સુરેન્દ્રનગરના મુળીમાં માલધારીઓ પર આભ તૂટી પડ્યુંઃ વીજળી પડતાં એકસાથે 48 પશુનાં મોત | મુંબઈ સમાચાર
Uncategorized

સુરેન્દ્રનગરના મુળીમાં માલધારીઓ પર આભ તૂટી પડ્યુંઃ વીજળી પડતાં એકસાથે 48 પશુનાં મોત

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પુનઃ શરુ થયેલા વરસાદથી અનેક જિલ્લા તરબોળ બન્યા હતા, ત્યારે ઝાલાવાડ પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન, અવકાશી વીજળી પડતાં એક જ પરિવારના 48 જેટલા પશુઓનાં કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી માલધારી સમાજમાં આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સીમ વિસ્તારમાં માલધારી પરિવારના સભ્યો પશુ ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પશુપાલકને જાનહાનિ પહોંચી નથી, પરંતુ વીજળી પડતાં 48 પશુના મોત નિપજ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક સરપંચ અને તલાટીને જાણ કરી હતી, જેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશન અને મામલતદારને પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છમાં મટકી ફોડતા સમયે વીજળીનો થાંભલો પડ્યોઃ એકનું મોત અનેક ઘાયલ…

વીજળી પડવાથી પશુપાલક સંજયભાઈના 10 પશુ, રવજીભાઈના 7 પશુ, મલાભાઈના 5 પશુ, લભુભાઈના 8 પશુ, ભીખુભાઈના 3 પશુ, બાબુભાઈના 2 પશુ, દેવશીભાઈના 5 પશુ, નાથાભાઈના 2 પશુ, ગોવિંદભાઈના 3 પશુ અને હાજાભાઈના 3 પશુ મૃત્યુ પામ્યા હતા. આ બધા પશુઓ મળીને કુલ 48 પશુઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button