તાલિબાને પાકિસ્તાનની 25 સૈન્ય ચોકીઓ કબજે કરી 58 સૈનિકો માર્યાનો દાવો કર્યો! | મુંબઈ સમાચાર
Uncategorized

તાલિબાને પાકિસ્તાનની 25 સૈન્ય ચોકીઓ કબજે કરી 58 સૈનિકો માર્યાનો દાવો કર્યો!

કાબુલ/ઇસ્લામાબાદ: અફઘાનીસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર જામેલા સંઘર્ષે નવો મોડ લીધો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાઓની નિંદા કરી છે અને કડક અને અસરકારક જવાબ આપવાની ચેતવણી આપી છે. વડા પ્રધાને તાલિબાન સરકાર પર આરોપ લગાવ્યો કે તે પાકિસ્તાન વિરુદ્ધ હુમલા કરવા માટે આતંકવાદી તત્વોને તેના પ્રદેશનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે.

ત્યારે આ દરમિયાન, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે અફઘાન દળોએ 25 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો જમાવી લીધો છે અને અથડામણમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 30 ઘાયલ થયા છે. શાહબાઝ શરીફે એક નિવેદનમાં કહ્યું, “પાકિસ્તાનના સંરક્ષણ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. દરેક ઉશ્કેરણીનો બળપૂર્વક અને અસરકારક રીતે જવાબ આપવામાં આવશે.”

તાલિબાન સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા અફઘાન પ્રદેશ અને હવાઈ ક્ષેત્રમાં વારંવાર ઉલ્લંઘન કરવાના જવાબમાં કરવામાં આવી હતી. અફઘાનીસ્તાનના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પાકિસ્તાને હજુ સુધી આ અથડામણો અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ વડા પ્રધાન કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સરહદ પર સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો…તાલિબાની સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો; ૧૨ સૈનિકોના મોતનો દાવો!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button