Uncategorized

નાનો પણ રાઈનો દાણો: મિનરલ હાઉસ ટોક્યો

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

એક એવી માન્યતા પ્રવર્તે છે કે નાના ઘરની રચનામાં ઉચ્ચકક્ષાના સ્થાપત્યનો પ્રયોગ ન થઈ શકે. સન 2006 માં ટોક્યોમાં બનાવાય મિનરલ હાઉસ આ પ્રકારની ધારણાનું મૂળથી ખંડન કરે છે. માત્ર 44 ચો.મી. જેટલી જગ્યામાં બનાવાય આ 86 ચો.મી.માં ભોંયરા ઉપરાંત ત્રણ માળના બાંધકામવાળું આ ઘર એક નવા પ્રકારનો ઉત્સાહ ભરી દે છે. સ્થાપત્ય એટેલિયર ટેફટો દ્વારા નિર્ધારિત કરાયેલ આ મકાને સામાન્ય આવક ધરાવતા માનવીઓના મનમાં એક નવી જ આશાનો સંચાર કર્યો છે. માનવ જાત ઉપર આ એક મોટો ઉપકાર છે.
આની રચના પાસાદાર એટલે કે મિનરલ સમાન હોવાથી તે મિનરલ હાઉસના નામે ઓળખાય છે. અહીં આ મકાનના વર્ણનની વાત નથી કરવાની, સ્થાપત્યમાં સાંપ્રત સમયમાં જે જરૂરી છે તેની વાત કરવાની છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સ્થાપત્ય એ સંપન્ન વ્યક્તિઓ માટેનું ક્ષેત્ર છે. જેમની પાસે પૈસો વધારે હોય તેવી વ્યક્તિ જ સ્થપતિ પાસે જાય છે, અને આ હકીકત છે. આજના સંદર્ભમાં સામાન્ય આવક ધરાવતી વ્યક્તિ સ્થપતિની વ્યવસાયિક સલાહ લેતા પાછો પડે છે. તે એમ માને છે કે સ્થપતિની વ્યવસાયિક સેવાઓ લેવાથી તેનું બજેટ વધી જશે. મોટાભાગના કિસ્સાઓમાં આમ થતું પણ હોય છે. પોતાના વિચારોને મૂર્તિમંત કરવા સ્થપતિ ક્યાંક પોતાના ગ્રાહક પાસે વધારાનો ખર્ચ કરાવતા રહે છે. સામાન્ય માનવીને આ ન પોષાય. પરિણામે સ્થાપત્યનું ક્ષેત્ર મોટેભાગે ધનિકોને જ વ્યવસાયિક સેવાઓ આપે છે. આમાં તેમને વળતર પણ વધુ મળી રહે.
મિનરલ હાઉસની રચનામાં આ આખી પૂર્વધારણાનું ખંડન કરાયું છે. અહીં સૈદ્ધાંતિક રીતે ક્ષેત્રફળની મર્યાદા જાળવી રાખવામાં આવી છે અને સાથે સાથે ઉપયોગકર્તાને ગૌરવપૂર્ણ આત્મસંતોષ આપવાનો પ્રયત્ન કરાયો છે. બજેટમાં વધારો કર્યા વગર રસપ્રદ નાટકીયતા લાવવાનો પ્રયત્ન કરાયો છે. અહીં જમીનના સ્તરે કાર પાર્કિંગની જગ્યા પણ છે અને ઉપરના માળે સુતા સુતા આકાશ સાથે સંવાદ સ્થાપી શકાય એવો શયનકક્ષ પણ બનાવાયો છે. પરંપરાગત લંબીય આકારોને સ્થાને અહીં વિવિધ પ્રકારના ખૂણાઓ પ્રયોજીને `રોમેન્ટિક’ અનુભૂતિ સ્થાપવાનો સફળ પ્રયત્ન કરાયો છે. આવી રચનાથી સર્જાતા વિવિધ પ્રકારના આંતરિક સ્થાનોના અસરકારક ઉપયોગ માટે અહીં સ્થાન પ્રમાણેનું રાચરચીલું બનાવાયું છે. આનાથી જે તે સ્થાનની ઉપયોગીતા મહત્તમ નીવડી શકી છે.
સામાન્ય સમુદાયના આવાસો માટે જે ચીલાચાલુ ધારણાઓ પ્રવર્તમાન છે તેનાથી આ મકાન એક ડગલું આગળ વધે છે. સ્થાપત્યમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે પરંપરાગત માહોલમાં સાવ અજાણી લાગે એવી રચના ન કરાય. આ મકાન આ ધારણાનું પૂરેપૂરું ખંડન કરે છે. અહીંની આજુબાજુની પરિસ્થિતિ – આજુબાજુના મકાનો જોતા કોઈ એવું ના કલ્પી શકે કે અહીં આ પ્રકારનું મકાન પણ બનાવી શકાય. મિનરલ હાઉસનું પ્રમાણમાપ તો આજુબાજુની પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવી લે છે, પણ તેના આકાર થકી એક વિશેષ પ્રકારનો વિરોધાભાસ ઊભો થાય છે. છતાં પણ આ મકાન સ્વીકૃત એટલા માટે બને છે કે તેણે પોતાનું અસ્તિત્વ અને મહત્ત્વ સાબિત કર્યું છે, અને સ્થાપિત કર્યું છે.
આ મકાન એમ કહેવા માગે છે કે હું પણ યથાર્થ છું. સામાન્ય વ્યક્તિ પણ મારું ઉદાહરણ લઈને પોતાના સપનાની સીમા વિસ્તૃત કરી શકે છે. સંતોષ અને આત્મગૌરવ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેની માટે પૈસો એટલો બધો મહત્ત્વનો નથી રહેતો. આ મકાન આપણને એમ સમજાવે છે કે જો સર્જનાત્મકતા હોય અને માનવીની લાગણીઓ માટે સંવેદનશીલતા હોય તો મર્યાદા વચ્ચે પણ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનાનું સર્જન થઈ શકે.
મિનરલ હાઉસ ધ્યાન ખેંચે તેવું છે. તે ન્યૂનતમવાદના વિચારના પ્રતિબિંબ સમાન છે. કંઈક અંશે તે ઇતિહાસને અનુસરવાને બદલે ઇતિહાસનું નવું પ્રકરણ શરૂ કરવામાં માને છે. ઘર માટેના અમૂર્ત વિચારોને તે નવી જ દિશા અને નવી ઓળખ આપે છે. આ બધા ઉપરાંત આધુનિક જીવનશૈલી અને વિચારધારા સાથે તેનો મેળ ખાય છે.આ એક પોલીહાઇડ્રા પ્રકારની રચના છે જેમાં વિવિધ સમતલીય સપાટીઓને નાટકીય રીતે જોડી સ્થાન નિર્ધારણ કરાયું છે. આ પ્રકારની રચના સામાન્ય રીતે મજબૂત હોવા ઉપરાંત તે ધરતીકંપના આંચકાનો માર પણ સરળતાથી સહી શકે છે. ટોક્યો જેવા શહેર માટે આ ઘણી ઇચ્છનીય બાબત ગણાય.
માત્ર નવીનતા કે વિચિત્રતાના આગ્રહથી આ મકાન આવું નથી બનાવાયું. પરિસ્થિતિ તથા જરૂરિયાતોને જુદા જ દૃષ્ટિકોણથી મૂલવી આની રચના કરાઇ છે. આવી મૂલવણીમાં માનસિક તથા ભાવાત્મક બાબતોને વધુ પ્રાધાન્ય અપાયું હોય તેમ જણાય છે. સ્થાનિક આબોહવા તથા કાયદા-કાનૂનને ધ્યાનમાં રાખી બનાવાયેલ આ મકાનની સ્થાપત્ય શૈલી આગવી હોવા સાથે સરળ તથા ઉપયોગી છે. અહીં ક્યાંય બનાવટ કે દંભ કે ગ્લેમર નથી. પોતાની સાદગી સાથે આ આવાસ અનેરી છાપ છોડી જાય છે. આ મકાનને સુંદર બનાવવા માટે કોઈ વધારાનો પ્રયત્ન નથી કરાયો. આની રચના જ જેમ છે તેમ પ્રમાણસર અને આકર્ષક લાગે છે. તેના દેખાવને મઠારવામાં, આજકાલ જે સ્થાપત્યકીય નખરા થાય છે, તે અહીં ક્યાંય નથી. એક રીતે જોતા આ એક ઈમાનદાર અને નિર્દોષ રચના છે. રસ્તા પર ચાલીને જતી કોઈપણ વ્યક્તિ આ મકાન જોવા ક્ષણભરતો રોકાઈ જ જાય છે, આ વાત જ આ રચનાની સફળતા વ્યક્ત કરે છે.
સામાન્ય માનવી માટે આ રચના નવી જ પ્રેરણા લઈને આવે છે. સાથે સાથે આ મકાન વ્યવસાયિક સ્થપતિઓને જરૂરી પડકાર ઝીલવા તૈયાર કરે છે. આ મકાનથી સમાજ પણ એક જુદા જ પ્રકારની સ્થાપત્ય-પરિસ્થિતિ માટે તૈયાર થતો જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…