ઉત્સવ

૧૯૮૪ થી ૨૦૨૪ – ભોપાલથી રાજકોટ : તસુભારનો ફરક નથી તો પણ ‘ફખ્ર હૈ!?’

કેન્વાસ -અભિમન્યુ મોદી

આજથી દસ વર્ષ પહેલાં આ જ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં બનેલી માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઔદ્યોગિક દુર્ઘટના વિશે લેખમાળા કરી હતી. ૧૯૮૪ ની ભોપાલ ગેસ દુર્ઘટના મોતનું એવું તાંડવ હતું કે આજની તારીખે પણ તેની અસરમાંથી લોકો બહાર આવી શક્યા નથી. ગેસ લીકેજને કારણે બીમાર પડેલા કમભાગ્ય લોકોની બીજી પેઢી ખોડખાંપણ વાળી જન્મે છે. ન્યાય મળે તે માટે હજુ ભોપાલના અમુક લોકો લડત ચલાવી રહ્યા છે પણ જવાબમાં એમને શું મળ્યું છે? ઠેંગો.

ભોપાલ ગેસ ડિઝાસ્ટર થયો જ કેમ?

મિથાઇલ આઇસોસાઈનેટ નામનો ભસ્માસુર વાયુ મોતની કાળમુખી ચાદર બનીને આખા શહેર ઉપર કંઈ રીતે ફરી વળ્યો? યુનિયન કાર્બાઈડ નામની વિદેશી કંપનીને એના સ્વાર્થી – લુચ્ચા તથા ભાગેડુ સંચાલક – વોરેન એન્ડરસન જેવા જવાબદારોને આપણે દોષી માનીએ છીએ. અને એ બધા દોષી છે પણ ખરા.

પોતાની કંપનીના રૂપિયા બચાવવા માટે અને વધુ નફો રળવા માટે તે કંપનીએ સેફ્ટી અને સિક્યોરિટીના કોઈ પણ નિયમો પાળવાનું જ બંધ કરી દીધું હતું, પણ એ ગેસ બનાવતો પ્લાન્ટ તો ભારતની ભૂમિ ઉપર હતો ને તો એણે ભારતીય કાયદાઓનું પાલન કેમ ન કર્યું?

ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દર અઠવાડિયે એક જવાબદાર અધિકારીએ પ્લાન્ટમાં જઈને સઘન તપાસ કરવાની થાય અને તેનો રિપોર્ટ કરવાનો થાય. ભોપાલ ગેસ ડિઝાસ્ટર પછી ખબર પડી કે ભોપાલ નગરપાલિકામાંથી છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ ગયું જ ન હતું!

૨૦૨૪ – રાજકોટમાં જે થયું, શું કામ થયું, કંઈ રીતે થયું, કેવડા મોટા સ્કેલ પર થયું – તેની આપણને બધાને માહિતી છે.

વડોદરાનું હરણી તળાવ કે સુરતના ક્લાસિસની આગ, મોરબીનો પુલ કે અમદાવાદની હોસ્પિટલની આગ – આવા બધા બનાવ ખૂબ દુ:ખદ હોય છે. મોટા ભાગની પબ્લિક તો મૂક પ્રેક્ષક બનીને જોતી હોય છે, પણ જે હતભાગી મૃત્યુ પામે કે ઘાયલ થાય એના પરિવારજનો ઉપર તો આભ તૂટી પડતું હોય છે. આ દરેક દુર્ઘટનાને આપણે માનવસર્જિત માનીએ છીએ જે સત્ય છે પણ એના મૂળમાં હોય છે – બેદરકારી / લાપરવાહી. કોની? તંત્રની? સરકારની? જે તે ઓથોરિટી બોડીની?

ના. આપણી ખુદની બેદરકારી. આપણી ખુદની લાપરવાહી. જિંદગીને સસ્તી કરનાર કોઈ સરકાર નથી, ખુદ પ્રજા છે.

ઘરનાં રાંધણ ચૂલ્હા સાથે ગેસની બોટલ કે લાઈનને જોડતી એક કેસરી પાઇપ હોય. બહુ જ જાડા રબ્બરની એ પાઇપ બનેલી હોય. આ વાંચતા વાંચતા અને ઊભા થયા વિના કહો કે આપના ઘરના એ પાઈપની એકસ્પાઈરી ડેટ કઈ છે? કઈ તારીખ પછી એ બદલીને નવી પાઇપ નાખવાની છે? એ પાઇપ પણ સમયાંતરે બદલવાની હોય કે એની ઉપર પણ તારીખ લખી હોય શું – આવો સવાલ પણ ઘણાને થાય તો કોઈ આશ્ર્ચર્ય નથી, કારણ કે આપણાં બાળકોને આપણે ખીચોખીચ સ્કૂલ વેન કે રિક્ષામાં સ્કૂલે મોકલીએ છીએ. અમુક વાન તો સીએનજી નહીં ગેસની બોટલ ઉપર પણ ચાલતી હોય છે.

ટ્રીપલ સવારી સ્કૂટરમાં આપણાં જ બાળકો મોટા થઈને બિન્દાસ ફરે છે. હમણાં પુણેમાં એક્સિડન્ટ થયો અને એક યુવા યુગલ ગુજરી ગયું. અકસ્માતકર્તા સગીર વયનાને તે મોંઘી કાર કોણે આપેલી? એના પપ્પાએ. ગુજરાતમાં મોટા ભાગના હાઈ સ્કૂલનાં બાળકો સ્કૂટર ઉપર ટ્યુશન ક્લાસ જાય છે.

રિયલ એસ્ટેટની દુનિયામાં ઘણી નવી નવી સ્કીમ બનતી હોય છે. મોટા ભાગની સ્કીમમાં કોઈ એક બાલ્કની કે કોઈ એક છજુ કે કંઇક એવું નીકળે જ, જે પ્લાન મુજબ ન હોય અથવા તો જેની મંજૂરી મળી ન હોય.

હવે તો શહેરમાં વચ્ચોવચ્ચ જીઆઇડીસી હોય છે. માણસો ઔદ્યોગિક વસાહતોની વચ્ચે રહે છે. નાની નાની ગલીમાં ફેક્ટરીઓ અને ઉત્પાદક યુનિટ ચાલુ હોય છે. એમાં નિયમો પળાય છે? એનઓસી અપ-ટુ-ડેટ હોય છે ? વાલીઓ એનાં બાળકોનું સ્કૂલમાં એડમિશન લેતી
વખતે તેજસ્વી તારલાઓનું લિસ્ટ જુએ છે પણ તે સ્કૂલની બાંધકામની ડિઝાઈન અને એનાં બાળકોની સુરક્ષા વિશે જરા પણ તપાસ કરે છે કે સ્કૂલ/કોલેજના સંચાલકોને સવાલો કરે છે? અરે, સ્કૂટર ઉપર મોટા પાઇપ કે કાચની
મોટી શીટ જેવા હાર્ડવેરનાં જોખમી સાધનો આપણી જ પબ્લિક બેરોકટોક ટ્રાન્સફર કરતી હોય છે.

આપણી અંદર જ કોઈ પ્રોટોકોલ જેવું નથી. જોખમો વિશે આપણે જ સજાગ નથી. અમુક દ્રવ્યો, અમુક સ્થિતિ, અમુક મશીનો, અમુક સંજોગો કેટલાં ખતરનાક નીવડી શકે એની માહિતી નથી અને માહિતી હોય તો એના માટે જાગૃતિ આપણી અંદર જ નથી. પ્રજા જ જવાબદાર ન હોય તો તંત્ર કે સરકાર શું કડક બનવાની? પ્રજાને તો એક શહેરમાંથી બીજા શહેર જતી ગાડીઓમાં ઠાસોઠસ બેસવું છે. રિક્ષામાં ડ્રાઈવરની સાથે બેસવામાં વાંધો નથી.

બજારમાં મળતા ખરાબ ખાદ્ય પદાર્થો કે પીણાં માણવા છે. ગરમીમાં ટ્રાફિક સિગ્નલ તોડવા છે. એક પણ એસઓપી – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવું નથી. તો પછી કાયદાના કર્તાઓ કઈ રીતે ચુસ્ત બને જો આપણે જ ખુદ આટલા ઢીલા હોઈએ તો. ભારતીયો સમય અને જિંદગીને વર્ષોથી ચલતા હૈ- ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. વિદેશના વખાણ કરવા છે પણ નિયમો પાળવા નથી. બધા પોતાની જાતને હુશિયાર સમજવા લાગ્યા છે. બધા એટેન્શન સીકર બનતા જાય છે એટલે નાની લાગતી જરૂરી બાબતમાં એટેન્શન આપતા નથી. સરકાર પ્રજામાંથી જ બને છે. જો કૂવામાં જ ન હોય તો હવાડામાં ક્યાંથી આવે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?