ઉત્સવ

આઉટફિટ્સમાં ટેકનોલોજીની રંગબેરંગી દુનિયા

ટેક વ્યૂ -વિરલ રાઠોડ

માણસની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાતમાં રોટી-મકાન-કપડાંનો સમાવેશ થાય છે. આમાં વધુ એક વસ્તુનો ઉમેરો કરવો હોય તો એ મોબાઈલનો કરી શકાય. સ્માર્ટફોન કેટલાક લોકો માટે રોજીનું સાધન છે તો કેટલાક લોકો માટે રમૂજનું માધ્યમ. સમયાંતરે માણસના જીવન સાથે જોડાતી જતી અવનવી ટેકનોલોજીએ પડકારરૂપી ગણાતા કામને સરળ કરી દીધા. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ વ્યક્તિની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનમાં ખાણી-પીણીથી લઈને પહેરવેશ સુધીનું બધું જ બદલાયું. ટેકનોલોજીના સમુદ્રમાં આવનારી લહેર એવી છે, જેમાં હવે આશ્ર્ચર્ય પમાડે એવા ડ્રેસ આવી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો આપે એવા શર્ટ-ટીશર્ટ આવ્યા બાદ હવે ક્યારેય ખરાબ જ ન થાય એવા ફોર્મલ્સ આઉટફિટ પણ માર્કેટમાં છે.

મેચમેન ઈ-કોમર્સ કંપનીએ શિયાળામાં પહેરી શકાય એવું એક જેકેટ વેચવા માટે મૂક્યું તો અનેક ઓર્ડર ઓનલાઈન મળ્યા હતા. આ જેકેટની ખાસ વાત એ છે કે, એમાં તાપમાન સેટ કરી શકાય છે. આ માટે જેકેટમાં ડાબી તરફ એક બટન આપવામાં આવ્યું છે. આ બટનથી તાપમાન સેટ કરી શકાય છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જેકેટ બહારથી ઠંડું હોય છે પણ અંદર ગરમાવો જાળવી રાખે છે. આને ‘થર્મલ ટેકક્લોથ’ કહે છે. આ જેકેટની અંદર ટેકનોલોજી એ ઉપયોગ કરાઈ છે જેમાં સૂર્યપ્રકાશ જ્યારે પણ આ જેકેટ પર પડે ત્યારે તે અંદર ગરમી પેદા કરે છે. આ ગરમીને તે લાંબા સમય સુધી એક ચીપમાં સ્ટોર કરી રાખે છે. સૂર્યાસ્ત બાદ વાતાવરણ ટાઢું થાય ત્યારે આ ચીપની મદદથી જેકેટ ગરમ થાય છે. વજનમાં હલકું હોવાને કારણે શરીર પર ભાર લાગતો નથી. જેકેટને જ્યારે શરીર પરથી ઉતારવામાં આવે છે ત્યારે શરીરનું તાપમાન પણ ગરમ થતું નથી. ટૂંકમાં નોર્મલ રહે છે. હિમશીલા ધરાવતા પ્રદેશમાં સૂર્યપ્રકાશ થોડા સમય પૂરતો જ રહે છે. એવા સમયે ચીપમાં રહેલી સોલાર ટેકનોલોજીથી કામ ચાલે છે.

‘એવેંજર’ જેવી સાયન્સ ફિક્શન ફિલ્મમાં જેવા કપડાં જોવા મળે છે એ જોઈને નવાઈ લાગે છે. આ ફિલ્મના દરેક એક્ટરના ડ્રેસની લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. પગમાં પહેરવાના બૂટમાં પણ અપાર વૈવિધ્ય આવ્યું છે. અગાઉ લાઈટવાળા બૂટ અને ચોક્કસ પ્રકારના સાઉન્ડ -અવાજ કરતા શૂઝનો ટ્રેન્ડ હતો. સ્માર્ટ વોચ બાદ હવે સ્માર્ટ શૂઝ જોવા મળે તો નવાઈ ન પામતા. રાઈટનો લોગો ધરાવતી એક જાણીતી કંપનીએ કઊઉ શૂઝ બનાવ્યા છે. આ બૂટમાં માત્ર વ્યક્તિએ પોતાના પગ જ નાંખવાના. બાકી દોરી બાંધવાથી લઈ ફિટિંગ સુધીનું કામ ઓટોમેટિક થઈ જશે. આ શૂઝનો લૂક જમશૂઝ જેવો છે. વેસ્ટર્ન ડ્રેસ પર પહેરીએ એટલે વટ પડે. ખાસ વાત એ છે કે, તે કોઈ પણ પ્રકારની લેગ ઈન્જરીથી પગને બચાવે છે. એડીની ઉપરની તરફ શૂઝનું જે કવર ફીટ થાય છે ત્યાં બટન આપવામાં આવ્યા છે, જેનાથી પંજા પરનું ફિટિંગ ટાઈટ કે ઢીલું કરી શકાય છે. એટલે ભવિષ્યમાં કોઈ સ્કૂલ શૂઝ આ અભિગમ પર ડિઝાઈન થાય તો નવાઈ નહીં. બદલતી ડિઝાઈન અને રંગ સાથે બૂટ બદલે ત્યારે સ્વાભાવિક છે કે, નવા બૂટ લેવાનું મન થાય. જૂના બૂટ પર ડિઝાઈન અને કલર બદલી શકાતા હોત તો કેટલું સારું હોત.

વેલ, આ વસ્તુ પણ શક્ય છે. શિફ્ટવેર શૂઝ એવા બૂટ છે જેનો કલર, ડિઝાઈન અને કવર બધું જ બદલી શકાય છે. ઈ-પેપર ટેકનોલોજીથી એમાં ૩ઉ ડિઝાઈનથી લઈ મલ્ટિકલર કોમ્બિનેશન કરી નવા શૂઝ જાતે જ ડિઝાઈન કરી શકાય છે. એને તૈયાર કરવામાં ભલે નિષ્ણાંત ન હો પણ શૂઝની એપ્લિકેશનમાં જુદી જુદી કોમ્યુનિટી આપેલી છે. જેને ડાયરેક્ટ એપ્લાય કરી શકાય છે. મહત્ત્વની વાત એ છે કે, જેમ વ્યક્તિ આ શૂઝ પહેરીને ચાલશે એમ આ ઈ-પેપર ચીપની બેટરી ચાર્જ થશે. એટલે બૂટ ચાર્જ કરવા પડે એવું નહીં આવે…

સિક્સ પોકેટ જન્સ કોને ન ગમે? એમાં પણ કોટનમાં હોય અને સ્કિન કલર મળે તો તો મોજ પડી જાય. પણ હવે ‘બૌબક્સ’ નામનું ટ્રાવેલ જેકેટ નજીકના ભવિષ્યમાં આપણા સૌનું ટ્રાવેલ્સ આઉટફિટ બની રહેશે. આ જેકેટની ખાસ વાત એ છે કે, એમાં નેકપિલો, હેડકવર કેપ, આઈમાસ્ક, પાસપોર્ટ પોકેટ અને સ્લિવમાં ડોક્યુમેન્ટ પોકેટ આપેલું છે. આ જેકેટને ઉનાળામાં પહેરી શકાય છે. કોઈ પણ શર્ટ કે ટી-શર્ટ ઉપર પહેરવાથી કોઈ ગરમી થતી નથી એ આ જેકેટનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. અહીં ટેકનોલોજી ચેન (ઝીપ) માં વાપરી છે. ગમે તેવો વરસાદ હોય આ ચેનની અંદર પડેલી વસ્તુ પલળતી નથી.

જે રીતે શૂઝ સ્માર્ટ થયા એમાં મોજાં પણ થોડા બાકી રહે? આ મોજાને ‘સેંસોરિયા સ્માર્ટ શોક્સ’ નામ આપવામાં આવ્યું છે. હવે સ્માર્ટ વોચમાં સ્ટેપ કેટલા ચાલ્યા એ આવી જાય છે. મોબાઈલમાં પણ ઘણી એપ્લિકેશનથી જાણી શકાય છે કે, કેટલા કિલોમીટરનું અંતર કપાયું. આ મોજામાં ખાસ વસ્તુ એ છે કે, જ્યારે તમે ચાલવા માટે પગ ઉપાડો છે તો એ લેન્ડ કેવી રીતે થાય છે એની પણ તે ડિજિટલ ફૂટપ્રિન્ટ આપે છે. આ માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. સ્ટેપ કાઉન્ટ તો કરી જ આપશે પણ જુદી જુદી ટેક્નિક પણ સજેસ્ટ કરશે. સ્પીડ, કેલેરી, પગની હિલચાલ,ગોઠણથી પગ કેટલીવાર કઈ દિશામાં ગુમાવ્યા અને પગની ફિટનેસનો આખો ચાર્ટ આપી દેશે. છે ને કમાલની વસ્તું?

આઉટ ઓફ ધ બોક્સ
સંપત્તિના વારસદાર એકથી વધુ હોઈ શકે પણ કર્મના વારસદાર આપણે સ્વયં જ છીએ. પૃથ્વીના ગોળામાં ખૂણો નથી. જેથી જેવું ફેંકીએ એ જ ફરી આપણને પરત મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button