Uncategorized

શરદ પવારની રાષ્ટ્રવાદીને મુંબઈમાં મોટો ફટકો મુંબઈ અધ્યક્ષની છેલ્લી ઘડીએ ભાજપમાં એન્ટ્રી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઘાટકોપરમાં છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલી ચર્ચા મુજબ છેવટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર) ગ્રૂપના મુંબઈ અધ્યક્ષ રાખી જાધવે સોમવારે પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અપેક્ષા મુજબ જ ભાજપ તરફથી તેમને વોર્ડ નંબર ૧૩૧ માટે ઉમેદવારી પણ આપવામાં આવી હતી.

ઉમેદવારી દાખલ કરવામાં માંડ બે દિવસ રહ્યા હોઈ છેલ્લી ઘડીએ રાખી જાધવે પક્ષ પલટો કરતા શરદ પવારની એનસીપીને મોટો ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે. જોકે ઘાટકોપરમાં રાજકીય સ્તરે છેલ્લા અનેક દિવસોથી એવું ચર્ચાઈ રહ્યું હતું કે બેઠકોની વહેંચણીને લઈને તેઓ નારાજ હતા.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર) ઠાકરે બંધુ સાથે યુતિ કરે તો આ બેઠક તેમના હાથમાંથી નીકળી જવાની શકયતા છે. તેથી તેઓએ પક્ષના અગ્રણી સાથે ચર્ચા પણ કરી હતી અને એ બાદ તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને એવું ચર્ચાઈ રહ્યું હતું કે તેમની મરજી વિરુદ્ધ નિર્ણય થયો તો તેઓ પક્ષને અલવિદા કરી દેશે.

આ પણ વાંચો…‘ઘડિયાળ’ અને ‘તુતારી’ એક થયા: મ્યુનિસિપલ ચૂંટણી અજિત પવાર અને શરદ પવાર સાથે આવ્યા

ભાજપે તકનો લાભ લઈને તેમને પક્ષમાં આમંત્રણ આપ્યું હોવાનું માનવામાં આવે છે અને તેઓએ છેવટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસને છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. રાષ્ટ્રવાદી કૉંગ્રેસને આ બીજો મોટો ફટકો માનવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રવાદીના પુણે શહેરના અધ્યક્ષે પણ પક્ષ પલટો કરીને કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. એ બાદ સોમવારે રાખી જાધવે પક્ષ છોડયો હતો.

અવિભાજિત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ હતી ત્યારે તત્કાલીન અધ્યક્ષ નવાબ મલિકની ધરપકડ થયા બાદ મુંબઈ અધ્યક્ષપદનું રાજીનામું આપ્યું હતું. એ બાદ રાખી જાધવને મુંબઈ અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પડયા બાદ પણ રાખી જાધવ શરદ પવાર સાથે જ રહ્યા હતા.

રાખી જાધવે સવારે રાષ્ટ્રવાદીને અલવિદા કહીને ભાજપમાં પ્રવેશ કર્યો એ સાથે જ ભાજપ તરફથી તેમને વોર્ડ નંબર ૧૩૧ માટે ઉમેદવારી પણ આપવામાં આવી હતી. આ વોર્ડ આ વખતે મહિલા જનરલ શ્રેણી માટે અનામત થઈ ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી જ આ બેઠક પરથી ભાજપના ભાલચંદ્ર શિરસાટને હરાવીને ચૂંટણી જીત્યા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button