Uncategorized

સહઅસ્તિત્વથી એક ડગલું આગળ વધતી જાનવરોની જુગલજોડીઓ

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

જુગલજોડીની વાત આવે એટલે આપણને મોટેભાગે રોમિયો અને જુલિયટ, લૈલા મજાનૂ, શિરી ફરહાદ અને એવી કંઈ કેટલીય જોડીઓ યાદ આવી જાય, પરંતુ એ સિવાયની મિત્રતાની સીમાસ્તંભ કહી શકાય એવી થોડી જોડીઓ ગુજરાતની લોકકથાઓમાં પણ વણાયેલી છે. શેણી વિજાણંદ, જેસલ તોરલ… યાદી તો તેની પણ લાંબી બને, પરંતુ આજે નિનાદમાં જે વાત કરવાની છે તેનું લેખન કરતાં વખતે મને વર્ષો પૂર્વે એક ફિલ્મ આવેલી “ધરમવીર”, તેનું ગીત યાદ આવી રહ્યું છે… “સાત અજુબે ઇસ દુનિયામે, આઠવી આપની જોડી…” આ ફિલ્મમાં ગરીબ ધર્મેન્દ્ર અને રાજકુંવર જિતેન્દ્રની દોસ્તીની દાસ્તાન છે.
આજે આપણે કુદરતની આવી અજીબોગરીબ દોસ્તીના વિસ્મયકારક નમૂનાઓ અંગે જાણીશું.
વૈજ્ઞાનિકો જેને સિમબાયોસિસ કહે છે, જેના માટે ગુજરાતી શબ્દ આમ તો સહજીવન છે જ, પરંતુ સિમબાયોસિસ એ એક એવી અનોખી ઘટના છે જે માત્ર સહજીવન ન બની રહેતાં તેનાથી પણ આગળ વધે છે.
સહજીવનનું ગુજરાતીઓ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સિંહો. વિશ્વમાં માત્ર બે સ્થળો પર જ સિંહો જોવા મળે છે, આફ્રિકા અને ગુજરાતમાં સાસણ. આપણા ગુજરાતી સિંહો માનવ સાથે સહજીવન મુદ્દે અલગ પડે છે. ભારતના સિંહો સદીઓથી ગીરના જંગલોમાં માલધારીઓ સાથે જે રીતે સહજતાથી વસી, વિકસી અને વિસ્તરી રહ્યા છે તે સહજીવનનું જ એક ઉદાહરણ છે, પરંતુ આપણે આજે એવા પ્રાણીપંખીઓના સહજીવનના ઉદાહરણો જોઈશું જેમાં આ પ્રાણીઓ માત્ર એકબીજાની સાથે સૌહાર્દપુર્ણ જીવન જીવે છે એટલું જ નહીં, પરંતુ પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે પણ એકબીજા પર નિર્ભર રહે છે અથવા તો સહયોગ સાધે છે.
ભારત અને ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળતું એક દૃશ્ય આ સહજીવનનું પ્રથમ ઉદાહરણ છે. ગામડાઓમાં ખેતરોના શેઢે, ચરિયાણોમાં તમે લીલું ઘાંસ ચરી રહેલી ભેંસ અને બગલાની જોડી જોઈ જ હશે. તમે કહેશો કે ભાઈ આમાં નવું શું છે? કારણ કે આ વાત તો આખી દુનિયા જાણે છે કે ભેંસ ચરતી હોય ત્યારે ઘાંસમાંથી ઊડતી જીવાત એ બગલાને મળી રહેતી રામરોટી છે! પણ એ તો એકપક્ષીય વ્યવહાર થયો ને ? ભેંસ કહેશે કે ઇસ મે મેરા કયા ફાયદા? પણ હા દોસ્તો આપણા બગલાભાઈ ભેંસની પીઠ પર સવારી કરતાં સૌએ જોયા જ હશે ને? તો એ કંઇ ફન-રાઈડ નથી હોતી, બગલો ભેંસની પીઠ પરથી જાતભાતના કીડા અને તેનું લોહી ચૂસતા પરજીવીઓને ઓહિયા કરી જઈને તેને બચાવે છે!
આવું ને આવું એક ઉદાહરણ આપણને આફ્રિકાથી મળે છે. આફ્રિકાનું નામ આવે અને આફ્રિકન ડાલમથ્થો યાદ આવે, પરંતુ આજે આપણે તેની નહીં, પરંતુ તેના મુખ્ય શિકાર ઝિબ્રા અને શાહમૃગના સહજીવનની વાત કરવાની છે. આ બન્ને જીવો આફ્રિકન જંગલોમાં વસતા શિકારી પ્રાણીઓના શિકાર છે. બન્નેની દોડવાની ઝડપ સારી હોય છે, પરંતુ બન્નેએ જીવ બચાવવા માટે ખૂબ સાવચેત પણ રહેવું પડે છે. હવે ખાટલે મોટી ખોટ એ છે કે ઝિબ્રાની દૃષ્ટિ ખૂબ તેજ હોય છે, પરંતુ તેની સૂંઘવાની શક્તિ નબળી હોય છે. તો સામે પક્ષે શાહમૃગની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે, પરંતુ દૃષ્ટિ નબળી હોય છે. તેથી આ બન્ને પ્રાણીઓએ એક એમ. ઓ. યુ. કર્યું છે, જેમાં ઝિબ્રાને જો શિકારી દેખાઈ જાય તો તે શાહમૃગને ચેતવી દે છે અને સામે પક્ષે શાહમૃગને જો શિકારીઓની ગંધ આવી જાય તો તે ઝિબ્રાને ચેતવી દે છે!
દક્ષિણ અમેરિકાના કોલમ્બિયામાં આવી એક અજીબોગરીબ સહોપસ્થિતિ જોવા મળે છે. ત્યાંનાં ગાઢ જંગલોમાં બે અનોખા જીવો છે. એક છે કોલમ્બિયન લેસરબેક તરંતુલા એટલે કે ભયંકર ઝેરી કહી શકાય એવો મોટો દૈત જેવો કરોળિયો અને બીજો છે હમીંગ ફ્રોગ એટલે કે મોટેથી ગુંજારવ કરતો દેડકો. કોલમ્બિયાના ચોક્કસ વિસ્તારોમાં આ બન્ને એક જ પર્યાવાસમાં જોવા મળે છે એટલું જ નહીં, પરંતુ એક જ દરમાં બન્ને વિરલાઓ સાથે રહે છે. તરંતુલાના શિકારમાં દેડકાઓ પણ હોય છે, પરંતુ આ બન્ને જાતિઓએ પરસ્પરની જરૂરિયાતોને આધારે એક જ રહેઠાણમાં રહેવાનું અનુકૂલન સાધી લીધું છે. તરંતુલા જે શિકાર કરીને ખાય તેમાંથી વધ્યુંઘટ્યું ભોજન આપણાં હમીંગ ફ્રોગભાઈ ખાઈ જાય છે. વધુમાં દેડકાના શિકારીઓથી કરોળિયો તેને બચાવી લે છે, અને સામે પક્ષે કરોળિયાના ઈંડાને ખાતી કિડીઓને આપણા દેડકાભાઈ ખાઈ જાય છે.
એક આવા પ્રકારનું પરસ્પરનું અવલંબન પાણીની અંદર પણ જોવા મળ્યું છે. દરિયામાં વસતાં પિસ્તોલ શ્રીમ્પ અને ગોબી નામની માછલી એકબીજાને બચાવ માટે મદદરૂપ થાય છે. પિસ્તોલ શ્રીમ્પની ખાસીયત એ છે કે તે પોતાના પંજાથી બંદૂકની ગોળી જેટલી તાકાતથી પાણીનો જેટ છોડી શકે છે, પરંતુ તેની દૃષ્ટિ નબળી હોય છે, જ્યારે ગોબી માછલીની આંખો ખૂબ જ સતેજ હોય છે. આથી આ બન્ને જણા એવી લુચ્ચાઈ કરે જે આપણને આશ્ચર્યજનક લાગે. ઝાંખું દેખતા શ્રીમ્પ ઉર્ફ ઝીંગાભાઈના મૂછો જેવા તાંતણા ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલે આપણાં ગોબીબેન સતત તેની સાથે એવી રીતે રહે કે જેથી તેની પૂંછડી ઝીંગાભાઈની મૂછોને અડકેલી રહે. ગોબીને ખતરાનો સહેજ પણ અણસાર મળે કે તે પોતાની પૂંછડીથી ઝીંગાને ચેતવી દે અને ઝીંગાભાઈ પોતાના સુપર પાવર જેવી પાણીની જેટગનથી શિકારી પર હુમલો કરી દે અને આમ તેમનો બચાવ થઈ જાય!
આવા અનેક ઉદાહરણો હશે, અને તેને જાણીએ ત્યારે જ જીવનની આ સૂક્ષ્મ જટિલતા સમજાય પણ ખરી અને મૂંઝવે પણ ખરી. પ્રકૃતિમાં સહઅસ્તિત્વ અને પરસ્પરનું અવલંબન જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું માનવ માટે મનોવૈજ્ઞાનિક રીતે છે. જાણીતા મનોવૈજ્ઞાનિક એરિક એરિકસન કહે છે કે “પરસ્પર અવલંબનના અભાવમાં જીવન નિરર્થક છે. માનવને એકબીજાની જરૂર છે, અને જેટલી જલદી આપણને સમજાશે એટલું જ આપણા ફાયદામાં છે.” પ્રાણીઓ તો સમજી ગયા છે… આપણે? ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…