હેં… ખરેખર?! : હાયલા, એક સાથે ૧૫૦ આઈન્સ્ટાઈન! એક સ્કૂલના બાળકો સડસડાટ લખી શકે છે બન્ને હાથેથી
-પ્રફુલ શાહ
Ambidextrous. ગુજરાતીમાં આ શબ્દનો અર્થ શોધીએ તો અસ્પષ્ટ, કપટી, દ્વિમુખી અને સવ્યસાચી જેવા શબ્દો મળે છે. મરાઠીમાં ‘ઉભયપક્ષી’ જેવો શબ્દ સામે આવે છે. આપણા વિષયને કંઈક અંશે બંધબેસતો શબ્દ છે હિન્દીમાં: ઉભયહસ્ત.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને પ્રિન્સિપાલ વીરુ સહસ્ત્રબુધ્ધે Ambidextrous. હતા. કદાચ ઘણાંને પ્રિન્સિપાલ વીરુ સહસ્ત્રબુધ્ધેના નામ સાથે ‘થ્રી ઈડિયટ્સ’ આવી હશે. હા, આ ફિલ્મમાં સહસ્ત્રબુધ્ધે પોતાના બે વિદ્યાર્થી રાજુ અને ફરહાનના
માતા-પિતાને એક જ સમયે, એક જ સાથે બે હાથથી પત્ર લખતા
બતાવાયા છે.
કોઈ વ્યક્તિ જમણા અને ડાબા બન્ને હાથે એક સાથે લખી શકે એ ઘણી દુર્લભ બાબત ગણાય છે, પરંતુ મધ્ય પ્રદેશની એક સ્કૂલમાં પહોંચી જાઓ તો એવું જરાય ન લાગે. જીહા, મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લાના મુખ્યાલયથી લગભગ ૧૫ કિલોમીટરના અંતરે આવેલા બુધેલા ગામમાં વીણા વાદિની પબ્લિક સ્કૂલ છે. દેખાવમાં જરાય નવીનતા નથી, એકદમ અન્ય શાળાઓ જેવી જ છે, પણ એને વિશિષ્ટ બનાવે છે
ત્યાંના વિદ્યાર્થીની કળા, કરતબ અને કસબ.
અહીંના વિદ્યાર્થીઓને જે શીખવાડાય છે એ અદ્વિતીય છે. જુઓ તો એમ જ લાગે કે નજર સામે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે. અહીંના પ્રતિભાવંત વિદ્યાર્થીઓ બન્ને હાથે લખી શકે છે. એ પણ એક જ સમયે બે અલગઅલગ ભાષામાં. એટલું જ નહીં, તેઓ છ ભાષા જાણે છે: હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, રોમન અને અરબી! એટલું જ નહીં, તેઓ એક મિનિટમાં બે ભાષાના ૨૫૦ શબ્દોનો અનુવાદ કરી લે છે.
આ જ નહીં, શાળામાં બાળકોને વ્યાયામ શીખવાડાય છે અને કરાવાય છે. કહેવાની જરૂર ખરી કે વીણા વાદિની પબ્લિક સ્કૂલને અનેક એવોર્ડ મળ્યાં છે!
પોતાના પ્રકારની આ ભારતની કદાચ એકમાત્ર સ્કૂલ છે. પોતાના માસૂમ બાળકો માટે સ્કૂલની પસંદગીમાં મા-બાપ અનેક પરીબળ પર ધ્યાન આપતા હોય છે: સ્કૂલ ક્યાં બોર્ડ સાથે સંલગ્ન છે! એનું પરિણામ કેટલાં ટકા આવે છે? સ્કૂલ-બસની સગવડ છે કે નહીં? રમતગમતનું મેદાન કેવડું છે? કેન્ટીન કેવીક છે? ભણાવનારા શિક્ષકોના સ્વભાવ અને યોગ્યતા કેવી કેટલી છે? આ સિવાય સ્કૂલ બાળકને આજીવન કામ લાગે, એમને અનોખા બનાવે અને એમની શક્તિનો
મહત્તમ ઉપયોગ કરતા શીખવાડે છે કે નહીં એના પર વધુ ધ્યાન અપાતું
નથી.
વીણા વાદિની પબ્લિક સ્કૂલની સ્થાપના ૧૯૯૯માં થઈ અને અહીંથી નીકળેલા ૪૮૦થી વધુ વિદ્યાર્થી બન્ને હાથથી લખી શકતા હતા. અત્યારે ય ૧૫૦થી વધુ વિદ્યાર્થી આ કલામાં મહારત મેળવી ચૂક્યા છે. આ શાળાની સ્થાપના કરનારા સજ્જન હતા વીરંગત શર્મા. બાળકોને બન્ને હાથેથી લખતા શીખવવાની પ્રેરણા
એમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પાસેથી મળી હતી.
શર્માજીએ માત્ર સાંભળ્યું હતું કે રાજેન્દ્રબાબુ બન્ને હાથેથી લખી શકતા હતા.
બાળકોને આ વધુ શીખવવું જરાય જરૂરી કે અનિવાર્ય નહોતું પણ શર્માજી કંઈક અલગ માટીના જ બન્યા હતા. તેઓ દૃઢપણે માનતા કે બાળકોના કુમળા માનસને આપણે ઈચ્છીએ એ દિશામાં સક્રિય કરી શકીએ. અલબત્ત, આ કામ આસાન નહોતું પણ શર્માજી ય કયાં હાર માને એવા હતા? તેમણે પ્રયોગનો શુભારંભ કર્યો. માત્ર પૈસા પાછળ દોડવાને બદલે ખંત, નિષ્ઠા અને ધગશ સાથે જહેમત ઉઠાવી અને આજે એના ફળ દેખાઈ રહ્યાં છે.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢીને રચનાત્મક દિશામાં પલોટવાનું પુણ્ય-કર્મ કરનારા આવા સંસ્થાપક, આચાર્ય કે શિક્ષક કયાંય દેખાય છે ખરા? ન જાણે આ વીણા વાદિની સ્કૂલમાંના તેજસ્વી હુન્નરબાજ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિજ્ઞાની, રમતવીર, ઈતિહાસવિદ્, સાહિત્યકાર, એન્જિનિયર, ડૉક્ટર કે અવકાશયાત્રી મળશે?