ઉત્સવ

દુર્ગાદાસને બચાવવા માટે ૧૮ વર્ષનો પૌત્ર પામ્યો વીરગતિ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૪૨)
રાજા વાજાને વાંદરા. કયારે શું કરી બેસે એ કલ્પી ન શકાય પણ સાવચેત અવશ્ય રહી શકાય. જે કાયમની જેમ દુર્ગાદાસ રાઠોડે કર્યું.

માત્ર બાવડાના બળ કે છાતીમાં ધખધખતી હિમ્મતને બદલે દુર્ગાદાસ વિચારવંત વ્યક્તિ, યૌદ્ધા અને દૂરંદેશીધારક હતા. એટલે તો તેઓ ઔરંગઝેબ, એના દીકરા આઝમ અને સેનાપતિ સફદરખાનના પ્રપંચમાં સપડાતા બચી ગયા. શાહજાદા આઝમને મળવા જવાને બદલે દુર્ગાદાસ પાછા ફર્યા, ત્યારે ઝનૂને ભરાયેલા મોગલોએ પીછો શરૂ કર્યો.

મોગલ સેના નજીક આવવા માંડી એટલે દુર્ગાદાસના સુપુત્ર મેહકરણે યુક્તિ બતાવી કે હું થોડા સાથીઓ સાથે મળીને મોગલસેનાનો સામનો કરતો રહીશ અને બાકીના બધા સલામતપણે આગળ નીકળી જાય. આ કહેતી વખતે એના સ્વરમાં આજીજી હતી. આ વિચાર જોખમી હતો પણ વ્યાપક હિતમાં હતો. દુર્ગાદાસના પુત્ર જ નહીં, ૧૮ વર્ષના લબરમૂછિયો પૌત્ર પણ અન્ય સાથે રોકાઇ ગયો, ને બાકીના આગળ ધસી ગયા. શત્રુ સેના નજીક આવી ત્યારે ઘમાસણ યુદ્ધ થયું. મોગલો પાસે સંખ્યાબળ અને શસ્ત્ર-બળ હતાં, તો રાઠોડો પાસે વીરતા અને શૌર્ય હતા. બન્ને પક્ષે સારી એવી ખુવારી થઇ. રાઠોડોમાંથી દુર્ગાદાસનો પૌત્ર ભંવર અનોપસિંહ સહિતના વીરગતિને પામ્યા. દુર્ગાદાસના બે પુત્ર ઘાયલ થયા, પરંતુ કોઇને એનો અફસોસ નહોતો કારણ કે સૌ દુર્ગાદાસ રાઠોડના જીવતા રહેવાનું મહત્ત્વ સમજતા સ્વીકારતા હતા. સાંજ સુધી લડ્યા બાદ મોગલ સેનાએ પણ પાછા ફરવું પડ્યું.

દુર્ગાદાસ રાઠોડ પાટણ થઇને વાયા થરાદ સપરિવાર મહારાજા અજિતસિંહ પાસે પહોંચી ગયા. આ સાથે જ અજિતસિંહને ઔરંગઝેબ વિરોધી આક્રમકતા એકદમ વધી ગઇ. એ સમયકાળ હતો ઇ. સ. ૧૭૦૩નો. હવે દુર્ગાદાસ ઔરંગઝેબની મોગલ સેના સાથેના બધા સંબંધ કાપી ચૂકયા હતા.

આ સાથે જ મેવાડભરમાં રાઠોડોનું મોગલ થાણા, સૈનિકો અને કચેરીઓ પર ફરી ‘હલ્લા બોલ’ શરૂ થઇ ગયું. ક્યાંક તોડફોડ થાય, ક્યાંક લૂંટફાટ થાય, પરંતુ ઘણાને દુર્ગાદાસનું મહારાજા અજિતસિંહ પાસે પાછું ફરવાનું ગમ્યું નહોતું. આ રાઠોડ વીરનું વ્યક્તિત્વ જ ભલભલાને ઝાંખા પાડી દે એવું હતું. ઘણાં દરબારી અને સેનાપતિઓએ દુર્ગાદાસ વિરુદ્ધ કાન ભંભેરણી શરૂ કરી દીધી. કમભાગ્યે તેઓ સફળ થયા. જે વ્યક્તિએ પોતાના જીવ બચાવવા અને પાછું આપવામાં આયખું ઘસી નાખ્યું, એની સાથે અજિતસિંહનું વર્તન બદલાઇ ગયું.

દુર્ગાદાસ અપમાન કે ઉપેક્ષા કોઇની સહન શા માટે કરે? અંતે દરબારીઓની મેલી મુરાદ બર આવી જો પોતાની ઉપયોગિતા કે માન-સન્માન ન જળવાય તો ત્યાં રહેવું શા માટે?

બે વર્ષના ગાળા બાદ એટલે કે ઇ. સ. ૧૭૦૫માં દુર્ગાદાસે નાછૂટકે સ્વમાન ખાતર અને કદાચ જીવ બચાવવા માટે પણ મહારાજા અજિતસિંહનો સાથ છોડવો પડ્યો. ઔરંગઝેબે આ તક ઝડપીને દુર્ગાદાસ રાઠોડને ફરી પોતાની સાથે લઇ લીધા. ૧૭૦૫ના ઓકટોબરમાં ભારે માન-સન્માન, દામદમામ સાથે ઔરંગઝેબે દુર્ગાદાસને ગુજરાતમાં નિયુક્ત કર્યાં. દુર્ગાદાસ તો વીર હતા, જેમની સૌને જરૂર હતી, પરંતુ એમની ગેરહાજરીથી શું થઇ શકે એની મહારાજા અજિતસિંહને બહુ જલદી ખબર પડવાની હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button