ટોપ ન્યૂઝવેપાર

વૈશ્વિક ચાંદી એક ટકા જેટલી ઉછળતાં સ્થાનિકમાં રૂ. 2366ની તેજી સાથે ભાવ 1.10 લાખની પાર, સોનામાં રૂ. 427નો સુધારો

કેનેડા પર 35 ટકા ટૅરિફની ટ્રમ્પની જાહેરાતથી ટ્રેડ વૉર વકરવાની ભીતિ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે કેનેડાથી થતી આયાત સામે 35 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરવાની સાથે અન્ય વેપારી ભાગીદાર દેશો પર પણ ઊંચી ટૅરિફ લાદવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર વકરવાની ભીતિ સપાટી પર આવી હતી.

આથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ પ્રબળ રહેતાં ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, જેમાં હાજરમાં સોનાના ભાવમાં 0.5 ટકા અને ચાંદીના ભાવ એક ટકા જેટલા ઉછળી આવ્યા હતા.

આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 426થી 427નો સુધારો આગળ વધ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2366નાં ઉછાળા સાથે રૂ. 1.10 લાખની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ 0.9 ટકા વધીને આૈંસદીઠ 37 ડૉલરની સપાટી કુદાવી ગયાના નિર્દેશો સાથે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 2366ના ઉછાળા સાથે રૂ. 1,10,300ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

વધુમાં સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયાની નબળાઈ સાથે તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 426 વધીને રૂ. 97,083 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 427 વધીને રૂ. 97,473ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ટ્રેડ વૉર વકરવાની ભીતિ હેઠળ સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 3339.99 ડૉલર અને વાયદામાં ભાવ 0.8 ટકા વધીને 3351 ડૉલર અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકાની તેજી સાથે આૈંસદીઠ 37.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: શ્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 599નું અને ચાંદીમાં રૂ. 1159નું બાઉન્સબૅક

તાજેતરમાં ટ્રમ્પની ટૅરિફ અંગેની જાહેરાતોને ધ્યાનમાં લેતા રોકાણકારો જોખમી અસ્ક્યામતોથી દૂર થઈને સોના અને ચાંદી જેવી સલામત અસ્ક્યામતો તરફ વળી રહ્યા છે અને હાલના તબક્કે જોવા મળતાં કોઈપણ ઘટાડાને રોકાણકારો ખરીદીની તક માની રહ્યા હોવાનું સ્વિસક્વૉટના વિશ્લેષક આલ્બર્ટો ડૅ કાસાએ જણાવ્યું હતું.

ગત બુધવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી કોપરની આયાત પર અને બ્રાઝિલથી થતી આયાત સામે 50 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગઈકાલે ગુરુવારે કેનેડાથી થતી આયાત સામે 35 ટકા ટૅરિફની જાહેરાત કરી હતી અને અન્ય વેપારી ભાગીદાર દેશો પર 15 અથવા 20 ટકા ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારી હતી. તેમ જ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં યુરોપિયન યુનિયનને પણ ટૅરિફ અંગેના પત્રો મળી જશે.

આમ એકંદરે વેપારને લગતા તણાવમાં વધારો થવાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ કથળવાની ભીતિને કારણે સોનાચાંદીમાં સલામતી માટેની માગનો ટેકો મળ્ી રહ્યો છે. તેમ જ ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવો આશાવાદ સોનાની તેજીને વધુ ઈંધણ પૂરું પાડી રહ્યો હોવાનું એએનઝેડના વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું.

દરમિયાન ગઈકાલે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે આ મહિનાના અંતની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, જ્યારે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલેએ આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button