પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે દેશનું સૌથી વધુ સલામત રાજ્ય: મમતાનો દાવો
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળ મહિલાઓ માટે દેશનું સૌથી વધુ સલામત રાજ્ય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સંદેશખાલીની ઘટનાના સંદર્ભે ભાજપ અફવા ફેલાવી રહ્યો છે. ભાજપ દ્વારા શાસિત રાજ્યોમાં મહિલાઓ પર થઇ રહેલા અત્યાચાર અંગે ચુપકીદી સેવાઇ રહી છે. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળની તાજેતરની મુલાકાત દરમિયાન આ રાજ્યમાંની મહિલાઓની અસલામતીને મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મારા પક્ષ તૃણમૂલ કૉંગ્રેસના કોઇ નેતા કે કાર્યકર દ્વારા ગુનો આચરવામાં આવશે, તો તેની પણ ધરપકડ કરતા નહિ અચકાઇએ.
તૃણમૂલ કૉંગ્રેસનાં વડાંએ મોદીનું નામ લીધા વિના તેમના પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે તમે (મોદી) ગઇકાલે (બુધવારે) અહીં આવ્યા હતા અને મહિલાઓ પર થતા અત્યાચારના સંબંધમાં અમને બધાને ભાષણ આપ્યું હતું, પરંતુ ઉત્તર પ્રદેશમાં અનેક મહિલા પર બળાત્કાર કરાય છે અને મણિપુરમાં મહિલાઓને જીવતી સળગાવાય છે.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ભાજપ ગપગોળા ફેલાવે છે. અમે ભાજપનું પશ્ર્ચિમ બંગાળમાં ભાગલાવાદી રાજકારણ ચાલવા નહિ દઇએ. (એજન્સી)