ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

૧૦થી ૨૧! બાળવિવાહ કાયદામાં સુધારણાનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ

વિશેષ પ્લસ - નિધિ શુક્લ

દેશમાં બાળવિવાહ જેવી કુપ્રથાને ડામવા માટે અનેક કાયદાઓ બન્યા, પરંતુ હજી પણ દુર્ગમ વિસ્તારોમાં આ કાયદાઓની ગણના થતી નથી અને ખુલ્લેઆમ બાળવિવાહ થઇ રહ્યા છે.

બીજી તરફ મહિલાઓ સામે અત્યાચારના કિસ્સા પણ વધી રહ્યા છે. બળાત્કાર, પ્રેમસંબંધમાં તિરાડ પડતા થતી હત્યા, સાસરિયા તરફથી થતી સતામણી વગેરે સમાચાર અખબારોમાં જરૂરથી જોવા મળે. પ્રશાસન તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવવા છતાં આવી ઘટનાઓની સંખ્યા કંઇ ઓછી થવાનું નામ લેતી નથી. એવામાં હિમાચલ પ્રદેશ વિધાનસભામાં સ્ત્રીઓની લગ્નની વય ૧૮થી વધારીને ૨૧ કરવાના બિલને મંજૂરી આપવામાં આવી.

આ બિલ અમે લઇ આવ્યા હતા, એવું કૉંગ્રેસનું કહેવું છે, પરંતુ બહુમતીને કારણે અમે આ બિલને મંજૂરી અપાવી છે, એવું વલણ ભાજપે અપનાવ્યું છે. તેથી બન્ને પક્ષો તેનું શ્રેય લેવા તત્પર થયા છે. હવે રાજ્યપાલ પાસે આ બિલ મંજૂરી માટે અટકી પડે અને અન્ય ખરડાઓની જેમ તે પણ અટકી પડે નહીં, એવી આશા રાખવામાં આવી છે.

હકીકતમાં ૨૦૨૧માં મહિલાઓની લગ્નની ઉંમર ૨૧ કરવાનો ખરડો સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ભાજપ પાસે બહુમતી હોવા છતાં તેઓ સ્થાયી સમિતિ પાસે ગયા હતા અને પાણીમાં બેસી ગયા હતા. મહિલાઓનું જીવન બદલી નાખનારની દૃષ્ટિએ એક પગલું આગળ વધારતા આ ખરડાનું સ્વાગત અન્ય રાજ્યો તરફથી પણ કરવામાં આવે એવી આશા.

રાજ્યની દરેક ધર્મની યુવતીના લગ્ન હવેથી ૨૧ વર્ષ કરવાનો કાયદો બનાવનાર હિમાચલ પ્રદેશ એ દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે જેને ‘હિમાચલ પ્રદેશ બાળવિવાહ પ્રતિબંધ કાયદો-૨૦૨૪’માં ઉક્ત ફેરફાર કર્યો છે.

વિવાહનો વિષય સમવર્તી યાદીમાં હોવાને કારણે રાજ્ય આ પ્રકારનો કાયદો કરી શકે છે. સ્ત્રી-પુરુષ સમાનતાને વધારવા, સ્ત્રીઓનું આરોગ્ય સારું રાખવા તથા તેઓને શિક્ષણનો અને જીવન ઘડવાનો લાભ અપાવવાને આ ખરડાનો મુખ્ય હેતુ હોવાનું હિમાચલ સરકારનું કહેવું છે.

તેમ છતાં કાયદાના પરિણામ માટે થોડા સમય લાગે છે એમ આ કાયદાના પરિણામ માટે પણ રાહ જોવી પડશે.
સ્ત્રીઓના લગ્નનો મુદ્દો અત્યારે જ નહીં, પણ બ્રિટિશકાળથી ચર્ચામાં છે. ૧૦૦-૨૦૦ વર્ષમાં સ્ત્રીઓના જીવન જીવવામાં ઘણા પરિવર્તનો આવ્યા છે.

રાજા રામમોહન રૉયના પ્રયત્નોને કારણે અને બ્રિટિશોની મધ્યસ્થીને કારણે ૧૮૨૯માં સતીપ્રથા ગેરકાયદે ઠરી હતી. ભારતના પ્રથમ મહિલા ડોક્ટર તરીકે ઓળખાતા રમાબાઇ રાઉતે તો ‘મને માન્ય નથી એ લગ્નજીવન મને મંજૂરી નથી’, એવી કડક ભૂમિકા અપનાવીને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ક્વીન વિક્ટોરિયા સુધી જઇને દાદ માગી હતી તેમણે.

એક સ્ત્રી પોતાના પતિ સાથે રહેવા તૈયાર નથી એ વાતથી તે જમાનામાં ખળભળાટ મચી ગયો હતો. આ કાળમાં જ બંગાળમાં ફુલમણી દાસી એ દસ વર્ષની છોકરીનું લગ્નના પ્રથમ રાત્રે શારીરિક સંબંધ બાંધવાને કારણે મૃત્યુ થયું હતું. તેની માતા આ પ્રકરણે કોર્ટમાં ગઇ હતી.

આ બન્ને પ્રકરણને કારણે ફેલાયેલો અસંતોષ, સામાજિક વાદવિવાદ, ન્યાયાલયીન પ્રક્રિયાને કારણે ૧૮મી માર્ચ, ૧૮૯૧માં સંમતિવયનો કાયદો લાગુ થયો હતો. આ કાયદામાં છોકરીના લગ્નની ઉંમર દસથી ૧૨ વર્ષ કરવામાં આવી હતી. બ્રિટિશરોનો અમારા ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ ન હોવો જોઇએ એવું કહેનારા બહુસંખ્ય સમાજમાં આ બાબત બહુ મોટી વાત હતી. ત્યાર બાદ રાજસ્થાનના એક પુરોગામી ન્યાયાધીશ હરવિલાસ શારદાના પ્રયત્નને કારણે ૧૯૨૯માં બાળવિવાહ પ્રતિબંધ કાયદો બનાવવામાં આવ્યો. તે ‘શારદા કાયદો’ના નામે ઓળખાય છે.

તે અનુસાર છોકરીઓની લગ્નની ઉંમર ૧૪ વર્ષ કરવામાં આવી. પાછળથી તે કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો અને બાળવિવાહ પ્રતિબંધ (સુધારણા) કાયદો અમલમાં આવ્યો અને સ્ત્રીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરાઇ આ બધું ૧૯૭૮માં થયું. તેથી ૧૮ વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધને બળાત્કાર માનવામાં આવ્યો.

સ્ત્રીઓના લગ્નની ઉંમર નક્કી કરવાનો પણ દોઢસો વર્ષથી વધુનો ઇતિહાસ છે. જે ફેરફારો થયા તેમાં કેટલાક સંવેદનશીલ પુરુષોનો પણ હાથ છે. આજે ક્યાંય પણ બાળવિવાહ થતા નથી, એવું હજી પણ છાતી ઠોકીને કોઇ કહી શકતું નથી. શહેરી ભાગમાં પણ ખુલ્લેઆમ થતા નથી.

છોકરીઓનું આરોગ્ય તથા થોડું ભલે હોય પણ તેને શિક્ષણ મળવું એ તેનો ઉછેર કરતી વખતે મહત્ત્વનું ગણાય. સામાજિક દબાણ પણ થોડા અંશે વિચારમાં લેવો પડે છે. આ બધુ થવા માટે છેલ્લાં ૧૫૦ વર્ષમાં થયેલો સામાજિક સુધારો, તેનાથી થયેલા કાયદામાં ફેરફારને ધ્યાનમાં લેવું જરૂરી છે. તેથી જ હિમાચલ પ્રદેશમાં સ્ત્રીઓની લગ્નની ઉંમર ૧૮થી વધારીને ૨૧ કરવાના નિર્ણયનું મહત્ત્વ વધી જાય છે.

છોકરી તો ‘બોજ’, ‘પારકું ધન’ કહેવાય એવું કહેનારા સમાજમાં અત્યારે પણ તેમના લગ્ન કરાવી સાસરે જલદીથી વળાવી દેવાની ઉતાવળ કરાતી હોય છે. તેને સારું શિક્ષણ આપી, પગભેર ઊભી કરવા માટે બહુ ઓછા લોકો વિચારે છે. ગ્રામીણ વિસ્તારોમાં તો અમુક જાતિ-ધર્મમાં તો આ પ્રશ્ર્નો વધુ જટીલ છે.

એવું પણ નથી કે આજે છોકરીઓને સમાજમાં અગ્રગણ્ય સ્થાન મળતું નથી, પરંતુ દેશની લોકસંખ્યાને ધ્યાનમાં લઇએ તો આ પ્રમાણ નગણ્ય જ ગણાય.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button