આખું જીવન પાણીમાં વિતાવતો મત્સ્યભક્ષી સાપ
પ્રાસંગિક -કે. પી. સિંહ
મત્સ્ય ભક્ષી સાપ એક અદ્ભુત સાપ છે. અંગ્રેજીમાં તેને ફિશિંગ સ્નેક એટલે કે માછલીઓનો શિકાર કરનાર સાપ કહેવાય છે. તે સંપૂર્ણપણે જળચર પ્રાણી છે અને તેનું આખું જીવન પાણીમાં વિતાવે છે. આ મત્સ્યભક્ષી સાપ ચીનથી લઇને ન્યુ ગિની અને ઉત્તરી ઓસ્ટ્રેલિયા સુધીના ભાગોમાં જોવા મળે છે. તે ધીમી અને ઝડપી વહેતી નદીઓ, તળાવો અને નદીમુખોમાં રહે છે. મત્સ્યભક્ષી સાપની એક પ્રમુખ વિશેષતા એ છે કે તે નદીઓ અને તળાવોના તાજા પાણી તેમજ સમુદ્રના ખારા પાણીમાં સરળતાથી રહી શકે છે. થાઈલેન્ડ, કંબોડિયા અને દક્ષિણ વિયેતનામના દલદલવાળા વિસ્તારોમાં આ સાપ મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં તેને સિયામીઝ સ્વેમ્પ સ્નેક કહેવામાં આવે છે.
મત્સ્યભક્ષી સાપ પાણીમાં છોડની નજીક રહેવાનું પસંદ કરે છે. તેની પૂંછડીની મદદથી, તે તેના શરીરના કેટલાક ભાગને છોડની ડાળીની આસપાસ લંગરની જેમ લપેટીને તેના શરીરને સીધું કરે છે અને તેને સખત બનાવે છે. આ સમયે તેને જોતા એવું લાગે છે કે જાણે પાણીમાં લાકડી પડી હોય કે છોડની ડાળી હોય. મત્સ્ય ભક્ષી સાપ પોતાની સુરક્ષા માટે આ પ્રકારનું વર્તન કરે છે. તેથી જ તેને કાષ્ઠ ફલક સાપ કહેવામાં આવે છે. જો તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો પણ તેનું શરીર કઠોર રહે છે અને સીધી, ચપટી લાકડી જેવું દેખાય છે.
આ નર સાપ માદા કરતા લાંબો હોય છે, પરંતુ લંબાઈ ૭૦ થી ૮૦ સેન્ટિમીટર સુધીની હોય છે. આ મત્સ્યભક્ષી સાપની ચામડી લાલ કથ્થઈ રંગની હોય છે અને સફેદ રંગના પટ્ટાઓ હોય છે. ક્યારેક હળવા રંગના મત્સ્યભક્ષી સાપ પણ જોવા મળે છે. તરતી વખતે તે તેના મોઢાનો આગળનો ભાગ પાણીની બહાર રાખે છે. મત્સ્યભક્ષી સાપ પહેલા પાણીની અંદર ડૂબકી લગાવે છે. તે સમયે તેના નાકના વાલ્વ બંધ થઈ જાય છે, તેથી પાણી ફેફસામાં પહોંચતું નથી, પરંતુ તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકતો નથી. તેથી શ્ર્વાસ લેવા માટે તેને થોડી – થોડી વારમાં પાણીની સપાટી પર આવવું પડે છે.
મત્સ્યભક્ષી સાપના મોઢાની આગળની બાજુએ બે સંસ્પર્શિકાઓ હોય છે, જે દૂરથી જોવામાં પાંદડા જેવા દેખાય છે. તેથી જ કેટલાક લોકો તેને સંસ્પર્શિકા સર્પ પણ કહે છે. આ પ્રકારની સંસ્પર્શિકા વિશ્ર્વના કોઈપણ સાપમાં જોવા મળતી નથી. આ કોમાફ્લાસ તરીકે કાર્ય કરે છે. આ સાપ માત્ર માછલીઓ જ નથી ખાતા. તે માછલીઓ સાથે પાણીના અન્ય જીવ જંતુઓનો પણ શિકાર કરે છે.
મત્સ્યભક્ષી સાપ જળચર છોડની વચ્ચે છોડની ડાળીની જેમ શાંતિથી રહે છે અને જેવો તેનો શિકાર તેની નજીક આવે છે, તે તેને પકડીને ગળી જાય છે.
મત્સ્યભક્ષી સાપ ઝેરી હોય છે, પરંતુ તેનું ઝેર માત્ર પ્રાણીઓને જ અસર કરે છે. તેના ઝેરની મનુષ્યો પર કોઈ અસર થતી નથી. મત્સ્યભક્ષી સાપમાં આંતરિક સંવનન અને આંતરિક ગર્ભાધાન જોવા મળે છે. સમાગમ પછી નર માદાથી અલગ થઈ જાય છે. આમાં, નર એક સમાગમની સિઝનમાં ઘણી માદાઓ સાથે સમાગમ કરતા જોવા મળે છે. સામાન્ય રીતે સાપ ઇંડા મૂકે છે, પરંતુ મત્સ્યભક્ષી સાપમાં ગર્ભાધાન પછી, માદા સાપના ઇંડા તેના શરીરની અંદર પરિપક્વ થાય છે અને શરીરની અંદર જ ફૂટે છે. આ જ કારણ છે કે માદા મત્સ્ય ભક્ષી સાપ ઈંડા નથી મૂકતી પણ જીવતા બાળકોને જન્મ આપે છે. તે એક સમયે ૭ થી ૧૩ બાળકોને જન્મ આપી શકે છે. મત્સ્યભક્ષી સાપ તેના બાળકોનું રક્ષણ કે સંભાળ રાખતી નથી. તેના બાળકો જન્મ પછી તરત જ નાના જંતુઓનો શિકાર કરવા લાગે છે અને અમુક મોટા થતાં જ માછલી પકડવાનું શરૂ કરી દે છે અને જમીનના સાપ કરતાં વહેલા પ્રજનન માટે સક્ષમ બને છે.
મત્સ્યભક્ષી સાપ એક અદ્ભુત સાપ છે. તેના દુશ્મનો બહુ ઓછા છે. તે તેના કોમાફ્લાસ અને ઝેર દ્વારા મોટાભાગના દુશ્મનોથી બચી રહે છે. મત્સ્ય ભક્ષી સાપની કોઈ આર્થિક ઉપયોગિતા નથી, તેથી માણસો પણ તેનો શિકાર કરતા નથી. આ જ કારણ છે કે તે સારી રીતે વિકસી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં તેના લુપ્ત થવાની કોઈ શક્યતા નથી.