‘ભારત સાથે મળીને અમે આતંકવાદ સામેની લડાઈમાં મોટી ભૂમિકા ભજવીશું’ રશિયા

રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે તેમનો દેશ ભારત અને અન્ય દેશોની સાથે મળીને આતંકવાદ સામે “નિર્ણાયક લડાઈ” લડવા માટે પ્રતિબદ્ધ છે. અલીપોવે, ‘X’ પર એક પોસ્ટમાં, મોસ્કોના ઉપનગરમાં 22 માર્ચે કોન્સર્ટ હોલ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 144 લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે, “દૂતાવાસને મોસ્કો નજીક 22 માર્ચે થયેલા આતંકવાદી હુમલામાં મોટી જાનહાનિ અંગે શોક સંદેશો મળી રહ્યો છે.” અલીપોવે કહ્યું, “રશિયા, ભારત અને અન્ય દેશો સાથે મળીને, દ્વિપક્ષીય અને બહુપક્ષીય રીતે આતંકવાદના ખતરા સામે નિર્ણાયક રીતે લડવા માટે પ્રતિબદ્ધ છે.

ડેનિસ અલીપોવે પીડિતો, તેમના પરિવારો અને રશિયન સરકાર માટે ભારત અને અન્ય દેશોના લોકો દ્વારા દર્શાવવામાં આવેલી લાગણીની પણ પ્રશંસા કરી હતી. રાજદૂત અલીપોવે જણાવ્યું હતું કે દૂતાવાસને 22 માર્ચે મોસ્કો નજીક થયેલા ઘાતક આતંકવાદી હુમલાની નિંદા કરતા અને જાન-માલના અતિશય નુકસાન પર સંવેદના વ્યક્ત કરતા શોકના સંદેશાઓ હજી પણ મળી રહ્યા છે.
રશિયાના લોકોના સમર્થનમાં અને એક્તા દર્શાવવા પીએમ મોદીએ આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા કહ્યું હતું કે , ‘દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને તેના લોકો સાથે એકતામાં ઊભું છે. અમારા વિચારો અને પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે.