વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મુકાબલો 15મી ફેબ્રુઆરીએ, રોહિત શર્મા વિશ્વ કપનો બ્રેન્ડ ઍમ્બેસેડર

વિશ્વ કપના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત, ભારતમાં પાંચ સ્થળે મૅચો રમાશે
મુંબઈઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (world cup)ના સત્તાવાર શેડ્યૂલ અને અન્ય વિગતો મંગળવારે આઇસીસી ચૅરમૅન જય શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જે અનુસાર 2026ની 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાનારા આ વર્લ્ડ કપમાં 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે. ભારતમાં પાંચ સ્થળે અને શ્રીલંકામાં ત્રણ સ્થળે મૅચો રમાશે. 2024ના વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માને આ ટૂર્નામેન્ટ માટેના આઇસીસી બ્રેન્ડ ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
મૅચના સમય કયા રહેશે
એક મહિનાની આ ટૂર્નામેન્ટમાં કુલ 20 દેશ ભાગ લેશે. ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. 2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. 15મી ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચ ગ્રૂપ-એમાં ભારતની ત્રીજી મૅચ હશે. ભારતના ગ્રૂપ-એમાં યુએસએ, નેધરલૅન્ડ્સ અને નામિબિયા પણ છે. લીગ રાઉન્ડમાં રોજની ત્રણ મૅચ રમાશે જેના સમય આ મુજબ છેઃ સવારે 11.00 વાગ્યે, બપોરે 3.00 વાગ્યે, સાંજે 7.00 વાગ્યે.

ફેબ્રુઆરીમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ…
ભારતમાં વર્લ્ડ કપની મૅચો અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીમાં રમાશે. શ્રીલંકામાં મૅચો કોલંબોમાં બે સ્થળે (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, સિનાલેસ સ્પોર્ટ્સ ક્લબ) અને કૅન્ડીના પલ્લેકેલમાં રમાશે.
કયા ગ્રૂપમાં કોણ
ગ્રૂપ-એઃ ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલૅન્ડ્સ, નામિબિયા
ગ્રૂપ-બીઃ શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, આયરલૅન્ડ, ઝિમ્બાબ્વે, ઓમાન
ગ્રૂપ-સીઃ ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, નેપાળ, ઇટલી
ગ્રૂપ-ડીઃ ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, કૅનેડા, યુએઇ
ભારતની મૅચો ક્યારે? કોની સામે?
આગામી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના ગ્રૂપમાં યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ્સ પણ છે. ભારતની પહેલી મૅચ સાતમી ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમાશે. ટી-20 વર્લ્ડ કપનો એ પ્રથમ દિવસ હશે. ત્યાર પછી 12મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતની નામિબિયા સામે મૅચ રમાશે અને ત્યાર બાદ પાકિસ્તાન સામે કોલંબોમાં મુકાબલો થશે. ભારતની ચોથી લીગ મૅચ 18મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલૅન્ડ્સ સામે રમાશે.

પાકિસ્તાનની તમામ મેચો…
7 ફેબ્રુઆરીથી આઠમી માર્ચ સુધીના એક મહિનાના ટી-20 વર્લ્ડ કપમાં દરરોજ ત્રણ મેચ રમાશે. તમામ ક્રિકેટ બોર્ડ વચ્ચેની સમજૂતી મુજબ પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાશે.
વર્લ્ડ કપનું ફોર્મેટ કેવું છે
કુલ 20 દેશ વચ્ચેની આ મહા સ્પર્ધામાં પંચાવન મૅચ રમાશે. પાંચ-પાંચ ટીમને ચાર ગ્રૂપમાં વહેંચી નાખવામાં આવી છે. લીગ રાઉન્ડમાં દરેક ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેનારી ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચશે. એમાં પણ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચી નાખવામાં આવશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.
અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડમાં ટક્કર નહીં, પણ પછી…
સુપર એઇટમાં ભારતની મૅચો કયાં રમાશે
જો ભારત સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચશે તો એની ત્રણેય સુપર એઇટ મૅચ અનુક્રમે અમદાવાદ, ચેન્નઈ અને કોલકાતામાં રમાશે. ભારત જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો એ મૅચ મુંબઈમાં રમાશે. પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોંચશે તો એ મૅચ કોલંબોમાં રમાશે અને જો સેમિ ફાઇનલમાં એ નહીં પહોંચે તો એ બીજી સેમિ ફાઇનલ કોલકાતામાં રાખવામાં આવશે.
ફાઈનલ અમદાવાદમાં
રવિવાર, 8મી માર્ચની ફાઈનલ અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું હશે તો એ નિર્ણાયક મુકાબલો કદાચ કોલંબોમાં રાખવામાં આવશે.



