ઉત્સવ

વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વધી રહેલા પડકારો સામે જરૂર છે સરળ – સ્વચ્છ માહોલ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

સરકાર એકબાજુ સતત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની વાતો કરતી રહે છે, પણ સરકાર ઈઝ (સરળતા) કરતી જ નથી એવું પણ સાવ ન કહી શકાય, તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને બદલે ‘ડિફિકલ્ટ ટુ ડુ બિઝનેસ ’ પણ સાથે-સાથે ચાલવા લાગ્યું છે. જેમાં કયાંક બ્યુરોક્રસીની બુરાઈ, કયાંક કરપ્શન તો વળી કયાંક નિયમન- નિયંત્રણના અતિરેક કામ કરી રહ્યાં છે, વળી અમુક બાબતમાં કમ્પલાયન્સ-અનુપાલન એટલાં બધાં થઈ ગયા છે કે બિઝનેસમેન એમાંથી જ બહાર આવતો નથી. એના ખર્ચ અને તનાવ સતત વધે છે. હા, કયાંક કામ સરળ બન્યું છે. ઓનલાઈન અને ડિજિટલ કામકાજને લીધે સરળતા વધી છે,પરંતુ ડિજિટલ માહોલમાં ભય અને શંકા વધતા રહયા હોવાથી વેપાર-ઉધોગ વર્ગ વધુ મૂંઝવણમાં રહે છે.

સમસ્યાનાં કારણ
અલબત્ત, વેપાર-ઉદ્યોગ વર્ગ પણ દૂધે ધોયેલો તો નથી. ત્યાં પણ સતત ગેરરીતિઓ-ગરબડો ચાલ્યા કરે છે. જોકે વેપાર-ઉદ્યોગ જગતમાં ‘હવે ઘણાંને ભારતમાં બિઝનેસ કરવો પડકારજનક લાગે છે અને તેથી એ બધા દુબઈ અને સિંગાપોર જેવાં સ્થળે એમની કંપનીઓ શરૂ કરવાનું પસંદ કરે છે’ એવું વિધાન તાજેતરમાં અગ્રણી ઈન્વેસ્ટર રુચિર શર્માએ વ્યક્ત કર્યું છે. એમણે એવી ચિંતા દર્શાવતા કહ્યું છે કે, આની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે, પરંતુ તેમાંના અમુક છે, દેશની નિયમન યંત્રણા અને ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓનું બેકાબૂપણું; એમણે એવું નોંધ્યું છે કે, ભારતનું સામાન્ય મેક્રોઈકોનોમિક મેનેજમેન્ટ તો સારું છે, પણ એનું તંત્ર તેમજ તપાસનીશ એજન્સીઓનો અતિરેક ચિંતાનો વિષય બનતા રહ્યા છે. નિયમભંગ વિના કામ કરવું મુશ્કેલ? વેપાર ક્ષેત્રમાં જે મૂંઝવણ પ્રવર્તે છે એને કારણે કંપનીઓ માટે વર્તમાન વ્યવસ્થામાં નિયમોનો ભંગ કર્યા વિના કામ કરવાનું મુશ્કેલ બની ગયું છે. દેશના ખાનગી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવાની જરૂર છે, જોકે તેમાં મંદ ગતિ ચાલી રહી છે. સત્તા સામે અવાજ, વિરોધ કે ટીકા કરવાનું કપરું બન્યું છે. કોઈ-કોઈને ટીકા બહુ મોંઘી પણ પડે છે, જેથી ટીકા કરવાને બદલે એ બીજા માર્ગે ફંટાઈ જાય છે. આ બીજા માર્ગ એટલે વિદેશમાં શિફટ થવાનો અને બિઝનેસ શિફટ કરવાનો…

રુચિર શર્માના શબ્દોમાં કહીએ તો એક એવી માન્યતા પ્રવર્તે છે કે ભારતમાં નિયમો એવી રીતે ઘડવામાં આવે છે કે જો તમે એને તોડો નહીં તો તમે કંઈ પણ કરી શકો નહીં. સરકાર આનો ઉપયોગ એની મરજી મુજબ અને વ્યૂહાત્મક રીતે કરે છે, જેને કારણે વેપાર-ઉદ્યોગ વર્ગમાં ડર પ્રવર્તે છે. દેશનું બુદ્ધિધન અને બિઝનેસ વિદેશોમાં ચાલ્યું ન જાય એ સરકારે જોવું જોઈએ અને એમના રક્ષણ માટેના પગલાં લેવાં જોઈએ.
બેરોજગારીની સમસ્યા વિશે શર્માજીનું માનવું છે કે ભારતમાં શેરબજારોમાં તેજી છે, પરંતુ એનાથી તો દેશની કુલ વસતિના અમુક મર્યાદિત ભાગને જ ફાયદો થાય છે. શેરબજારની તેજીથી કદાચ બે અથવા ત્રણ કરોડ લોકોને ફાયદો થાય છે, પરંતુ ૫૦ કે ૬૦ કરોડ લોકોને એની કોઈ અસર થતી નથી.

આ બધી સમસ્યાઓની સાથે સરકાર તેના વિરોધીઓને નબળાં પાડવા-તોડવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને ઈન્કમ ટેક્સ જેવી તપાસનીશ સંસ્થાઓનો ગેર -ઉપયોગ કરતી હોવાનો આક્ષેપ પણ થતા રહ્યા છે. હવે સરકારની આવી કડકાઈ અને ભય બધાંને માફક આવતા નથી. અગાઉની સરકારોએ દેશના નકકર વિકાસના ભોગે એવી ખોટી નીતિઓ ઘુસાવી દીધી હતી કે આજની સરકાર દસ વરસથી તેને દૂર કરવા ઝઝૂમી રહી છે. સરકારને અમુકમાં સફળતા મળી છે તો અમુકમાં હજી સંઘર્ષ ચાલુ છે.

કરમાળખાં – કાયદાતંત્રમાં પણ સુધારા જરૂરી
સરકારે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ઘણાં પગલાં ભરવાનાં રહે છે, જેમાં કરમાળખાંના સુધારા-સરળીકરણનો તેમ વિવાદના કિસ્સાઓના ઝડપી ઉકેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક કાનૂનની સરળતા આવશ્યક છે, કારણ કે કાનૂન, નીતિ-નિયમો જેટલાં ગૂંચવણભર્યા હોય છે તેટલાં સડાં તેમાં પ્રવેશે છે, જે બિઝનેસ માહોલને દૂષિત કરે છે અને કરપ્શનનો સ્કોપ વધારે છે. સરકાર ભલે દાવા કરે કે રાજકીય સ્તરે કોઈ મોટા સ્કેમ થયા નથી, ભ્રષ્ટાચાર ચલાવાશે નહી, પરંતુ વ્યવહારમાં ભરપુર ભ્રષ્ટાચાર ચાલી રહયો છે. સરકારી કચેરીઓમાં એક યા બીજા પ્રકારે રૂશ્વતખોરી ચાલી રહી છે, માત્ર ભ્રષ્ટાચારની ટેક્નિક બદલાઈ છે. આજે પણ પૈસા પધરાવ્યા – ખવડાવ્યા) વિના કોઈ કામ ભાગ્યે જ થાય છે. બિઝનેસમેન હોય કે સામાન્ય માણસ, સરકારી કચેરીમાં પોતાનું કામ કરાવવા જાય તો અમુક તેનું કામ સરળતાથી થઈ જાય એ દિવસો હજી કાફી દૂર છે. કાયદા બધાં જ છે, પણ તેના અમલ સામે પણ ઘણાં પડકારો છે. પરિણામે ઈમાનદાર માણસો- વેપારીઓ માટે કામકાજ કરવાનું કઠિન બને છે, જયારે ચલતાપૂર્જા પોતાનાં કામ કઢાવી લે છે. સ્વચ્છતા-સરળતા સાથે વિકાસ સંભવ છે? છેલ્લી મહત્ત્વની વાત એ નોંધવી રહી કે રાજકીય સ્તરે એટલી બધી ગંદકી અને બદમાશી ચાલી રહી છે, જે દેશને સ્વચ્છ થવા દેતી નથી. કાયદા બધે અસરકારક ભૂમિકા ભજવી શકતા નથી. સ્થાપિત હિતો અને દેશની અંદર રહેલા દુશ્મનો પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે નીચે ઉતરવા તૈયાર છે. આવામાં દેશનો જીડીપી વધે, ઈકોનોમી ઝડપી વિકસે તો ય શું ? ભાવિ કેટલું ઉજવળ છે અને કેટલું ધુંધળું છે એ કહેવું કઠિન રહે છે. હજી ઘણાં ક્રાંતિકારી સકારાત્મક સુધારા-પરિવર્તન વર્તમાન સમયની માગ છે. દેશમાં સરળતા, સ્વચ્છતા, પારદર્શકતા સાથે સામાજિક- આર્થિક વિકાસ થાય એવી આશા રાખીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button