ઉત્સવ

૨૦૨૪: ગ્લોબલ પડકારો વચ્ચે કેવો હશે આપણા અર્થતંત્રનો વિકાસ ?

વર્તમાન સમયમાં ગ્લોબલ સ્તરે અનેક પડકાર ખરાં, પરંતુ આ બધાં વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત વિકાસલક્ષી દિશામાં આગળ વધી રહ્યું છે.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

આમ તો હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચા ૨૨ જાન્યુઆરીની ચાલી રહી છે એ તો ખુદ ભગવાન શ્રીરામ સહિત સૌ જાણે છે…!

જો કે આપણે વાત કરવી છે ૨૦૨૪ની. આ આખું વરસ ઘટનાઓનું રહેવાનું છે. વિશ્ર્વની નજર પણ આ વરસ પર વિશેષ છે, જેમાં દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણી કેન્દ્ર સ્થાને રહેશે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશોમાં આર્થિક મંદી યા તકલીફોની સમસ્યા પ્રવર્તી રહી છે ત્યારે ભારતનું અર્થતંત્ર તેજીતરફી છે. સતત ત્રીજા વર્ષ માટે ૨૦૨૪માં પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થા બની રહેશે એવી ધારણા રખાય છે.

ફુગાવો એકંદરે અંકુશમાં છે, માગ વધી રહી છે. આમ આર્થિક ગતિવિધી મજબૂત બની રહી છે. એમાં ઈન્ટરિમ બજેટ આવવાના દિવસો પણ સાવ નજીક છે.

ખાદ્યપદાર્થોની કિંમતમાં હંગામી ધોરણે ઉછાળો આવ્યો હતો તે છતાં નાણાં મંત્રાલયનું કહેવું છે કે ફૂગાવો ઘટવા તરફી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ફુગાવાનો દર ૫.૪ ટકાનો રહેવાનો આરબીઆઈએ અંદાજ દર્શાવ્યો છે.

૨૦૨૩ના ઓક્ટોબર-નવેમ્બરમાં વાહનોના વધેલા વેચાણ ઊર્જાના વપરાશમાં થયેલા વધારા સહિતના સંકેતો ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે, જે ચોથા ત્રિમાસિક ગાળામાં પણ ચાલુ રહેવાની ધારણા છે.

માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી આંક ૬.૧ ટકા હતો. તે જૂન ગાળામાં વધીને ૭.૮ ટકા થયો હતો અને સપ્ટેમ્બર ગાળામાં ૭.૬ ટકા હતો. આમ છતાં, ૨૦૨૪માં આર્થિક વિકાસ અને સ્થિરતા સામે અમુક પડકારો છે.

અલબત્ત, આમાંના મોટા ભાગના દેશની બહારના છે. ૨૦૨૪માં ભારતની આર્થિક સ્થિરતા સામે અડચણરૂપ બની શકે એવા ચાર પરિબળ પર નજર કરવા જેવી છે.

કેન્દ્ર સરકારમાં પરિવર્તન
લોકસભાની ચૂંટણી આવી રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી સત્તા જાળવી રાખશે અને આર્થિક એજન્ડા જળવાઈ રહેશે એવી ઊંચી સંભાવના છે. તેમ છતાં ધારો કે વિરોધપક્ષોના ગઠબંધનવાળી કોઈ સંયુક્ત સરકાર આવે તો એ દેશના અર્થતંત્ર માટે જોખમ ઊભું થઈ શકે. હાલના સંજોગોમાં આર્થિક નીતિઓમાં ફેરફારનો ખતરો ઊભો થઈ શકે છે, જો હાલની જ સરકાર ચૂંટણીમાં જીત મેળવશે તો સરકારની નીતિઓ ચાલુ રહેશે, જેથી પોતાના એજન્ડાને વળગી રહેવાનો સરકારનો આત્મવિશ્ર્વાસ પણ વધશે.

ગઠબંધન સરકાર આવે તો પણ ન ઘરની- ન ઘાટની હશે એવી શકયતા વધુ રહેશે. હા, ચૂંટણીને કારણે માર્કેટમાં વોલેટિલિટી વધવાની સંભાવના ઊંચી રહી શકે. તેમ જ તેજી ચાલતી જ રહી અને તેનો અતિરેક થશે તો લોકોની તેમાં તણાઈને નુકસાન કરવાની શકયતા પણ નકારી શકાય નહીં.

વિદેશની સમસ્યાઓનું જોખમ
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આમાંની કોઈ એક ભૂરાજકીય કટોકટી હજી વધારે વણસી શકે છે, કારણ કે યમનના
લઘુમતી શિયા જૈદી સમુદાયના હૂતી બળવાખોરો અને લેબેનોનનું હિઝબુલ્લાહ ઉગ્રવાદી જૂથ ઈઝરાયલ યુદ્ધમાં જોડાય એવી સંભાવના વધી રહી છે.

હૂતી બળવાખોરોને વળી ઈરાનનો ટેકો છે. વિશ્ર્વની સૌથી મોટી કાર્ગો જહાજ કંપની મર્ક તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે હૂતી બળવાખોરોએ તેના એક જહાજ પર મિસાઈલો અને નાની બોટ વડે હુમલો કર્યો હોવાથી પોતે ૪૮ કલાક માટે રાતા સમુદ્ર (રેડ સી) માર્ગે એના તમામ જહાજોની અવરજવર અટકાવી દેશે.

અહીં મહત્ત્વની વાત એ છે કે રેડ સુએઝ કેનાલનો ઉપયોગ કરતા જહાજો માટે એન્ટ્રી પોઈન્ટ છે. સુએઝ કેનાલ માર્ગે દુનિયાનો ૧૨ ટકા જેટલો વેપાર થાય છે. એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર આ માર્ગે થાય છે. જો આ હેરફેર અટકી જાય તો ક્રૂડઓઈલ સહિત ચીજવસ્તુઓના ભાવ વધી જાય. દરમ્યાન તાઈવાનમાં જે સરકાર બની છે તે ચીનની કટ્ટર વિરોધી હોવાથી તેમાં પણ તનાવની શકયતા ઊભી રહેશે.

દેશમાં અનાજના ઓછા ઉત્પાદનની ચિંતા
દેશમાં ખાદ્યાન્ન ફુગાવો ગયું આખું વર્ષ સતત ઊંચા સ્તરે રહ્યો હતો. મે મહિનામાં એ ૨.૯૬ ટકા જેટલો નીચે હતો, પણ નવેમ્બરમાં વધીને ૮.૭ ટકાનો નોંધાયો હતો. ૨૦૨૩માં ચોમાસાનો વરસાદ ઓછો થતાં ખરીફ પાકનું ઉત્પાદન ઘટ્યું હતું. ગયા વર્ષના આ જ સમયગાળામાં ઉત્પાદન ૧૫ કરોડ ૫૭ લાખ ટન રહ્યું હતું, જે આ વર્ષે ૧૪ કરોડ ૮૫ લાખ ટન થયું છે.

અનાજ અને શાકભાજીના ઉત્પાદન, સપ્લાઈમાં ઘટાડો થવાથી ફુગાવો વધી ગયો. ફુગાવાની સ્થિતિ પર આરબીઆઈ સતત નજર રાખી રહી છે. ફિસ્કલ ડેફિસિટની ચિંતા પણ અમુક અંશે ખરી.
ઉંગ.૧ રોગચાળાના ઉપદ્રવથી ગભરાટ
કોવિડના સબ-વેરિઅન્ટ ઉંગ.૧ના ચેપના કેસ દેશમાં વધી જતાં એવો ભય ઊભો થયો હતો કે કોરોના વાઈરસ
મહામારી કદાચ પાછી આવશે. જોકે નિષ્ણાતોએ ભારપૂર્વક કહ્યું હતું કે
કોરોનાનો આ નવો ઉપ-પ્રકારમાં સંક્રમણ વધારે છે, પણ તે ઓછો ઘાતક છે.

ભારતની મજબૂતીના પુરાવા
બાય ધ વે, અંતે એટલું કહી શકાય કે હાલને તબક્કે ૨૦૨૪ને લક્ષમાં લેતાં ભારતના અર્થતંત્ર પર સૌથી મોટું સંભવિત જોખમ વૈશ્ર્વિક રાજકીય કટોકટી સિવાય બીજું કોઈ નથી. ભારતના અર્થતંત્રની મજબૂતી જોતાં દેશ આ પ્રકારના જોખમને પહોંચી વળવા માટે યોગ્ય રીતે સજ્જ અને સજાગ હોવાનું ચોક્કસ માની શકાય. ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ ની લેટેસ્ટ સફળતા પણ તેનો પુરાવો છે. દેશમાં આકાર લઈ રહેલી વિકાસલક્ષી ઘટનાઓ પણ તેની સાબિતી છે. વિદેશી રોકાણનો સતત પ્રવાહ, વધતો રસ, આકર્ષણ, ઈકોનોમીનો ગ્રોથરેટ, ગતિની ઝડપ, ગ્લોબલ રેટિંગ એજન્સી સહિત વૈશ્ર્વિક રોકાણ સંસ્થાઓના ભારત વિશેના વ્યકત થતા અભિપ્રાય પણ તેના સચોટ-નક્કર પુરાવા છે.

તાજેતરમાં દાવોસ ખાતે યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં રિઝર્વ બૅંકના ગવર્નર શક્તિકાંત દાસે ૨૦૨૪-૨૫માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે એવી આશા વ્યકત કરી હતી. હાલમાં વિશ્ર્વમાં પ્રવર્તી રહેલા મેક્રોઈકોનોમિક સંજોગોના પડકારો સામે ભારત એકમાત્ર દેશ છે, જે ગ્રોથ અને સ્થિરતા ધરાવે છે. આ બેઠકમાં ઓવરઓલ ભારતના વિકાસ માટે પોઝિટિવ પડઘો જોવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…