ઉત્સવ

અતિથિ દેવો ભવ: પાકિસ્તાનની પરોણાગતને લઈને સોશ્યલ મીડિયામાં કકળાટ

કેનવાસ -અભિમન્યુ મોદી

ઈંઈઈ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩માં દુનિયાભરની ૧૦ ટીમો ધમાલ મચાવી રહી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પણ આ વખતે જોરદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા બાદ ક્રિકેટના મેદાનમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન હતો.

ભારત પાકિસ્તાન બંનેની ટીમો વારાફરતી અમદાવાદમાં આવી પહોંચી હતી. પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ત્યાર બાદ અફઘાનિસ્તાન સામે જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી હતી. પાકિસ્તાની ક્રિકેટ ટીમ હયાત હોટેલમાં અને ટીમ ઈન્ડિયા આઇટીસી નર્મદા હોટલમાં રોકાઈ હતી. બંને ટીમોનું અમદાવાદમાં શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, પણ આ જ વાત વિવાદનું કારણ પણ બની હતી.

સૌથી પહેલી વાત તો એ કે પાકિસ્તાનની ટીમની આગતા સ્વાગતા કોઈ સંસ્થા દ્વારા નહીં, પરંતુ હોટલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી હોવાથી મોટેભાગે એ એક સ્વતંત્ર નિર્ણય પણ હોય છે. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકન ટીમોનું પણ સ્વાગત થયું હોવાનાં સમાચાર આવ્યા જ છે તો આ કોઈ એટલી મોટી બાબત નથી.

સોશ્યલ મીડિયામાં ચર્ચા ચાલી હતી કે ભારત પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચમાં જ ઇઈઈઈં દ્વારા વધારે ધ્યાન આપવામાં કેમ આવી રહ્યું છે? પાકિસ્તાની ક્રિકેટરોનું આટલું બધુ સ્વાગત કરવાની શી જરૂર છે? શું બીજી ક્રિકેટ ટીમો અને તેમની મેચો એટલી મહત્ત્વની નથી? દેખીતી રીતે આ મેચમાં અંદાજે સવા લાખ ક્રિકેટ પ્રેમીઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનાં મહેમાન બન્યા અને દેશવિદેશથી હજારો લોકો અમદાવાદ આવ્યા. ત્યારે અગાઉથી ભારત પાકિસ્તાન મેચની એક હવા તો બનેલી હતી જ. ઉપરાંત પકિસ્તાની ક્રિકેટ ટીમની આગતા સ્વાગતાનાં કારણે વિવાદ અને ચર્ચાને વધારે કારણો મળ્યાં છે. જો કે તેનાં કેટલાંક કારણો આપી શકાય અને સમજી શકાય એવા છે.

ભારત પાકિસ્તાન વચ્ચેનો ઇતિહાસ જોતાં આ પરોણાગત આપણને બહુ સામાન્ય ન લાગે એ દેખીતી વાત છે, પણ જ્યારે તમે દુશ્મન રાષ્ટ્રમાંથી આવેલી ટીમને પણ હોસ્ટ કરવાનું નક્કી કર્યું હોય, ત્યારે તેને અપમાનિત કરવું નૈતિક રીતે ખોટું અને રાજકીય રીતે પણ અયોગ્ય છે. ભારત એક સભ્ય અને સંસ્કારી રાષ્ટ્ર છે જે તેની મહેમાનગતિ અને અતિથિ દેવો ભવ:ની પરંપરા માટે જાણીતું છે. ભવિષ્યમાં વિશ્ર્વનું નેતૃત્વ કરવાની મોટી મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. એવા સમયે ક્રિકેટ રમવા આવેલા દુશ્મન દેશના લોકો પ્રત્યે કોઈ ખટરાગ રાખવો આપણને શોભતું નથી. દુશ્મનને પણ યાદ રહી જાય એવી મહેમાનગતિ કરવાથી એને ભાન થઈ જતું હોય છે કે બંને રાષ્ટ્રોમાં શું
તફાવત છે.

ભારત એક બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું યજમાન છે. એમાં પાકિસ્તાન પણ એક ટીમ છે. છેલ્લા એક દશકથી ભારતે પાકિસ્તાનને કોઈ સિરીઝ માટે આમંત્રણ આપ્યું નથી. એ પણ એક પ્રકારનો વિરોધ જ છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા રાષ્ટ્ર સાથે સિરીઝ ન રમવી એ બરાબર છે, પણ ટુર્નામેન્ટમાં યજમાન તરીકે તેની અવગણના ન કરી શકાય. એવું કરવાથી બંને દેશોનાં પ્રેક્ષકો વચ્ચે પણ અંતર વધી જાય અને જે પ્રશ્ર્નો કોઈ એક દિવસ ઉકેલ આવી શકે એમ હોય એમાં પણ વધારે સમસ્યા ઊભી થવા માંડે.

ક્રિકેટર અથવા રમતવીર અને ઘૂસણખોર બંને વચ્ચે તફાવત છે અને બંનેને એક લાઠીએ હાંકી શકાય નહીં. જો કે સોશ્યલ મીડિયામાં મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો છે કે આ સરભરા વધારે પડતી જ છે, એ બાબત પણ નકારી શકાય એમ નથી, પણ ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા કરતાં પાકિસ્તાન સાથે ભારતનાં પાડોશી હોવાનાં નાતે પણ વધારે તાર જોડાયેલ હોય અને બંને વચ્ચેની મેચ પહેલા માહોલ જમાવવા માટે પણ આવું કરવામાં આવ્યું હોય એવું શક્ય છે.

ભારતનાં આ વર્તનની વિદેશોમાં પણ નોંધ લેવાઈ છે. ભલે સરહદી વિવાદો હોય અને દુશ્મન રાષ્ટ્ર ગણાતું હોય પણ પાકિસ્તાનની સરભરા કરીને વિરોધી દેશોની ભારતે એક રીતે બોલતી બંધ કરી દીધી છે અને તટસ્થ લોકોનાં દિલમાં જગ્યા બનાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button