ઉત્સવ

પાકિસ્તાન હવે ભીખનો પર્યાયવાચી શબ્દ ન બની જાય તો સારું

કેનવાસ -અભિમન્યુ મોદી

પાકિસ્તાન અને તેની સાંપ્રત સ્થિતિ બધા જાણે છે. દેશની દયનીય હાલત છે. ક્રિકેટનું મેદાન હોય કે લાહોરની શેરીઓ, બધે નિરાશા, હતાશા, હાર અને ગમગીની જોવા મળે છે. ઇમરાન ખાન જેલમાં છે. ઇમરાન ખાનની પહેલા જેટલા પણ વડા પ્રધાન કે કહેવાતા વડા પ્રધાન આવ્યા તેમાંથી મોટાભાગનાએ જિંદગીના પાછલા વર્ષો જેલમાં કાઢ્યા અથવા તો તે તડીપાર રહ્યા અથવા તો તેનું ખૂન કરી નાખવામાં આવ્યું. અત્યારે પાકિસ્તાનની આવામ એટલે કે જનતા રોજ આપઘાતના વિચારો કરી રહી છે. એવી દારુણ સ્થિતિ અને ભયંકર મોંઘવારી પાકિસ્તાનમાં પ્રવર્તે છે.

આ બધામાં હજુ એક મુશ્કેલીનો ઔર વધારો થયો છે જેણે વિશ્ર્વ મંચ ઉપર પાકિસ્તાનને નીચાજોણું કરાવ્યું. (પાકિસ્તાન માટે આ ક્યાં નવું છે?) પાકિસ્તાનની પ્રકાશમાં આવેલી આ નવી શરમજનક સમસ્યા છે. એક અહેવાલમાં બહાર આવ્યું છે કે વિદેશમાં ધરપકડ કરાયેલા ૯૦ ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે. સાઉદી અરેબિયા અને ઈરાકે આ મુદ્દે એટલે ચિંતા વ્યક્ત કરી, કારણ કે પાકિસ્તાની ભિખારીઓના ધસારાને કારણે તેમની જેલો ખીચોખીચ ભરાઈ ગઈ છે!

પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ વિદેશમાં પકડાયેલા ભિખારીઓમાં ૯૦ ટકા પાકિસ્તાની છે.

સેનેટની સ્થાયી સમિતિના ઓવરસીઝ પાકિસ્તાનીઓએ આ મુદ્દે ચર્ચા કરી અને ઓવરસીઝ ઈન્ડિયન મિનિસ્ટ્રીના સેક્રેટરી ઝુલ્ફીકાર હૈદરે કેટલાક ચોંકાવનારા તથ્યો શેર કર્યા. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં ભિખારીઓ પાકિસ્તાન છોડી દે છે, મોટાભાગે મોટા જૂથોમાં અને પછી વિદેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી ભીખ માગવા માટે ઉમરાહ અને મુલાકાત વિઝાનો ઉપયોગ કરે છે. હૈદરે એમ પણ કહ્યું હતું કે મક્કાની ગ્રાન્ડ મસ્જિદ જેવા પવિત્ર સ્થળો પર ઘણા પાકીટચોરો પકડાયા છે અને તે બધા પાકિસ્તાની હતા.

પાકિસ્તાનના વિદેશ સચિવ ઝીશાન ખાનઝાદાએ કહ્યું કે વિદેશમાં સ્થાયી એવા કુલ ૧૦ મિલિયન પાકિસ્તાની નાગરિકોમાંથી બહુ બહોળી સંખ્યાના પાકિસ્તાનીઓ ભીખ માગવાના વ્યવસાયમાં સામેલ છે.

સાઉદી અરેબિયાએ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે પાકિસ્તાનને તેના હજ ક્વોટા માટે ઉમેદવારોની પસંદગી કરતી વખતે વધુ સાવચેત રહેવા કહ્યું છે, કારણ કે સાઉદી અરેબિયામાં ધરપકડ કરાયેલા ૯૦ ટકા ભિખારીઓ પાકિસ્તાનના છે. આ વ્યક્તિઓ વારંવાર ઉમરાહ વિઝા પર પ્રવેશ કરે છે અને સાઉદી અરેબિયાએ ફરિયાદ કરી હતી કે પાકિસ્તાની ભિખારીઓને કારણે તેમની જેલો ભરેલી છે. તેણે એ પણ જણાવ્યું કે મક્કામાં મસ્જિદ અલ-હરમ પાસેના તમામ પિકપોકેટર પાકિસ્તાનના છે.

સાઉદી અરેબિયા ગુસ્સે છે કે આ લોકોને ઉમરાહ વિઝા આપવામાં આવી રહ્યા છે, કારણ કે તેમને કુશળ કામદારો તરીકે જોવામાં આવતા નથી. તેના બદલે, સાઉદીના નોકરીદાતાઓ સામાન્ય રીતે ભારત અને બાંગલાદેશના કામદારોને પસંદ કરે છે. કારણ કે તેઓ મહેનતુ હોય છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ પણ પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર વિઝા પ્રતિબંધો વધાર્યા છે, જે પાકિસ્તાનને વધુ શરમમાં મુકે છે.

મોટી સંખ્યામાં ભિખારીઓની હિલચાલથી માનવ તસ્કરીને વેગ મળ્યો છે. ડોનના મતે જાપાન હવે આવા મુલાકાતીઓ માટે નવું સ્થળ બની ગયું છે. પાકિસ્તાન અગાઉ કુશળ કામદારોની નિકાસ માટે જાણીતું હતું, પરંતુ હવે, કુશળ કામદારોને બદલે અલ્પશિક્ષિત વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. પાકિસ્તાનમાં વ્યાવસાયિકોને પણ બેરોજગારીનો સામનો કરવો પડે છે, જેમાં અંદાજે ૫૦,૦૦૦ એન્જિનિયરો બેરોજગાર છે.

તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અન્ય દેશો પાસેથી ભંડોળ માગી રહ્યું છે જ્યારે ભારત ચંદ્ર પર પહોંચવા અને જી-૨૦ સમિટની યજમાની જેવી નોંધપાત્ર સિદ્ધિઓ કરી રહ્યું છે. શરીફે પાકિસ્તાનની આર્થિક સમસ્યાઓ માટે તેમના ભૂતપૂર્વ જનરલો અને ન્યાયાધીશોને જવાબદાર ઠેરવ્યા હતા.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વર્ષોથી સંઘર્ષ કરી રહી છે, જેના કારણે નોંધપાત્ર ફુગાવો અને વસ્તી પર દબાણ છે. શરીફે ધ્યાન દોર્યું કે ભારતે તેમની સરકાર દ્વારા ૧૯૯૦માં શરૂ કરાયેલા આર્થિક સુધારાને અનુસર્યા છે અને નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ જોવા મળી છે.

જુલાઈમાં, આઈએમએફએ ૩ બિલિયન ડોલરના બેલઆઉટ પ્રોગ્રામના ભાગ રૂપે તેની બીમાર અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે પાકિસ્તાનને ૧.૨ બિલિયન ડોલર ટ્રાન્સફર કર્યા હતા. પણ પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો આવ્યો નથી. પાકિસ્તાને તેની કટ્ટરતા અને માનસિકતા બદલવી પડશે. નહીંતર આખું પાકિસ્તાન ભિખારી બની જશે અને ભારત સિવાય તેનું કોઈ તારણહાર નહિ હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button