Uncategorized

બોલો, દુનિયાના આ દેશોમાં ચા પીવા માટેના પણ છે નિયમો, જાણીને ઉડી જશે તમારા હોંશ…

દુનિયામાં પાણી પછી જો કોઈ પીણું સૌથી વધુ લોકપ્રિય હોય તો તે ચા છે. હવે તમને કોઈ કહે કે અલગ-અલગ દેશોમાં ચા પીવાની પદ્ધતિ અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ એટલી જ વૈવિધ્યસભર છે તો માનવામાં આવે ખરું? કદાચ એકાદ બે મિનિટ માટે તમને વિશ્વાસ ના થાય, પણ આ હકીકત છે. આ વિશે વિસ્તારથી જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી પડશે…

ચા એ દુનિયાના અનેક લોકો માટે માત્ર એક પીણું નહીં, પણ જે તે દેશોની તે સંસ્કૃતિ અને ઈતિહાસનું અભિન્ન અંગ છે. ચા બનાવવા, પીરસવા અને પીવાની રીત દરેક દેશમાં અલગ હોય છે, જેની પાછળ ઊંડા ઐતિહાસિક કારણો છુપાયેલા છે. આજે અમે અહીં તમને દુનિયાના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ચા સાથેના આવા અનોખા નિયમો જોડાયેલા છે, જે કદાચ તમને અને મને વિચિત્ર લાગે શકે છે.

ચીન: ટેબલ પર આંગળીઓ પછાડવી

ચીનના દક્ષિણ વિસ્તારોમાં, ખાસ કરીને ગુઆંગડોંગમાં, જ્યારે કોઈ તમારા કપમાં ચા રેડે ત્યારે ટેબલ પર બે કે ત્રણ આંગળીઓ પછાડવાનો રિવાજ છે. આનો અર્થ ‘આભાર’ માનવો થાય છે. આ પાછળનો ઈતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે આ પરંપરા કિંગ વંશના સમયની છે. કહેવાય છે કે સમ્રાટ કિયાનલોન્ગ એકવાર સામાન્ય માણસના વેશમાં બહાર નીકળ્યા હતા. તેમણે જ્યારે પોતાના સેવકો માટે ચા પીરસી, ત્યારે સેવકો સમ્રાટ સામે ઝૂકીને આભાર માની શકતા નહોતા કારણ કે તેનાથી રાજાની ઓળખ છતી થઈ જાય. આથી તેમણે ઝૂકવાના બદલે આંગળીઓ ટેબલ પર પછાડીને આદર વ્યક્ત કરવાની રીત શોધી કાઢી હતી.

જાપાન: કપને બે વાર ફેરવવાની પરંપરા

જાપાનમાં ચા પીવાની પ્રક્રિયા એક આધ્યાત્મિક વિધિ (Tea Ceremony) જેવી છે. અહીં ચા પીતા પહેલા પ્યાલા (કપ) ને બે વાર ફેરવવામાં આવે છે. આ પ્રથા ઝેન બૌદ્ધ પરંપરામાંથી ચાલી આવી છે. કપને ફેરવવાનું મુખ્ય કારણ એ છે કે મહેમાન કપની એ બાજુથી ચા ન પીવે જે સૌથી વધુ સુશોભિત અને સુંદર હોય. આમ કરવાથી કપની કલાકારી પ્રત્યે સન્માન અને નમ્રતા વ્યક્ત કરવાનો હેતુ હતો.

મોરોક્કો: ઊંચાઈએથી ચા રેડવી

મોરોક્કોમાં ફુદીના વાળી ચા એ મિત્રતા અને મહેમાનગતિનું પ્રતીક છે. અહીં ચાને કપમાં ઘણી ઊંચાઈએથી રેડવામાં આવે છે. ઊંચાઈએથી ચા રેડવાને કારણે કપમાં ફીણ વળે છે, જેને કારણે ચાનો સ્વાદ-સુગંધ બંને વધુ નિખરે અને ખીલી છે. અહીં મહેમાનને ચાના ત્રણ ગ્લાસ પીરસવામાં આવે છે અને તેમાંથી એક પણ ગ્લાસની ના પાડવી એ અપમાનજનક માનવામાં આવે છે.

રશિયા: રકાબીમાં ચા પીવી

પરંપરાગત રશિયન સંસ્કૃતિમાં ચા ‘સમોવર’ (એક ધાતુનું મોટું વાસણ) માં બનાવવામાં આવે છે. 18મી અને 19મી સદીમાં અહીં રકાબીમાં ચા કાઢીને પીવાનો રિવાજ ખૂબ પ્રચલિત હતો. આ પાછળના કારણની વાત કરીએ તો એ સમયે ચા ખૂબ જ ગરમ પીરસવામાં આવતી હતી અને કપમાં પકડવા માટે હેન્ડલ નહોતા. તેથી ચાને ઝડપથી ઠંડી કરવા અને પીવામાં સરળતા રહે તે માટે તેને રકાબીમાં કાઢવામાં આવતી હતી.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમામા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો જેથી તેમના જનરલ નોલેજમાં વધારો થાય. આ સાથે જ આવી બીજી અનોખી અને અજબગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

સંબંધિત લેખો

Back to top button