પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં હવાઈ દળના સૈનિકોનો ઍર શો!

કરાચીઃ આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ પહેલાં કે બીજી મોટી ક્રિકેટ-ઇવેન્ટ પહેલાં ઓપનિંગમાં સામાન્ય રીતે ગાયકો કે અભિનેતા-અભિનેત્રીઓ તેમ જ ડાન્સર્સના સ્ટેજ પર્ફોર્મન્સ સાથે ભરપૂર રંગારંગ અને મનોરંજક કાર્યક્રમો યોજાતા હોય છે, પણ ઘેરી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને નવાઈ પમાડનારો નિર્ણય લીધો છે. 19મીએ પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે અને એ પહેલાં ઓપનિંગ સેરેમનીના ભાગરૂપે પાકિસ્તાન ઍર ફોર્સ (પીએએફ)નો રોમાંચક ઍર શો રાખવાનું નક્કી કરાયું છે.
આ હૈરતઅંગેજ પ્રદર્શનમાં પાકિસ્તાનના હવાઈ દળના સૈનિકો તેમ જ બીજા પર્ફોર્મ્સ પોતાની કાબેલિયત અને તાકાતનું પ્રદર્શન કરશે. આ ઍર શો ભારતને કે બીજા કોઈ દેશને દેખાડવા માટે કરાશે કે નહીં એ તો ચર્ચાનો વિષય છે, પણ પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય બધાને આશ્ચર્યમાં મૂકી દેનારો તો છે જ. કારણ એ છે કે ક્રિકેટની ટૂર્નામેન્ટ પહેલાં હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોના મનોરંજન કરવાને બદલે પાકિસ્તાનના અત્યાધુનિક ફાઇટર જેટ (જેએફ-17 થન્ડર, એફ-16)નું શ્વાસ થંભાવી દેનારા આ ઍર-શોમાં પ્રદર્શન થવાનું છે.
Also read:ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…
જોકે અન્ય એક અહેવાલ મુજબ અફવા એવી પણ છે કે દેશના જાણીતા સ્ટેજ અને ફિલ્મ કલાકારોના પર્ફોર્મન્સથી પ્રેક્ષકો-દર્શકોને આશ્ચર્યમાં મૂકી દેવામાં આવશે. એ પર્ફોર્મ કરનારાઓમાં અલી ઝફર, એઇમા બેગ તથા આરિફ લોહરનો સમાવેશ હશે. આ ઓપનિંગ કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં થશે. 19મી ફેબ્રુઆરીએ પ્રથમ મૅચ પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આ જ સ્થળે રમાવાની છે.