી વ્યાખ્યાનમાળાનું આયોજન પરિષદના સભ્યો દ્વારા નિયમિત ધોરણે કરાતાં રહ્યાં છે. કચ્છની અસ્મિતાના પ્રતીકો જેવા કે રક્ષિત સ્મારકો, સદીઓ જૂના શિલ્પ સ્થાપત્યોની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેની નોંધ તૈયાર કરી તેના અહેવાલો કે લેખ સ્વરૂપે વખતોવખત વર્તમાનપત્ર તથા સામયિકોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા કે જેથી આજની પેઢી ભૂતકાળ સાથેનું સંધાન મેળવી શકે. ભારતના યશસ્વી વડા પ્રધાનની કચ્છ પરની લાગણીભીની નજરને લીધે બે વર્ષ પહેલાં ભુજિયા ડુંગરે સ્મૃતિવન સ્મારક નિર્માણ પામ્યું છે પરંતુ તેના નિર્માણ માટેની રજૂઆતો પરિષદે ઘણી વાર કરેલી છે. આ સિવાય મુંદ્રાની શાળાનું નામ ‘સ્વ. દુલેરાય કારાણી’ના નામે રાખવું, ભુજના ભીડ વિસ્તાર પાસે ‘સ્વ. પ્રાણગીરી ચોક’ તથા ‘ગોસ્વામી માર્ગ’નું નિર્માણ, દયાપર ખાતે લખપતજીના નામે કોલેજનું નિર્માણ કરવું, જેસલ- તોરલ સમાધિની આસપાસના દબાણો હટાવવા, જામ હમીરજીની છતરડી પાસે રોડનું નિર્માણ વગેરે જેવી કામગીરીઓ આ પરિષદના પ્રયાસોની દેન છે.

આમ તો ગુજરાત પ્રવાસન નિગમે કચ્છમાં પ્રથમ વખત ‘રણમહોત્સવ’ નું આયોજન તા. ૨૮ ફેબુઆરી ૧૯૯૨ ના રોજ કર્યું હતું એ સૌને વિદિત હશે, અને સત્તાવાર રીતે દાયકા પછી આ ઉત્સવે સફેદ રણના રંગીન તરંગો બીખેરવાના શરૂ કરી દીધા જે આજે વિશ્ર્વભરમાં ધૂમ મચાવે છે. ત્યારે પણ પરિષદે ધ્રંગના લોકમેળામાં કચ્છનાં કલાકારો અને રાસમંડળીઓને નિમંત્રિત કરી પ્રજા માટે કચ્છની આગવી લોકકલાનાં નૃત્યોની મલકની પ્રસ્તુતિ કરાવી હતી.

કર્ણોપકર્ણ કથાઓના આધારે કે પ્રાપ્ત પુરાવાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથક્કરણ કરાય અને આ ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ થાય તે માટે પરિષદે હકારાત્મક વલણ અપનાવ્યું છે. જેના ફળસ્વરૂપ પરિષદ દ્વારા ‘ઇતિહાસની આરસીમાં કચ્છ’, ‘કચ્છના ઐતિહાસિક લેખો’, ‘કચ્છ ઇતિહાસના સાક્ષી શિલાલેખો અને પાળિયા’ નામથી પુસ્તકો પ્રકાશિત થયાં હતા. ગર્વ લેવા જેવી વાત એ છે કે આ સંસ્થાએ પોતાના સ્થાપનાકાળથી જ સક્રિયપણું ટકાવી રાખ્યું છે અને વખતોવખત કામગીરીમાં નવીનતા લાવીને, વધુને વધુ લોકોને ઇતિહાસ સાથે જોડી રાખવાના પ્રયત્નો કરતી રહે છે. એટલું જ નહિ, મંત્રી પ્રમોદભાઈ જેઠીની અથાગ મદદ થકી પરિષદની કામગીરી તથા કચ્છ વિષેનું સંશોધન તેમજ કચ્છ વિષેની ઐતિહાસિક જાણકારી આપતા લેખોનું પ્રકાશન ૧૬ જેટલા અંકોમાં પ્રકાશિત થઇ શક્યું છે. પ્રથમવાર કચ્છ ઇતિહાસ પરિષદ તરફથી આ ત્રિમાસિક અંકને સફળતા આપવામાં કચ્છનાં ઉદ્યોગપતિ સ્વ. શ્રી દામજીભાઈ એન્કરવાલાએ નોંધપાત્ર સહયોગ આપેલો.

પરિષદની વાતમાં સ્વ. સાવસિંહજી જાડેજાને તો ભૂલી જ ન શકાય, કમનસીબે કુદરતે આપણને એ ખોટમાં સાલી દીધાં છે. વર્ષ ૨૦૦૬થી એમણે પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેઓ માનતા કે, ‘કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ, કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિદ્યાશાખામાં ‘રસહીન તપાસ’ને બદલે “સાંસ્કૃતિક વારસો શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય કે જેથી સદીઓ પુરાણી રહસ્યમય અને રસપ્રદ વાતોનો ખુલાસો આજની પેઢી માટે શક્ય બને.’ પરિષદ વતી પુરાતત્ત્વિય સ્મારકોની જાળવણી માટે અનેક પ્રયત્નો કરીને સરકાર પાસે ગ્રાન્ટ મંજૂર કરાવી છે અને નક્કર કામગીરી આગળ ધપે તે માટે નિયમિત પત્રવ્યવહારો કર્યા હતાં. બાપુની વિદાય પછી કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી શંભુભાઈ જોશી આ જવાબદારીનું બખૂબી વહન કરી રહ્યાં છે. યુવાનને પણ શરમાવે એ ઝડપથી કામ આપનારા શંભુભાઈ, પ્રમોદભાઈ જેવા સુજ્ઞજનોએ કચ્છના ઈતિહાસ અને પુરાતત્ત્વ ક્ષેત્રે ઘણું પ્રદાન આપ્યું છે પણ હવે તેઓ ઈચ્છે છે કે આ જવાબદારીઓ આજની યુવાપેઢી રસપૂર્વક ગ્રહણ કરે. પણ લખનારનું માને છે કે એમનો અનુભવ અને યુવાપેઢીની ઊર્જામય જુગલબંદી પરિષદ કામગીરીની શીરોધારે વહેતી રહેશે.

ભાવાનુવાદ: સમય સમયતે માનવજાત ભરાં કરલ પ્રવૃતિએંજા લેખિત પૂરાવેજો ધ્યાન રિખીને ભૂતકાલજો અભ્યાસ નઇ પેઢીલા આંગરી ચીંધેતો કુલા ક ઇતિયાસ ખાલી ભૂતકાલજી બાબતું ભેરો સંકડ઼ાયેલો નાય, ઊ ત વર્તમાન સમોજી વ્યવસ્થાલા કરે કડીરૂપ આય.

કચ્છજી ભાતીગડ઼ ભોમકા મથે ઐતિહાસિક નેં સાંસ્કૃતિક પરંપરાજી પ્રવૃત્તિઊં થિએ, કચ્છજી ધીંગી ધરાતે ઉત્ખનન, સંશોધન નેં અધ્યયન થિએ, નિડારી નિડારી જગા તે પથરાલ; વેરવિખેર થિઇ વેલ ઐતિહાસિક મહત્ત્વ ધરાંઇંધલ થાનેજો અભ્યાસ થિએ, ભૂકંપમેં જર્જરિત સ્મારકેંજી સારસંભાડ઼ ગ઼િનાજે હિન હેતુસેં ઈતિયાસ નેં પુરાતત્ત્વજા રસિક મિડ઼ે ભેગ઼ા થ્યા ને વરે ૧૯૯૧ મેં ઉતરાયણજે પવિતર મોકે તે સંસ્થા ઉભી ક્યોં નેં નાંલો વધેં: ‘કચ્છ ઈતિહાસ પરિષદ’. તેરનું કરે અજ઼ તઇં હિન સંસ્થા કે સાડ઼ા ત્રે ડાયકા થ્યા ઐં, તેંકે હિકડ઼ી યાર જાધ કેંણું ખપે.
ખાલી પ્રિવાસેં પુરતો ઇનીજે કમ જો છેત્ર સીમિત નં રખંધે અધિવેશન, જ્ઞાનસત્ર, શૈક્ષણિક શિબિર, પર્વતારોહણ, સ્પર્ધાઉં તીં જુધેજુધે મુધે કે આવરેંને વ્યાખ્યાનમાડ઼ાજો આયોજન પરિષદજા સભ્ય ભરાં નિયમિત કરીંધા આયા ઐં. કચ્છજી અસ્મિતાજા પ્રતિક ઍડ઼ા ‘રક્ષિત સ્મારક’, સધિ જુનાં શિલ્પ સ્થાપત્યેંજી રુભરુ મુલાકાત ગ઼િની તેંજી નોંધ તૈયાર કરેં ઇનીજા અહેવાલો ક લેખ સરૂપે ટાણે ટાણે તે છાપેમેં ક સામયિકેંમેં પ્રિસિદ્ધ કરેમેં આયા કે જેંસે અજ઼્જી પેઢી ભૂતકાલ ભેરો સંધાન કરેં સગ઼ે. ભારતજા યશસ્વી વડાપ્રધાનજી કચ્છતે મિઠી નજર હૂંધે જે લીધે બો વરેં પેલા ભુજીયે ડુંગરતે સ્મૃતિવન સ્મારક ભનાયમેં આયો આય પ હિનજો નિર્માણ થિએ તેંલા પરિષદ રજૂઆતું કેં વે. હિન સિવા મુનરેજી સ્કૂલજો નાંલો ‘સ્વ. દુલેરાય કારાણી’જે નાંલે રખંણું, ભુજજે ભીડ઼ વિસ્તાર વટ ‘સ્વ. પ્રાણગીરી ચોક’ તીં ગોસ્વામી માર્ગ’જો નિર્માણ, દયાપર ખાતે લખપતજીજે નાંલે કોલેજજો નિર્માણ કેંણૂ, જેસલ- તોરલજી સમાધિ વટાં દબાણ હટાઇંણા, જામ હમીરજીજી છતેડ઼ી વટ રોડ઼જો નિર્માણ જેડ઼ીયું કિઇક કામગીરીયું હિન પરિષધ્જી ડેન આય.
હી ત ગુજરાત પ્રવાસન નિગમ કચ્છમેં પેલી વાર ‘રણમહોત્સવ’જો આયોજન તા. ૨૮ ફેબુઆરી ૧૯૯૨ જે ડીં ક્યો હો ઇ મિણીંકે ખિબર હૂંધી, નેં સત્તાવાર રીતેં ડાયકે પૂંઠીયા હી ઓછવજે જોરે ધોરે રિણજા રઙગીન તરંગ વિસ્તારેલા મિંઢજી વ્યા જુકો અજ઼ સજી ધુનિયામેં ધૂમ મચાઇયેં તા. તેર પ પરિષધ ધ્રંગજે લોકમેરેમેં કચ્છજે
કલાકારેં નેં રાસમંડલીએંકે બોલાઇને પ્રિજા લા કચ્છજી આઉગી લોકકલાજી પ્રસ્તુતિ કરાઇ વી.

કને સોણલ વારાતએંજે આધારેં હાંસલ પુરાવે મિંજા હિની ઘટનાએંજો પરીક્ષણ નેં પૃથ્થકરણ થિએ નેં હિન ઘટનાએંજા કારણ તીં પ્રિભાવજો અસલ આલેખન થિએ તેંલા પરિષધ હકારાત્મક વલણ અપનાયો આય. જેંજે ફલસરૂપ પરિષધ ભરાં ‘ઇતિહાસની આરસીમાં કચ્છ’, ‘કચ્છના ઐતિહાસિક લેખો’, ‘કચ્છ ઇતિહાસના સાક્ષી શિલાલેખો અને પાળીયા’ નાંલે પુસ્તક પ્રકાશિત થ્યા વા. ગર્વ ગ઼િને જેડ઼ી ગ઼ાલ ત ઇ આય ક હી સંસ્થા પિંઢજે થાપના નું કરે અજ઼ તઇં સક્રિય રિઇ આય નેં સમો સમો મેં કમમેં નવીનતા અપનાઇને, વધુને વધુ માડૂએંકે ઇતિયાસ ભેરા કરેજા પ્રયત્નો કરી રિઇ આય. ઇતરો જ નં, મંત્રી પ્રમોદભા જેઠીજી અથાગ મધધ થકી પરિષધજી કમગીરી નેં કચ્છ વિસે સંશોધન તીં કચ્છજી ઐતિહાસિક જાણકારી વારે લેખેંજો પ્રિકાશન સોરો જિતરે અંકમેં છપાજી રયા ઐં. પેલી વાર પરિષધ જડે હી ત્રિમાસિક સરુ કરીંધી હુઇ તેર કચ્છજા નામચિન ઉદ્યોગપતિ સ્વ. દામજીભા એન્કરવાલા નોંધપાત્ર સહયોગ ડિનોં હો.

પરિષધજી ગ઼ાલમેં કરીયું ત સ્વ. સાવસિંહજી જાડ઼ેજાકે ભુલી ન સગ઼ો, કમનસીબે કુધરત હિનીકે પાં વટાનું જટે ગ઼િડ઼ો. વરે ૨૦૦૬નું હિની પરિષધજો પ્રમુખપધ સંભારેં વે. ઇ મનંધા વા ક, ‘કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ, કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિધાશાખામાં ‘રસહીન તપાસ’ને બદલે “સાંસ્કૃતિક વારસો શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય કે જેથી સદીઓ પુરાણી રહસ્યમય અને રસપ્રદ વાતોનો ખુલાસો આજની પેઢી માટે શક્ય બને.’ પરિષધ ભરાં પુરાતત્વિય સ્મારકેંજી જાડ઼વણીલા કિઇક પ્રયત્ન કરેને સરકાર વટા ગ્રાન્ટ મંજૂર કરાયમેં આવઇ જેંસે કમ અગ઼િયાં વધે નેં હિનલા પત્રવ્યવહાર પ કરેમેં આયાતે. બાપુજી વિડાય થિઇ તેં પૂંઠીયા કાર્યકારી પ્રમુખ તરીકેં શ્રી શંભુભા જોશી હિન જભાબધારી નિભાઇયેંતા. જુવાણેંકે સરમ અચે ઍડ઼ી છટા સેં કમ કરીંધલ શંભુભા, પ્રમોદભા જેડ઼ા વડ઼ીલ કચ્છજો ઈતિયાસ ને પુરાતત્વજે મુધે તેં ગ઼્ચ પ્રિડાન ડિંનોં આય પણ હાણેં હી ચેંતા ક હિન જભાભધારી અજ઼જી પેઢી હુંભસે સિકારે પણ આઉં ત મનાંતિ ક ઇનીજો અનુભવ નેં યુવાપેઢીજી ઊર્જામય જુગલબંધિસે પરિષધજા કમ ગ઼ચ અગ઼િયા વધી સગ઼ંધા.
વલો કચ્છપુર્વી ગોસ્વામી

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત