ઉત્સવ

પાંચ વિદ્યાર્થી માટે ૨૪ શિક્ષક…?!

વ્યંગ -ભરત વૈષ્ણવ

વિપક્ષોને કાંઇ કામ ધંધો હોતો હશે કે કેમ તે સવાલ છે. સવારથી લઇને સૂવે ત્યાં સુધી મેગ્નિફાઇંગ લેન્સ લઇને સરકારની ટીકા કર્યા કરે. માર્કેટમાં ભાવ ભલે મોંઘા હોય, પણ લસણ, ડુંગળી, આદું, મરચા જે મળે એ ખાઈને સરકારની પાછળ પડી જાય!

સરકારમાં હતા ત્યારે બ્યુરોક્રેટ-સરકારી બાબુ પાસે બૂટની દોરી સુધ્ધાં બંધાવતા હતા.જૂતા પણ અધિકારી ઊંચકતા હતા. પોતાની ભેંસ( નેતાજીની પત્નીને ભેંસ માનવી નહીં !) ખોવાઈ જાય તો સમગ્ર પોલીસ ફોર્સ, પેરામિલિટરી ફોર્સને ધંધે લગાડી દે!( એ નેતાજીનું નામ તો યાદ છ ેને? આજમખાન સાહેબ!)

પ્રજાએ વિપક્ષોને પાણીથી પાતળા કરી કરી શાસકમાંથી વિપક્ષ કરી નાખ્યા , છતાં,મનમાંથી શાસકની ટણી કેમ કરીને જતી નથી? સરકાર રોડના ખાડા રિપેર કરે. વિરોધ પક્ષના મનમાં નથી. સરકાર રોડ બનાવે વિરોધ પક્ષ તેની ટીકા કરે. ‘ડામર વાપર્યો નથી?’ એમ કહીને વહુ નહીં, પણ વિપક્ષે વગોવ્યા મોટા ખોરડા હો જી! રસ્તાની સપાટી પર પેન ખોસી રસ્તાની મજબૂતાઇ ચેક કરે.. એકવાર તો એક શહેરમાં રોડ બનાવતી વખતે રોડ પર પાર્ક થયેલ બાઇક ખસેડ્યા વગર રોડ બનાવી દીધો. પાર્ક કરેલ બાઇક હટાવવાની ફરજ કોની? સરકારની ફરજ છે’ તેમ વિપક્ષ સોઇ ઝાટકીને કહેશે ‘…નવપરિણીત દંપતીને બાળક ન થતું હોય તો બાળક પેદા કરવાની જવાબદારી સરકારની છે’ તેમ વિપક્ષ કહેશે….

સાલી વિપક્ષની કોઇ જવાબદારી જ નહીં ?કહેનેમેં કયા હર્જ હૈ? સરકાર કેનાલ બનાવે. કેનાલમાં પાણી વહેડાવે. ગણપતિ ભગવાનના વાહન મૂષકનો જગતમાં જબરો ત્રાસ છે. સિમેન્ટ કોંક્રિટની બનેલી કેનાલમાં ગરીબના પેટ જેટલા ગાબડા પડે છે. કેનાલના ગાબડાં બે પગવાળા કે ચાર પગવાળા ઉંદર એ એસીપી દયા કે જેમ્સ બોન્ડ શોધી શકયા નથી.

બિહારમાં પોલીસ સ્ટેશનવાળા મુદ્દામાલ તરીકે ત્યાં પડેલી ત્રણ કરોડ રૂપિયાની બોટલ ઝૂમ બરાબર ઝૂમ શરાબીની જેમ ગટગટાવી ગયેલા. એ પણ સોડા કે પાણી વિના નીટ અને પાપડ, તળેલ કાજુ, શીંગ, શીંગભૂજિયા કે ચિકન વિના! વિપક્ષવાળા સત્તા પર હતા ત્યારે ધોળા હાથી જેવા પબ્લિક એન્ટ પ્રાઇઝ એટલે કે બોર્ડ, કોર્પોરેશન કે કંપની બનાવેલી. આજની સરકાર શાક પાંદડું કે મરી મસાલા માટે બોટલ વોટરની કિંમતે નહીં, પણ સાદા પાણીના ભાવે વેચી રહી છે એમાં કયો ગુનો કર્યો? અમે તો એરપોર્ટ બનાવી મિત્રોને સોનાની તાસકમાં ભેટ કર્યા એમાં વિપક્ષને શેની ચૂંકફૂંક થૂંક આવે છે? વિપક્ષના જમાનામાં તેલ કે ખાંડના ભાવમાં રૂપિયો રોડો વધે તો વિપક્ષ તરીકે આપણે આકાશપાતાળ એક કરતા હતા. પાણીમાં પૂરી તળવાનો કાર્યક્રમ કરતા !રોટલીમાં મીઠું નાખવું ન પડે એટલે આંસુથી કણક બાંધતા હતા. આજે સિંગતેલ, લસણ, આદું, ટમેટા, દાળના ભાવ વધે તો રાષ્ટ્ર નિર્માણ માટે પ્રજા ભોગ આપવા ઉદારતા દાખવે એવી આધ્યાત્મિક અપીલ ફટકારી દઇએ છીએ.. ત્યારના શાસક વિપક્ષમાં આવવા છતાં શાસકના રંગઢંગ ભૂલી શકતા નથી અને વર્તમાન વિપક્ષ તરીકે વર્તી શકતા નથી! ગેસના બાટલા ઊંચકીને દેખાવો કરવા ઇઝી નથી.શાસકોની ગોરી કલાઇ માટે હરી હરી ચુડિયા મોકલવા માટે ખર્ચો કરવો પડે છે! વિપક્ષો, તમે શાસક હતા ત્યારે અમરીશ પુરીના ગાલ જેવા રસ્તા હતા. કોઇને હેમા માલિનીના ગાલ જેવા રસ્તા કરવાની ચાહત હતી.અમારે અમેરિકાની હિરોઇન મેરેલીન મનરોની કમનીય કાયા જેવા લિસ્સા રસ્તા કરવા છે, પરંતુ, વિપક્ષોએ રોડ પર કરેલ ખાડા એટલે કે છોકરીના ગાલે થયેલ પિમ્પલ ભરવામાંથી ઊંચા આવતા નથી તો રોડ ક્યારે શરૂ કરીએ? હવે તમે વિપક્ષો ‘એનિમલ’ ફિલ્મની તૃપ્તિ ડમરીના ગાલ જેવા રસ્તા માગો છો? શરમ કરો. ઉંમરનો તો લિહાજ કરો! તમે તમારા કાળમાં એકાદ સિંગલ એકાદ ડબલપટી રોડ બનાવીને દેડકા જેમ ફૂલાતા હતા. કબૂલ કે તમે ટોલ વગરના રોડ કરતા હતા. અમે ટોલ-રોડનું કરોળિયા જેવું ઝાળું ગૂંથ્યું છે, જેમાં ખુદ કરોળિયો પણ શિકાર થઇ જાય છે. તમે તો આંગળીને વેઢે ગણાય તેટલી યુનિવર્સિટી -કોલેજો બનાવી …અમે એકાદ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ ભણાવતી સંસ્થાને યુનિવર્સિટી બનાવી દીધી. કોઇ કોલેજોનું એફિલિયેશન ન હોય તેવી કોલેજ યુનિવર્સિટી ! અમારો ચમત્કાર જુઓ. સરકારી સ્કૂલો મરણપથારીએ અને ખાનગી સ્કૂલો ચ્યવનપ્રાસ ખાય! વાલીઓના ગજવા હલકા ન થાય તો પોરિયાનું હાયર એજયુકેશન થયું છે તેમ કેવી રીતે કહેવા? અમે જિલ્લે જિલ્લે મેડીકલ કોલેજ કરી. ક્યાંક જ સ્ટાફ હશે.મેડિકલનું ભણવા પ્રોફેસરોની શી જરૂર છે? ડોકટરોની સીટો વધવી જોઇએ કે નહીં? અમે જિલ્લા પછી તાલુકે તાલુકે ગ્રીન, બ્રાઉન, યલો, પર્પલ ફિલ્ડમાં મેડિકલ કોલેજ શરૂ કરવાના છીએ. પછી હર હર ઘરની જેમ હર ગાંવ મેડિકલ કોલેજ શરૂ કરીશું ! ગુજરાતમાં ડોકટરની બૂમ ન પડે તેવો અમારો સંકલ્પ છે પછી ભલે એ બીપી કે ડાયાબિટીસ માપી ન શકે! તમને વિપક્ષોને ગુજરાતની શાળાઓ મહાશાળોની સંખ્યામાં વધારો થાય એટલે પેટમાં ચૂંક આવે છે. તમે શિક્ષકોની ઘટ છે’ તેવી ગીધારોળ મચાવો છો. ગુજરાતની વસતિ સાડા છ કરોડ છે. શિક્ષકોની ઘટ ઓગણીસ હજાર છસો પચાસ છે.ગુજરાતની વસતિ સામે શિક્ષકોની ઘટ ૦.૦૩૦ ટકા છે. તેમાં આવો શોરબકોર ? લ્યાનત છે તમને.

શિક્ષણમાં આપણે સતત નવાં શિખરો સર કરીએ છીએ. ૨૦૨૨ના વરસમાં એક શિક્ષક ધરાવતી શાળાની સંખ્યા કેવળ ૯૦૬ હતી તેમાં સાતત્યસભર વધારો કરીને ૨૦૨૪માં ૧૬૦૬ કરી છે. બે વરસમાં આંકડો દોઢ ગણો વધાર્યો છે એ જેવી તેવી સિદ્ધિ નથી! વિપક્ષોને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે આવી પ્રચંડ સિદ્ધિ મેળવી જુએ પછી વિરોધનો ઝંડો ડંડો ઊંચો કરે. ભણવા માટે માસ્તર કે મહેતુસની જરૂર પડે? વાતમાં શું માલ છે? એક શિક્ષક તમામ ધોરણના નિશાળિયાને વિષય કે ધોરણના પક્ષપાત સિવાય આરામથી ઉંઠા ભણાવી શકે, ખરું કે નહીં?

ક્યાંક છોકરા ઝાડ નીચે ભણતા હોય તો હોહા કરે. રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન ઉદગમ કે ઝેવિયર્સ જેવી ફાઈવ સ્ટાર સ્કૂલોમાં ભણ્યા હતા? પાંડવ – કૌરવોએ પણ એક જ શિક્ષકવાળી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો! ગુરૂ દ્રોણ સિવાય કોઇ ગુરુએ પાંડવ -કૌરવને ક્યાં મેથ્સ કે સાયન્સ ભણાવ્યું હતું?

હવે તમે કહો કે ભણવા માટે શાળા કે શિક્ષકની શું આવશ્યકતા છે? એકલવ્ય પાસે નિવાસી કે રેસિડેન્ટ સ્કૂલ કયા હતી? એકલવ્યે ગુરૂ દ્રોણને એક કાણી પાઇ ચૂકવ્યા સિવાય તીરંદાજીમાં બાજી મારી હતી કે નહીં? વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય ત્યાં એક જ શિક્ષક મળે. બાણેજમાં એકમાત્ર મતદાર હોવા છતા સરકારને ૬૦૭ સ્ટાફવાળું મતદાનમથક ઊભું રાખવાનું પોસાય.બાકી વિદ્યાર્થીઓ ઓછા હોય તો શાળા મર્જ કરવામાં આવે તેમ મતદાનમથક મર્જ ન કરી શકાય? જે શાળામાં ગણીને પાંચ વિદ્યાર્થી હોય ત્યાં ડઝન બે ડઝન શિક્ષકોની ફોજ ડિપ્લોય કરવાની હોય? આ કંઈ સરકારી હોસ્પિટલ છે કે દર્દીની સંખ્યા કરતાં સિકયોરિટીના બાઉન્સરો બમણા હોય? વિપક્ષ અને વિદ્યાર્થીઓ ( બંનેની રાશિ એક છે. ) કાન ખોલીને સાંભળી લો. ભણવું હોય તો ભણો. અમારા માટે ભણતા નથી. ભણીને અમારા પર ઉપકાર કરતા નથી. હવે સેલ્ફ લર્નિંગનો જમાનો છે. સ્કૂલના ઓરડા, બેન્ચ, છાપરા , શિક્ષકો વગર ભણી લો. … તમે મન હશે તો માળવે જઇ શકશો. બાકી ખાલી લપ્પનછપ્પન જોઇએ નહીં!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો