રાજસ્થાન સપડાયું આ સંકટમાં, આરબીઆઈએ આપી દીધી આ ચેતવણી
જયપુર: રાજસ્થાન નાણાકીય કટોકટીમાં સપડાયું હોવાની વાત નવી રહી નથી, પરંતુ હવે આ મુદ્દે કેન્દ્રીય બેંક પણ ચેતવણી આપી દીધી છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઇ)એ રાજસ્થાનના નાણા વિભાગને એક પત્ર લખીને ચેતવણી આપી કે જો આ જ રીતે રાજ્ય સરકાર દ્વારા લોનની રકમમાં વધારો થશે તો રાજ્ય સરકારની સામે નાણાકીય દેવું વધતા મોટું આર્થિક જોખમ ઊભું થશે.
આરબીઆઇ દ્વારા રાજસ્થાનને નાણાકીય રકમનું ઋણ લેવાનું પ્રમાણ ઓછું કરવાનું જણાવ્યું હતું અને રાજ્યમાં લોનની રકમ આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાથી બહાર જાય નહીં એ બાબતનું ધ્યાન રાખવાનો આદેશ આરબીઆઇએ રાજસ્થાનના નાણા વિભાગને આપ્યો હતો.
સાતમી ડિસેમ્બરે રાજસ્થાનના નાણા વિભાગને પત્ર લખી નક્કી કરેલી મર્યાદાથી વધુ લોન નહીં લેવા બાબતે ચેતવણી આપી હતી. નાણાકીય વર્ષ 2022-23 અને 23-24ના ત્રિમાસિકગાળામાં રાજસ્થાનને લોન લેવા અંગે એક મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પણ રાજસ્થાનના નાણા વિભાગના અધિકારીઓએ આરબીઆઇની ગાઈડલાઇનને ભૂલીને લોનની રકમ લીધી હતી.
તમને જણાવી દઈએ કે દર વર્ષે આરબીઆઇ દ્વારા દેશના દરેક રાજ્યોને ત્રિમાસિક લોન લેવા અંગે એક મર્યાદા નક્કી કરે છે, પણ રાજસ્થાનને આપવામાં આવેલી ત્રિમાસિકગાળામાં લોન રકમની મર્યાદાને વટાવી દીધી છે. જો કોઈ પણ રાજ્ય તેને આપવામાં આવેલી આ મર્યાદાને વટાવી લે તો લેવામાં આવેલા દેવાનું વ્યાજ વધતાં તે રાજ્યો માટે આર્થિક સમસ્યા ઊભું થઈ શકે છે.
દા.ત. જો રાજસ્થાનને ડિસેમ્બર 2023 સુધી 40,000 કરોડ રૂપિયા લોનની લિમિટ આપવામાં આવી હતી, પણ તે ચાળીસને બદલે 45,000 કરોડની લોન ઉપાડે તો તેને લીધે નવી સરકાર દ્વારા આ રકમ ન વપરાતા રાજ્યએ લીધેલી આ રકમની સાથે સાથે તેનું વ્યાજ પણ ચૂકવતા રાજ્ય પર આર્થિક જોખમ આવવાની શક્યતાઓમાં વધારો થઈ શકે છે.