વિવિધ ફંડ જોયા, આ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ શું છે?

મોટા ઈન્વેસ્ટર્સ, મોટા જોખમ, મોટા વળતરનો માર્ગ
ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા
જેમની પાસે અઢળક નાણાં છે, નાણાં કયાં મૂકવા? કયાં રોકવા, કયાં સારું વળતર મળશે? કયાં કેટલું જોખમ હશે? આવા સવાલો મોટા રોકાણકારોના થતા જ હોય છે, તેઓ રિસ્ક ટેકર્સ હોવાથી નવાં-નવાં રોકાણ સાધનો પણ શોધતા હોય છે, જેમની માટે હવે શેર, ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડસ, બોન્ડસ, ગોલ્ડ, સિલ્વર, રિઅલ એસ્ટેટ ઉપરાંત વિવિધ નવાં સાધનો આવી ગયા છે, જો કે તે બહુ જાણીતા થયા નથી, આ સાધનોને ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) કહેવાય છે, જેમાં વિવિધ વિકલ્પો હોય છે. આ વાત ભલે નાના રોકાણકારોની ન હોય, કિંતુ દેશના અર્થતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ભંડોળ ઊભું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ માર્ગનું રોકાણ અત્યારસુધીમાં મોટેભાગે હોંગકોંગ, સિંગાપોર વગેરે સમાન દેશોમાં જતું યા થતું હોવાનું નોંધાયું છે. હવે ગિફટ સિટીમાં કાર્યરત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયસ સર્વિસીસ સેન્ટરમાં અવકાશ અને તક ઊભા થયા છે, જેની મારફત આ રોકાણ કરવામાં લાભ અને સરળતા પણ મળી શકે છે.
વધુ અને નવા રોકાણ સાધનોની શોધમાં હોય એવા સંપત્તિવાન-સમૃધ્ધ રોકાણકારો માટે એઆઈએફ નામે વિકલ્પ ઉપલબ્ધ છે, જોકે અત્યારસુધી વિવિધ કારણસર અને નિયમનોની સ્પષ્ટતાના અભાવે આ સાધનો પ્રચારમાં અને પ્રેકિટસમાં ઓછાં હતાં, ગિફટ સિટીના ડેવલપમેન્ટ સાથે આ સાધન માટે નવી તકો સર્જાઈ છે.
ફાઈનાન્સિયલ માર્કેટ- કેપિટલ માર્કેટમાં નાના-રિટેલ રોકાણકારો અંગે કાયમ ચર્ચા થતી રહેતી હોય છે, આ વર્ગ બહુ મોટો હોવાથી તે સ્વાભાવિક પણ છે. જોકે મોટા રોકાણકારો માટે પણ કેટલીક વાતો વિશેષ મહત્ત્વની હોય છે, જેઓ મૂડીસર્જનમાં મોટી ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં અત્યારસુધી રોકાણ માટેના સાધનોમાં બૅંક ફિક્સડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સહિતની વિવિધ સરકારી યોજનાઓ, ગોલ્ડ, રિઅલ એસ્ટેટ-જમીન કે પ્રોપર્ટીઝ, ઈન્સ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફંડસ, શેર્સ-સ્ટોકસ, પેન્શન ફંડ, વગેરેનો સમાવેશ થાય છે, કિંતુ છેલ્લા કેટલાંક સમયથી નવાં સાધનો માર્કેટમાં આવી ગયાં છે, પણ તેના વિશે જાણકારી કે જાગ્રતિ ઓછી છે. આ નવા સાધનો રોકાણના જુદાં વિકલ્પો છે, આ સાધનોમાં હાલ એઆઈએફ (ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ)નું નામ ચર્ચામાં આવતું જાય છે. હાલ આપણા દેશમાં એઆઈએફની ઘણી સ્કિમ્સ છે. ઈન શોર્ટ, ભારતીય ફાઈનાન્સિયલ માર્કેટ ગ્લોબલ બનવા તરફ આગળ વધી રહી છે. તેથી જ એઆઈએફ માટે ગિફટ સિટીના દરવાજા વધુ ખુલ્લા કરાયા છે.
એઆઈએફની કેટેગરી કઈ-કઈ
સૌપ્રથમ એઆઈએફ શું છે અને તેના કેટલાં પ્રકાર છે એ વિશે જાણીએ. આ પ્રોડકટ-ફંડ એચએનઆઈ (હાઈ નેટવર્થ ઈન્ડિવિઝયુઅલ) માટેની છે, અર્થાત માત્ર મોટા ઈન્વેસ્ટર જ તેમાં ભાગ લઈ શકે એવી તેની રૂ. ૧ કરોડ જેટલી લઘુત્તમ રોકાણ મર્યાદા છે. મહત્ત્વની વાત એ છે કે એઆઈએફ નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) અને આઈએફએસસી (ઈન્ટ. ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર)ના રેગ્યુલેશન હેઠળ આવે છે.
ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ એક એવું ભંડોળ છે, જે વિવિધ ખાનગી પણ મર્યાદિત રોકાણકારો પાસેથી નાણાં ઊભા કરીને સ્થપાય છે, તેમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો બંને હોય, એઆઈએફનું લક્ષ્ય તેના સંયુકત ભંડોળનું અન્ય સાધનોમાં રોકાણ કરી પોતાના મૂળ રોકાણકારોને ઊંચું વળતર અપાવવાનું હોય છે. જેમ મ્યુચ્યુઅલ ફંડ નાના-મોટા રોકાણકારો પાસેથી ભંડોળ એકઠું કરી તેને પ્રોફેશનલી મેનેજ કરે છે. એઆઈએફની પ્રથમ કેટેગરીમાં વેન્ચર કેપિટલ ફંડ, એસએમઈ ફંડ, ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ, સોશ્યલ વેન્ચર ફંડ અને એન્જલ ફંડનો સમાવેશ થાય છે. બીજી કેટેગરીમાં પ્રાઈવેટ ઈકિવટી ફંડ, ડેટ ફંડ, રિઅલ એસ્ટેટ ફંડ, ફંડ ઓફ ફંડસ, અને ત્રીજી કેટેગરીમાં હેજ ફંડ, પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ઈન પબ્લિક ઈકિવટી ફંડનો સમાવેશ થાય છે.
ગિફટ સિટી તરફ વળવાનો સમય એઆઈએફ ક્ષેત્રે કાર્યરત અનુભવી-નિષ્ણાંત અને બેસિઝ ફંડ સર્વિસ નામની કંપનીના સ્થાપક પ્રમોટર આદિત્ય સેશના મત મુજબ અગાઉ IFSCમાં એઆઈએફ સામે ઘણાં અવરોધો હતા, જે વર્તમાન સરકારની ઉદાર-વ્યવહારું નીતિને કારણે મહદઅંશે દૂર થઈ ગયા છે, પરંતુ આ સાધન કે માર્ગ માટે વિશેષ જાગ્રતિ અને પ્રચારની ખાસ આવશ્યકતા છે. સેબી તેમ જ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર-ગિફટ સિટીના રેગ્યુલેટર તરફથી નિયમન પણ વ્યવસ્થિત છે. જોકે આ માર્કેટને વિકસતા હજી સમય લાગશે. મોરેશિયસ, હોંગકોંગ વગેરે જેવી બજારોને પણ સમય લાગ્યો છે. એક તો આ સાધન માત્ર મોટા ઈન્વેસ્ટરો માટે જ છે, બીજું, હજી લોકો ગિફટ સિટી પ્રત્યે પણ જાગ્રતિનો અભાવ ધરાવે છે, આવો વર્ગ મોરેશિયસ કે હોંગકોંગમાં ડોમિસાઈલ કરાવે છે, તેઓ ગિફટ સિટીમાં ડોમિસાઈલ કરાવે તો તેમને લાભ થાય એમ છે. આ લાભો આ વર્ગ સુધી સમજાવવા-પહોંચાડવા આવશ્યક છે.
ભારતીય અર્થતંત્રના લાભમાં
આદિત્ય સેશ કહે છે, હાલ આપણા દેશમાં ૫૮ જેટલાં રજિસ્ટર્ડ એઆઈએફ છે, આ ફંડસમાં ડીએસપી, બ્લુમ, સીએકસ પાર્ટનર્સ, ઈન્વેસ્ટકોર્પ, કોટક, ફિલિપ્સ કેપિટલ, એસબીઆઈ, ટ્રુ બીકોન, ટ્રુ નોર્થ, વગેરેનો સમાવેશ થાય છે, હજી ૪૦ જેટલાં ફંડ કતારમાં છે. વિદેશી રોકાણકારો સહિત મોટા રોકાણકાર વર્ગમાં સરકારની નીતિઓ વિશે લાંબા સમય સુધી કયાંક અનિશ્રિતતાનો ભય રહ્યો હોવાથી તેઓ આગળ આવતા નહોતા. વર્તમાન સરકારની વિશ્ર્વ સ્વીકૃત નીતિઓ બાબતે આ ભય ઘટી રહ્યો છે અને વિશ્ર્વાસ વધતો રહ્યો છે એમ જણાવતા આદિત્યજી કહે છે, આ માર્ગે જંગી ભંડોળ ભારતમાં આવી શકે છે અને તે અર્થતંત્રના લાભમાં પરિણમી શકે છે.
આ પ્રકારના વધુ ફંડસ ઈકોનોમીને નવું સ્વરૂપ, નવા વેગ અને નવી દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું માની શકાય.
માસ્ટર ફંડ મેનેજર પ્રશાંત જૈનનું જંગી ફંડ આવી રહ્યું છે
અહીં એ નોંધવું રસપ્રદ છે કે તેમની ફંડ મેનેજમેન્ટની વિશેષ કુશળતાને કારણે જાણીતા ફંડ મેનેજર પ્રશાંત જૈને પોતાની ઈન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી છે, જે એક અબજ ડોલર જેટલી મૂડી ઊભી કરવાનો પ્લાન ધરાવે છે, તેમનું ૩P (૩ પી) ઈન્ડિયા ઈકિવટી ફંડ એઆઈએફ જેવું માળખું ધરાવે છે. આ ફંડ મુખ્યત્વે લાર્જ, મિડ અને સ્મોલ કેપ સ્ટોકસમાં રોકાણ કરશે. તેની પ્રારંભિક રકમ ૫૦૦૦થી ૭૦૦૦ કરોડ રૂપિયા જેટલી રહેશે. જૈનની કંપની તબક્કાવાર આગળ વધશે, ધીરજવાન રોકાણકારની આદર્શ અને ઉત્તમ ઈમેજ ધરાવતા પ્રશાંત જૈનના ફંડમાં માત્ર મોટા રોકાણકારો જ રોકાણ કરી શકશે, તેની મિનિમમ રોકાણ મર્યાદા સંભવત ૧૦ કરોડ રૂપિયાની હશે. આ ફંડ લાંબા ગાળાનું હોવા ઉપરાંત તેમાં જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો જ ભાગ લેશે એવું કહી શકાય.