ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંના રિહર્સલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યું પાકિસ્તાન
કિવીઓના છેલ્લી છ ઓવરના 98 રન યજમાન ટીમને છેવટે ભારે પડ્યા
!["Glenn Phillips celebrating his 72-ball century during New Zealand vs Pakistan T20 match."](/wp-content/uploads/2025/02/phillips-century-nz-vs-pakistan-t20.webp)
લાહોર: આગામી 19મી ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉની રિહર્સલ સમાન મૅચમાં શનિવારે લાહોરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનનો 78 રનના મોટા માર્જિનથી ઘોર પરાજય થયો હતો.
આ ટ્રાયેન્ગ્યુલર મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ગ્લેન ફિલિપ્સ (106 અણનમ, 74 બૉલ, સાત સિક્સર, છ ફોર) તથા ડેરિલ મિચલ (81 રન, 84 બૉલ, ચાર સિક્સર, બૅ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં છ વિકેટે 330 રન બનાવ્યા હતા. એમાં કેન વિલિયમસનનું 58 રનનું તેમ જ માઈકલ બ્રેસવેલનું 31 રનનું યોગદાન પણ હતું.
ફિલિપ્સે માત્ર 72 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. વન-ડેમાં તેની આ પહેલી જ સેન્ચુરી હતી. ન્યૂ ઝીલૅન્ડની છેલ્લી છ ઓવરમાં 98 બન્યા હતા જે પાકિસ્તાનને છેવટે ભારે પડ્યા હતા.
પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદીને 88 રનના ખર્ચે ત્રણ વિકેટ મળી હતી. સ્પિનર અબ્રાર અહમદને 41 રનમાં બે વિકેટ મળી હતી. પાકિસ્તાનની ટીમ જવાબમાં 47.5 ઓવરમાં 252 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. એમાં એકમાત્ર હાફ સેન્ચુરી હતી જે છેક 15 મહિને વન-ડે ટીમમાં કમબૅક કરનાર ઓપનર ફખર ઝમાને (84 રન, 69 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) નોંધાવી હતી. 24મી ઓવરમાં 119 રનના કુલ સ્કોર પર તેની વિકેટ પડી ત્યાર પછી પાકિસ્તાને મૅચ પરથી પકડ ગુમાવી હતી. ગ્લેન ફિલિપ્સે ઝમાનને એલબીડબ્લ્યૂ કર્યો હતો.
Also read: ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
મિડલ ઓર્ડરના બૅટર સલમાન આગાએ 40 બનાવ્યા હતા, પરંતુ તે પાકિસ્તાનને જિતાડી નહોતો શક્યો. ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ત્રણ અને કેપ્ટન-સ્પિનર મિચલ સૅન્ટનરે ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ બ્રેસવેલે અને એક વિકેટ ફિલિપ્સે મેળવી હતી. વિલ ઑરુરકેને 46 રનમાં અને ફીલ્ડિંગ દરમ્યાન ઈજા પામેલા સ્પિનર રાચિન રવીન્દ્રને 14 રનમાં એકેય વિકેટ નહોતી મળી. ઝમાનની મહત્ત્વની વિકેટ ફિલિપ્સે લીધી હતી અને ફક્ત 10 રન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમનો કૅચ પણ ફિલિપ્સે જ ઝીલ્યો હતો. ફિલિપ્સને આ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
આ ટ્રાયેન્ગ્યૂલર સિરીઝ છે જેમાં હવે સોમવારે ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. બુધવારે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા રમશે અને આ ત્રણમાંથી જે બે ટીમના પોઇન્ટ સૌથી વધુ હશે એ ફાઇનલમાં ટકરાશે.