ઊડતી વાત: બર્ગરમાંથી નીકળેલી ઇયળનો એક્સક્લ્યુસિવ ઇન્ટરવ્યૂ
-ભરત વૈષ્ણવ
‘અભિનંદન.. કૉંગ્રેટસ.. અભિનંદન’ અમે અભિનંદન પાઠવ્યાં.
‘ભૈ, તમે શું બોલો છો એ મને સમજાતું નથી. તમારો યાર, ઇન્ટ્રો- બિન્ટ્રો આપો.’ સામેથી મોઢું બગાડીને અમને કહેવામાં આવ્યું.
પત્રકારનો સવાલ ન સમજે તેવી વિરાટ પ્રતિભા બહુરત્ના વસુંધરામાં અસ્તિત્વ ધરાવે છે એને કેવી અને કેટલામી અજાયબી ગણવી તે મને ન સમજાયું:
‘ઇયળબેન, હું ‘બખડજંતર ચેનલ’નો એક માત્ર ચીફ એડિટર ગિરધરલાલ ગરબડિયા અને આ છે અમારો કૅમેરામેન કમ ઑલ ઇન વન રાજુ રદી. …અમે તમારો ડેડ કમ લાઇવ ઇન્ટરવ્યુ લેવા માટે અહીં લાંબા થયા છીએ.’ મેં ઇયળને અમારા પરિચય સાથે અમારો હેતુ જણાવ્યો.
‘શું બોલ્યા, રિપોર્ટર સાહેબ?’ ઇયળે ભાલાની જેમ ભવાં ઊંચાં કરી ક્રુદ્ધ સ્વરે કડકાઈથી પૂછયું.
‘મેં તમને ઇયળબેન જે કહ્યું એમાં તમને ગાળ કે અપશબ્દ કહ્યા નથી. તમે કેમ ઓવર રિએકટ કરો છો? બી કામ…જરા શાંતિ રાખો.’ મેં ઇયળને ધૈર્ય રાખવા કહ્યું.
‘ગિરધરલાલ સાહેબ, તમે બે મોટી ગાળ ચોપડાવો તોપણ હું કોઈ વાંધો નહીં લઉં. હલકું લોહી રિપોર્ટરનું એ ન્યાયે તમને કમને માફ કરી દઉં, પરંતુ મને બેનનું સંબોધન કરીને મારું હડહડતું અપમાન ન કરી શકો. તમે મને બેન કહીને સ્વિટ સિકસટીન એટલે સોલા બરસની બાલી ઉંમરનું, સોળ સાલના સૌંદર્યનું સૌંદર્યિક અપમાન કર્યું છે. યુ નો, હું બ્યુટી પાર્લરમાં જઇ નેલ ફાઇલિંગ – આઇ બ્રો – ફેશિયલ ને હેર કલર કરાવું છું… ટૂંકમાં બધી જ જાતની બ્યુટી ટ્રિટમેન્ટ કરાવું છું એટલે મારો ફેસ ગ્લો કરે છે એમાં તમે મને બેન કહીને મારા મધરનું મેરેજ કરી નાખ્યું. આમ કહી ઇયળ મારો પ્રતિભાવ જોવા અટકી. હવે ખબર પડી કે ઇયળને જોડો કયાં ડંખે છે!
‘સોરી, મિસ ઇયળ’ કહીને અમે દિલગીરી દર્શાવી.
‘ઇટસ ઓકે ડયુડ. હવે બોલો…’
‘કૉન્ગ્રેટસ, તમે મીડિયામાં ચમક્યાં એ માટે ખૂબ જ અભિનંદન.’ આટલું કહી અમે ઇયળને એક જમરૂખ ભેટ આપ્યું. ઇયળ સાથે ઇન્ટરવ્યુ કરવો હોય તો જમરૂખ વ્યવહાર કરવો પડે.
‘તમને પેપરમાં ચમકવાની ઇન્સ્પિરેશન કયાંથી મળી?’ અમે અગત્યનો સવાલ કર્યો.
‘અમે પણ પેપર વાંચીએ છીએ. તમારા નેતા રોજ રોજ એકમેકને ગાળો બોલે છે, એકમેક પર કાદવ ઉછાળે છે. પક્ષની ઈજ્જત ખરડે છે… પણ સાહેબ એટલે સાહેબ …!’ ઇયળે પેટછૂટી વાત કરી.
‘તમારા ઇયળ વર્લ્ડમાં સાહેબ ફેમસ છે ખરું ને?’ અમે સાહેબને પોલ્સન લગાવ્યું. શક્ય છે કે સાહેબ ‘બખડજંતર ચેનલ’ જોતા હોય અને અમને પ્રેસ કાઉન્સિલના ચૅરમૅન બનાવી દે!
(છાપામાં ચોરમેન ન છપાય, પ્લીઇઇઇઝ એડિટર સર)
‘હોંવે. દિયોર…!’
‘સાહેબ તો સમજ્યા, પણ બીજા પ્રેરણાસ્ત્રોત કયાં?’ અમે પૂછયું.
‘ઢોસામાં વંદા નીકળે છે. દાળમાં ઉંદર નીકળે છે. પિત્ઝામાં ગરોળી નીકળે છે. મીઠાઈમાં કીડા-મંકોડા નીકળે છે. સુપમાં ચાઇલ્ડ સાપ નીકળે છે. એ લોકો છાપે ચડે છે તો હમ કિસીસે કમ હૈ, ભીડું? હમે પૂરા હૈ વિશ્ર્વાસ કે હમ પેપર કે ફ્રન્ટ મેં ચમકેં! અમારું નસીબ જોર કરતું હશે કે અમે બર્ગરમાં પેઠા અને છાપે ચડી ગયા… થેંક ગોડ કે લાઇફ મિશન એચિવ્ડ.’ ઇયળના મુખારવિંદ પર પરિતોષનો ધોધ છલકાયો.
‘તમે તમારી આ બર્ગર યાત્રા વિશે જણાવશો?’
‘શું બર્ગર તમારે એકલાએ જ ખાવાનું? અમારે બગાસાં ખાવાનાં? અમને બર્ગર ખાવાનું મન ન થાય? અમે બર્ગરમાં ઘૂસ્યા કે જ્વાળામુખી ફાટ્યો હોય તેવી ગરમી અમારા પર કરો છો અમને બર્ગર સાથે ડીશમાં ટોમેટો કેચ અપ સાથે કસ્ટમરને સર્વ કરવામાં આવ્યા ત્યાં કોઈની અમારા પર નજર પડી અને નાહકનો હાહાકાર મચાવાયો.’ ઇયળે વિગતે વાત કરી.
‘તમને જોઈને ગ્રાહક કેમ ભડક્યા?’ અમે સવાલ પૂછ્યો
‘એ ગ્રાહક ન હતો. એ ગ્રાહકની પત્ની હતી. બાથરૂમમાં વંદો જુએ કે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હોય તેમ ભડકે છે. તમે ગ્રાહક તરીકે બર્ગરના પૈસા ચૂકવ્યા છે. અમારા માટે નયો પૈસો ચૂકવ્યો નથી. કાણી પાઇ ચૂકવ્યા વગર અમે તમને મળીએ છીએ. અમે વેલ્યુએડેડ સર્વિસ છીએ. પછી આવો હોબાળો શેનો? ચામાં માખી પડે તો તમે ચા ફેંકી દેતા નથી. માખી પકડીને ચાના કપમાં નિચોવો છો. પછી માખી ફેંકી દો છો. ત્યાર બાદ ચા ગટગટાવી જાવ છો. તમે આ રીતે અમને ઉપાડીને બર્ગર ખાઈ લો. ઈસમેં હંગામા કયું?’ શાયર મહેફિલમાં ગઝલ લલકારે તેવા શાયરાના અંદાજથી ઇયળે બચાવનામું પેશ કર્યું.
‘મિસ ઇયળ, તમે બર્ગર જ કેમ પસંદ કર્યું?’ અમે સવાલ કર્યો.
‘જસ્ટ ફોર ફન. જસ્ટ ફોર ચેઇન્જ.’ વાળની આગળની લટ સાથે હીરોઇનની જેમ રમત કરતાં ઇયળે કહ્યું.
‘તમને ફળ, અનાજ જેવું રાંધ્યું ન હોય તેવું ભક્ષ્ય પસંદ આવે કે રાંધેલું?’ અમે તોફાની સવાલ કર્યો. જુઓ ભાઈ, લાલ કે સફેદ જમરૂખ આરોગવાની મજા અલગ છે. ઘઉં, બાજરી, ચણામાં જઈ ઓર્ગેનિક પદાર્થનું પ્રાશન કરવાનો આનંદ અલગ છે. બોરમાં પંકચર કરી, બોરમાં સડો ફેલાવી બોરની મીઠાશ માણવાની મજા ન્યારી છે…. દોસ્ત! જોકે, પાપડી જોડે બફાઇ જવાની સજાનો ભય સદાનો હોય છે ત્યારે બર્ગર, પિત્ઝા, સમોસામાં ઘૂસ મારવાની મજા પણ નોખી-અનોખી હોય છે.’
‘તમે બર્ગરમાં નીકળ્યા તે રેસ્ટોરાંને દસ હજાર રૂપિયાનો ફાઈન થયો. બીજા રેસ્ટોરાંમાં વંદો નીકળ્યો તો તેને પંદર હજાર રૂપિયાનો ફાઇન…. મીઠાઈમાંથી કીડી નીકળી તો દુકાનદારને એક લાખ પચાસ હજાર રૂપિયાનો દંડ…. આ ભેદભાવ વિશે તમે શું કહેશો?’ અમે ઇયળને છંછેડતો સવાલ કર્યો.
આ પણ વાંચો…હેં… ખરેખર?! : ઉત્તરાખંડના ચોપતામાં દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું શિવ મંદિર
‘હું આ પ્રકારના ભેદભાવની સખત વિરોધી છું. તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય. હું વેપારીને મહત્તમ દંડ થાય તે માટે ઇયળની લાંબી-પહોળી સેના લઈને વાનગી પર ચડાઇ કરીશ. તમે હવે ફૂટો!.’
આમ કહી ઇયળે છણકા સાથે અમને જવાનો ઇશારો કર્યો અને મેં અને રાજુ રદીએ રેસ્ટોરામાંથી જખ મારી વિદાય લેવી પડી..