વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ પહોંચી ગયું ફાઇનલમાં

બેંગલૂરુઃ વિજય હઝારે (Vijay Hazare) વન-ડે ટ્રોફીની પ્રથમ સેમિ ફાઇનલમાં વિદર્ભએ કર્ણાટકને છ વિકેટે હરાવીને રવિવાર, 18મી જાન્યુઆરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જેમાં એનો મુકાબલો સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની શુક્રવારની સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે થશે.
વિદર્ભ (Vidarbh)એ 281 રનનો લક્ષ્યાંક 46.2 ઓવરમાં 4/284ના સ્કોર સાથે મેળવી લીધો હતો અને આસાનીથી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. અમન મોખાડે (138 રન)ની સેન્ચુરી અને રવિકુમાર સમર્થ (76 અણનમ)ની હાફ સેન્ચુરીની મદદથી વિદર્ભની જીત સહેલી બની ગઈ હતી.
ધ્રુવ શોરેએ 47 રનનું યોગદાન આપ્યું હતું. કર્ણાટકના અભિલાશ શેટ્ટીએ ત્રણ વિકેટ લીધી હતી, પણ વિદર્ભના બૅટ્સમેનોએ તેની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

એ પહેલાં, કર્ણાટકે (Karnatak) કરુણ નાયરના 76 રન અને વિકેટકીપર ક્રિશન શ્રીજીથના 54 રનની મદદથી 280 રન કર્યા હતા. વિદર્ભના પેસ બોલર દર્શન નાલક્નડેએ 48 રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. યશ ઠાકુરે ઓપનર દેવદત્ત પડિક્કલ (ચાર રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને કર્ણાટકને પ્રેશરમાં લાવી દીધું હતું. કૅપ્ટન મયંક અગરવાલની વિકેટ નચિકેત ભુતેએ અને કરુણ નાયરની વિકેટ નાલક્નડેએ મેળવી હતી.



