નવા વર્ષે દેશના મુખ્ય મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર: વૈષ્ણોદેવીમાં યાત્રા રજીસ્ટ્રેશન સ્થગિત…

નવી દિલ્હી: વર્ષ 2026ની પૂર્વ સંધ્યાએ દેશના મોટાભાગના પ્રમુખ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ભક્તો અને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. આવા સ્થળોએ પગ મૂકવાની પણ જગ્યા ન રહે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેથી સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ સહિત અનેક પ્રશાસનિક તંત્રોએ કડક નિર્ણયો લીધા છે.
વૈષ્ણોદેવી યાત્રા રજીસ્ટ્રેશન પર કામચલાઉ રોક
નવા વર્ષે માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ કરવા માટે પહોંચેલા ભક્તોની સંખ્યા વધી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને લઈને વ્યવસ્થા જાળવવી પડકારજનક બની છે. તેથી શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા શ્રાઈન બોર્ડે દ્વારા 1 જાન્યુઆરીની સવાર સુધી વૈષ્ણોદેવી યાત્રા રજીસ્ટ્રેશન સસપેન્ડ કરી દીધી છે. માઇભક્તોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

વૈષ્ણોદેવી યાત્રાધામની જેમ વૃંદાવનમાં ભીડને નિયંત્રિત કરવા વહીવટીતંત્રે શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. બાંકે બિહારી મંદિર ભક્તોના ભારે ધસારાને જોતા દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ-અલગ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સમિતિએ 5 જાન્યુઆરી સુધી વૃદ્ધો અને બાળકોને ન લાવવા અપીલ કરી છે.
GenZ યુવાનોનો મંદિરમાં ધસારો
અયોધ્યા, કાશી, જગન્નાથપુરી, દ્વારકા, મહાકાલ અને શિરડીમાં પણ ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, ભલે કલાકો સુધી રાહ જોવી પડે કે થોડી અસુવિધા થાય, પરંતુ વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે થાય તે જ તેમના માટે સૌથી મહત્વનું છે. આ વર્ષે પરંપરાગત ભક્તોની સાથે મોટી સંખ્યામાં યુવા પેઢી એટલે કે “GenZ” પણ નવા વર્ષની શરૂઆત ભગવાનના શરણમાં કરવા પહોંચી છે.
આ પણ વાંચો…વૈષ્ણોદેવીની છબિ સાથેના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ
ઉલ્લેખનીય છે કે, મંદિરો જ નહીં હિલ સ્ટેશનો પર પણ ટુરિસ્ટોનો જમાવડો જોવા મળ્યો છે. શ્રીનગર, ગુલમર્ગ, મનાલી, શિમલા અને નૈનીતાલ જેવા હિલ સ્ટેશનની તમામ હોટલો અને રસ્તાઓ હાઉસફુલ થઈ ગયા છે.



