ઉત્સવ

વેપાર માટે દશેરાએ દસ વાતો અપનાવીએ

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

શક્તિ પૂજનના દિવસો ચાલી રહ્યા છે અને બે દિવસમાં આપણે વિજયા દશમી ઉજવીશું. અસતનો સત પર વિજય થાય છે તે શ્રદ્ધા દૃઢ કરવાનો આજનો દિવસ છે. જેમ બહારના શત્રુઓ હોય તેમ આપણી ભીતર પણ અમુક શત્રુઓ હોય છે જે આપણને આગળ વધતા રોકે છે. આ દિવસે આપણી અંદર રહેલી અમુક ભ્રાંત કલ્પનાઓ પર પણ વિજય મેળવવાની કોશિશ કરવી જોઈએ. આજે એવી દસ વેપાર માટેની ભ્રામક કલ્પનાઓની વાતો કરીયે જે ઘણા વેપારીઓ માટે આગળ વધવામાં બાધા ઉત્પન્ન કરે છે.

મારા વગર કંઈ ના થાય
વેપારી હંમેશાં પોતે બધુ કરવા માંગે છે. બધી વાતો પોતાના હાથમાં લે છે. કદાચ આ તેમની વેપાર પ્રત્યેની લાગણી હોઈ શકે પણ આજ વાત વેપારના વિકાસની આડે આવે છે. મને બધી ખબર છે, મને પૂછ્યા વગર નિર્ણયો ના લેવાય, વેપારનું નિયંત્રણ આપણા હાથમાં હોવુ જોઈએ. આ માનસિકતા તેની સાથે કામ કરતા વ્યક્તિઓને નીરસ અને નમાલા બનાવે છે. બધી આવડત આપણામાં ના હોય અને તેટલો સમય પણ નથી કે તમે બધી વાતોમાં તમારી ચાંચ ડુબાડો. નિષ્ણાત લોકોને, તમારા કર્મચારીઓને સ્વતંત્રતા આપો, તેઓનું કામ કરવા દો અને તમે વેપારના વિકાસ પર ધ્યાન આપો જે તમારું પાયાનું કામ છે.

વર્ષોથી વેપાર કરીએ છીએ-લીગસીની માનસિકતા
હું તો આટલા વર્ષોથી ધંધો કરુ છુ તો મને કોઈ વાંધો નહી આવે. આપણી વર્ષો જૂની પેઢી છે અને આમ જ ધંધો થાય, આ માનસિકતા તમારા વિકાસની આડે આવશે. આજનો ક્ધઝ્યુમર લીગસી બ્રાન્ડ છે તેથી તેને માન આપવુ અને ખરીદવુ તેમાં નથી માનતો. તેને જે બ્રાન્ડ ઉત્તેજિત કરશે તે બ્રાન્ડ તે ખરીદશે. આથી પરે ભલે હું વર્ષોથી ધંધામાં હોવુ પણ મારી માનસિકતા સ્ટાર્ટઅપની અપનાવવી પડશે. અર્થાત્ નવા વિચારો, નવી પદ્ધતિ, નવા પ્રોડક્ટ, નવુ ઇનોવેશન વગેરે વેપારને સફળ બનાવશે.

ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ અભિગમ
આપણે જયારે સફળતાનો સ્વાદ ચાખતા હોઈએ છીએ, ત્યારે ઘણી વાતો જે મહત્વની હોય છે તેને નજરઅંદાજ કરીયે છીએ. સફળતા મળી રહી છે તો ચાલુ રાખો અને આથી મોટી ગેરસમજ એટલે, સફળ થઇ રહ્યા છીએ એટલે બધું બરોબર છે અને ક્યારેય કોઈ મુશ્કેલી નહિ આવે. આને અંગ્રેજીમા ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ એટ્ટીટ્યૂડ કહે છે. આજે ડગલે ને પગલે વેપારના આયામો બદલાઈ રહ્યા છે ત્યારે જો સમય સાથે બદલાવ નહિ લાવીએ ત્યારે પડશે તેવા દેવાશેનો અભિગમ ભારે પડશે.

સ્પર્ધા, સ્પર્ધા અને સ્પર્ધા
સ્પર્ધાનો કોઈ ઈલાજ નથી અને તે રહેવાની છે તેથી તેને દોષો આપવાનું છોડી તેના પર કામ કરો. સ્પર્ધાને બે રીતે જોવી પડે. એક પ્રતિસ્પર્ધી પર હંમેશા નજર હોવી જોઈએ. તે કયા નવા ફીચર્સ લાવી રહ્યો છે, કોને ટાર્ગેટ કરી રહ્યો છે, કઈ માર્કેટમાં છે, મેસેજિંગ શું છે વગેરે. અને બીજું, જયારે તમે બ્રાન્ડ લોન્ચ કરવાનું વિચારો ત્યારે માર્કેટ સ્ટડી કરો કે માર્કેટમાં તમારા માટે જગ્યા છે કે નહિ. જો માર્કેટ પ્રતિસ્પર્ધીથી ખીચોખીચ ભરેલી છે તો તમને તમારી જગા બનાવતા વાર લાગશે અને નિષ્ફળતા મળી શકે. માર્કેટનો અભ્યાસ, કોમ્પિટિટરનો અભ્યાસ લોન્ચ કરતા પહેલા જરૂરી છે. લોકો બીજાની સફળતા જોઈ સમજી બેસે છે કે આપણે પણ આ પ્રોડક્ટ બનાવીએ કારણ ઘણું ચાલી રહ્યું છે, આ ભૂલના કારણે પણ વેપાર નિષ્ફળતા સહે છે.
ડિમાન્ડિંગ ગ્રાહક
આજ સુધી હું જે બનાવતો હતો તે લોકોને આપતો હતો જયારે આજે જે ક્ધઝ્યુમરને જોઈએ તે આપવું પડશે. આમાં ઉત્પાદનોમાં નવીનતા, ક્ધઝ્યુમરને જોઈતી પદ્ધતિઓ જેવી કે; ઓનલાઇન ખરીદી, ડિજિટલ પેમેન્ટ, હોમ ડિલિવરી બધું આવી ગયુ. આમ થતા ક્ધઝ્યુમર તમને અલગ નજરથી જોશે અને વિચારશે કે આ વેપારીએ મને ધ્યાનમાં રાખીને આ બ્રાન્ડ બનાવી છે અને નહી કે દુનિયા ભરના લોકો માટે.

પ્રોડક્ટ નહિ બ્રાન્ડ વેચો
ઉત્તમ ઉત્પાદન હોવું મહત્વપૂર્ણ છે તેની ના નહિ પણ યોગ્ય બ્રાન્ડિગ વિના, તમારું ઉત્પાદન એટલું યાદગાર અને અસરકારક રહેશે નહીં. મોનોપોલી લુપ્ત થઈ રહી છે. ટેકનોલોજી પણ કોપી થઈ જાય છે. માર્કેટમાં તમારા પ્રતિસ્પર્ધી પણ તેજ વસ્તુ કરે છે જે તમે કરો છો. તો તમારે અલગ શું કરવુ? આવા સમયે બ્રાન્ડ પોતાનો ભાગ ભજવે છે. આજની તારીખે લોકોને પ્રોડક્ટ નહી બ્રાન્ડ જોઈયે છે. તમારે પોતાની ઇમેજ અને તમારા પ્રોડક્ટની અલગતા, યૂનીકનેસ કસ્ટમરને સમજાવવી પડશે. જ્યારે આ અલગતા બે પ્રોડક્ટ વચે ઉભી થાય છે ત્યારે તે બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થવાની શરૂઆત કરે છે.

બ્રાન્ડની આવશ્યકતા નથી
બ્રાન્ડિગ તમે કોણ છો તે ડીફાઇન કરશે, આની સાથે તે તમારુ મિશન શું છે, તમારા અર્થાત તમારી કંપનીના મૂલ્યોને પણ ડીફાઈન કરશે જે તમને એક વિશેષતા આપશે અને લોકોથી અલગ તારવશે. આ ઉપરાંત તમારા મુખ્ય બ્રાન્ડના ઘટકો જેમ કે તમારી બ્રાન્ડનું નામ, તેનો લોગો, તમારી વેબસાઇટ વગેરેના દ્વારા લોકોને તમારી સમક્ષ મુકશે. તેમને આવનારા વર્ષો સુધી તમારી સાથે જકડી રાખે છે. બ્રાન્ડિગનો ઉપયોગ તમારી બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે. બ્રાન્ડિગ ગ્રાહકનું ધ્યાન આકર્ષિત કરી બીજી કોઈ બ્રાન્ડ તરફ ના ભટકે તેની તકેદારી રાખવાની રીત છે. બ્રાન્ડિગ થકી રેવેન્યુ જનરેટ થશે અને કંપનીનું વેલ્યુએશન વધશે.

માર્કેટીંગ વ્યર્થ ખર્ચો છે
માર્કેટીંગ એ લોકોની સમક્ષ પ્રોડક્ટ અને સર્વિસ ખરીદવા માટેની સમજણ આપવાની કળા છે. જો કસ્ટમરજ નહી આવે તો પ્રોડક્ટ કેવીરિતે વેચાશે અને પ્રોડક્ટ નહી વેચાય તો પ્રોફિટ કેવી રીતે થશે. માર્કેટીંગ તમને તમારા પ્રતિસ્પર્ધી સામે તમારા પ્રોડક્ટ સર્વિસ ખરીદી કરવા માટે સમજાવશે. માર્કેટીંગ તમારી ક્રેડિબિલિટી વધારશે કારણકે ક્ધઝ્યુમર તમારી બ્રાન્ડથી વાકેફ થશે,
તમારી
બ્રાન્ડ માટેની અવેર્નેસ ક્રિયેટ કરશે, જે ખુબ જ જરૂરી છે કોઈપણ વેપાર અને વેપારી માટે. જ્યારે તમે તમારા પ્રોડક્ટ અને સર્વિસનું પ્રાઇઝિંગ નક્કી કરો ત્યારે માર્કેટીંગની કોસ્ટ તેમાં ઉમેરો જેથી વધારાનો ખર્ચો કરવો પડે છે તેવો વિચાર ન આવે. માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટ છે અને ખર્ચો નહી તે સમજ અપનાવો.

સેલ વધવુ જોઈએ
ઘણીવાર સેલ વધારવાની ધાઈમાં આપણે આપણા વેપારને અન્યાય કરી બેસીએ છીએ. સેલ વધારવા ડિસ્કાઉન્ટ ઉપરાંત પણ બીજી વાતો હોઈ શકે તે અવગણવા લાગીયે છીએ. ફક્ત વેચાણ નહિ પણ લાંબા ગાળાનો ફાયદો જોવાની શરૂઆત કરો. વેપાર કરીયે એટલે સહજ છે કે આપણે વેચાણને મહત્વ આપીયે, તેમાં ખોટું નથી. વેપારને યોગ્ય દિશા આપો જે તમને તમારા પ્રોડક્ટ ડેવેલપમેન્ટ માટે, માર્કેટીંગ માટે મદદ કરશે જેના થકી તમે તમારા ક્ધઝ્યુમરના દિલો-દિમાગમાં સ્થાન પામશો. આમ, ફોકસ્ડ અભિગમ સમય જતા સેલ્સ વધારવામાં પણ સહાય કરશે.

પાયાની વાતને પકડી રાખો
ઘણીવાર જોવામાં આવ્યુ છે કે એકવાર બ્રાન્ડ સફળ થાય ત્યાર પછી તે જ નામને એનકેશ કરવા બ્રાન્ડ નવા પ્રોડક્ટ તે જ કેટેગરીમાં અથવા નવી કેટેગરીમાં લૉન્ચ કરે છે. બ્રાન્ડ રિકોલનો ફાયદો લેવા આ પગલું ભરે છે. આ વિચાર ઘણીવાર બ્રાન્ડની વિરુદ્ધમાં જાય છે. ઉદાહરણ તરીકે તમે પ્રીમિયમ બ્રાન્ડ પ્રીમિયમ પ્રાઇઝે વેચો છો. નવુ સેગ્મેન્ટ કેપ્ચર કરવા તમે તે જ બ્રાન્ડના અમુક ફીચર્સ કાઢી નાખી સસ્તા ભાવે તે જ નામે લોઅર સેગ્મેન્ટમા મુકો છો. તમારો પ્રીમિયમ ક્ધઝ્યુમર તરત જ તમારી સાથે ડીલ કરવાનું બંધ કરશે, કારણ તે નહીં ઈચ્છે કે લોઅર સેગ્મેન્ટ પણ તે જ બ્રાન્ડ વાપરે છે. ઘણીવાર તમે ઇન્ડસ્ટ્રીઅલ બ્રાન્ડ હોવ અને તે જ નામે ફૂડ બ્રાન્ડ લૉન્ચ કરો તો લોકો તે નહિ અપનાવે. વેપારનો ફેલાવો થવો જોઇએ પણ પાયાના સિદ્ધાંતોને અનુસરીને.

દશેરાના પાવન અવસરે આ ભ્રામક કલ્પનાઓ પર વિજય મેળવી આપણા વેપાર માટે હાર્ટ શેર અને માઇંડ શેરની સાથે સાથે માર્કેટ શેર અને વોલેટ શેર વધારવાની માતાજી પાસે શક્તિ માગીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…