ઉત્સવ

૧૪- શ્રીજી સદન

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

સૂનું આ ઘરને સૂનું આ આંગણું,
મીઠા કલરવને ઝંખે આ આંગણું.
૭૨ વર્ષના વિજયાબા શ્રીજી સદનના હીંચકે ઝૂલતા ઝૂલતાં ભૂતકાળમાં ખોવાઈ ગયાં હતાં. વિજયાબાના પતિ હરિપ્રસાદ તથા તેમના જેઠ શંભુપ્રસાદ અને દિયર ભાનુપ્રસાદ સાથેનું સંયુકત કુટુંબનું આ ઘર સાક્ષી રહ્યું છે. હરિપ્રસાદના દાદા ગાયકવાડ દરબારમાં દીવાનપદું સંભાળતા હતા એટલે વડોદરા નજીક આવેલા રાજપુર ગામમાં આ કુટુંબની શાખ આજે પણ હતી.

હરિપ્રસાદના અવસાન પછી  શંભુપ્રસાદ અને ભાનુપ્રસાદનું કુટુંબ અમદાવાદ રહેવા ગયું. વિજયાબા સાવ એકલાં થઈ ગયાં.

ઘણાં વર્ષોથી રઘલો, તેની પત્ની અને બાર વર્ષનો પુત્ર રામુ બંગલામાં ઘરનું અને માળીનું કામકાજ કરતા. આજે અકળાયેલા વિજયાબા ઊંડો નિ:શ્ર્વાસ નાખતા બોલ્યા:- રઘલા, તું તો મારા દીકરા જેવો સે. આ બધા ભણેલા લોકો જેવા હુશિયાર આપણે નથ, પણ આ બંગલો હું વેચાવા નહીં દંઉ, આ બંગલો છોડીને કયાંય નહીં જાંઉ. આ ભાનુભાઈના છોરાં પંકજ અને મેહુલ ભાવ તો બહુ રાખે, પણ કાયમના એમને ઘેર થોડું જવાય ?

રઘલાએ કહ્યું- હા, બા આપણું ઘર એટલે આપણું ઘર- હું કામ કશે જઈએ-
વિજયાબા મનોમન વિચારવા લાગ્યા:- આ હીંચકા પર અમારો સંસાર ઝૂલ્યો છે. અઢાર વર્ષની હતી ત્યારે મેં આ ઘરમાં પગલાં માંડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ હીંચકો મારા જીવનનો સાક્ષી રહ્યો છે. આ હીંચકે બેસીને સાસુમા અને બાપા બધાને આવકારતા. અમારા છોકરાંનો ઉછેર, સગાંસંબંધીઓના વટવ્યવહાર હોય કે સામાજિક સેવા, બધું આ હીંચકા પર બેસીને સાસુમા અને બાપા કરતા. આ હીંચકો એ માત્ર હીંચકો નથી, આજ હીંચકે મારો પીયૂષ અને મયંક પણ ઝૂલ્યા છે. આ હીંચકો અમારા કુટુંબના વૈભવનું પ્રતીક છે, પણ હવે બધાને ભારરૂપ લાગે છે.

હીંચકા પર બેઠેલા વિજયાબા સાસુમા-બાપાના ફોટાને પગે લાગતાં આદ્ર શ્ર્વરે બોલ્યાં- બાપા, જુઓ આપણો કુટુંબનો માળો વિખેરાઈ ગયો, મેં બધાને એકસૂત્રે બાંધી રાખવા ખૂબ મથામણ કરી, પણ બધા નોખા થઈ ગયા. હું એકલી પડી રહી છું. ના- ના સાસુમા, હું એકલી નથ, મારો શ્રીજી મારી સાથે છે.

વિજયાબાનો વલોપાત હીંચકાનો કીચૂડ કીચૂડ અવાજમાં ભળી ગયો. એકલતાનો ભાર વેંઢારી રહેલા વિજયાબા ૭૨ વર્ષની જઈફ ઉંમરે શરીરે ભલે અશકત થયાં હોય પણ મનના મજબૂત છે.

વિજયાબાની જેમ જ વાડાના આ વૃક્ષો એકલતાની પગદંડી પર સૂમસામ ઊભા છે. વાડાની બીજી બાજુ રઘલાની ઝૂંપડીના ઝાંખા અજવાશમાં રામલો લેસન કરી રહ્યો હતો. રામલાની મા રઘલાને કહી રહી હતી- તમે ભલે કહો પણ મારા રામલાને શહેરમાં ભણવા મોકલવો નથ.

અરે, જરા હમજ, રામલો કેટલો હુશિયાર છે, ભણીગણીને મોટો સાહેબ થશે. પંકજભાઈ એને ભણાવવાના છે. ફીના પૈહા પણ ભરશે. તું એને. રોકતી નહીં. રઘલાએ કહ્યું.

આ જુઓને બીચારાં વિજયાબા-એમની પાહે બધું સે, આવડો મોટો બંગલો, નોકર-ચાકર પણ હાવ એકલાં. છોરાં વિના ઘર કેવું લાગે. હું મારા રામલાને નજરથી અળગો નહીં કરું.
ત્યાં તો વિજયાબાએ બૂમ પાડી રઘલાને બોલાવ્યો. રઘલો બંગલે ગયો.

વિજયાબાએ કહ્યું ,જો રઘલા પંકજનો વોટસએપ છે, લખે છે-
સોમવારે સવારે ૧૦ વાગે હું ત્યાં આવું છું. મારી સાથે ત્રણ મહેમાનો પણ છે. મહારાજ પાસે રસોઈ કરાવી રાખજો. રઘલાને કહેજો બંગલાની સફાઈ કરાવી રાખે. પછી એ જ સાંજે અમદાવાદ પાછા જતા રહીશું.

વિજયાબાએ જરા અકળાતાં કહ્યું- જો રઘલા, મારો પંકજ આવે છે, પણ હાંજે તો પાછો વીયો જાશે, વહુ-છોરાંની હારે આવે તો કેવું હારું લાગે, પણ કોઈને આ બંગલે આવવું જ નથ.
તે બા હાંભળ્યું છે કે આપણો આ બંગલો વેચાવાનો છે. ઈ હાચું ?

રઘલાએ પૂછ્યું.

રઘલા, તું તો મારા દીકરા જેવો સે, એટલે કહું છું. આ બધા ભણેલા લોકો જેવા હુશિયાર આપણે નથ, પણ આ બંગલો હું વેચાવા નહીં દઉં.

તું મારાં છોરાં જેવું જ ધ્યાન રાખે છે, તો હું શું કામ કશે જંઉ. રઘલા, મારો આખો જન્મારો આંહી ગિયો, હવે ઘડપણમાં મારે કોઈને ભારે નથી થવું. મારાં સાસુમાએ છેલ્લો શ્ર્વાસ લેતાં મારો હાથ પકડીને મને કહ્યું તું- ગમે તે થાય વિજી મારી શ્રીજીની સેવા તું જ કરજે. આ ઘરના દાનધરમ અટકે નહીં એ જોજે. તું તો આ ઘરની લખમી સે, આપણાં કુટુંબને એક રાખજે.

તે દિવસે બાપાએ તિજોરીની ચાવીઓ મારા હાથમાં મૂકતાં કહ્યું હતું કે વહુબેટા, તમે હંઘુ ય હાચવજો. આપણાં ઘેરથી પરોણા ભૂખ્યા ન જાય. દીનજનોની સેવા એ જ પરભુસેવા.

રઘલા, તે સાસુ-સસરાના વેણ પાળવા હું ક્યાંય ગઈ નથી. મારાં મયંક અને પિયૂષ કહે છે તો ય જતી નથી.

તે બા થોડા મહિના જઈ આવો ને – રઘલો બોલ્યો.

રઘલા, તું જાણે છ- તારા શેઠનો જીવ આ બંગલામાં છે. પેલો કાગડો રોજ સવારે ભાત ખાવા આવે છે,ને પેલો ધોળિયો કૂતરો શેઠના ફોટા સામું બેસી નીચેની જમીન સૂંઘ્યાકરે છે. આ મૂંગા પશુપંખી આટલું હમજે તો મારાથી બંગલો કેમ છોડાય?

બીજે દિવસે પંકજભાઈ આવ્યા. વિજયાબા હીંચકે બેઠા હતા. પંકજભાઈ અને સાથે આવેલા મહેમાનો પણ વિજયાબાને પગે લાગ્યા.

પંકજભાઈ મિત્રો સાથે અંગ્રેજીમાં વાતો કરતા રહ્યા. આમાં વિજયાબા કે રઘલો શું સમજે.

પંકજે વિજયાબાને કહ્યું:- ભાભુ, આપણે આ જૂના બંગલાને વેચી દઈશું, પછી અહીં મોટું ટાવર બંધાશે. લો, આ કાગળિયા પર અંગૂઠો મારો.

ભાઈ, મારે આ શ્રીજી સદન વેચવું નથ. આમાં તારા મોટાબાપા, દાદાનો જીવ છે. મારું મંદિર છે. ગળગળાં થતાં વિજયાબા બોલ્યાં.

ભાભુ, આપણે ટાવર સાથે શ્રીજીમંદિર પણ બનાવીશું. લો, જલદી અંગૂઠો મારો. પંકજે જરા અકળાતાં કહ્યું. એની સામું જોતાં જ વિજયાબાનો જીવ મૂંઝાવા લાગ્યો. આંખે અંધારા આવવા લાગ્યા.

પંકજે વિજયાબાના અંગુઠાને સહીવાળો કર્યો, પછી એ જ હીંચકા પર બેસીને વિજયાબા પાસે બે-ત્રણ કાગળ પર અંગૂઠા મરાવ્યા.

વિજયાબા હીંચકા પર જ ઢળી પડ્યા અને ત્રુટક શ્ર્વરે બોલ્યા- સાસુમા-બાપા હું આવું છું. ઘરના ઘૈડાં ગયાં, હવે બંગલાનું શું કામ?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત