ઉત્સવ

હસતા હસતા રડી પડે ભૈ માણસ છે

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ‘વહેમ-રોગ’ને ‘પ્રેમ-રોગ’ની કોઇ દવા નથી.

(છેલવાણી)
એન્ટોન ચેખોવ, નામનાં જગવિખ્યાત રશિયન લેખક, જે એક સફળ ડોક્ટર પણ હતા, એમણે કહેલું: “મારી દરેક વાર્તામાં એક પેશંટ છુપાયેલ હોય છે અને દરેક પેશંટમાં એક વાર્તા! આપણે સૌ જીવંત વાર્તાઓ છીએ અને જન્મ્યાં ત્યારથી હરપળ, મોત નામની ખામોશ બીમારીનાં પેશંટ છીએં.

‘વાર્તા’ની વાત પરથી એક વાર્તા યાદ આવી-એક હેંડસમ ને ગોરા જુવાનને એના રંગ-રૂપને લીધે, ચામડીની ક્રીમ બનાવતી કંપનીમાં સેલ્સમેનની નોકરી મળી. પણ પછી એક દિવસ સેલ્સમેનને પોતાને જ ગળાં પર લાલ ચકામું થયું. અઠવાડિયું પોતાની જ કંપનીનાં ૨-૩ મોંઘાં ક્રીમ અજમાવ્યાં પણ ચકામું વધીને લાલ ડાઘ બની ગયું. પછી સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તપાસીને ક્રીમ લખી આપી જે પેલાની જ કંપનીની હતી! પોતાની જ ટ્રેજિ-કોમિક હાલત પર સેલ્સમેન હસી પડ્યો પછી સેલ્સમેને જાતજાતનાં ઉપચારો કરી જોયા પણ પેલો ડાઘ તો વધતો જ ગયો. એ ડાઘ જોઇને મેનેજરે કહ્યું, ‘ચામડીના ક્રીમના સેલ્સમેનને પોતાને જ ચામડીનો રોગ હોય એ કેમ ચાલે? થોડા દિવસ, ફિલ્ડ વર્ક છોડીને ઓફિસમાં કામ કરો’ પણ પેલાનો રોગ મટ્યો જ નહીં એટલે મહિના બાદ મેનેજરે કહ્યું, ‘સોરી, તમારો ચામડીનો રોગ મટતો નથી એટલે નોકરી છોડવી પડશે’ ‘પણ સર, આપણી જ દવાથી ડાઘ ના મટે તો શું કરું?’

‘શટ અપ! કંપનીની વરસોની બ્રાંડ સામે આરોપ લગાડો છો? સાજા થઈને આવો, પછી જોઇશું.’ મેનેજરે ભડકીને કહ્યું.

કંટાળીને સેલ્સમેને ક્રીમ લગાડવાનું જ બંધ કરી દીધું ને પછી ડાઘ આપોઆપ ગાયબ થઈ ગયો. પેલો ફરી એ જ કંપનીમાં નોકરી માગવા ગયો તો મેનેજરે કહ્યું, ‘નોકરી?એક જ શરતે કે-’ તારો ડાઘ આપણી કંપનીનાં નવાં ક્રીમથી જ સારો થયો છે’- એવો છાપાં-મીડિયામાં પ્રચાર કરવો પડશે. મંજૂર?’ સળગતી રિંગમાંથી કૂદતાં પહેલાં ડરેલાં કૂતરા જેવી સેલ્સમેનની હાલત થઈ ગઈ. શ્રી આ.ના.પેડણેકરની આ સરળ મરાઠી વાર્તામાં, મેડિકલ જગત પરના ડાઘાઓનું જટિલ સત્ય છે.

હમણાં દિલ્હીમાં કેન્સરના નિદાનની કેમોથેરપી માટે વપરાતી નકલી દવાઓ વેંચતા ૧૨ લોકો પકડાયા! કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ લોકો, આવી બેશર્મી આચરે તો બીજી દવાઓમાં શું શું કરતા હશે? દરરોજ નકલી દવાથી લોકોને ‘ઝાડા-ઊલટી થયા’ કે નકલી ઈંજેક્શનથી લોકોની ‘આંખ જતી રહી’ જેવા સમાચાર દેખાય છે.

ઇંટરવલ:
કાયા તારી રાખજે રૂડી,
ગરીબોની એ જ છે મૂડી (ઇંદુલાલ ગાંધી)
અંગ્રેજીમાં કહેવત છે: ‘એન એપલ અ ડે, કીપ્સ ડોક્ટર અવે!’ અર્થાત્ ‘રોજ એક સફરજન ખાવ તો તમારે ડોક્ટર પાસે જવું ન પડે.’ પણ હવે જો ડોક્ટર પાસે જવાનું ન થાય તો એમની ફીના પૈસા બચી જાય. જો પૈસા બચે તો તમે એને શેરબજારમાં નાખશો. પણ જો શેરબજાર, ઉપર-નીચે થશે તો પાછું તમારું બી.પી. પણ ઉપર-નીચે થશે…અને પછી તમારે ના છૂટકે ડોક્ટર પાસે જવું પડશે! એટલે ઇન શોર્ટ, એક સફરજન ડોક્ટરને દૂર રાખી શકતું નથી- એવું અમારું લંગડું લોજિક છે! વળી સદા યે તબિયત ટનાટન રાખતું કોઇ ટોનિક છે?

ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે: ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ:’ -જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ર્ચિત છે, છતાં આજે આપણે તબિયત માટે પહેલાં કરતાં વધુ સચેત ને શંકિત બની ગયા છીએ.
એક માણસ ડોક્ટર પાસે જઇને કહે છે: ડોક્ટર, જો હું રોજ સવારે ચાલવા જાઉં, રોજ યોગ કરું, શાકાહારી સાદું ભોજન ખાઉં, વ્યસનોથી દૂર રહું, રાતે જલદી સૂઈ જાઉં, પોઝિટિવ વિચાર રાખુંતો હું લાંબું જીવી શકીશ?

‘તમે જીવન લાંબું જીવશો કે નહીં? એ કહેવાય નહીં, પણ જીવન લાંબું લાગવા માંડશે એ પાક્કું!’ડોક્ટરે હસીને કહ્યું. ટૂંકમાં ‘જીવન લાંબું જીવવા’ની ઘેલછામાં નાનાં-નાનાં સુખોની બાદબાકી કરીને, જીવશો તો જીવન અઘરું-અકારું લાગશે. જે રીબાઇ-રીબાઇને અકારણ લાંબુ જીવ્યું હોય એને પૂછશો, તો અકારણ આનંદ લૂંટવાનો મહિમા સમજાશે.

એક માણસ ૧૦૦ વર્ષનો થયો તો પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. પત્રકારે પૂછ્યું, ‘આ લાંબા આયુષ્યનું રહસ્ય શું?’ પેલાએ સમજાવ્યું, ‘જુઓ, ૧૦૦ વરસથી હું રાતે વહેલો સૂઈને સવારે વહેલો ઉઠી જઉં- એવું શિસ્તબદ્ધ જીવન જીવું છું. રોજ ચાલવા જાઉં, યોગ-ધ્યાન-કસરત કરું, સાત્ત્વિક ભોજન લઉં. અને ખાસ તો દારૂ-સિગરેટ જેવી આદતોથી દૂર રહું, અને..’ એ આગળ બોલે, એવામાં બાજુની રૂમમાંથી ધડામ દઈને કશુંક પડવાનો અવાજ આવ્યો. ‘શું થયું?’ પત્રકારે ચોંકીને પૂછ્યું.

૧૦૦ વરસનાએ કહ્યું, ‘કંઇ નહીં. મારો બેશરમ બાપ, ૧૨૦ વર્ષે પણ રોજ દારૂ પીને લથડિયાં ખાય છે, હેલ્થની પડી જ નથી!’ વેલ, બેફિક્ર જીવન જીવવાના કે સેહત સંભાળવાના- આ બે વિકલ્પ છે. જેને જે ફાવે. અપના અપના નઝરીયા.

એક યોગગુરૂ મિત્રએ મને સમજાવેલું, ‘રોજ ૧૧ વાર ઊંડા શ્ર્વાસના ૩ રાઉંડથી રોગનાં કીટાણુઓ ભાગી જાય.’

‘પણ હું કીટાણુને સમજાવું કઇ રીતે કે એમણે ઊંડા શ્ર્વાસ લેવાંના?’, મેં ભોળાભાવે પૂછયું ત્યારથી એ યોગી-મિત્રએ, મામૂલી કીટાણુ ખાતર દોસ્તી તોડી નાખી, બોલો!

જોક્સ અપાર્ટ, મોડર્ન સાયકોલોજી કહે છે કે- જીવનની દરેક ક્ષણને જેવી છે તેવી, એને સ્વીકારીને, મોજમાં રહેવું- કદાચ લાંબા આયુષ્યની એ જ જડીબુટ્ટી હોય. માન્યું કે શરીરની કાળજી તો લેવી રહી પણ ઓફકોર્સ, અફસોસ ઓછો કરીને.

બસ મસ્ત રહો, સ્વસ્થ રહો. બાકી આમે ય કાંઇ છૂટકો છે?
એંડ-ટાઇટલ્સ:
આદમ: દવા ચઢે કે દુઆ?
ઈવ: તારા કેસમાં? નો આઇડિયા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button