ઉત્સવ

ઊડતી વાત ગોટલીના આટલા અ..ધ..ધ..ધ પૈસા?

-ભરત વૈષ્ણવ

‘કેરીનો શું ભાવ છે?’ રાજુ રદીએ છગનને પૂછ્યું.

રાજુ રદી ખખડધજ સાઇકલનો માલિક હતો.પંકચર્ડ સાઇકલની જેમ રાજુનું કિસ્મત પંકચર્ડ હતું.

‘કેરી ખરીદવાની તારી ઓકાત છે?’ છગને તુમાખીથી પૂછ્યું.

‘તમે કિંમત કહો. મારી ત્રેવડ હશે તો કેરી ખરીદીશ.’ રાજુ રદીએ જવાબ આપ્યો.

‘કેરીના ભાવની ઇન્કવાયરી કરવા માટે 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ઓનલાઇન ભરવી પડશે. જે નોનરિફંડેબલ છે.’ છગને ટર્મ્સ એન્ડ કંડિશન કહી. રાજુ રદીએ મની એપથી 350 રૂપિયા કેરીવાળાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા, જેમાં રાજુ રદીને એક રૂપિયો ત્રેસઠ પૈસા જેટલું જંગી કેશબેક મળ્યું.

‘રૂપિયા એક લાખ.’ છગને ભાવ કહ્યો.

‘આ એક ક્વિન્ટલનો ભાવ છે?’ રાજુ રદીએ પૂછ્યું.

‘ના એટલે ના’ છગને કહ્યું.

‘વીસ કિલોનો ભાવ છે?’ રાજુ રદીએ ડરતા ડરતા પૂછ્યું.

‘ના. ધંધાના સમયે ખાલીપીલી ટાઇમ વેસ્ટ ના કર.’ છગને ગુસ્સે થઇ કહ્યું.

‘તો એક કિલો કે ડઝન કેરીનો ભાવ છે?’ રાજુ રદીએ અચકાતા અચકાતા પૂછી જ લીધું.

‘અરે, શું ક્યારનો લપ્પનછપ્પન કરે છે?’ પેલાએ રાજુને ખખડાવ્યો.

‘સોરી, છગનભૈ. એક નંગ કેરીનો ભાવ બહુ વધારે કહેવાય’ રાજુએ છગનને કહ્યું.

‘અરે ઓ ભેજાગેપ, કેરીની એક ચીરીના ભાવ છે. ચીરીની સાઇઝ ત્રણ સેમી બાય દોઢ સેમી હશે.’ છગનને કેરીના ભાવ પરનો રહસ્યનો પડદો હટાવ્યો.

‘હેહેહેં’ રાજુ રદીએ 1 લાખ બાય 4 લાખ બાય કરોડ સાઇઝનો નિસાસો નાખ્યો.પછી રાજુ રદીએ જવા પગ ઉપાડ્યો.

‘એ ઘનચક્કર એક હજાર રૂપિયા ઢીલા કર.’ છગને કહ્યું.

‘પરંતુ, શેના? મેં કેરી ખરીદ કરી નથી તો મારે કેમ પૈસા આપવાના?’ રાજુએ સવાલ પૂછ્યો.

‘શું કેરી મફતમાં જોવા મળશે? તે કેરી જોઇ. વળી તેની ઓર્ગેનિક સુગંધ લીધી કે નહીં?’ છગને બોમ્બ ફેંક્યો. જૂના જમાનામાં દુલ્હનની મુંહ દિખાઇ રસમ થતી, જેમાં દુલ્હનનું મુખારવિંદ જોનાર સ્ત્રીઓ દુલ્હનને રોકડ રકમ આપતા હતા. બસ, આવી જ ‘કેરી દેખાઇ રસમ’ છગને રાખી હતી કે શું?

ઉપતોકત દૃશ્ય કાલ્પનિક છે. 2150ની સાલમાં ભજવાશે તેવી ગણપત ગાંગડાની આગાહી છે.

જગતમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેણે શૈશવમાં જાહેર કે ખાનગી આંબાને પથ્થર મારી કાચી કેરી ચોરીને ખાધી ન હોય દરેકના જીવનમાં ચોકીદાર આવે અને ભાગવા જતાં પગે પાટો આવ્યાની શૈશવની સ્મૃતિ મનમાં ધરબાયેલી હશે અને એનું કળતર આજે પણ થતું હશે.ચોરેલી કેરીના સ્મશાન કે અવાવરૂ જગ્યાએ ભાગ પાડીને ચડ્ડીના કે સ્કર્ટના ખિસ્સા છલોછલ ભર્યા પણ હશે. તમે જેને તમારા હૃદયમાં આજસુધી બેસાડી રાખી કે રાખ્યો હોય એના સાચુકલા સમ ખાઇને કહેજો કે ત્યારે તમે તમારી જાતને ટાટાબિરલા કરતાં વધારે ધનવાન માનતા હતા કે નહીં? ‘સ્ટોલન કિસીસ આર ઓલવેયઝ સ્વીટ’ એમ કહેવાય છે. સ્ટોલન મેંગોઝ માટે એવું કેમ ન કહી શકાય?ચોરેલી કેરી ખાટી હોય તો યે તેનું સ્મરણ મધ કરતાં પણ મિષ્ટ હોય છે.

ખરલમાં અફીણ ઘૂંટાય તેમ ઉનાળો ચોમેર તેનો પંજો સમગ્ર સૃષ્ટિ પર ફેલાવી રહ્યો છે. ઉનાળો આકરો હોય છે. બોરિંગ હસબન્ડ જેવો બબુચક હોય છે અને પત્ની જેવો શુષ્ક હોય છે. ઉનાળાની રાત અરેબિયન નાઇટ જેવી મેજિકલ હોય છે. ઉનાળો કેરી, શરબત, શેરડીનો રસ, ટેટી, તરબૂચ, ફાલસા માણવાનો મહોત્સવ હોય છે.

કેરી આબાલવૃદ્ધને પ્રિય હોય છે. કેરી કાપીને કે ચૂસીને આત્મસાત કરવાની વાત જ ન્યારી છે.. દુનિયાભરમાં લોકો કેરીના દીવાના હોય છે. મોટા શહેરમાં મેંગો ફેસ્ટિવલ યોજાય છે.આપણે કેસર, આફૂસ, જમાદારથી માંડીને જાતભાતના નામવાળી ચાર હજાર જાતની કેરી મળે છે. કેરીનું જીવન વીમા નિગમ જેવું છે. લંચ કે પહેલે આમ, લંચ કે બાદ ભી આમ….. એક આમ જિંદગી બદલ દે એમ પણ કહી શકાય. ‘હાંય…. આમ નહીં ખાયા તો તુમને કુછ નહીં ખાયા ઔર બહૌત કુછ ખૌયા હાંહાય….’ એમ બચ્ચનની જેમ કહી શકાય.

કેરી ખરીદવાની આપણી કેપેસિટી કેટલી? એક પેટીના હજાર-દોઢ હજાર રૂપિયા? કેરીની સિઝનની શરૂઆતમાં કેરીના બોકસના ત્રણ-ચાર હજાર રૂપિયા ભાવ હોય તો હાયકારો થઇ જાય. ડુંગરે દવ લાગ્યો હોય એવી અગનબળતરા થાય. કેરીના ભાવ વધુમાં વધુ કેટલા હોય? રૂપિયા 10 હજાર-20 કે પછી 50 હજાર? જો આ તમારી કલ્પના હોય તો બોસ, તમારું જીવનધોરણ ઇઙક છે. અર્થાત તમે બિલો ધ પોવર્ટી લાઈન જીવો છો- તમે ગરીબીરેખાની નીચે જીવો છો.

આપણ વાંચો:  ઝબાન સંભાલ કે -યુદ્ધ સમાપ્ત થાય છે, યુદ્ધનો યુગ નહીં-હેન્રી શાસ્ત્રી

હવે તમે દિલ થામ કે બેઠો બરખુદાર, જાપાનની મિયાઝાકી કેરીનું નામ સાંભળ્યું છે? ફોટો જોયો છે?. આ કેરીની પ્રતિ કિલો કિંમત માત્ર રૂપિયા 2,75,000થી 3,50,000 રૂપિયા છે.કેરીનું વજન એક કિલો કરતાં ઓછું હોય છે. આ કેરીની એક ચીરીની કિંમતમાં કેસર કેરીની બે પેટી આવી જાય તેટલી એટલે કે 1,500 રૂપિયા હોય છે!

આ બધું જાણતો અમારો રાજુ રદી કેરીની ખરીદીને ખોટનો સોદો ગણે છે. રાજકોટના ચેવડાબજારમાં ચેવડાની સાથે ચટણી તદન મફતમાં મળતી નથી. ચટણીના અલગ પૈસા ચૂકવવા પડે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં એકાદ વાટકી સંભાર આપ્યા બાદ વધુ સંભારનો એકસ્ટ્રા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. મીઠાઇની ખરીદીમાં પેકિંગના બોકસની રકમ મીઠાઇની કિંમતે વસૂલ કરવામાં આવે છે. જે ગ્રાહક માટે નુકસાનકારક હોય છે. મિયાઝાકી કે અન્ય કેરીમાં આશરે ત્રીસ ગ્રામ જેટલી ગોટલી હોય છે. એક કિલો કેરીના 2.75 લાખ રૂપિયા ચુકવીએ તો તમે ગોટલીના રૂપિયા 8250 રૂપિયા ચૂકવો છો, જેનું કોઇ રીફંડ ચૂકવવામાં આવતું નથી આટલા રૂપિયામાં તો આખી સિઝનની કેરી
ખરીદી શકાય.

રાજુ રદી ગૂગલ, ઇનસ્ટાગ્રામ, ટેલિગ્રામ, થ્રેડ વગેરે સર્ચ કરીને સિડલેસ ખજૂર કે દ્રાક્ષની માફક સિડલેસ મેંગો ખરીદ કરવા માગે છે. તમારી પાસે સિડલેસ મેંગોની માહિતી હોય તો રાજુ રદીને મોકલી આપવા વિનંતી છે. બાકી સપનામાં કેરી ખાવ અને મસ્ત રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button