સગર્ભા મહિલાનું મૃત્યુ: તપાસ સમિતિના અહેવાલમાં પુણેની હોસ્પિટલે અગાઉ ચુકવણીની માગણી કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યાનું તારણ

પુણે: પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ન ભરવા માટે દાખલ કરવાનો ઇનકાર કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુની તપાસ કરી રહેલી સમિતિના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા ચેરિટેબલ હોસ્પિટલોને કટોકટીના કેસોમાં અગાઉ ચુકવણીની માગણી કરવાથી પ્રતિબંધિત કરનારા ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જોઈન્ટ ડિરેક્ટર ડો. રાધાકિશન પવારની આગેવાની હેઠળની ચાર સભ્યોની સમિતિએ સોમવારે પુણે પોલીસને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના અંગત સચિવેની પત્ની તનિષા ભીસેને 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ન ચૂકવવા બદલ સૌપ્રથમ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જોડિયા પુત્રીઓને જન્મ આપ્યા બાદ તેનું અન્ય હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
રાજ્ય સરકારે ગયા અઠવાડિયે રાજ્ય આરોગ્ય વિભાગના જોઈન્ટ ડિરેક્ટર હેઠળની સમિતિને આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.
સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે, ‘બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટના અસરકારક અમલ માટે ચેરિટેબલ હોસ્પિટલો દ્વારા અનુસરવામાં આવતી યોજના મુજબ, કટોકટીની સ્થિતિમાં તેઓએ દર્દીને તાત્કાલિક દાખલ કરી લેવો જોઈએ અને સ્થિરતા સુધી જીવન બચાવનાર કટોકટી સારવાર માટે આવશ્યક તબીબી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.’
તેમાં એવો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ચેરિટેબલ હોસ્પિટલે કટોકટીની સ્થિતિમાં દર્દીને દાખલ કરવાના કિસ્સામાં ડિપોઝિટ માગવી જોઈએ નહીં.
રિપોર્ટમાં જણાવાયું છે કે દીનાનાથ મંગેશકર હોસ્પિટલે આ ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે અને ચેરિટી કમિશનરને પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
તેમાં નોંધવામાં આવ્યું છે કે હોસ્પિટલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે દર્દી જે સાડા પાંચ કલાકથી તેમના પરિસરમાં હતો તે મેનેજમેન્ટને જાણ કર્યા વિના જતો રહ્યો હતો.
‘જોકે, મહારાષ્ટ્ર નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ મુજબ હોસ્પિટલ માટે દર્દીની નાણાકીય ક્ષમતા વિશે વિચાર્યા વિના ‘ગોલ્ડન અવર્સ ટ્રીટમેન્ટ’ પૂરી પાડવી હિતાવહ છે. હોસ્પિટલ માટે દર્દીને વધુ સારવાર માટે રેફર કરેલી હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવી પણ હિતાવહ છે. જોકે, ઉપરોક્ત ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે,’ એમ પેનલે રિપોર્ટમાં નોંધ્યું છે.
દરમિયાન, મહારાષ્ટ્ર મહિલા આયોગના વડા રૂપાલી ચાકણકરે જણાવ્યું હતું કે રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે હોસ્પિટલ ભૂલમાં હતી અને તેણે નિયમોનું પાલન કર્યું ન હતું.
પુણે પોલીસ કમિશનરેટ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે કહ્યું હતું કે, ‘બે વધુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એક માતૃત્વ મૃત્યુ તપાસ અહેવાલ છે અને બીજો ચેરિટી કમિશનરની ઓફિસનો અહેવાલ છે. આ અહેવાલો સબમિટ થયા પછી, હોસ્પિટલ સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.’
ચાકણકરે કહ્યું હતું કે, તેઓ મૃત મહિલાના પરિવારને મળ્યા હતા, અને તેઓએ તેમને એક પત્ર સોંપ્યો હતો, જેમાં દર્દી વિશેની ગુપ્ત માહિતી જાહેર કરવા બદલ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.
‘પરિવારે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલે તેના આંતરિક અહેવાલમાં દર્દી વિશેની માહિતી જાહેર કરી હતી અને તેને પ્રસિદ્ધ કરી હતી અને તેને માટે કાર્યવાહી થવી જોઈએ,’ એમ તેમણે જણાવ્યું હતું.
પુણેના ગાયનેકોલોજિસ્ટે રાજીનામું આપ્યું
10 લાખ રૂપિયાની ડિપોઝિટ ન ચૂકવવાને કારણે ગર્ભવતી મહિલાના મૃત્યુના કારણે ટીકાનો સામનો કરી રહેલી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલના એક ક્ધસલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટે રાજીનામું આપી દીધું છે, એમ હોસ્પિટલે સોમવારે જણાવ્યું હતું.
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. ધનંજય કેલકરે જણાવ્યું હતું કે, ક્ધસલ્ટિંગ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટે રાજીનામું આપવાના કારણો તરીકે તીવ્ર જાહેર ગુસ્સો, સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા અને ધમકીભર્યા કોલનો ઉલ્લેખ કર્યો છે.
મૃત મહિલાના પરિવારના સભ્યોએ ડો. ઘૈસાસ પર પ્રવેશ પહેલાં ડિપોઝિટ માગવાનો આરોપ લગાવ્યો છે. ડો. કેલકરે જણાવ્યું હતું કે, ‘પોતાના રાજીનામા પત્રમાં ડો. ઘૈસાસે જણાવ્યું હતું કે જાહેર આક્રોશ, ટીકા અને ધમકીઓને કારણે તેઓ ભારે માનસિક દબાણ હેઠળ છે. તેમને ડર છે કે આનાથી અન્ય દર્દીઓની સારવાર કરવાની તેમની ક્ષમતા પર અસર પડશે અને તેમના પરિવારની સલામતી પણ જોખમાઈ શકે છે. તેમના કામ સાથે અન્યાય ન થાય તે માટે, તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’ હોસ્પિટલ વહીવટીતંત્રે રાજીનામું તેના ટ્રસ્ટીઓને મોકલી આપ્યું છે અને એવી અપેક્ષા છે કે તે સ્વીકારવામાં આવશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ડો. ઘૈસાસ ગુરુવાર સુધી તેમની પૂર્વ નિર્ધારિત સર્જરી અને કામ પૂર્ણ કરશે.
આ ઘટના પર વધતા ગુસ્સા વચ્ચે, ભાજપના મહિલા પાંખના સભ્યોએ ગયા અઠવાડિયે કોથરુડમાં ડો. ઘૈસાસની માતા દ્વારા સંચાલિત ક્લિનિકમાં ઘૂસીને મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે, એમ પોલીસે જણાવ્યું હતું.