સરકારે રાંધણગૅસની સબસિડી વધારીને મુદત લંબાવી
નવી દિલ્હી: સરકારે ઉજ્જ્વલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને રાંધણગૅસના સિલિન્ડર દીઠ અપાતી રૂપિયા ૩૦૦ની રાહત (સબસિડી)ને પહેલી એપ્રિલથી વધુ એક વર્ષ માટે લંબાવવાની ગુરુવારે જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલાં સરકારનું આ પગલું મહત્ત્વનું ગણાય છે.
સરકારે ગયા વર્ષે ઑક્ટોબરથી રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટેની સબસિડી રૂપિયા ૨૦૦થી વધારીને રૂપિયા ૩૦૦ કરી હતી. આ સબસિડીની મુદત ચાલુ વર્ષની ૩૧ માર્ચે પૂરી થવાની હતી, પરંતુ હવે તેને વધુ એક વર્ષ માટે લંબાવાઇ છે.
કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલે અહીં સંબંધિત જાહેરાત કરી હતી.
રાંધણગૅસ પરની સબસિડીનો લાભ અંદાજે ૧૦ કરોડ પરિવારને મળે છે અને તેને લીધે સરકારની તિજોરી પર રૂપિયા ૧૨,૦૦૦ કરોડનો બોજો પડે છે.
દેશમાં સામાન્ય ચૂંટણી એપ્રિલ કે મેમાં યોજાવાની શક્યતા છે.
અગાઉ, સરકારે પ્રધાન મંત્રી ઉજ્જ્વલા યોજના ૨૦૧૬ના મેમાં શરૂ કરી હતી. તેમાં ગરીબ મહિલાઓને રાંધણગૅસનું જોડાણ કોઇ ડિપોઝિટ વિના અપાય છે. (એજન્સી)